ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן
નિદાઘે
“અજગરનાં સ્વેદજળને પીવે કાચિંડો...”
-વિજય પંડ્યા
કોઈ કવિએ કહ્યું છે કે પોતે કોને વધુ ચાહે છે તે નક્કી કરી શકતો નથી : પ્રકૃતિ કે નારી ? પણ સંસ્કૃત કવિને પૂછીએ તો તે એક ક્ષણના પણ વિલંબ સિવાય કહેશે કે તે બન્ને તત્વોને દિલોજાનથી ચાહે છે. પ્રકૃતિને માનવરૂપે તો માનવને પ્રકૃતિના અંગ રૂપે, એમ કોઈ આંતરિક ચૈતન્યથી સંકળાયેલા આ બે પદાર્થોને સંસ્કૃત કવિ મોકળા મને આલેખે છે.
પ્રકૃતિના સર્વ રમણીય-ભીષણ (રમણીય પ્રધાન, ભીષણ અલ્પ) સ્વરૂપોનું નિરૂપણ કરતી કવિતાથી સંસ્કૃત સાહિત્ય દીપ્તમંત છે. પ્રબંધો (મહાકાવ્ય, નાટક, ગદ્યકાવ્ય ઈત્યાદિ)માં તો સંદર્ભોચિત ઋતુવર્ણન આવે જ. મહાકાવ્ય સ્વરૂપમાં તો ઋતુવર્ણન જાણે Mandatory - ફરજિયાત (नगरार्णवशैलर्तु . . . दण्डी, काव्यादर्श, १-१६) બની ગયું હતું. એટલે તેમાં ગ્રીષ્મવર્ણન પણ આવે. વળી પ્રાચીન સુભાષિતસંગ્રહોમાં પણ ઋતુઓનાં વર્ણનનાં પ્રકરણો રહેતાં, જેને સંસ્કૃતમાં ‘વ્રજ્યા’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષાના કદાચ સર્વોત્તમ એવા બૌદ્ધ સાધુ વિદ્યાકર દ્વારા સંગૃહિત “સુભાષિતરત્નકોશ”માં “ગ્રીષ્મવ્રજ્યા”- ગ્રીષ્મ ઋતુના વર્ણનનું પ્રકરણ આપણને પ્રાપ્ત થાય છે.
શૃંગારરસના પ્રેમી સંસ્કૃત કવિએ દેખીતી રીતે શૃંગારને પ્રમાણમાં ઓછા અનુકૂળ ગ્રીષ્મની ઉપેક્ષા નથી કરી. ગ્રીષ્મમાં પણ શૃંગારને શોધી કાઢવાની અને તેને આલેખવાની નિપુણતા તો કોઈ સંસ્કૃત કવિ પાસેથી શીખે. વળી, નિદાઘ કે ગ્રીષ્મ જેવા પ્રકૃતિના અંગના વર્ણનમાં પણ કવિ અનિવાર્ય એવા માનવસંદર્ભને વણી લે છે.
2
કવિકુલગુરુ કાલિદાસ ગ્રીષ્મના દિવસોને ‘પરિણામરમણીય’ કથે છે.
सुभगसलिलावगाहाः पाटलसंसर्गसुरभिवनवाताः ן
प्रच्छायसुलभनिद्रा दिवसाः परिणामरमणीयाः ןן
(અભિજ્ઞાનશાકુંતલમ ૧-૩)
અનુવાદ : જળમાં ડૂબકી મારવી ગમે, પાટલપુષ્પોના સંપર્કમાં આવી સુવાસિત બનેલો વાયુ વહે, છાંયડામાં ઝોકું મારી લેવાય, એવા ગ્રીષ્મના દિવસો આથમતાં રમણીય બને છે.
આ સુભાષિત, સ્પષ્ટ છે કે, પ્રબંધનું-નાટકનું છે અને કાલિદાસની ઉચ્ચ સર્જકતા આ સાદા દેખાતા સુભાષિતમાં પણ અછતી રહેતી નથી. કાલિદાસે જે રીતે આ સરળ સુભાષિતમાં માનવસંદર્ભ વણી લીધો છે તે અત્યંત કલાત્મક છે. આપણને એવી અનુભૂતિ થાય છે કે આ સુભાષિતની પાછળ કોઈક મનુષ્ય છે અને આ સુભાષિતમાં કથિત પ્રવૃતિઓને માણી રહ્યો છે. આ પ્રકારની કાલિદાસની વિશેષતા જ તેને સંસ્કૃતનો અને સર્વકાલીન ઉત્તમ કવિ ઠરાવે છે.
