સંસ્કૃત - બાણનું ‘હર્ષચરિત’માંનું નિદાઘવર્ણન – એક ગદ્યદેહી કવિતા
-વિજય પંડ્યા
સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિ અને પ્રાકૃતિક ઘટનાઓના વર્ણનની બે ત્રણ સરણીઓ પ્રચલિત છે. એક તો અતિપ્રચલિત આલંકારિક વર્ણન રીતિ. પ્રકૃત અને અપ્રકૃત ઘટનાઓનું સામ્ય દર્શાવવાનો ઉપક્રમ આ રીતિમાં રહેલો હોય છે. અને તેમાં અભિવ્યક્તિઓની નિરનિરાળી અસંખ્ય પધ્ધતિઓ અપનાવાતી હોય છે. પ્રકૃતિનું યથાતથ, વિવેક્પૂર્વક વિગતો ચૂટીને તાદ્રશ ચિત્ર ઉપસાવી આપવાની નેમ રાખતી બીજી રીત પણ સંસ્કૃત સાહિત્યમાં એટલી જ પ્રચલિત છે. સંસ્કૃત કવિઓ આ બન્ને પધ્ધતિઓને અલગ અલગ તે જ સંયુક્તપણે પ્રયોજીને પ્રકૃતિનાં રૂપો આલેખતા હોય છે. વળી કાલિદાસ જેવો કવિ પ્રકૃતિનાં સૌમ્ય રૂપોને આલેખવાનું વલણ ધરાવતો હોય છે. તો ભવભૂતિ જેવો નાટ્યકાર પ્રકૃતિનાં કરાલ રૂપોનું પણ ચિત્રણ કરે છે. કાલિદાસે ગ્રીષ્મની એક બપોરને આ રીતે ઝડપી છે.
‘ગરમીથી અકળાયેલો મોર વૃક્ષના ઠંડા ક્યારામાં બેસે છે,
કર્ણિકારની કળીઓને ઉપરથી ભેદીને ભમરો અંદર લપાય છે,
કારંડવ તપેલાં પાણીને ત્યજીને કિનારાની કમળવેલનું સેવન કરે છે,
ક્રીડાગૃહનો પાંજરાનો ત્રસ્ત પોપટ જળની યાચના કરે છે.’
(૨ – ૨. વિક્રમોર્વશીયમ્.)
કાલિદાસને સભ્ય જીવનની એક બપોરનું વર્ણન અભિપ્રેત છે, એ ક્યારો ‘ક્યારો’ અને ‘પાંજરું’ એ બે વિગતો દ્વારા જણાઈ આવે છે. આ ચાર વિગતોને ઝડપીને ગ્રીષ્મના મધ્યાહ્નનું વર્ણન કરીને બપોરને કાલિદાસે મમળાવી શકાય એવી બનાવી છે. આરણ્યકા પ્રકૃતિના કઠોર કે કરાલ રૂપને આલેખવા ભવભૂતિએ ઉપાડેલી ગ્રીષના ઘામની વિગતો ઉપરોક્ત વર્ણનો સાથે વિરોધવાની દૃષ્ટિએ નોંધપાત્ર છે:
‘જ્યાં સ્વેચ્છાએ સૂતેલા ગંભીરપણાવાળા ભુજંગોના શ્વાસથી અગ્નિઓ પ્રજ્વળી ઊઠ્યા છે,
ખડકની ફાટની બખોલોમાં ઘણું થોડું પાણી બચ્યું છે, અને
તરસ્યા કાચિંડાઓ જ્યાં અજગરના પરસેવાના દ્રવને પીએ છે.’
(૨ – ૧૬. ‘ઉત્તરરામચરિત’.)
ગરમીમાં સૂતેલા ભુજંગોના ઊંડા દીર્ઘ હીઇઇઇસ ઉછ્વાસો અને અલસ બનીને કોઈક ઝાડને વીંટળાઈને પડેલા અજગરો બરોબર ભવભૂતિને અભિપ્રેત કાન્તારના ભાગ બનીને આવે છે અને અરણ્યના નિદાઘની ઉષ્ણતાને પ્રસ્થાપિત કરે છે.
