યુવા-કલા: નીરખીએ નવી નજરથી...
ફિલમફિલમ રમવા બેઠા
- જનાન્તિક શુકલ
તાળીઓનો ગડગડાટ, ચિચિયારીઓ, આનંદની છોળો ઊડતી ઊડતી ચોમેર ફેલાય છે અને ધોમધખતા ઉનાળામાં પીંડવળ ગામની એ સાંજ અમને બધાને ભીંજવે છે. અવસર હતો બાળકો એ બનાવેલી લઘુફિલ્મ 'લાલચુડી'નાં પ્રીમિયરનો. પોતાની જ મિત્રને દૂધવાળી તરીકે મોટા પડદા પર જોઈ ચારેયકોર ચિચિયારીઓ, સિસોટીઓ. બધાના મોં પર આનંદ, ગર્વ અને કુતુહલ- બસ એક જ ઓછપ હતી તે સાંજે, તો તે લાલ જાજમની! ૪ મિનિટ અને ૨૧ સેકન્ડની ફિલ્મ અમે ફરી ફરીને ત્રણ વાર જોઈ. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર ગંગાકુમાર અને પ્રિયાંશીને તો હજીય વિશ્વાસ નહોતો બેઠો કે આ તેમની ફિલ્મ છે. ગંગાએ તો છેલ્લે પોતાનો અનુભવ પણ વહેંચ્યો, પાછું કહ્યું કે 'આરતી (દૂધવાળી) તો બરાબર કરતી હતી પણ અમારે જ દરેક શોટ બે-ત્રણ વાર લેવા પડતા હતા. ક્યારેક તો કેમેરાની વચ્ચે આંગળી આવી જતી’ ફરી પાછી તાળીઓ અને એની ગુંજ આ સમયમાં ફરી ફરીને સંભળાય છે.
વાત તો બે વર્ષ પહેલાની છે. સર્વોદય શાળા, પીંડવળથી એક તેડું આવ્યું'તું ફિલ્મ કાર્યશિબિર કરવાનું ! મેં અને મારા મિત્ર મિતેષ સુશીલાએ એ તરત સ્વીકાર્યું. એમાં ત્રણ લોભ હતા એક- તે વર્ષો પછી બાળકો સાથે ફરીથી કામ કરવું, ધરમપુર તાલુકાનાં પીંડવળ ગામને મન ભરીને જોવું અને સાંભળવું, દિવસ-રાત ચાર દિવસ. ગામમાંના જ નાના ભોજનાલયમાં નાગલીના રોટલા શાકને ચટણી ઝાપટવાં. અમે થોડા મહિનાઓ પહેલાં જ અહીં દેશી થાળી ખાધી હતી, તેનો સ્વાદ દાઢે હતો. આ લાભ ખાટવા અમે તો કેમેરા અને આઈ ફોન લઇ પહોંચ્યા ૨૨મી એપ્રિલ, ૨૦૧૮ પીંડવળ શાળાએ. આ આશ્રમશાળાના ઇતિહાસમાં ડોક્ટર નવનીતભાઈ ફોજદાર અને તેમના વિનોબા ભાવેના રંગે રંગાયેલા મિત્રોનો ફાળો બહુ મોટો છે એ પીંડવળ ગયા પછી ખબર પડી. તેઓ છેક ૧૯૬૪માં આ પ્રદેશમાં આવી સેવામાં જોડાયા હતા, ફરી ક્યારેક તેની વાત.
ધોરણ ૧થી ૮ નાં વિદ્યાર્થીઓ શાળા પાસેના છાત્રાલયમાં રહીને ભણતા હતા. વર્ષના છેલ્લા દિવસો હતા. દરેકના મનમાં ઘરે જવાની ઉતાવળ હતી. પણ અમારે મન નવું કરવાનો ઉત્સાહ હતો. ફિલ્મશિબિરને લઇ મનમાં એક ડિઝાઇન હતી પણ બાળકોનાં રસ રુચિ જોઈ રસ્તો કાઢવો એમ નક્કી હતું. અમને એ પણ ખબર હતી કે બાળકો આપણાથી વધુ કલ્પનાશીલ હોય છે. અંદરથી એક ભીતિ પણ હતી કે આ અંતરિયાળ ગામડાનાં બાળકો જેમાંના ઘણાં તો આદિવાસી છે, કેમેરા પણ પહેલી જ વાર જોશે તો તેમની સાથે ફિલ્મ કેવી રીતે બનાવીશું? પણ અમારી સાથે પિંડવળનાં બે શિક્ષકો - મિહિર પાઠક અને મિતાલીબેન બક્ષી પણ જોડાયાં . તેથી શિબિર થોડી વધુ સફળ બની, અમારા અને બાળકો વચ્ચેની દીવાલ તોડવાનું, અને પાંચ, છ અને સાત ધોરણના લગભગ ત્રીસેક બાળકોને તૈયાર કરવાનું કામ આ મિત્રોએ ઉપાડ્યું. એક વાત અમારા મનમાં ચોખ્ખી હતી કે તેમને ભારીભરખમ ફિલ્મોથી દાબી નથી દેવા, ન તો ફિલ્મોની અંગ્રેજી સંજ્ઞાઓથી. બાળકો ગભરાઈને ભાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, એવું મનમાં હતું, તોય છેલ્લે સુધી તો ચાલીસમાંથી વીસેક જ બાળકો સાથે રહ્યા.
