રિણાવર
- ચન્દ્રકાન્ત ટોપીવાળા
રિણાવર રેલતા આવોને રુમઝુમ વહાણમાં
ઊંચે તાકીને ઊભા ખડકો, ટેકરા
એને વાદળ વિહોણા તડકા આકરા
એણે વહેતા જોવાના નરદમ કાંકરા
રિણાવર રેલશો તો સોનું રળીશું ખાણમાં.
સૂકાં મોજાંઓ અહીં ખખડે છે પાછલાં
ઊની રેતમાં અહીં તરે છે માછલાં
ભીનાં સપને અહીં જઈ આવે છીપલાં
રિણાવર રેલશો તો પાણી ચઢશે પહાણમાં.
ભૂરા ઘૂઘવે ખાલીપા એક સામટા
ધોળા લૂણના ફરકાવે સો સો વાવટા
કાળા પડછાયા ઊડે છેક છાકટા
રિણાવર રેલો તો રાતાં લોહી ઝાણમાં.
(પક્ષીતીર્થ, ૧૯૮૮)
⇔