૧.
સ્વતંત્રતા ?
હાઈકુ
- પાયલ ધોળકિયા
કોરોના કાળે
સ્વતંત્રતા દિવસે
સ્વતંત્ર છીએ?
- પાયલ ધોળકિયા
⇔
૩. સંભારણાં લૂંટી ગયાં
- સપન પાઠક
મારાપણું છોડી અમે મીરાંપણાં સુધી ગયા,
બસ એ પછી તો બંધ સઘળાં બારણાં ખૂલી ગયાં.
તાળું લટકતું જ્યારથી જોયું અમે તે દ્વાર પર,
એ શહેરના રસ્તા અને સૌ આંગણાં ભૂલી ગયાં.
જો કાગ બેઠા છાપરે તો આ દિલે ટહુકો થયો,
“એ આવશે નક્કી જ” મનમાં ધારણા મૂકી ગયા.
યાદો ઉપર તો ફક્ત મારો હક હતો ને તે છતાં,
બેદર્દ થઈને એ, બધાં સંભારણાં લૂંટી ગયાં.
હું ઠારવા જેને 'સપન' મથતો રહ્યો આખો દિવસ,
આવી એ શમણે, યાદના સૌ તાપણાં ફૂંકી ગયાં.
- સપન પાઠક
⇔
૨.
ક્લિન બોલ્ડ
- નિલેશ ગોહિલ
વેકેશનમાં ઘરે આયો તેરે મને ખબર પડી,
કે, મેદાનની પથારી ફેરવી સે
ઓલે રઘલે.
અમારા ક્રિકેટનાં મેદાનની તો મા આણી સે,
અમે જ્યાં રમતા તાં ન્યા કણે ખેડી નાખ્યું?
ને, માલિપ્પા ગૂડી દીધો બાજરો
છેટેથી ભાળીન્ હું તો હેબતાય ગ્યો!
મરે! અમારા મેદાનનની આ દશા!?
ક્રિકેટ રમવાનો ઉમળકો ઠરીન્ ઠીકરું થૈ ગ્યો,
ઈ'ની ઈ'જ ઘડીએ હું તો ભાંગીન્ ભુક્કો જ થૈ ગ્યો,
આંખ્યમાંથી આહુડાની ધાર થાવું થાવું થૈ ગૈ,
ને, રોયા પગ નાન્યા એવા તે જડાય ગ્યા'તાં કે,
જધામણનાં એક ડગલું'ય ખહતાં નો'તાં,
હાવ ખીલ્લો જ થૈ ગ્યા કજાતના હાળા,
કો'ક વાંભ વાંભના ખીલ્લાં ધરબી ગ્યું હોય જાણે પગમાં!
તોય હું તો જિમ તિમ કરીન વાડ પાંહે પૂગ્યો,
પાંહે પૂગીન્ જોયું તાં-
બાઉન્ટ્રીના ઠેકાણે ઊભી'તી હાથલિયાં થોરની વાડ
ને, આખાય મેદાનમાં બાજરો ફિલ્ડિંગ ભરતો'તો
ને, બરોબર મેદાનની વચાળે ઓડું ઊભું'તું અમ્પાયરની ધોય્ડે
એક હાથ અધ્ધર કરીન્
જાણે મને કે'તું ન હોય કે,
ક્લિન બોલ્ડ.....
- નિલેશ ગોહિલ
ગામ : હાથસણી, તા: વિંછીયા,
જીલ્લો : રાજકોટ – ૩૬૦૦૫૫
⇔
૪. ટળવળ હતી
- અર્પણ ક્રિસ્ટી
કેટલી નાહક બધી ટળવળ હતી,
આપણું હોવું જ તો અટકળ હતી!
કોઈ પણ બાજુ રહું હારું જ હું,
જાત સામે જાતની ચળવળ હતી.
રોજ ભૂકંપો થયા, તેથી જ તો,
આ હથેળી ક્યાં કદી સમથળ હતી!
એટલો ઉપકાર આંસુનો રહ્યો,
જોઈ જ્યાં દુનિયા, બધે ઝળહળ હતી.
રણ સમું જીવન, છતાં જીવાઈ ગ્યું,
એક શ્રદ્ધા ભીતરે ખળખળ હતી.
ભૈ ખુશામત થાય મંજીરા થકી!
આપણે કાજે કલમ કરમળ હતી.
- ટળવળ = અસ્વસ્થ સ્થિતિ, વિહ્વળતા, બેચેની.
કરમળ = તલવાર
- અર્પણ ક્રિસ્ટી, અમદાવાદ.
⇔
૬. ઓગળતો જાવ છું હું
- સાટિયા નિલેશ -‘મન’
સમજણની કેડી પર ઓગળે ખાલીપોને એમાં ઓગળતો જાવ છું હું
ટહુકો દોરું તો સાંજ ઘેરાતી ફરતી ને ઘેરાઈને થઈ જાવ હું છું
એમાં ઓગળતો જાવ છું હું
જાગેલી પીડાને નામ દઈ શકવું કે અંદર ઘૂંટાતાં એ નામને
સ્મરણના કાફલાને મોકલી આપું જો લઈ ચાલે વાયરો તમામને
રોમ રોમ લાગી છે એટલી બળતરા આખા અંગને દઝાડે જેમ લૂ
સમજણની કેડી પર આગળે ખાલીપો..............
વનરા રે વનમાં મનનાં દવને ક્યાં ક્યાં લગ હું ધરબીને રાખું
ક્યાં મારા ભાગ એવા ફૂટી નીકળ્યાં કે પીડાનાં બોર રાખી ચાખું
માળાના મણકામાં રાખી પરોવું તો મારા ભીતરના ખૂણામાં તું.