શિબિર સપનાંથી શરૂ થઈ. દરેકે દરેક બાળક, યુવાન, વૃદ્ધ સપનાં જુએ છે. કોઈક નાના, કોઈક મોટા, કોઈક રંગીન, કોઈકના સપનાં તો પોતે જ કવિતા, તો કોઈકનાં સપનામાં વાર્તા, કોઈકનાં સપનામાં તબડાક તબડાક કરતા ઘોડા તો કોઈકનાં સપનામાં કુવામાં ઘૂઘવતા દરિયા, ને કોઈકનામાં ગરજતાં વાદળાં. ચાલીસેક બાળકોમાંથી ઘણાંએ પોતાનાં સપનાંઓની વાતો કરી. અમે તેમના સપનાંઓના જંગલોમાં ફર્યા, શહેરોમાં ફર્યા, બોર ખાધાં, કેરીઓ ખાધી, પરીક્ષાઓ આપીને પાસ થયા, નાપાસ થયા, માર પણ ખાધો. હા પણ બધું જ સપનાંમાં. પછી તેમને પૂછ્યું આ સપનાંઓ ક્યાં દેખાય છે? તો જવાબ મળ્યો.. "આંખોમાં, આંખો પાછળ, મનમાં.. ઊંઘમાં.. " . અમને પણ સાચો જવાબની ક્યાં ખબર હતી ? તેથી કહ્યું કે 'બધા જ જવાબ સાચેસાચા.'
‘જે સપનાં જુવે છે તે બધા જ ફિલ્મમેકર છે', અનાયાસે નીકળેલું આ વાક્ય આજે પણ એટલું જ સાચું લાગે છે. પહેલા દિવસે તો અમે ધરાઈને ફિલ્મો જોઈ. કૅનેડિયન ફિલમેકર નોર્મન મકલરેનની એનિમેશન અને સ્ટોપ મોશન ફિલ્મોથી શરૂઆત કરી. સત્યજિત રે ને "ટુ' પણ જોઈ, શોર્ટ ફિલ્મો , એડ ફિલ્મો દરેકનો આછેરો પરિચય આપ્યો. ત્રણ દિવસોમાં નાની મોટી દેશ વિદેશની વીસેક ફિલ્મો તો જોઈજ. બને તેટલી સંવાદ રહિત ફિલ્મો જોઈ – બતાવી. પહેલી રાતે કલાસિકસમાંની એક ‘બારાકા' બતાવી. કેટલાકને મઝા પડી, તો કેટલાક કંટાળીને ત્યાંજ સૂઈ ગયા. કોકને ‘બારાકા’માં કુદરત દેખાઈ તો કોક ને સંસ્કૃતિ, કોકને પોતાનું ગામ યાદ આવ્યું, દરેક ફિલ્મ પછી તેમાં તેમને શું ગમ્યું અને શું નહિ તેની ય વાતો થઈ. અમે રોજ નવું પામતાં.
પહેલે દિવસે સાંજના સેશનમાં અમે બાળકોને ચાર ટુકડીમાં વહેંચ્યાં. ફોન પર વિડિઓ કઈ રીતે લેવા, તેની સમજ આપી. કેમેરાના મહત્વના શોટના ગુજરાતી તરજુમા કર્યા.
