- રમણીક સોમેશ્વર.
‘નોળવેલની મહેક’ એ કોરોનાના કપરા કાળમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો એક આગવો ઉપક્રમ.
૩૦-એપ્રિલ,૨૦૨૦નો અંક મોબાઈલ -પર્દે જોતાં એમાં મેં જોયું કવિ શ્રી પ્રજારામ રાવળનું કાવ્ય ‘નોળવેલ’ :
તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં’
-- સક્રુદ્ધ સંસાર સર્પ અને એના દર્પ સામે ઝૂઝવા અને ટકી રહેવાનું બળ મળે આ ગુપ્ત ઊંડી ગુહામાંથી.
આ જ અંકમાં શ્રી શિરીષ પંચાલની ભારતીય કથા સાહિત્યની શ્રેણી, શ્રી વિજય પંડ્યાની સંસ્કૃત સાહિત્યની શ્રેણી અને એમાં ગ્રીષ્મના આ દિવસોમાં ‘હર્ષચરિત’માંથી નિદાઘ વર્ણન; વળી કવિશ્રી રાજેન્દ્ર શાહનું સદાય તાજું કાવ્ય : ‘ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર’ !
અંકના વિશેષાંગ રૂપે યુવા સ્વરોનો પમરાટ ગમી ગયો. ૧૬ જેટલા યુવા-સર્જકોના કવિતા, વાર્તા, લઘુકથા, નિબંધમાંથી આવતીકાલના ગુજરાતી સાહિત્યનો પિંડ બંધાતોજોઈ શકાય. બંધ ઓરડે બેઠાં બેઠાં પણ કાર્યરત રહી મહેકને કઈ રીતે પ્રસારી શકાય એનું નિદર્શન જાણે.
આનંદ...
⇔
- મૂકેશ વૈદ્ય
સિતાંશુભાઈ,
અત્યારે જ કુંદનિકાબહેન કાપડીઆને નિવાપાંજલિ આપતો તમારો લેખ વાંચ્યો.
પોથીચિત્ર કે મિનીએચર ડ્રોઈંગ તમે યાદ કર્યું છે તે એકદમ સચોટ ઉપમા બની રહે છે. જાણકારો જાણે જ છે કે મિનિએચરમાં જેમ નીચેથી ઉપર દ્રષ્ટિ ફરી વળે ત્યારે એક વિશાળ દ્રશ્યપટ આવરી લેવામાં આવે છે એમ તમે પણ નાનાચોક પાસેની નવનીતની ઓફિસથી માંડીને નંદીગ્રામ, સર્જનયાત્રા , "પરોઢ થતાં પહેલાં", "સાત પગલાં આકાશમાં" એની સર્જકતાના ઉચ્ચ શૃંગો તરફ આંગળી ચીંધીને બતાવ્યા છે. લઘુચિત્રશૈલીમાં તમે કેટ કેટલું આવરી લીધું!
ભારતીય કવિઓ વિશે લખતાં રહો છો એમ ગુજરાતી સર્જકો વિશે લખતાં રહો તો ગમશે.
સસ્નેહાદર,
મૂકેશ વૈદ્ય
⇔
- બારીન મહેતા
નોળવેલ પર પહોંચ્યો.
લગભગ વાંચી ગયો.
સપન પાઠકનુ શાર્દૂલમાં લખાયેલું 'અંકુરણ', તરૂણ મહેતાનું 'ગામને પાદર', ભરત ખેનીનું 'તુઝુક-એ-જહાંગીરી', અક્ષય દવેનું 'ઊંઘ', તેમ જ અલ્પા વિરાશની વારતા 'તુરી' - આ ગમ્યું.
- બારીન મહેતા
⇔
- હેમાંગ મહિપતરામ રાવલ
લોકડાઉનના સમયમાં..
આ દિવસોમાં સમયને ફાંસી આપીને બનેલા કાગળ પર કેદ કરવાને બદલે ઓનલાઈન પોર્ટલ પર આઝાદ કરાયો છે !