હવે આપણે ઉપર નોંધ્યું તેમ વિદ્યાકરના સુભાષિતરત્નકોષ (સુ.ર.કો.) ની ગ્રીષ્મવ્રજ્યામાંથી પણ સુભાષિતો આસ્વાદીએ. કોરોનાના ગ્રીષ્મકાળની દાહકતાને પણ સંસ્કૃત કવિ પોતાની આહ્લાદક કવિતાથી શીતળતા અર્પી શકે છે તેનું ઉદાહરણ આ પ્રસ્તુત સુભાષિતમાં છે.
3
विश्लेषो जनितः प्रियैरपि जनैरुज्जज्रुम्भितम् नालिकैर्
मित्रेणापि खरायितम् तरुणया दीर्घायितम् त्रुष्णया ן
गुर्वी वल्लभता जडैरधिगता दोषाकरः सेव्यते
हा कालः किमयम् कलिर्न हि न हि प्राप्तः स घर्मागमः ןן
(સુ.ર.કો ૧૯૧)
અનુવાદ : પ્રિયજનોથી વિયોગ થયો (ગરમીને કારણે આલિંગનમાંથી છૂટાં પડ્યાં), નાલીકો (ન + અલીક = જૂઠાણાં, કમળો) વધી ગયાં (ઉજ્જૃમ્ભિતં – વધી ગયાં, કમળો સાથે લેતાં ખીલી ઉઠ્યાં), મિત્ર (મિત્ર - દોસ્ત, સૂર્ય) ખર (વ્યવહારમાં કઠોર) બન્યો, (અને સૂર્ય સાથે લેતાં) કઠોર બન્યો, નાની અમથી તૃષ્ણા (તૃષ્ણા- ઈચ્છા, તરસ) પણ મોટી થતી ગઈ, જડો (મુર્ખાઓ, જળ)ની આસક્તિ વધી, દોષાકર (દોષાકર - દોષોનો સમૂહ, દોષા + આકર – દોષા-રાત્રિને બનાવનાર ચંદ્ર)નું સેવન થવા લાગ્યું.
અરે શું કલિ (કોરોના)કાળ આવી પહોચ્યો ? ના, ના, આ તો ઘર્મ-ગરમીનું આગમન થયું. શ્લેષ પર આધારિત આ મનોહર પદ્ય, સંસ્કૃત સાહિત્યની ઉત્તમ પરંપરામાં, આસ્વાદ્ય બને છે. ઘર્માંગમ અને કલિયુગનું આગમન એ બન્નેનાં લક્ષણો સમાન છે અને તેથી એ પરિસ્થિતિનો લાભ લઇ, શ્લેષનો આશ્રય લઇ, કવિએ આહલાદક પદ્ય સર્જ્યું છે. જેમાંનું ઘણા ભાગનું અનુવાદમાંથી સ્પષ્ટ થાય છે જ.
પ્રિયજનો છૂટાં પડી જાય, મિત્ર (દોસ્ત અને સૂર્ય) ખર-કઠોર બને, નાની અમથી તૃષ્ણા (તૃષ્ણા, તરસ) પણ વધતી જાય (“તરસ તો છીપતી જ નથી” એવા ઉદગારો આ સમયમાં સાંભળવા મળે), દોષાકરનું (દોષોનો સમૂહ અને દોષા-રાત્રિને આકર-બનાવનાર ચંદ્ર) સેવન થાય. અરે કોરોનાનો કલિયુગ આવ્યો કે શું ?
4
ના, ના, ગભરાવ નહીં, આ તો ધર્માગમ-ઘામ-ગરમીનું આગમન થયું છે, અને એટલે જગતમાં આવાં લક્ષણો દેખાવા લાગ્યાં છે.
આ પ્રમાણેની રચના હોય તો, સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં આને છેકાપહ્નુતિ નામનો અલંકાર કહેવાય છે. એક અર્થમાં રચના ચાલતી હોય અને છેવટે, સ્ટોરીમાં ટ્વિસ્ટની જેમ બીજા જ અર્થમાં મરોડ આવે.
‘પ્રજલ્પન્ મત્પદે લગ્નઃ, કાન્તઃ કિમ્, ન હિ નૂપુરઃ’ ן
અનુવાદ :
અવાજ કરતો મારા પગે લાગ્યો,
અરે શું તારા પ્રિયતમની વાત કરે છે ?