લોન્ગ શોટ - દૂરનો શોટ
મીડ શોટ - વચલો શોટ
કલોઝ અપ - પાસેનો શોટ
પેન - ફેરવવું
ટિલ્ટ - ઉપર નીચે
છાત્રાલય, શાળા, બગીચો એવા અલગ અલગ વિષય દરેક ટુકડીને આપ્યા. મિતેષ, મિહિર અને હું વારાફરતી દરેક વિદ્યાર્થીઓ સાથે રહ્યા. દરેકે આઈફોન કેમેરાથી વિડિઓ લીધા. અને બીજે દિવસે અમે એ વિડિઓ પ્રોજેક્ટર સ્ક્રીન પર બતાવ્યા અને વાતો કરી, વખાણ કર્યા, ભૂલો કાઢી, દરેકને ફરી ફરી પોતે લીધેલા શોટ વિષે પૂછ્યું. તેને કયો શોટ કહેવાય? દૂરનો, વચલો કે પાસેનો? શોટ વિશેની આમ જાણકારી પાકી કરી. આ દરમ્યાન કયા બાળકને શેમાં વધુ રસ પડે છે, કોણ વધુ સારું કામ કરી શકે તેમ છે તે બાળકો પર વધુ ધ્યાન આપવાનું ચાલુ કર્યું. બીજા દિવસનું લેસન હતું કે દરેક ટુકડી એક વાર્તા લઇને આવશે. અને જેની વાર્તા સૌથી સારી હશે તેના પર ફિલ્મ બનાવીશું. ત્રણ ટુકડીઓએ વાર્તા કહી. એક ટુકડી લુચ્ચી દૂધવાળીની વાર્તા લઇને આવ્યું, બીજી અકબર બીરબલના દરબારની વાર્તા લઈને તો ત્રીજી વારતા હતી એક ઝાડની. સૌથી વધારે મત લુચ્ચી દૂધવાળીની વાર્તાને મળ્યા. વાર્તામાં દૂધવાળી નદીનું પાણી દૂધમાં ભેળવે છે એવું હતું. તેથી અમે પૂછ્યું ગામમાં નદી છે? જવાબ મળ્યો ‘ના નદી તો નથી પણ તળાવ છે.’ જવાબ સાંભળી અમેય ખુશ થયા. દૂધવાળી માટે બે છોકરીઓને તૈયાર કરી. બંનેને રિહર્સલ કરાવ્યું. વધુ સારું આરતી કરે છે, એવું અમને લાગ્યું તેથી આરતી પર દૂધવાળીની મહોર લાગી. ઢળતી સાંજે અમે બાળકો સાથે લોકેશન રેકી એટલેકે તળાવ અને ઘર જોવા ગયા, ક્યાં ક્યાં શૂટ થઇ શકે છે એમ પૂછ્યું? દૂધવાળી ક્યાંથી આવશે? ક્યાં જશે? એની વાતો બાળકો પાસે નોટબુકમાં નોંધાવી. દૂધવાળીની પ્રોપર્ટીમાં બરણી, દૂધ અને કપડાંની વ્યવસ્થા કોણ કરશે તે નક્કી થયું. રાતે જમ્યા પછી ચેપ્લિનની ‘મોડર્ન ટાઈમ્સ’ સાથે જોઈ.
શિબિરનો ત્રીજો દિવસ સૌથી રસપ્રદ રહ્યો. સવારની સેશનમાં બાળકો સાથે વાર્તાનું ૧૨ શોટ્સમાં વિભાજન કર્યું. દરેક શોટસ અમે પાટિયા પર લખ્યા અને બાળકોને પોતાની નોટબુકમાં પણ લખાવ્યા, કયા શોટ્સ પહેલા લેવા, કયા પછી એ નક્કી કર્યું. વાર્તામાં બે વખત તળાવ આવે છે તો આપણે તળાવનાં બધા શોટ્સ એક વારે જ લઇ શકીએ? એવું સૂચન કર્યું. ચુનાના પાણીમાંથી દૂધ બનાવ્યું. ગામ હતું એટલે દુધ તો અઢળક મળી રહે પણ અમારે સમજાવવું હતું કે બગાડ ન થાય, બીજું કે કેમેરાનું સત્ય અને જગતના સત્યમાં ખાસું અંતર હોઈ શકે છે. અમારી દૂધવાળી સુંદર કપડાઓમાં હાજર થઇ ગઈ. પણ હજી ચુનાવાળું દૂધ તૈયાર થયું નહોતું, આખરે ચુનાનું પાણી અને બરણી લઇ અમારું સરઘસ તળાવે પહોંચ્યું. અમે અમારા આઈફોન ગંગાને અને પ્રિયાંશીને આપ્યા. અમે વિશ્વાસ મૂક્યો, તેમણે નીભાવ્યો, કોઈએ ફોન પાડ્યો પણ નહોતો. જીવની જેમ સાચવ્યો એનો વધુ આનંદ. શોટવિભાજન અને શોટલિસ્ટ સતત સામે રાખીને દૂધવાળીની દરેક એકશન બે કેમેરાથી શૂટ કરી. ગંગાનો આત્મવિશ્વાસ અને ફ્રેમીંગ માટેની સેન્સ જોઈ અમને આનંદ થયો. તેનો હાથ પણ ખાસ્સો સ્થિર, કૅમેરામૅન થઇ શકવાના બધા લક્ષણ ગંગાકુમારમાં દેખાયા.
