પરિષદની અનોખી અગાસીની આજની કાવ્યસભામાં આ છ રચનાઓ . . .
૧.
મન બીજે ક્યાં ખોલું ?
- રમજાન હસણિયા (રાપર, કચ્છ)
સાવ અમસ્તાં સાચું-ખોટું તારી સાથે બોલું !
કે , મન બીજે ક્યાં ખોલું ?
મારા શબ્દો તારા કાજે, ના કેવળ છે શબ્દો જાણું,
વણકીધેલું સમજે સઘળું, એવી તારી આંખ પિછાણું,
તારા મારા આ સગપણને કયા ત્રાજવે તોલું ?
કે, મન બીજે ક્યાં ખોલું ?
ગામ સીમાડે વાતો થાતી, ઓહો,આહા થાતી !
અદેખાઈના સૂરમાં બાયું પ્રેમકથા અવ ગાતી,
નેહ આપણો નક્કર સોનું, ના કાંઈ એમાં પોલું !
કે, મન બીજે ક્યાં ખોલું ?
તારી ભોળી આંખો મારા અંતરનું અજવાળું,
તારા સ્પર્શે રૂક્ષ માહરું, જીવતર બન્યું સુવાળું,
તારી-મારી પ્રેમકહાણી કઈ પેરે હું બોલું ?
કે, મન બીજે ક્યાં ખોલું ?
- રમજાન હસણિયા (રાપર, કચ્છ)
⇔
૨.
બધે ઝળહળ હતી
- અર્પણ ક્રિસ્ટી ( અમદાવાદ)
કેટલી નાહક બધી ટળવળ હતી,
આપણું હોવું જ તો અટકળ હતી!
મોતથી દાબી જ દીધી આખરે,
જિંદગી સામે સતત ચળવળ હતી.
રોજ ભૂકંપો થયા, તેથી જ તો,
આ હથેળી ક્યાં કદી સમથળ હતી!
કાયમી નાતો રહ્યો ભીનાશથી,
તું નદી થઇ રક્તમાં ખળખળ હતી.
ભૈ, ખુશામત થાય મંજીરા થકી!
આપણે કાજે કલમ કરમળ હતી.
એટલો ઉપકાર આંસુનો રહ્યો,
જોઈ જ્યાં દુનિયા, બધે ઝળહળ હતી.
_________
ટળવળ = અસ્વસ્થ સ્થિતિ, વિહ્વળતા, બેચેની.
કરમળ = તલવાર
- અર્પણ ક્રિસ્ટી (અમદાવાદ)
↔
૩.
થોડાંક લઘુકાવ્યો
- તરુણ મહેતા (મોરબી)
1
અયોધ્યામાં
ચૌદ વર્ષ મૂંગા બેઠેલાં
પંખીઓને
ઋષિ ભણાવે છે
ટહુકાની દંતકથા.
2
કબીરજી
ધમાલિયા નગરમાં
ખોવાયું છે કીડીનું ઝાંઝર
તમે સાંભળ્યો એનો રણકાર ?
3.
તારાઓ સંતાઈ ગયા
ત્યારે
ઊગી નીકળ્યા
આગિયાઓ.
4
અંધારી રાત્રિમાં
થયા અનેક સંઘર્ષરત
આગિયાઓના મોત
પછી સવાર પડ્યું.
- તરુણ મહેતા (મોરબી)
↔
૪.
તમને મજા પડે છે
- કરણ ભટ્ટ (બારડોલી)
વાહિયાત વાતો અને અણઘડ ચર્ચાઓથી.
તમે ગમે ત્યારે કોઈને પણ દોષી ઠરાવી શકો છો.
તમે તો પોસ્ટમોર્ટમ કરી શકો છો કોઈપણ સંબંધનું,
ગમે ત્યાં, ગમે ત્યારે.
એવું જ હોય તો આવજો મને મળવા,
જોઈ લેજો,
તપાસી લેજો શારીરિક રીતે પણ,
કે શ્વાસ ચાલે છે કે નહિ?
એ મારી સાથે નહિ હોય તો
આ શ્વાસ વેન્ટિલેટર પર પણ ચાલે એમ નથી.
શ્વાસ અને મારી વચ્ચે સ્ટેમ્પ પેપર પર કરાર છે...એના નામનો.
તમે દયાના ગુણ થકી દાક્તર થનારાઓ,
તમને સ્પર્શની પરિભાષા કઈ રીતે હું સમજાવું?
- કરણ ભટ્ટ (બારડોલી)
↔
૫.
એક જેવી
- સાગર ગોસ્વામી (કચ્છ)
તમારી અમારી દશા એક જેવી
હશે આપણી શું સજા એક જેવી?
છે વાતાવરણમાં અનોખી જ રંગત
હશે શું બધે આ ફઝા એક જેવી ?
નથી કામ કરતી તો બીજે બતાવો
વહેમને ભગાડો, દવા એક જેવી.
જમાનાથી ચાલ્યા કરે છે જમાનો
હશે શું સદા એ ઘટા એક જેવી ?
તમે જો લખો છો તો લાગી રહ્યું છે
તમારી અમારી વ્યથા એક જેવી.
બનાવી છે સરખી બધી જિંદગીઓ
નથી કાં બધાની પ્રથા એક જેવી?
ગમે એટલા આપ સારા થશો પણ
અહીં કોને મળશે પ્રજા એક જેવી.
અડી ના શકે દુઃખ એને કદાપી
હો મુશ્કાન હોઠે સદા એક જેવી.
જો સાચા ભગત છો, તો ઇશ્વર બધે છે
બધી આ જગતની જગા એક જેવી.
- સાગર ગોસ્વામી (કચ્છ)
⇔
૬.
મારા વાલમા
- નરેશ સોલંકી
પાણીયારા કોરાકટ્ટાક, મારા વાલમા !
પાણીયારે એરુના બેસણા.
દરિયાની જેમ આવે લોઢ ઉપર લોઢ
હવે સહીએ આ દુ:ખ કેમ કારમા,
આંખોમા હિમ બની જામી છે યાદ
અને આસુડાં આવ્યા છે ઠારમા.
અજવાળા કોરાકટ્ટાક, મારા વાલમા
અજવાળે કાંટાળા વીંજણા.
દડદડતી દોટ મુકે અંધારું લોહીમાં ને
ખીણ સમું ફળિયામાં હોવું,
ખુદને ભુલીને એક પડછાયો હોઉં છું તો
કેમ કરી આયનામાં જોવું.
ગરમાળા કોરાકટ્ટાક, મારા વાલમાં
રૂંવેરૂંવે સળગે છે તાપણાં.
પાણીયારા કોરાકટ્ટાક, મારા વાલમા !
પાણીયારે એરુના બેસણાં.
- નરેશ સોલંકી
⇔