જે કૃતિઓ વિષે હું લખવા માંગુ છું, તેનું માઈક્રોસ્કોપીક નિરીક્ષણ કરવાને બદલે જે-તે કૃતિના કેરેક્ટરને મારામાં જીવંત કરીને જોવાનો ૫૦% નમ્ર અને ૫૦% નિર્દોષ છતાં એકંદરે ૧૦૦% શુધ્ધ શાકાહારી પ્રયાસ કરવાનો પ્રયોગ કર્યો છે.
ચિ. હાર્દિ ભટ્ટની 'યાજ્ઞસેની' ગદ્યની પુખ્તતા દર્શાવે છે.
અક્ષય દવેની 'ઊંઘ' એક શ્રેષ્ઠ રચના છે.
'તુઝુક' માટે તો અંદાજે બયાં ઔર. મનુ ઠાકોરની રચના 'નોંધારું જીવતર' એકલતાની વ્યથાને સુપેરે રજૂ કરે છે.
યોગીનીબહેનનું 'દબાયેલું ડૂસકું' પણ અભિનંદનને પાત્ર છે.
પાયલ ધોળકિયાનું હાઈકુ અને ગીત સાંપ્રત પ્રવાહનું જ નહીં પણ ખરે જ એકવીસમી સદી ( કે એક વસમી સદી ? ) નું છે.
અર્પણ ક્રિસ્ટીએ સરળ શબ્દોમાં પણ ચોટદાર રજૂઆત કરી છે.
જ્યારે સપન પાઠકનું સોનેટ 'અંકુરણ' એ ખુશબો, નવકારિકા જેવાં શબ્દોને લીધે બાથરૂમ સિંગરને પણ સ્ટેજ સિંગરની અદાથી ગાતાં કરી દે તેવું છે.
તરૂણ મહેતાની 'ગામને પાદર' કૃતિ એ.સી ની કુલનેસ અને લીમડાની શીતળતાનો સહસંબંધ છે.
નિલેશભાઈના ગીતમાં પ્રશ્નમાં જવાબ રહેલોછે.
કુલદીપ કારિયા ની 'પવન માં' ગઝલ ચિરંજીવી બનવાની છે.
નરેશ સોલંકીની 'હે પવન' ગઝલમાં આશ્ચર્યચિહ્ન નો ઉપયોગ સુખદ આશ્ચર્ય સમાન છે.
સંજય પટેલની વાર્તા 'દીકરીનું ઘર' માં ગ્રામીણ જીવનનું નાજુક અને સુંદર વર્ણન કરાયું છે.
ધારા હરસોરાની 'સ્વપ્ન સમી સદી' MASS માટે નથી, પણ CLASS માટે છે.
અલ્પા વિરાશ ની 'તુરી' તેઓને ભવિષ્યમાં સારા ચરિત્ર લેખિકા બનાવે તેવી છે.
અને હાં ખાસ અભિનંદન તો સખા સમીર ભટ્ટ, ભગિની સેજલ અને મિત્ર પીયૂષભાઈ ને.
- હેમાંગ મહિપતરામ રાવલ,
સદસ્ય - મધ્યસ્થ સમિતિ, ગુજરાતી સાહિત્ય પરિષદ
⇔
- પ્રજ્ઞા વશી
કેટલાક યુવા સર્જકોની કલમની લખાયેલ કૃતિ માંથી હું પસાર થઈ ત્યારે મને ખૂબ આનંદ થયો અને સાથે સાથે ધરપત થઈ કે ગુજરાતી ભાષા હંમેશા જીવંત જ રહેવાની છે.
