યુવા-સ્વર-૧૦

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: હાર્દિ ભટ્ટ
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. હું સાહિત્ય સર્જન વડે મારી લાગણી અને વિચારોને વધુ સારી રીતે વ્યક્ત કરી શકું છું , જે વિચાર હું બોલી ને વ્યક્ત ન કરી શકું તેને લખી ને વ્યક્ત કરવા માટે સર્જન કરું છું.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. આમ તો કવિતાની કોઈ વ્યાખ્યા આપી શકું એટલી વિદ્વાન નથી પરંતુ મારા માટે 'શબ્દની સરિતા એટલે કવિતા’.. બાળકથી લઈને વૃદ્ધ - દરેક ને ગમે તે વાર્તા. સામાન્ય જન જીવનમાંથી કોઈ એક વિષય વસ્તુની પસંદગી કરી તે વિષયમાં રહેલી લાગણી ને અનુભવી કાગળ પર ઉતારવી એટલે વાર્તા. માણસમાં રહેલી લાગણીઓ અને સંવેદનાઓનો પડઘો એટલે વાર્તા..
સામાન્ય અર્થમાં જેને કોઈ બંધન ન હોય તેવું લખાણ એટલે નિબંધ, સ્પષ્ટ અભિવ્યક્તિ, મંતવ્ય અને ઉપસંહાર એટલે નિબંધ.
વિવિધ કલાનો સમન્વય એટલે નાટક, સમાજ અને જીવનનું દર્પણ એટલે નાટક..

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. મને ગદ્યમાં લખવું વધુ ગમે છે . જેમાં હું વાર્તા અને લેખ લખી શકું. આજકાલ જાહેરજીવનમાં મેં ઘણાં લાગણીસભર દૃશ્યો જોયાં છે જેમ કે, શ્રમિકોની હૃદયદ્રાવક પરિસ્થિતિ, મધ્યમ વર્ગની પરિસ્થતિ , ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ, શિક્ષણનું સ્થાન, રોજબરોજના જીવન પર આધારિત લખાણ તેમજ ઘણાં સામાજિક દુષણો તે વિષયો ઉપર હું સારી રીતે લખી શકું તેવી પરિસ્થિતિ આપણી ‘આજ’ સર્જે છે.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. સાચું કહું તો મેં ખાસ કંઇ વાંચ્યું નથી.. પણ, નાનાભાઈ ભટ્ટ નું સર્જન ' મહાભારત ના પાત્રો ' હૃદય ની નજીક છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. અત્યાર સુધીમાં મેં ખૂબ ઓછા પુસ્તકો વાંચ્યા છે. પણ જે વાંચ્યા છે. તેમાંથી ' 7 habits of highly effective people ' by Stephen Covey તેમજ ' The secret ' by Rhonda Byrne - એ મને ખાસ પ્રભાવિત કરી છે.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬.. મને મહદ અંશે જાણકારી છે. હજી હું માત્ર પથ્થર છું, ઘસાવા અને ઘડાવા માટે મારે હજી ખૂબ મહેનત કરવાની છે અને ઘણું જાણવાનું છે.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. કવિતા તેમજ વાર્તા લખતી વખતે હું , જે વિષય ને ધ્યાન માં રાખીને લખતી હોઉં તેમાંથી કોઈ પાત્રને આદર્શ તરીકે સામે રાખું છું હું તે પાત્રને મારા મનમાં જીવંત કરું છું.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. મારી મમ્મીને. કેમ કે તે મારી સાચી સલાહકાર, મિત્ર અને પ્રેરણાસ્રોત છે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. મને નવું નવું જાણવું ખૂબ ગમે છે, પણ સાહિત્ય સર્જનની પ્રક્રિયા સાંભળવા/સમજવા માટેનો મંચ મને મળ્યો નથી અથવા તો મને તેના વિષે ખ્યાલ નથી.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. અત્યારે હું મારા ભણવાની સાથે સાથે સવારે ધ્યાન કરું છું, લેખ તેમજ વાર્તા લખું છું અને તેને વધુ સારી રીતે મઠારવા પ્રયત્ન કરું છું તેમજ છેલ્લા ૪ મહિનાથી યુ.પી.એસ.સી ની તૈયારી કરી રહી છું.

 

- હાર્દિ બિમલકુમાર ભટ્ટ