(વાસ્તવમાં તો નાયિકાને એ જ અર્થનું કહેવું અભિપ્રેત છે પણ હવે પોતાના એ આશયને છૂપાવવા અર્થને મરોડ આપીને પોતાની સખીને કહે છે.)
ના, ના, હું તો ઝાંઝરની વાત કરું છું.
એવું કંઈક આ ધર્મ-આગમ અંગેના સુભાષિતમાં બન્યું છે. આવા પ્રકારનાં પદ્યોનાં અનેક અર્થનાં વલયો હોય છે. વળી કવિએ શ્લેષનો આશ્રય લઈને માનવીય સંદર્ભ પણ કેવી કલાત્મક રીતે વણી લીધો છે !
બળબળતો નિદાઘ તો સ્વયંસ્પષ્ટ છે પણ કવિકર્મ એ દમનકારક નિદાઘને શાતાદાયક સમયમાં પરિવર્તિત કરે છે.
अत्युल्लसद् बिसरहस्ययुजा भुजेन
वक्त्रेण शारदसुधांशुसहोदरेण ן
पीयूषपोषसुभगेन च भासितेन
त्वम् चेत् प्रसीदसि म्रुगाक्षि कुतो निदाघः ןן
(લુડવિક્ સ્ટર્નબાખ સંપાદિત મહાસુભાષિતસંગ્રહ. ૭૦૮)
અનુવાદ :
તું જો,
ખીલતા કમળની દાંડીના રહસ્યને (શીતળતાને)
ધારણ કરતા હસ્તથી,
શરદઋતુના ચંદ્ર સાથે
સમાનતા ધરાવતા મુખથી,
અને અમૃત-ટપકતી મનોહર વાણીથી
મારા પર પ્રસન્ન હોય તો,
હે મૃગાક્ષિ, નિદાઘ ક્યાં છે ?
આ પદ્યમાં વ્યંજનાના ઢગલાઓ લપાએલા પડ્યા છે તે સહૃદય ભાવક તરત જ પામી શકશે.
નિદાઘની સર્વવ્યાપી દમનકારી અસરને નિરૂપતું એક પદ્ય પણ આપણે જોઈ લઈએ.
सर्वाशारुधि दग्धवीरुधि सदा सारंगबध्ध क्रुधि
क्षामक्ष्मारुहि मंदमुन्मधुलिहि स्वच्छंदकुन्दद्रुहि ן
सुष्यच्छ्रोतसि तप्तभूमिरजसि ज्वलायमानाम्भसि
जेष्ठ्ये मासि खरार्कतेजसि कथं पान्थः व्रजञ्जीवसि ןן
(સુ.ર.કો. ૧૯૪, બાણના નામે)
અનુવાદ : જયારે સર્વ દિશાઓને રુંધી નાખનાર, વેલીઓને બાળી નાખનાર, હરણ પર હંમેશા કૃદ્ધ રહેનાર, વૃક્ષોને કરમાવી દેનાર, ભમરાઓને વ્યથિત કરનાર, મોગરાની કળીઓને સ્વચ્છંદતાથી રોંદી નાખનાર, ઝરણાઓને સુકવી નાખનાર, ભૂમિની ધૂળને તપાવનાર, જળને ઊકળતું કરનાર, સૂર્ય કઠોરતાથી જ્યેષ્ઠ માસમાં ધીકતો હોય (હવે જેઠ માસનું આગમન થવામાં જ છે) ત્યારે હે પ્રવાસી, તું પ્રવાસ કરતાં કેવી રીતે જીવે છે ?
અહીં સંસ્કૃત ભાષાના બંધારણનો લાભ લઈને, કવિએ સમગ્ર પદ્યમાં સતિ સપ્તમીનો - જયારે આમ થયું એવો - પ્રયોગ કર્યો છે. એ રીતે નિદાઘના પ્રભાવની સમગ્રતાને અસરકારક રીતે આ પદ્યમાં નિરૂપી છે. વધુમાં આપણે અત્યાર સુધી ઉદ્ધૃત કરેલાં સર્વ સુભાષિતોને જોડતા “માનવસંદર્ભ”ના હૃદયસ્પર્શી સૂત્રનો પણ અનુભવ કરી શકાશે.