- યુવા કવિ તરૂણ મહેતાના કાવ્ય ' ગામને પાદર'માંથી પસાર થતાં ખૂબ જ આનંદ થયો. આ અછાંદસ કાવ્યમાં તરૂણ મહેતા પોતાના વતનના ગામને પાદરે વર્ષો પછી જાય છે અને ત્યાં જઈને જુએ છે કે બહુમાળી ઇમારતોએ એમના સુખનું સરનામું જ મીટાવી દીધુ છે. શહેરીકરણ કવિના સુખને ભૂંસી નાખે છે અને સાથે સાથે સંબંધોની મજબૂત કડી પણ તોડી નાખે છે. લેપટોપ ખોલી કવિ પોતાના ગામની જૂની તસવીર જુએ છે અને ત્યારે જાણે ગામના પાદરમાં પ્રાણ પુરાતા હોય તેવું લાગે છે. ક્યાંક ટહુકા તો ક્યાંક પતંગિયાની ઉડાન .... એટલું જ નહીં, સુકાયેલી નદી પણ જીવંત થતી હોય એવું કવિ અનુભવે છે. આ નદી મનમાં જીવંત થતાં કવિની આંખોમાં પણ તૃપ્તિની નદી છલકાય છે. તાજગીસભર રચના માટે કવિને અભિનંદન
- કવિ પાયલ ધોળકિયાએ પરિષદ માટે, પરિષદની આ પ્રવૃત્તિ માટે સરસ હાઇકુ લખ્યું છે. એમણે વૈશ્વિક મારામારી વચ્ચે પરિષદ આ પ્રવૃત્તિ કરી રહી છે તેને ઉચિત રીતે જ આવકાર આપ્યો છે. તેમની અછાંદસ રચનાઓમાં સંબંધોની ઘટથી ઉષ્માની ચિંતા વ્યક્ત થયા કરે છે. તેઓ સંબંધોને વેન્ટિલેટર પર પાંગરતા જુએ છે. તેમને લાગણી ના બેસણા ચોતરફ ફેલાતા લાગે છે. એમની કલમ વધુ સશક્ત બને તેવી શુભેચ્છા..
- કવિ અર્પણ ક્રિસ્ટીની ગઝલ વાંચીને એમ લાગે કે કવિને ગઝલ વધુ અનુકૂળ છે જાતથી પણ દૂર હું ઠેલાઉં છું' ગઝલ ખુબ સુંદર છે. છંદ ની સફાઈ ઊડીને આંખે વળગે છે. તેઓ ગીત અને ગઝલમાં વધુ સાધના કરે તેવી અપેક્ષા..
- કવિ સપન પાઠકનું સોનેટ ' અંકુરણ ' વાંચનારને પણ ભીનાશ આવી જાય તેવું છે. આજે જ્યારે સોનેટ વધુ લખાતા નથી ત્યારે આ કવિ શાર્દૂલવિક્રીડિત છંદમાં પૂરી સભાનતાથી સોનેટ સર્જે છે તેનો આનંદ થાય છે. સોનેટમાં અપેક્ષિત એવી અંતિમ પંક્તિ ની ચોટ પણ અહીં અભિવ્યક્તિ પામી છે.
- કવિ મનુ. વી. ઠાકોર 'મનન' નું ગીત ' કેમ કરી કાઢવી આ રાત્યું?' માં વિરહની વાત તળપદા શબ્દોમાં સુંદર રીતે ગૂંથાતી આવે છે. આ યુવાન સહેજ વધારે સાવધ રહી ગીતમાં કામ કરે તો સુંદર પરિણામ ભવિષ્યમાં મળે તેવી આશા તેમના આ ગીત પરથી બંધાય છે.
- કવિ નિલેશ સાટિયા ' મન 'ના ગીત 'કોણ કરે છે વાતું? માં સંવેદન અને અભિવ્યક્તિનું સુંદર આયોજન થયું છે. કવિને શુભેચ્છાઓ ...
