સહૃદય...
નોળવેલની મહેકના યુવાસ્વરનું એક જુદી દિશાનું પ્રયાણ ગઈ આવૃત્તિથી વાંચીએ છીએ, માણીએ છીએ.
યુવા સર્જકોની સર્જન,સર્જકતા અને સાહિત્યની આબોહવા વિશેની ઉત્સુકતા અને આપણાં સમકાલીન સર્જકોનો તેમની સાથેનો સંવાદ..... સરવાળે તો આવનારા ભવિષ્યને વધુ સંગીન બનાવશે તેવી શ્રદ્ધા સાથે ....
આ આવૃત્તિમાં યુવા સર્જકોના પ્રશ્નોના ઉત્તર આપનાર શ્રી પરેશ નાયક :
યુવા સર્જકોએ પૂછેલા પ્રશ્નો-ઉત્તર
- ઉત્તર આપનાર શ્રી પરેશ નાયક
(૧) એકથી વધુ માધ્યમ, એક થી વધુ કળા અને સમૂહ જેમાં સંડોવાય છે તેવા સાહિત્ય સ્વરૂપ નાટક તમે લખો છો ત્યારે તમે આ બધી (ઉપર દર્શાવેલી) બાબતોનું આકલન કઇ રીતે કરો છો?
આપણા શરીરમાં કેટલા બધા મહત્વના — Vital — તંત્રો એકીસાથે અને એકમેક સાથે સમન્વય સાધતા રહીને કાર્ય કરે છે? બરાબર એ જ રીતે નાટક લખનાર પાસે નાટ્યસ્વરૂપના તમામ અંગભૂત ઘટકતત્વો ઉપર એકસરખો કાબૂ હોય એ આવશ્યક છે. સર્જક માટે આ અપેક્ષાએ ખરા ઉતરવું ત્યારે સંભવે જ્યારે તેના સંવેદનતંત્રમાં નાટકનું વિષયવસ્તુ અત્યંત જીવંત અને ડાયનેમિક રૂપે સ્થપાયેલું હોય જેથી એ વિષયવસ્તુને ઉપસાવતા તમામ ભાવો નાટકના દ્રરશ્યોમાં સહજ જ પ્રગટી શકે.
આકલન એ સાચો શબ્દ છે. નાટ્યલેખકે વિવિધ સંવેદનોને રંગ—રૂપ—રસ—સ્વર—શબ્દ—ભાવ—અભિનય વગેરે અભિવ્યિકિતના વિવિધ તરીકાઓ થકી એકસાથે પ્રયોજવાના છે. એક સંગીતકાર લાઈવ ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરતો હોય છે બરોબર તે રીતે.
(૨) વાર્તા સર્જક પાસે શેની અપેક્ષા રાખે?
(3) વાર્તા સર્જકને કઈ બાબતથી દૂર રાખવા ઈચ્છે?
આ બન્ને પ્રશ્નો, પ્રશ્નોથી વિશેષ બે કલ્પનાઓ છે. વાર્તા કોણ છે? એ કોઈ એવી સ્વતંત્ર સત્તા કે Entity છે? ના. કલાસ્વરૂપો સર્જકની આવશ્યકતા અનુસાર ઘડાતા—બદલાતા રહે છે. એને લેખક ઉપર સર્વોપરી બનાવવાની જરૂર નથી. ગુજરાતી વાર્તામાં સ્વરૂપ અને વસ્તુ બેઉ સંદર્ભે અનેક પ્રયોગો થયા છે. બે ઉદાહરણો આપું. એક, રા.વિ.પાઠકની 'મહેફીલે—ફસાન—એ—ગયાન' શ્રેણિની વાર્તાઓ. બે—મધુ રાયની હરિયો પાત્ર આસપાસ રચાયેલી વાર્તાઓ અને હાર્મોનિકા તરીકે ઓળખાવાયેલી વાર્તાઓ.
વાર્તાનું સ્વરૂપ વાર્તાલેખકની અપેક્ષાઓ અનુસાર સતત સંમાર્જિત થતું રહે એ વધુ મહત્વનું છે. વાર્તાલેખક કોઈનો ગુલામ નથી,વાર્તાનો પણ નહીં. વાર્તા તે કઈ બલા છે કે વાર્તાકારને આ કે તે આભડછેટની એંધાણી આપે? કશાયથી દૂર કે નિકટ રહીને લેખક વાર્તા સર્જતો નથી. એ બધામાં ઓળઘોળ હોઈનેય બધાથી અલિપ્ત હોય છે, જ્યારે એ વાર્તા લખે છે. ટૂંકી વાર્તામાં ટૂંકાણનું સૂચન છે. ટૂંકાણ એ એનું લક્ષણ છે એની ઓળખ નથી.
ને એ લક્ષણને સિધ્ધ કરવા માટે વાર્તાકારે વસ્તુ કે સ્વરૂપ પરત્વે પોતાની ઉપર બંધનો લાદવાના નથી, બલ્કે ટૂંકાણને શૈલી રૂપે આત્મસાત્ કરવાની જરૂર છે. ટૂંકી વાર્તામાં ટૂંકાણ એ કેવળ કદનું નહીં, શૈલીનું સૂચક બને એ જરૂરી છે.
(૪) સાહિત્યકૃતિનું સિનેમાના પડદે અવતરણ કેટલું મુશ્કેલ? કેટલું જોખમી?