તળાવના લોકેશન પછી અમારા આસિસ્ટન્ટ ડિરેક્ટર નીલેશને પૂછ્યું કે ભાઈ બધા શોટ પૂરા થયા? તેના હા કીધા પછી અમે આગળ વધ્યા. ડિરેક્ટર તરીકે ધીરે ધીરે પ્રિયાંશી જ દુધવાળી આરતીને સૂચનો આપતી હતી. તેની હિંમત પણ ખુલતી ગઈ. સૌથી વધારે મઝા તો એક બકરીને પકડીને તેને આરતીની સાથે ચલાવવી હતી. બાળકો મચી પડ્યા’તાં. બકરી ન ચાલી તો ન જ ચાલી. છેલ્લી વાર તો શોટ પહેલાં જ દોડી ગઈ. બાળકો સાથે અમને પણ મઝા પડી. ફિલ્મનો પહેલો શોટ જે સવારનો લાગે છે તે મોડી સાંજનો છે. સુરજ આથમવામાં છે, ઝાડનો એક આકાર દેખાય છે, અને ડાબી બાજુથી ધુમાડો પ્રસરે છે. આ શોટ ગંગાએ સૌથી છેલ્લે લીધો, આમ બીજા કેટલાંક ગામના શોટ પણ ગંગા પાસે લેવડાવ્યા. આવા શોટ ફિલ્મમાં ગામ ઉભું કરવા મદદગાર થશે એ તેને સમજાવ્યું. પછી છેલ્લે આખી કૃ (ફિલ્મ માં ભાગ લેનાર બધા કલાકારો અને કસબીઓ) સાથે અમે ફોટા પડાવ્યાં.
ચોથે દિવસે સવારે ગંગાકુમાર અમારા કરતાંય પહેલા ક્લાસ પર આવી પહોંચ્યો. સાથે અમે વિડિઓ જોયા અને એડિટિંગ શરુ કર્યું. કયા શોટ તેને વધુ ગમે છે, એ પ્રમાણે મેં છુટાં પાડ્યા અને ધીરે ધીરે વાર્તામાંથી ફિલ્મ એડિટિંગ સોફ્વેટરની મદદથી કોપ્યુટર પર બનતી ગઈ. આજુબાજુ બાળકોની ભીડ પણ વધતી ગઈ. એક વાર ફિલ્મનો વીડિયો કટ થઇ ગયા પછી બાળકોને અમે નક્કી કરેલા સંગીતના ટ્રૅક સાંભળવ્યાં. જે ટ્રેક વધુ ગમ્યો તે ફિલ્મનું સંગીત બન્યો. આ બાળકો એડીટીંગમાં વધુ જોડાઇ ન શક્યા તેનો અફસોસ રહ્યો. હા, ફિલ્મનું નામકરણ પણ બાળકો એ જ કર્યું. લાલચુ અને ડી પાછળથી લખવાની શબ્દ રમત મિતેષને સૂઝી. તે જ સાંજે ફિલ્મનો પ્રીમિયર યોજાયો.તાળીઓનો ગડગડાટ, ચિચિયારીઓ, આનંદની છોળો ઊડતી ઊડતી ચોમેર ફેલાય છે અને ....
•
સાથે સાથે એક વાત અમે નોંધી કે આ દરેક બાળક બધી જ વાર્તામાં સંદેશ શું એ શોધતો હતો? આનો બોધ શું? એ કદાચ શિક્ષકોએ શીખવાડ્યું હોઈ શકે. આ ફક્ત પિંડવળનાં બાળકોમાં જ નહિ આપણે પણ સતત દરેક વાર્તામાં, કવિતામાં બોધ જોવા મથીએ છીએ. આપણી પરંપરામાંથી આ આવ્યું હોઈ શકે? એનું કારણ શું હોઈ શકે? આપણી ફિલ્મો, વાર્તાઓ ઘણા સમય સુધી બોધપ્રધાન રહી છે. એના શા કારણો? હું શોધી રહ્યો છું , તમે પણ શોધજો. લાલચુડીમાં ઊડીને આંખે વળગે એવો બોધ છે એ પણ અમે જાણીએ છીએ. બીજી વાર બીજી કોક વાર્તા, શિબિરમાં કોઈક નવી રીતે કામ કરીશું, અને રખડીશું સપનાઓના સાગરમાં, જંગલમાં અને પહાડો પર.
⇔