સમજણની કેડી પર ઓગળે ખાલીપો...........
- સાટિયા નિલેશ -‘મન’
⇔
૫. ગળે આવી ગયેલ શબ્દ
- દૃષ્ટિ સોની
મારાં ગળામાં અટકી ગયેલ એક શબ્દ,
મારાં ગળે આવી ગયેલ એક શબ્દ,
એ શબ્દ
એને જીભ સુધી લાવવાનાં પ્રયત્નોમાં
ફાંફા મારતાં મારતાં
મેં એ ક્ષણને ન જીવ્યા જેવી જીવી નાખી.
પણ તે છતાં;
એ ક્ષણે,
ગઈકાલને આટલી સુંદર બનાવી હતી.
મારી આજમાં પ્રસન્નતાનો શૃંગાર
પણ એ અરધીપરધી જોવાયેલી ક્ષણ કરે છે.
એ ક્ષણ જીવાતી હતી
ત્યારે તો આટલી સુખી નહોતી લાગી!
એ ક્ષણથી વધુ આનંદમય આવનારી ક્ષણ આવશે,
એવો આભાસ સતત મનમાં હતો.
અને તારું મન આભાસમુક્ત છે,
એમાં માત્ર થોડાંક સ્વપ્ન છે ,
એની મને પણ જાણ છે.
તો કહે,
આવાં આભાસથી ભરાયેલું મારું મન
તારી સામે શી રીતે પ્રગટ કરું?
આવાં આભાસથી પોષાતો એ શબ્દ
મારી જીભ સુધી કેમ ન પહોંચ્યો?
એ જો પહોંચી ગયો હોત તો શું થયું હોત?
મારાં મનમાં પણ સ્વપ્નનો દીવો તું પેટાવી ગયો હોત?
કે એ આભાસની સાથે મારું મન પણ
છિન્ન ભિન્ન કરી ગયો હોત?
જે જીભ સુધી ન આવે,
મનમાં જ રમ્યા કરે એ શબ્દ,
શબ્દ છે પણ ખરો?
કે પરદા પાછળથી ડોકાતી કોઈ કામના છે?
એ કામના જેનાથી હું પરિચિત નથી
અને અપરિચિત પણ નથી.
તું પણ એનાથી અપરિચિત જ રહેશે?
કે તારા મનમાં પરદા પાછળ પણ,
આવું કશુંક; તારા સ્વપ્નો જેવું,
અને મારાં આભાસ જેવું કશુંક
ડોકાયા કરે છે?
લે, પીંખી લે મારા મનને
દબાવી દે ગળું
અને બહાર લાવ એ શબ્દને.
જો એનો અર્થ તારા મનમાં ઉઘડશે,
તો એ ઉઘાડમાં ઓગળી જશે મારાં આભાસ.
જો એનો અર્થ તારા મનમાં ઉઘડે તો,
એને સ્વપ્નોની જેમ જ શણગારજે તારા મનમાં.
- દૃષ્ટિ સોની
⇔
૭. પગરવ
- શૈલેશ રમેશભાઈ ગઢવી
કરું યત્ન સાંભળવા જો તારો પગરવ,
તરત ક્યાંક ખોવાય છે મારો પગરવ.
ચલો કાળજીથી પવન પાનખરમાં,
પરણ તૂટતા ખાય ખોંખારો પગરવ.
કઠણ પાંસળીઓ જ વૈભવ અમારો,
થતો અન્યથા કાળજે પારો પગરવ.
ચરણ જેમ પગલાય ભૂંસાઈ જાશે,
પછી સાવ થઈ જાશે નોંધારો પગરવ.
વિસામા વગરની ડગર સાંપડી છે,
ને લીલી તરસનો છે સધિયારો પગરવ.
- શૈલેશ રમેશભાઈ ગઢવી,
આંબાવાડી પ્લોટ, વડલીચોક,
મઘીમા મંદિર પાછળ, મેંદરડા 362260
જી- જૂનાગઢ
⇔
સૉનેટ:
૮. સમય તો થયો
(પૃથ્વી)
- સંધ્યા ભટ્ટ
સવાર ઊઘડી , ક્ષણિક તમ આ ગયું તો ખરું
બધું ગળી જતું કરાલ સૃપ શું ટળ્યું તો ખરું
ચલો સરસ આ પ્રભાત , શમણું ફળ્યું આખરે
બધી ય દિશથી છૂટ્યાં સકલ એ તૂટ્યાં બંધનો
ઘણા સમયથી નિરભ્ર નભ શું કશું સાંપડ્યું ?
વળી મધુર ને સદા વરસતું સ્મિતે ય ક્યાં મળ્યું ?
હવે હૃદયમાં ભરીશું નરવી હવા પ્રેમની
અને ગગનમાં ઊડીશું, મળશે ધુરા ક્ષેમની
પરંતુ સપનું મહામનુજે જોયું તે ક્યાં ફળ્યું ?
સમસ્ત જગને અલભ્ય પય તેં ધર્યું , તે ઢળ્યું
નદી રુધિરની વહી, બધિર કાં થયો દેશ આ ?
સવાલ તરતા રહ્યા , સરલ ના મળ્યા ઉત્તરો
બહુ રતનની ધરા ઉપર શું મળે એક કે ?
હવે સમય તો થયો ; પ્રગટ ના થતો તો ય તે !!
- સંધ્યા ભટ્ટ ( બારડોલી )
⇔