સ્વાગતનોંધ

ત્રય: સમુદિતા:, ન તુ વ્યસ્તાઃ 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

 

સાહિત્યપરક સર્જકતાનો સાહિત્યની સંસ્થાઓ સાથેનો સમ્બન્ધ કેવો હોય? અને સાહિત્યની સંસ્થાઓનો સાહિત્યપરક સર્જકતા સાથેનો સમ્બન્ધ કેવો હોય? – એ બે અરસપરસ જોડાયેલા સવાલો વિશે થોડીક વાત અહીં પણ કરીએ, ‘નોળવેલ’-ના સાથીઓ?

 

*

 

કેમ કે ગુજરાતી લેખકો, ભાવકો અને સાહિત્યિક સંસ્થાઓ આ વિશે (૧) નિસ્વાર્થપણે, સ્વાર્થમાંથી જન્મતા ડર વગર, પણ (૨) સાહિત્ય માટેના સાચા અને અસીમ સ્નેહ સાથે, એમાંથી આવતી નિર્ભયતા સાથે, મનોમન મનન કરે, એ આજે એક તાકીદનું કામ બન્યું છે.

 

*

 

કેટલાક લેખકો માનતા અથવા કહેતા હોય છે કે સર્જકતાને સંસ્થાઓ સાથે કોઈ નાતો ન હોવો જોઈએ. જે એવું ફક્ત કહેતા હોય છે, એમની વાત જવા દઈએ. પણ આવું સાચે માનતા હોય એમની વાત સવિનય અને સતર્ક રીતે આપણે કાને ધરવી જોઈએ. અને વિચારવું જોઈએ કે જે સુવાવડીનો સ્વચ્છ ખાટલો હોવો જોઈએ એ કેટલીક જગ્યાએ ઝટ બાંધેલી નનામીમાં કેમ કરતાં પલટાઈ ગયો? સારી હોસ્પિટલનો મેટર્નિટી વોર્ડ જે હોવો જોઈએ એનું ઇલેક્ટ્રિક ક્રિમેટોરિઅમ કેમ કેટલેક સ્થળે બની ગયું?

 

તો ત્રણ સવાલો સામા આવે છેઃ

સાહિત્યની સંસ્થાઓથી કેટલાક તેજસ્વી લેખકોભાવકો કેમ અળગા થવાનું પસંદ કરે છે?

બીજા કેટલાકો સ્વાયત્તતાથી કેમ આમ ડરે છે? પરાયત્તતાથી કેટલાકો કેમ આમ લાલચાય છે?

જે સ્વાયત્ત સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતમાં, અન્યત્ર અનેક સ્થળે છે, એમનું જતન કઈ રીતે કરવું?

 

*

 

પણ, ‘અહો બત અશ્ચર્યમ્’ કે કેટલીક સાહિત્યિક સંસ્થાઓ પણ માનતી હોય છે કે સાહિત્યિક સંસ્થાઓને સાહિત્ય સર્જકતા સાથે નાતો ન હોય તો ચાલે, કોઈને કોઈ સત્તા સાથે ઘરોબો અથવા સેવ્યસેવકસંબંધ કેળવી લીધો, એટલે આપણું કામ પૂરું! સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતાનો આગ્રહ ઉમાશંકર જોશી જેવા મનીષીથી આરંભી નિરંજન ભગત જેવા વૈશ્વિક સંસ્ક્રુતિના ચિંતક સર્જક સુધી સહુએ શા માટે રાખ્યો હશે, એ આ પરથી કળી શકાય અને એમાંથી વિચલિત થવા ઈચ્છનારાઓની મનોદશા પણ સમજી શકાય.

 

*

 

સાહિત્યના લેખક, વિવેચક, ભાવક, એ ત્રણેના બનેલા એકમ વડે (‘ત્રય: સમુદિતા:, ન તુ વ્યસ્તાઃ’) સાહિત્યની સંસ્થાઓનું સંચાલન થાય, ત્યારે કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા પ્રબળ બને. સાહિત્ય અને સર્જકતાનું પોષણ થાય, સંવર્ધન થાય, વ્યાપન થાય, એ રીતે સંસ્થા-સંચાલન કરવું, એ ચૂંટણીની પ્રક્રિયામાંથી સુપેરે પસાર થનાર સંસ્થા-સંચાલકોની જવાબદારી બને. ચૂટાનારા લેખક-ભાવક જેટલા સ્વ-પ્રતિભા-નિર્ભર હોય, એટલું એ કામ આગળ વધે.