- યોગીની ચાવડાની ' એક દબાયેલું ડૂસકું ' શીર્ષક ધરાવતી અછાંદસ રચનામાં નારીની વેદના, જે યુગોથી અવ્યક્ત રહેલી છે તેને પુરી સંયત છતાં કલાત્મક રીતે વ્યક્ત કરવામાં આવી છે. તેઓ ભવિષ્યમાં ઉત્તમ રચનાઓ આ માર્ગે જ આપશે તેવી આશા આ અછાંદસ કાવ્ય આપે છે.
- કુલદીપ કારિયાની ગઝલના શેર મનમાં વસી જાય તેવા છે. 'ખિસ્સા માં પડ્યું છે હમણાં સુધી, થયું બે મિનિટમાં મરણ આમતેમ' શેર તો યાદગાર બની રહેશે.
- નરેશ સોલંકી પણ એક સાદ્યંત સફળ ગઝલ આપે છે. કુલદીપ અને નરેશ બંને ગુજરાતી ગઝલને ઘણું ઘણું આપશે તેવી શ્રદ્ધા તેમની રચનાઓ પરથી જાગે છે.
- હાર્દિ ભટ્ટ ' યાજ્ઞસેની' રચનામાં દ્રૌપદીના ચીર હરણના પ્રસંગને સાંપ્રત સાથે લયબદ્ધ રીતે જોડે છે. પ્રવાહી લયમાં પાઠ થઈ શકે અને કવિતા વાંચવાનો સંતોષ પણ મળે તેવી તેમની રચના છે.
- અક્ષય દવે ની રચના 'ઊંઘ' એક જુદા પ્રકારની રચના છે. એમાં ઊંઘને પ્રત્યક્ષ કરાવવાનો કવિનો પ્રયત્ન છે. થોડી તાર્કિકતા અને રચનારીતિનું સંયોજન થયું હોત તો રચના વધુ સ્પર્શી જાત. જો કે અહીં અમૂર્ત એવી ઊંઘને મૂર્ત રૂપ આપવાનો કવિ નો પ્રયાસ રસપ્રદ તો છે જ ...
- અલ્પા વિરાશની વાર્તા ' તૂરી ' પાત્રાલેખન અને અંત ની દ્રષ્ટિ એ મને ગમી ગઈ. વાર્તાનો અંત અને વાર્તા મુકવાની સર્જકની રીત પણ વાર્તાને સફળ બનાવે છે.
- સંજય પટેલની 'દીકરીનું ઘર' વાર્તા પણ રચનારીતિ અને સંવેદનની રીતે આસ્વાદ્ય છે. ઘટના સંયોજનની કળા લેખકને હસ્તગત છે તેવું વાર્તામાંથી અનુભવાય છે. વાર્તાનો ક્રમશઃ થતો વિકાસ, નાથીબા નુ પાત્રાલેખન અને વાર્તાનો અંત સુંદર છે. શૈલી પણ વિષયને અનુરૂપ છે. વાર્તાકારને અભિનંદન.
- ' સ્વપ્ન સમી નદી' - ધારા હરસોરાના નિબંધમાંથી પસાર થતાં ગદ્યની પ્રવાહિતા અનુભવાય છે. સંગમ સ્થાને આવી નદી સાગરમાં સમાઈ જવાની એ નદી જાણે છે છતાં, નદી નો ધર્મ છે આગળ ને આગળ વહેવાનો.. પણ સંગમ સ્થાને એ નવોઢાનું રૂપ ધારણ કરે ત્યારે એના સપના નું શું? નદી અને સપના જોડાજોડ મૂકીને એક સરસ કૃતિ લેખિકા સર્જી શક્યા છે.
- અંતે સર્વે સર્જકોને અભિનંદન.
છેલ્લે, આપણી પરિષદ સુંદર પ્રવૃત્તિ કરે અને હું એમાં જોડાઈ એનાથી રૂડું બીજું શું?
આભાર.
