સંભારણાં (૮)...
આપણો કવિતાવારસો - રામનારાયણ વિ.પાઠક ‘શેષ’
તા.૨૩-૪-૧૯૯૬
પઠન અને વક્તવ્ય: નિરંજન ભગત, લાભશંકર ઠાકર.
- રૂપલ મહેતા, અમદાવાદ.
આપણો કવિતાવારસો - રામનારાયણ વિ.પાઠક ‘શેષ’, તા.૨૩-૪-૧૯૯૬
પઠન અને વક્તવ્ય: નિરંજન ભગત, લાભશંકર ઠાકર.
‘પરબ’ના આર્કાઈવ્ઝની વ્યવસ્થા કરવા માટે ડિજિટલ યાદી તૈયાર કરી રહી હતી, ત્યારે જુલાઈ-૧૯૯૬ના પરબમાંથી એક ડિજિટલ પાનું જાણે છૂટું પડી અને મારી સામે આવ્યું! આ પાના પર એક પત્ર હતો, જેણે મારી કુતૂહુલવૃત્તિ સચેત કરી દીધી.
પાનાનું શીર્ષક હતું, ‘પત્રચર્ચા’:
તંત્રીશ્રી: “ગુજરાતી સાહિત્ય પરિષદે ‘આપણો કવિતાવરસો’ કાર્યક્રમ તળે ગુજરાતી સાહિત્યના અર્વાચીનયુગના દિવંગત મૂર્ધન્ય કવિઓની કાવ્યરચનાઓનું પઠન, એમના જીવનકવન વિશેના પરિચય-આસ્વાદ-મૂલક વક્તવ્ય શ્રી નિરંજન ભગત અને શ્રી લાભશંકર ઠાકર તેમજ અન્ય સાહિત્યરસિકો દ્વારા થાય એવું આયોજન કર્યું છે. તે અંતર્ગત તા.૨૩-૪-૯૬ ના કાર્યક્રમ દરમ્યાન સદગત કવિ રામનારાયણ વિ.પાઠક ‘શેષ’ની વિશિષ્ટ કાવ્યકૃતિઓનું પઠન અને વક્તવ્ય યોજાયાં હતાં. નીચે છપાયેલા પત્રના લેખક શ્રી કાન્તિભાઈ પંડયાએ કાવ્યપઠનના કાર્યક્રમના શ્રોતા તરીકે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે એમાં, કાવ્યપઠન દરમિયાન એમની ઝીણી નજર અને સરવા કાને શું શું ઝિલાયું છે તેનો રસિક આલેખ છે. એક સાહિત્યપ્રેમી જીવ ઉત્કર્ણ થઈને કવિ અને કવિતાને માણે અને એ માણ્યાનું લિજ્જતથી સ્મરણ કરે તો એની સર્જકતા પણ કેવી સળવળી ઊઠે, એનું આ પત્ર જીવંત દૃષ્ટાંત છે. લેખકે પોતાના નામ સિવાય કશી વિગત – ઓળખ પ્રગટ કરી નથી. આ સ્થિતિમાં એમની આ આનંદવાર્તા ‘પરબ’ દ્વારા સૌ સુધી પહોંચાડવાનું ઇષ્ટ ગણ્યું છે.”
તંત્રીશ્રીની નોંધથી મારી કુતૂહુલવૃત્તિ જાગ્રત થઈ ગઈ, અને તે પછીના ફકરામાં પત્ર હતો, તે તો જાણે ‘live commentary’ જેવો લાગ્યો! પત્ર વાંચીને મેં આ વક્તવ્યની ઓડિયો માટે ખૂણેખાંચરે ખાંખાંખોળા શરૂ કર્યાં. વળી, રામનારાયણ વિ. પાઠક, નિરંજન ભગત અને લાભશંકર ઠાકર – એટલે સિતાંશુભાઈ કહે છે એમ “ત્રિવેણી સંગમ!” આ બધાંને લીધે આ સંભારણું આપ સૌ સમક્ષ મૂકવાનું યોગ્ય લાગ્યું.
પત્ર: તા.૧૫-૫-૯૬. લખનાર: કાન્તિભાઈ પંડયા.
“પ્રિય ભોળાભાઈ,
બાકી મજા પડી ગઈ છે હોં. ઘણા સમયે પરિષદે કરવા જેવું કામ કર્યું છે. આવા કાર્યક્રમો ક્યાં થાય છે? આવા એટલે આટલા મઝાના. ભાઈશ્રી નિરંજન અને લાભશંકરને મારાં હાર્દિક અભિનંદન. અને એમને પણ, જેમના ફળદ્રુપ દિમાગે આ કાર્યક્રમની કલ્પના કરી. આપણે ત્યાં લાંબાચોડાં ભાષણો ઠોકવાની ફેશન થઈ ગઈ છે. વળી, પાછાં એ લાંબાલચ ભાષણો એની ટેકનિકલ ભાષા(એને તમે બધા શું કહો છો? પારિભાષિક શબ્દાવલી જ ને? જોકે હું તો એને ગૂંચવી દેતી માયાજાળ જ ગણું છું)ને લીધે વળી વધુ કંટાળો આપે.
“લાંબું તો જોકે આમાં નિરંજને ય બોલે છે પણ તોય હું તો આફ્રિન આફ્રિન છું એમના લગાવ ને ચીવટ માટે! ‘હુન્નરખાનની ચઢાઈ’ની વાત કરતી વખતે તે કેવા અભણ અંગ્રેજો, હૉલેન્ડના વણકારો ને ઊનના ઉત્પાદનની વાતે વળી ગયા હતા? કવિતાની વાત કરતાં કરતાં આ માણસ ક્યાંનો ક્યાં લટાર મારી આવે છે? કેટલું બધું વાંચ્યું-વિચાર્યું હશે? ને પાછું જ્યારે, જે ખાનું જ્યારે ખોલવું હોય એ ત્યારે જ ખૂલે. અરે, કવિ ને કવિતા વિષે વાત કરતી વખતે પોતાની ખુરશીની સામે બેઠેલા શ્રોતાઓની વચ્ચે આઘાપાછા થતાં (વાઘ જેવા?) નિરંજન જ્યારે કોઈ એકાદ શ્રોતાની સામે સાવ નજીક જઈને, પહેલી આંગળી એની સામે તાકીને, આંખમાં આંખ પરોવીને, પોતે પૂછેલો પ્રશ્ન કે કરેલું સ્ટેટમેન્ટ રિપિટ કરે છે, ત્યારે એક સાવ જુદો જ અનુભવ થાય છે. એ માણસને કવિતા ને કવિના સમયની આબોહવાની વાત કરતાં કરતાં કેટલું બધું કહેવું છે?”
વધારે શા માટે કહેવું? વક્તવ્ય તો સાંભળીને માણવા જેવું હોય છે. તો ચાલો બેસી જઈએ આ સંભારણાં(૮)-રૂપી ‘ટાઈમ-મશીન’માં – અને પહોંચી જઈએ તા.૨૩-૪-૧૯૯૬ ને બરોબર સાંજના સાડા છ વાગ્યે, ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં...
સીધી લીન્ક: https://youtu.be/YnN8CJutJl0
- રૂપલ મહેતા.
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦.