મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૯)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

 

- જ્યોતિ ભટ્ટ

 

પ્રસંગ ૯

  

Bhavnagar, 1968

 

1968માં મેં 35mm કેમેરા, તે પણ ત્રણ લેન્સીસ સાથે વસાવી લીધેલ. શિયાળા દરમિયાન ભાવનગરમાં આવેલ મારા ફેમિલી હાઉસ પર ગયો હતો, ત્યારે ત્યાં મારા પિતાજીની સંસ્થા ‘શિશુવિહાર’માં નેત્રયજ્ઞ ચાલી રહ્યો હતો. આઈ કૅમ્પ (Eye Camp) ને માટે ‘નેત્ર-યજ્ઞ' તથા ‘કિન્ડરગાર્ડન' માટે ‘બાળશાળા' ને સ્થાને ‘બાળમંદિર' કહેવાની પ્રથા ત્યાં અપનાવાઈ છે. જે આ પ્રવૃત્તિઓને એક આધ્યાત્મિક સ્તર ઉપર લઈ જવા તેની સાથે જોડાયેલાઓને પ્રેરણા આપે છે. એ ‘નેત્રયજ્ઞ'માં આજુબાજુનાં 40સેક કિલોમીટર વિસ્તારમાં રહેતા, મુખ્યત્વે ગ્રામજનો આવતા. જ્યાં તેમને આંખના મોતિયા તથા ઝામર જેવા દર્દોની સારવાર વિના ખર્ચે અપાતી.

 

ભારતમાં ગરીબી અને કુપોષણ તથા ધૂળ અને પ્રખર સૂર્ય પ્રકાશ ને કારણે મોતિયા જેવા દર્દોના ભોગ બનનારાઓની સંખ્યા ઘણી મોટી છે. પૂરતી હોસ્પિટલોના અભાવ ઉપરાંત ત્યાં મળતી સારવાર અત્યંત મોંઘી હોય છે. આના નીવેડા તરીકે કેટલીક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળે આ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. શિશુવિહારના નેત્રયજ્ઞમાં મુખ્ય ડોક્ટર શિવાનંદ અધ્વર્યું હતા. જોકે, તેમને બધા બાપુજી નામે જ ઓળખતા. ડો. શિવાનંદ અધ્વર્યું પહેલા સરકારી મેડિકલ ડોક્ટર હતા. કોઈ કારણસર તેમણે રાજીનામું આપ્યું અને ઋષિકેશ ‘દિવ્ય જીવન સંઘ'ના આશ્રમમાં ગયા. અને ત્યાં જઈ દીક્ષા લઈ સાધુ થઈ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. આશ્રમના મુખ્ય પ્રણેતા (બીજા) શિવાનંદજીએ દીક્ષા તો આપી પરંતુ અધ્વર્યુંજીને ત્યાં રહેવાની રજા ન આપી. કહ્યું કે, ‘તમે જે કામ સારી રીતે જાણો છો, તે જ કામ હવે પાછા જઈને સેવાભાવે લોકોના લાભાર્થે કરો’. એમની આજ્ઞાને અનુસરી અધ્વર્યુંજી સૌરાષ્ટ્ર પાછા ફર્યા અને રાજકોટ પાસે આવેલ વીરનગરમાં મોટું આંખનું દવાખાનું શરુ કર્યું. પરંતુ ત્યાં સુધી જવાનું પણ ગરીબ ગ્રામજનોને પોસાતું ન હતું. તેથી વિવિધ સ્થળોએ જઈ ‘નેત્રયજ્ઞ' સ્વરૂપે સગવડ પૂરી પાડવાનું શરુ કર્યું.

 

‘શિશુવિહાર’માં મોટી જગ્યા હતી. બાળમંદિરનું મકાન હતું અને એક મોટો શેડ પણ હતો. જેમાં સોએક ખાટલાઓ સમાતા. વધારાના ખાટલાની જરૂર હોય ત્યારે શમિયાનો પણ ઉભો કરાતો. ‘બાપુજી' વહેલી સવારથી ઓપરેશન શરુ કરતા. વચ્ચે ત્રણેક વિરામ લઇ સાંજ સુધીમાં એકલે હાથે બધા દર્દીની આંખના ઓપેરશન પૂરા કરી દેતા. ‘શિશુવિહાર’ના 12થી 16ની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ ત્યાં દિવસે તથા રાત્રે સ્વયંસેવક તરીકે કામ કરતા. સંસ્થાના કાર્યકરો ઉપરાંત કેટલાક શહેરીજનો પણ આ નેત્રયજ્ઞમાં સેવા આપવા આવતા. આખી વ્યવસ્થા અંગે વાત કરવી અહીં મુશ્કેલ છે. પરંતુ એક પ્રસંગ યાદ આવે છે. મારા પિતાજીની ઓળખાણને કારણે મને જ્યાં બાપુજી ઓપરેશન કરી રહ્યા હતા, તે સ્થળે જવાની રજા તો મળી. ત્યાં ગયો પણ ખરો. હોસ્પિટલ જેવી સગવડને અભાવે એક નાનો કિશોર હાથમાં ટોર્ચ પકડી દર્દીની આંખ પર પ્રકાશ નાખતો હતો. અને બાપુજી મોતીયું કાઢી રહ્યા હતા. બસ, આટલું જ યાદ છે. પછી આંખ ખુલી ત્યારે ખ્યાલ આવ્યો કે હું મારા ઘરે પથારીમાં સૂતો હતો. જે દૃશ્યો પેલા કિશોર જેવા બાળકો દિવસભર જોઈ શકતા હતા તેના અણસારથી જ હું બેભાન થઇ ગયેલો એમ મને એક કાર્યકરે જણાવેલ.

 

એ સમયે આજ જેવી ‘ફેકો–સર્જરી'ની વ્યવસ્થા ન હતી અને ઓપરેશન પછી સાત–આઠ દિવસ દર્દીઓએ ખાટલામાં પડખું ફેરવ્યા વિના સુઈ રહેવું પડતું. કેટલાક ચા - બીડી તથા તમાકુના બંધાણીઓને કાબુમાં રાખવા તે કામ સ્વયંસેવકો માટે સૌથી કપરુ હતું. હું પૂરું અઠવાડિયું ત્યાં રોકાયો અને બધા જ વિધિઓ તથા પ્રસંગોની છબીઓ લેવાની તક મળી.

 

.

 

-જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ: [email protected]