મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો (૮)

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો

 

- જ્યોતિ ભટ્ટ

 

પ્રસંગ ૮

 

 

West Bengal, 1974
West Bengal, 1974

 

1955માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમી સ્થપાઈ તે જ વર્ષથી ત્યાં રાષ્ટ્રીય ધોરણે કલા-પ્રદર્શન પણ યોજાવા લાગ્યું. થોડાં વર્ષ પછી અકાદમીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિ-વાર્ષિકી કલા-પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું. એ સંદર્ભે 1974 દરમિયાન ભારતીય વિભાગ માટે કલાકૃતિઓ પસંદ કરવાની જવાબદારી ત્રણ કલાકારોને સોંપાઈ. મારો પણ તે કમિટીમાં સમાવેશ કરાયેલ. પસંદગી માટે ભારતમાં વિવિધ સ્થળોએ ફરવાનું બન્યું હતું.

 

શાંતિનિકેતન જવા માટે હું અને સમિતિના બીજા સદસ્ય વિખ્યાત મૂર્તિકાર શ્રી ધનરાજ ભગત કોલકાતાના હાવડા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર અમારી ટ્રેંનની રાહ જોતા ઉભા હતા. મારી પાસે કેમેરા હતો તેથી હું પ્લેટફોર્મ પર લટાર મારવા લાગ્યો, અચાનક મારી નજર પ્લેટફોર્મ પર બેઠેલા પાંચ લોકોના સમૂહ પર પડી. તેમાં નાના બાળકો અને તેમના માતા-પિતા જેવી દેખાતી બે વ્યક્તિઓ પણ હતી. તેમના ચહેરાના ભાવ એટલા તો સ્પર્શી ગયા કે મેં તરત જ તેમની છબી લઈ લીધી.

 

1978 દરમિયાન જર્મનીમાં દર બે વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ‘ફોટોકિના' (Photokina) યોજાવાનું હતું. તે વર્ષે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનનું ત્રીસમું વર્ષ પણ હતું. તેથી ‘ફોટોકિના’ના એક નાનકડા ભાગ તરીકે એક છબીસ્પર્ધા પણ યોજાયેલી. વડોદરાના ઘણા છબીકારો આ પ્રકારના પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છે અને સારી એવી સંખ્યામાં પુરસ્કારો પણ મેળવ્યા છે. ‘ફોટોકિના'માં આયોજાયેલ સ્પર્ધા માટે 'Work and Leisure' - વિષય આપવામાં આવેલ.

 

વડોદરાનો એક યુવાન છબીકાર એ સ્પર્ધામાં ભાગ લેવા ઉસ્તુક હતો. તેથી પોતાની છબીઓ મને દેખાડવા મારા ઘરે આવેલો. તેણે મને ‘ફોટોકિના'ના પ્રદર્શન અંગે વાત કરી ત્યારે ‘ફોટોકિના' એ શું છે તે હું બિલકુલ જાણતો ન હતો, પરંતુ તે છબીકાર પ્રદર્શન અંગેની માહિતી આપતું પરિપત્ર (બ્રૉસ્યોર) સાથે લાવેલો. પરિપત્ર વાંચીને મને પ્રદર્શન અંગે થોડી માહિતી મળી. જે મેં તેને સમજાવવા પ્રયત્ન કર્યો. કામ કરવાનું તેમજ આરામ કરવાનો એ માનવીનો મૂળભૂત અધિકાર છે. તે દેખાડતી છબીઓ પ્રદર્શન માટે મંગાવેલી. આ વિષય અંગે શબ્દોથી તેને હું સમજાવી શક્યો નહિ તેથી મારી થોડી છબીઓ તેને દેખાડી તે સમૂહમાં કોલકાતાના હાવડા સ્ટેશન પર લીધેલી છબી પણ હતી. એમાં બેઠેલા લોકો આરામ કરતા હોય તેવું તો જરાય ન હતું. પરંતુ કામધંધા વિના બેકારીના ભોગ બન્યા હોય તેવું લાગતું હતું. મને થયું કે આ છબી ‘ફોટોકિના' પ્રદર્શનમાં મોકલી શકાય કેમકે કામ  (work) જે માનવીનો પાયાનો અધિકાર છે તેનાથી મારી છબીમાં દેખાતા લોકો વંચિત રહ્યા હતા.

 

મારી સમજ બહુ અસ્પષ્ટ તો હતી જ પરંતુ નકારાત્મક સ્વરૂપ તેનાથી અવળા હકારાત્મક સ્વરૂપનો પણ ખ્યાલ આપે તેવું કંઈક મારા મનમાં ત્યારે લાગેલું. જેમ કે, એક પ્યાલામાં અર્ધે સુધી પાણી ભર્યું હોય તો તે બાબતને અર્ધો ભરેલો કે અર્ધો ખાલી એમ બંને રીતે વ્યક્ત કરી શકાય.

 

પેલા યુવાન છબીકારને તેની છબીઓમાંથી થોડી છબીઓ પસંદ કરવામાં મેં મદદ કરી. આથી તેણે કહ્યું કે, પોતાની છબીઓ સાથે તે મારી છબીઓ પણ મોકલી આપશે આમ, અનાયાસે ‘ફોટોકિના' માટે મારી છબી મોકલવાનું બન્યું. ત્યાર પછી એક દિવસ અચાનક ટપાલમાં પત્ર મળ્યો કે મારી પૂર્વોક્ત છબીને ‘ફોટોકિના' પ્રદર્શનમાં પ્રથમ દસ સમાંતર પુરસ્કારોમાં સ્થાન અપાયું છે. અને તે પુરસ્કાર લેવા માટે જર્મની આવવા જવાનો વિમાન ખર્ચ તથા ત્રણેક દિવસ સ્થાનિક પરોણાગત પણ ‘ફોટોકિના' દ્વારા કરાશે.

 

1978માં જર્મની બે વિભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની તેથી પશ્ચિમ જર્મનીની રાજધાની ‘કોલોન' હતી. ત્યાં ગયા પછી જ મને જાણવા મળ્યું કે, ત્યાં ‘ફોટોકિના' એ ફોટોગ્રાફી તથા સિનેમા ક્ષેત્રે વપરાતા દરેક પ્રકારના સર-સાધનો બનાવતી ઔદ્યોગિક કંપનીઓ તથા વિક્રેતાઓ માટેનો ઇન્ડસ્ટ્રીયલ ફેર (ઔદ્યોગિક મેળો) છે. આ તકનો લાભ લઈને ત્યારે જર્મની તથા આજુબાજુના દેશોમાં ફરીને ઘણાં બધાં આર્ટ મ્યૂઝીયમો પણ જોઈ શકાયાં.

.

 

-જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ: [email protected]