 

*

 

આ ‘સ્વ-પ્રતિભા-નિર્ભરતા’ એટલે શું? - - સાદી સમજૂતી એ કે સંચાલકો તરીકે ચૂંટાઈ આવનારાઓ સંસ્થાને નિસ્વાર્થ અને મજબૂત ટેકો આપનાર વિચારવંત લેખક-વાચક હોય; ન કે સંસ્થાને ટેકે નામના કે/અને નાણાં રળવા આવી પહોંચેલા ચૂટણી-ચતુરો. કહે છે કે ‘ઘર્મો રક્ષતિ રક્ષિતઃ’. લોકશાહીનું પણ એવું જ છે.

ગુજરાતમાં હો કે દેશના કોઈ પણ બીજા ભાષા-વિસ્તારમાં, ભારતીય સાહિત્યની સ્વાયત્ત સંસ્થાઓમાં મત આપનારાઓ, આવી ‘સ્વ-પ્રતિભા-નિર્ભર’ વ્યક્તિઓને, જેઓએ સંસ્થાઓ પાસે પોતાને માટે કશું ઉઘરાણું કરવા જવાનું ન હોય એવા, પ્રજામાં જ્યાં જ્યાં પ્રતિભા-બીજ પડ્યાં હોય એમનું નિસ્વાર્થપણે અને સુઝસમજથી જતન કરવાનું જેમને મન થાય એવી વ્યક્તિઓને, પસંદ કરે, તો ભારતીય સાહિત્ય આકાશ આંબે! ગુજરાતીભાષી પ્રદેશમાં જો આ થાય તો એ સમગ્ર મહા-વિસ્તારમાં ઠેર ઠેર ઉત્તમ સાહિત્યિક સંસ્થાઓ વિકસે. અત્યારે પણ એવી અનેક સ્વસ્થ, સ્વાયત્ત અને બળકટ સંસ્થાઓ જોવા મળે છે જ. એ સહુને સ્નેહવંદન.

જે છે તે એવી રહે, બલ્કે વિકસે અને વિલસે, એ પહેલી શુભેચ્છા. જે નથી તે એવી બને, એ બીજી.

 

*

 

સર્જક, ભાવક અને સંસ્થા, એ ત્રણે વ્યસ્ત ન હોય, સમુદિત હોય, -- એટલે કે એ મંડળી અરસપરસનો લાભ ઉઠાવવા માટે ક્યાંક એકઠી ન થઈ હોય, બલ્કે એ સહિતતા એ પ્રત્યેકની સ્વકીય સર્જકતાને વધારે બળકટ બનાવવાના ઉદ્દેશથી રચાઈ હોય  -- એ જ આપણું ધ્યેય.

એક પંગતે ને પતરાવળે ભોજન કરતા હરિવલ્લભ ચુ. ભાયાણી,ઉમાશંકર જોશી અને તખ્તસિંહજી પરમાર
એક પંગતે ને પતરાવળે ભોજન કરતા હરિવલ્લભ ચુ. ભાયાણી, ઉમાશંકર જોશી અને તખ્તસિંહજી પરમાર

‘સહ નૌ ભુનક્તુ’ એ તૈત્તરીય ઉપનિષદનું કથન આજે તો અવળા અર્થમાં ચોમેર, ઘણી સાંસ્કૃતિક સંસ્થાઓમાં પણ, અમલમાં મુકાતું જોવા મળે છે. ભેગા મળીને પ્રજાનો (રાજ્ય દ્વારા મળતો) કે શ્રેષ્ઠિઓનો (ધાર્મિક સંગઠનો દ્વારા મળતો) પૈસો જે કરાવે તે મોજમઝા ભેગા મળી કરી લેવી, (કાલ કોણે દીઠી છે?!) એ જ કામ આજકાલ કેટલાક કહેવાતા લેખકો, તાળી-ટોળાંઓ અને ‘સાહિત્યની’ સંસ્થાઓનું માન્ય અને મુખ્ય કામ બન્યું છે.