સાહિત્યકૃતિઓ ઉપરથી સિનેમા બનાવવાની કામગીરી ઘણી જુની છે. જોકે શરૂમાં આ કામગીરી ઝાઝેભાગે સાહિત્યિક કૃતિઓ આધારિત નાટકોની ફોટોગ્રાફી કરવા જેવું હતું. તખ્તાને બદલે પરદા ઉપર નાટક ભજવાતું. પણ એ સાચું સિનેમા ન્હોતું. એમાં મૂળ કૃતિ તો નાશ પામતી જ હતી પણ સિનેમા સ્વરૂપે કોઈ નવી રચના પણ ન્હોતી મળતી. બોલીવૂડના ઇતિહાસના આરંભના દસકાઓમાં આવી ઘણી ફિલ્મો બની છે.
સિનેમા માટે સ્વતંત્ર પટકથા લખવાની કામગીરી સાચેજ ઘણી સંકુલ કલા છે.એ માટે પટકથાલેખકને ફિલ્મમેકિંગની ટેકનીકનો અને તેના એસ્થેટીકસનો— સૌંદર્યશાસ્ત્રનો— પાકો ખ્યાલ હોવો જરૂરી છે. આવા પ્રયોગોને હું 'સાહિત્યિક કૃતિ ઉપર આધારિત ફિલ્મો' તરીકે ઓળખાવવાનું પસંદ કરીશ. આ પ્રકારે બનેલી ફિલ્મો એ પરદા ઉપર સાહિતિકૃતિનું યથાતત અવતરણ નથી પણ પરદાની કળાને અનુરૂપ તેનું સિનેમેટિક રૂપાંતરણ છે.
કોઈ પણ સાહિત્યિક કૃતિને એના 'શબ્દાવતાર' અનુસાર સિનેમામાં અવતારવી અસંભવ છે. જ્યારે સાહિત્ય અને સિનેમાનો આ રીતે સમન્વય થાય છે ત્યારે સિનેમા રૂપે જે સાંપડે છે તે મૂળ કૃતિનું ફિલ્મ દિગ્દર્શકનું વિઝયુઅલ અર્થઘટન. એ અર્થમાં તે અનુસર્જન છે. માટે એને સાહિત્યના નહીં, સિનેમાના ટૂલ્સ વડે તપાસવી જોઈએ.
આ જોખમવાળી વાત મને નથી સમજાતી. આપણે મૂળ સાહિત્યકૃતિને પરદા ઉપર જોવાનો ભ્રમ સેવીએ છીએ માટે આ પ્રશ્ન થાય છે. એ અર્થમાં જોખમ સો એ સો ટકા, અથવા પેલો ભ્રમ જો ભાંગીએ તો પછી જોખમ જરાય નહીં.
(૫) આજે લોકપ્રિયતાના ધખારા વધ્યા છે અને તેના લીધે સાહિત્યના ઉદ્દાત તત્વોની, ક્લત્મકતાની અવગણના થઈ રહી હોય એવું તમને લાગે છે? જો જવાબ હા હોય તો એક સર્જક તરીકે તમે આ બાબતને કઇ રીતે જુઓ છો? તમે આ વિશે ક્યારેય ખોંખારીને કશુ કહ્યું છે?
ખોંખારીને તો તમારે કહેવાનું હોય - કલાના અભ્યાસુઓએ, ચાહકોએ, દર્શકોએ, વિવેચકોએ. અમે તો ખોંખારીને આજીવન કલાકાર તરીકે જીવીએ છીએ. એથી વિશેષ તો ખોંખારવાનું કયાં ને કોની સામે કે કોની સાથે?
આપણું આ ગુજરાત છે ને દોસ્તો, કલાકારોના ખોંખારાને જ નહીં કલા અને કલાકાર માત્રને કશોક કર્કશ અવાજમાત્ર ગણીને અવગણતું આવ્યું છે.
ગુજરાતમાં કલાની વ્યાખ્યા 'મનોરંજન' શબ્દના દાયરાની બહાર આવી શકી નથી. એમને મન ઉત્તમ કલા એટલે તારક મહેતાકા ઊલ્ટા ચશ્મા. હવે બોલો, હજી કેટલુંક ખોંખારું?
ખોંખારવાની એક બીજી પણ રીત છે. તે છે પોતાની કલાની વિભાવનાને વફાદાર રહીને પોતાનું કામ કરતા રહેવું. મેં નાટક, સાહિત્ય અને સિનેમા એ ત્રણેય માધ્યમોમાં આ બીજી રીતે પણ કલા વિશે પ્રતિબધ્ધ રહેવા મારાં સમજ ને શકિત મુજબ પ્રયાસો કર્યા છે. હજી કરું છું ને કરતો રહીશ. છેવટે તો પોતાની કલા એ જ કલાકાર માટે છેવટનો પુરસ્કાર હોય છે. મને એનો ઊંડો સંતોષ છે.
(૬) તમને ગુજરાતી ભાષાનો કયો નાટય લેખક ગમે? શાથી?
ગુજરાતીમાં નાટ્યલેખનની લાંબી, સાતત્યપૂર્ણ પરંપરા છે. રસીકલાલ પરીખથી મધુ રાય સુધી અને ત્યાર બાદ છેક આજપર્યંત અનેક મહત્ત્વના નાટ્યકારો પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. રસિકભાઈનામ 'મેના ગુર્જરી' અને 'શરવિલક' ગુજરાતી સાહિત્યના તેમજ નવી રંગભૂમિના આરંભિક કાળના મહત્ત્વના નાટકો છે. તો મધુ રાણા દીર્ઘ અને એકાંકી નાટકો એ આધુનિક ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિની દીર્ઘ અને એકાંકી નાટકો એ આધુનિક ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિની પ્રમુખ સિધ્ધિઓનો મહત્ત્વનો હિસ્સો છે. મને ઉમાશંકરનાં એકાંકી નાટકો પણ ખૂબ ગમે છે. લાભશંકરા ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્રના કેટલાક નાટકો પણ મને ખૂબ પ્રિય છે.
⇔