યુવા-સ્વર-૦૨

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: અર્પણ ક્રિસ્ટી
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. જે અનુભવું અથવા જે જીવું, તેને વ્યક્ત કરવાનો આ સૌથી ઉત્તમ માર્ગ મારા માટે છે. સાહિત્ય સર્જન પાછળનો બીજો ઉદ્દેશ્ય શબ્દો થકી અમર થવાનો ખરો.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. કવિતા, વાર્તા, નિબંધ કે નાટક, એ તમામ સાહિત્યનાં જ અલગ પ્રકારો છે. દરેકનું બંધારણ અને અભિવ્યક્તિ અલગ છે પરંતુ આખરે તો દરેક પ્રકાર એ સર્જકની અનુભૂતિ અને સર્જકના વિચારોને જ લોકો સુધી પહોંચાડવાનાં અલગ અલગ માધ્યમ છે.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. આ સમયમાં સાંપ્રત પરિસ્થિતિઓને નિરૂપે, કચડાયેલા લોકોનો અવાજ બની શકે એવું, આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધિત, સાહિત્ય સર્જન કરી શકું.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. ઘણા સર્જકો મનગમતા છે. કોઈ એક સર્જકનું નામ લઇ બાકીનાંને અન્યાય ન કરી શકું.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. કવિતાની દ્રષ્ટિએ મને ગુલઝાર ખૂબ ગમે. (એમના સિવાય પણ ઘણા બીજા મારા ગમતા સર્જક છે જ). વિશ્વસાહિત્યનું મારી સૌથી વધુ ગમતું પુસ્તક, The Prophet. Khalil Gibran.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬.. આ બાબતમાં હું મારી જાતને મધ્યમ વર્ગમાં મૂકી શકું.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. હું માનું છું કે દરેક સર્જકની એક આગવી શૈલી હોય છે પરંતુ તેના મનપસંદ સર્જકની છાંટ ક્યારેક આવી જ જતી હોય છે. જયારે હું ગીત લખું ત્યારે રમેશ પારેખ અને અછાંદસમાં ગુલઝારને આદર્શ તરીકે રાખું છું.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. મારા ઘણા કવિ તથા ભાવક મિત્રો છે, જેમને હું કવિતા લખીને મોકલતો હોઉં છું. એટલા માટે કે તેઓ કૈંક સુધારો સૂચવી શકે અને કોઈ ભૂલ હોય તો દર્શાવી શકે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. આ બાબતે મારું વાંચન ખૂબ ઓછું છે.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. હું હાલમાં તો જેમ બને એમ વધુ સારું લખવાનો પ્રયાસ કરતો હોઉં છું. અને મારી જૂની રચનાઓને મઠારી રહ્યો છું.

 

- અર્પણ ક્રિસ્ટી