નિદાઘકાળમાં અરણ્યમાં સર્વ સ્થાને ફેલાતા દાવાનલનું પણ સંસ્કૃત સાહિત્યમાં નિરૂપણ જે તે કવિની સર્જકતાથી મંડિત આપણને મળે છે. પ્રકૃતિને ઘણી નજીકથી, ઝીણવટથી જેણે નિરીક્ષી છે તે કવિનું આ સુભાષિતમાં દાવાનલનું નિરૂપણ જુઓ.
कानि स्थानानि दग्धान्यतिशयगहनाः सन्ति के वा प्रदेशाः
किं वा शेषं वनस्य स्थितमिति पवनासंगविस्पष्टतेजाः ן
चण्डज्वालावलिढस्फुटिततरुलताग्रंथिमुक्ताट्टहासो
दावाग्निः शुष्कव्रुक्षे॑ शिखरिणि गहनेधितिष्ठतः पश्यतीव ןן
(સુભાષિતાવલિ -૧૭૧૭, ભીમ કરીને કોઈ કવિના નામે આ પદ્ય છે.)
અનુવાદ : કયાં સ્થાનો બાળી નાખ્યાં ? હવે કયા પ્રદેશોમાં ગાઢ અરણ્યો છે? બીજું કશું હવે બાળવાનું બાકી રહ્યું ? એમ પવનના સંપર્કથી જેની આંચ વધારે ચમકી રહી છે તે દાવાનલ પોતાની પ્રચંડ જ્વાલાઓથી ભરખી જતાં તડતડ ફૂટતાં વૃક્ષો અને વેલીઓના સાંધાઓથી અટ્ટહાસ્ય કરતો ગાઢ અરણ્યયુક્ત પર્વતની ટોચે સૂકા વૃક્ષ પર બેસીને જાણે ચકાસી રહ્યો છે.
સુભાષિતમાં છેલ્લી પંક્તિમાં જે સંદર્ભોચિત ઉત્પ્રેક્ષા (पश्यतीव) છે તે ઉચ્ચ પ્રકારની સર્જક્તામાંથી ઉદ્ભવી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં મહિનાઓ સુધી પ્રદીપ્ત રહેલા ભીષણ દાવાનલની ઝાંખી આ સુભાષિત કરાવે છે.
આપણે નિદાઘનાં કેવળ રમણીય, રમણીય-ભીષણ (ભીષણ પણ માનવસંદર્ભથી મૃદુ) સ્વરૂપો જોયાં. સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનું આલેખન કરતા કવિઓમાં ભવભૂતિ અગ્રસ્થાને વિરાજે છે. તેમની રચનામાંથી એકાદ અંશને માણીએ. (હા, ભીષણને પણ માણી શકાય) અને આ સુભાષિત-સ્યન્દિકાના લેખનો એક ખંડ પૂરો કરીએ.
ગ્રીષ્મના ઘામભર્યા મધ્યાહનને કવિ વર્ણવી રહ્યાં છે.
निष्कूजस्तिमिताः क्वचित्क्वचिदपि प्रोच्चण्डसत्त्वस्वनाः
स्वेच्छासुप्तगभीरभोगभुजगश्वासप्रदीप्ताग्नयः ן
सीमानःप्रदरोदरेषु विलसत्स्वल्पाम्भसो यास्वयं
त्रुष्यद्भिः प्रतिसूर्यकैरजगरस्वेदद्रवः पीयते. ןן
(ઉત્તરરામચરિત ૨-૧૬)
અનુવાદ : સીમાડાના પ્રદેશો - ક્યાંક કૂજન વગરના નિશ્ચલ, તો ક્યાંક વળી પ્રાણીઓની ભયંકર ગર્જનાઓવાળા છે. સ્વેચ્છાથી સૂતેલા ગભીર ફણાવાળા ભુજંગોના શ્વાસથી જેમનામાં અગ્નિ પ્રજવળી ઊઠયો છે અને જ્યાં ફાટની બખોલોમાં અતિ થોડું પાણી છે અને તરસ્યા કાચિંડાઓ વડે અજગરનો ઝરેલો આ પરસેવો પીવાય છે.
(અનુવાદ : ઉમાશંકર જોશી)
આ નિદાઘના ભીષણ (કોરોના)કાળમાં અજગરનો પ્રસ્વેદદ્રવ કાચિંડાની તરસ છીપાવે તે કવિએ નિરીક્ષેલી અને આલેખેલી ચેષ્ટા નવા સંકેત લઈને આવે છે.
(ક્રમશઃ)
•
લેખકનું સરનામું :
વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો,
બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