-પ્રજ્ઞા વશી, સુરત
⇔
- ધર્મેશ ભટ્ટ, મુંબઈ
બકુલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા ત્યારે મુંબઈના કાંદિવલીમાં પરિષદનું અધિવેશન યોજાયું હતું. એ વખતે ‘દિવ્ય ભાસ્કર’ના સંવાદદાતા તરીકે અધિવેશનના કવરેજ ઉપરાંત બકુલભાઈની મુલાકાત પણ લીધી હતી. એ મુલાકાતનો મુખ્ય વિષય પરિષદની વેબ સાઈટ વિકસાવવાનો હતો. ત્યારપછી વેબ સાઈટ બની અને આજે રોગચાળાના લોકડાઉનના માહોલમાં વિશેષ સક્રિય બનીને ‘નોળવેલની મહેક’ નામે નવોદિતોને પ્રોત્સાહિત કરે છે એ નોંધપાત્ર બાબત છે. કેટલીક કૃતિઓ વિશે મારાં નિરીક્ષણો જણાવું છું
લેપટોપ કાઢીને જોઉં છું મારા ગામની તસવીર...
બાળપણની ગ્રામ્ય અનુભૂતિઓના સ્મરણો સાથે આરંભ અને શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને યાંત્રિકરણના ધસમસતા પ્રવાહમાં એ મુગ્ધ અનુભૂતિઓના લોકની વ્યથા વ્યક્ત કરવાનો તરૂણ મહેતાનો પ્રયત્ન નોંધપાત્ર છે.
બંધનના સ્પંદનો કાવ્ય બનતાં બનતાં ક્યાંક અટકે છે. પાયલ ધોળકિયા ફરી એ કૃતિ પર થોડું કામ કરે તો નિખાર આવી શકે.
જાતથી દૂર ઠેલવાની સુંદર વાત કરતા અર્પણ ક્રિસ્ટી રબર બનીને ખેંચાવાની વાત કરે ત્યારે ગઝલની શબ્દ રમતમાં પણ ખેંચાય છે. લોકપ્રિય કાવ્ય પ્રકારમાં આ રીતે કવિતા ખોવાય છે. એ ભયસ્થાન છે. ચેતજો મિત્ર.
સોનેટ રૂપે કાવ્ય પદાર્થને પામવાનો સપન પાઠકનો પ્રયત્ન પ્રશંસાપાત્ર છે. પ્રતિકો અને ભાવોના સંયોજન વિશે ફેર વિચાર કરો તો કૃતિ સક્ષમ બની શકે.
મનુ ઠાકોર રચિત 'નોંધારૂ જીવતર' અને નીલેશ સાટિયા રચિત 'કોણ કરે છે વાત્યુ?' સરસ ગીતો છે
યોગીની ચાવડા રચિત દબાયેલુ ડુસકું ટચુકડી દમદાર કૃતિ છે. જોકે એ રચના પર હજું થોડું કામ કરવું જોઈએ
કુલદીપ કારિયાનો દિવસ નામનો એક જણ છેલ્લી પંક્તિઓ માં આમતેમ થઈ જાય છે
નરેશ સોલંકીનો આદેશ પાળવા જેવો લાગતો નથી
જહાંગીરી ગર્દાબાદમાં કવિતા ખુલીને બહાર આવતી નથી
હાર્દિ ભટ્ટ રચિત યાજ્ઞસેની નોંધપાત્ર છે
સરરીયલ કાવ્ય ને પામવાનો અક્ષય દવેનો પ્રયત્ન પ્રશંસાપાત્ર છે. હાર્દિ અને અક્ષય આવતીકાલનો નોંધપાત્ર કાવ્ય ધ્વનિ છે
અલ્પા વિરાશ રચિત તૂરી વાર્તા રૂપે પૂરી બંધાઈ નથી. થોડી કચાશ છે
સંજય પટેલ રચિત વાર્તા દીકરીનું ઘર ટૂકી વાર્તા રૂપે નોંધ પાત્ર છે.
ધારા હરસોરા રચિત સ્વપ્ન સમી નદી સરસ લઘુ કથા છે
-ધર્મેશ ભટ્ટ, મુંબઈ