પણ સર્જક-ભાવક-સાહિત્ય સંસ્થા, ત્રણેને સાચું જીવનબળ, સાચી સર્જનશક્તિ આપનારી સહિતતાનો, નવલરામ-કથી સાહિત્યના ‘આનંદની ઉજાણી’નો, અર્થ તો અલગ જ છે. ‘સહ નૌ ભુનક્તુ’ એવા ઉપનિષદ વાક્યનો મર્મ સમજવો સહેલ નથી તો યે શો છે એ પામવો એ સર્વત્ર આજનો પ્રાણપ્રશ્ન છે. દરેક જણ પોતે એનો ઉત્તર શોધે, એ જ આજે ઉમાશંકર જોશીના અનુજોની તાકીદની ‘શોધ’.

એ વિશે ઝાઝું ન કહેતાં ગુજરાતના ત્રણ ઉમદા માણસો,  ઉત્તમ સર્જક, પરમ વિદ્વાન, નિસ્વાર્થ અને નિર્ભય એવા ગુજરાતી સાહિત્યના સાચા સ્નેહીઓ જેવું (સાવ સાદું) અને  જે રીતે (પરસ્પર ઊંડા સ્નેહ સાથે) સહભોજન કરે છે, એની એક વિરલ અને રોમહર્ષણ છબિ દ્વારા જ સૂચવીએ. આ છબિ ‘નોળવેલ’-ને મેળવી આપવા માટે આ સમગ્ર ઈ-પ્રસ્તુતિના રચનાર, આ વેબ-આર્કિટેક્ચરનાં આર્કિટેક્ટ અને પરિષદનાં સન્માન્ય ટ્રસ્ટી, રૂપલ બહેન મહેતાનો આભાર.

જુઓ એ છબિ: સમર્થ, સ્નેહાળ, સાદગીએ શોભતા અને ‘સમુદિત’ ગુજરાતીઓની!

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ જુલાઈ ૨૦૨૦

ત્રય: સમુદિતા:, ન તુ વ્યસ્તાઃ  – સિતાંશુ યશશ્ચન્દ્ર સાહિત્યપરક સર્જકતાનો સાહિત્યની સંસ્થાઓ સાથેનો સમ્બન્ધ કેવો હોય? અને સાહિત્યની સંસ્થાઓનો સાહિત્યપરક ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-લઘુકથા, યુવા-વિવેચના પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1. મન બીજે ક્યાં ખોલું ? રમજાન હસણિયા [email protected] ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૭ નોળવેલની મહેક : ૩૦ એપ્રિલ ૨૦૨૦ના અંકમાં મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો ...
અવિસ્મરણીય રસજ્ઞ વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબની કલમે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી વર્ષા ઋતુનાં આલેખનોના અનુવાદ -ડૉ. હરિવલ્લભ ભાયાણી જો કે બની શકે ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן વરસાદની ઝાડીના નાદમાં ડૂસકાં ડૂબે -વિજય પંડ્યા વરસાદની ઝાડીના નાદમાં ડૂસકાં ડૂબે સંસ્કૃત ...
સંભારણાં (૪)... ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ ઉદઘાટન તા.૨૧ જુલાઈ ૨૦૦૦ - રૂપલ મહેતા, અમદાવાદ. તા.૨૧ જુલાઈ ૨૦૦૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય ...
 શ્રદ્ધાંજલિ: જ્યોત્સ્ના ભટ્ટ – પીયૂષ ઠક્કર તારીખ ૧૧ જૂલાઈ ૨૦૨૦ના શનિવારે, ભારતના અગ્રગણ્ય શિલ્પકાર શ્રીમતી જ્યોત્સ્ના ભટ્ટે આપણી વચ્ચેથી અણધારી ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:   દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન. આદરણીય સિતાંશુભાઈ, હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે. ૧૫મી એપ્રિલથી શરૂ થયેલ ‘નોળવેલની મહેક’ નિયમિત ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.