બાણ પણ ‘હર્ષચરિત’ના આવા પ્રસ્તુત દીર્ઘ ખંડમાં નિદાઘનું વર્ણન કરે છે. સંસ્કૃત સાહિત્યનું આ એક વિરલ વર્ણન છે. બાણ પ્રાચુર્યમાં રાચનારો કવિ છે અને એટલે બાણ જેનું આલેખન હાથ પર ધરે છે તેને વિશાળ પટ પર જ આલેખે છે, એકની જગ્યાએ અનેક વિગતો, તાદૄશ્યો કે ક્લ્પનો ખડકી દે છે. અને છતાં બાણ વિશે વિસ્મયકારક બાબત એ છે કે આ ખડકલામાં કે પટની વિશાલતામાં પોતાની સર્જનશીલતા તે ટકાવી શકે છે. સિધ્ધાયતન મંદિર, મહાશ્વેતા કે શાલ્મલિ વૃક્ષનાં દીર્ઘ વર્ણનો પણ બાણની ઊંચી સર્જકતાથી રસાયેલાં હોય છે. બાણની કવિતાએ ગદ્યદેહ ધારણ કર્યો હોવાથી કદાચ આમ બનતું હશે, પણ સાહિત્યને તો એકંદરે લાભ જ થયો છે. પ્ર્સ્તુત ગદ્યખંડ પણ મુખ્યત્વે અરણ્યના નિદાઘનું નિરૂપણ કરવા તાકે છે અને તેમાં પણ મુખ્યત્વે પવનો અને દાવાનળોનું વર્ણન કરતાં પહેલાં બાણ આરંભમાં ગ્રીષ્મની, તેની ગરમીની સર્વસામાન્ય અસરોને આલેખે છેઃ
‘સૂર્યનાં કિરણો પ્રખર બન્યાં,
શૈશવ ખંડિત થયું,
સરોવર સુકાવા લાગ્યાં,
પ્રવાહો ક્ષીણ બન્યા,
ઝરણાંઓ મન્દ પડ્યાં,
તમરાંઓનો અવાજ થવા લાગ્યો,
ગભરુ ક્પોતોના સતત ઘૂ ઘૂ અવાજથી જગત
બહેરું બનવા લાગ્યું,
પક્ષીઓ હાંફવા લાગ્યાં,
પવન ઊકરડા ફેંદવા લાગ્યો,
વેલીઓ વિરલ બની.’
પ્રારંભનું આ આલેખન જાદુઈ અસર કરનારું બને છે. બાણ પર ક્લિષ્ટ ગદ્ય લખવાનો, દીર્ઘ સમાસપ્રચૂર વાક્યપુંજો પ્રયોજવાનો આરોપ એકેથી વધુ વાર મુકાયો છે. પણ બાણ વિષયાનુસારી ટૂંકાં ટૂંકાં સરળ અન્વયવાળાં વાક્યો પણ રચી શકે છે. બાણમાં વાક્યરચનાઓનું વૈવિધ્ય તો અનંત છે અને બાણ સંપ્રજ્ઞતાપૂર્વક પોતાના આ પ્રભુત્વને યોજે શકે છે. ઉપરોક્ત ગદ્યખંડમાં અર્થાનુસારી વાક્યવિન્યાસ થયેલો જણાશે. કવિએ આવનારાં ઘણાં વાક્યો સુધી સતિસપ્તમીનો પ્રયોગ કરીને ‘આમ થવા લાગ્યું, બનવા માંડ્યું’-નો અર્થ ઉપજાવ્યો છે જે સંસ્કૃત ભાષાના બંધારણને સુલભ છે. સતિસપ્તમીના પ્રયોગથી આ બધું ક્રમશઃ ‘બનવા માંડ્યું, સૂર્યની ઉષ્ણતાની પ્રખરતાની માત્રા વધતી ગઈ, વધતી ગઈ’ એવો અર્થસમગ્ર ઊભો થાય છે. કોઈ પણ પ્રકારના અલંકરણોનો આશ્રય લીધા સિવાય બાણે નિદાઘની ઉષ્ણતાની વધતી જતી તીવ્રતાને કેટલીક ઝીણી ઝીણી વીગતો દ્વારા કલાત્મકતાથી દર્શાવી છે. પહેલા જ વાક્યખંડ खरखगमयूखेમાં ख જેવા કઠોર વર્ણનો ત્રણ વાર ઉપયોગ કરીને સૂર્યનાં કિરણોની કઠોરતાને સ્થાપિત કરી છે. આ નાનું વાક્ય પણ સર્જકતાથી પ્રેરાયેલું છે. બીજા વાક્ય खण्डितशैशवे – શૈશવ ખંડિત થયું, પૂરું થયું – માં પણ, શૈશવની સાથે કુમાશ, કૂંણાપણું, મૃદુતા વગેરે જે ગુણો સંકળાયેલા છે તેનો લાભ ‘શૈશવ’ શબ્દપ્રયોગને મળે છે અને વાક્ય metonymic બને છે. આમ આરંભના ટૂંકાં છ વાક્યો સુધી ગરમીની અસર સર્શાવ્યા પછી આવતું થોડુંક લાંબું વાક્ય ‘ગભરુ કપોતોનાં સતત ઘૂ ઘૂ અવાજથી જગત બહેરું બનવા લાગ્યું’ વિષય અને રચના બન્ને દૄષ્ટિએ કલાત્મક બને છે. ઉનાળામાં કબૂતરોનો સતત ઘૂ ઘૂ અવાજ બપોરની ચારે બાજુ ફેલાયેલી શાંતિને શબલિત કરતો હોય છે, અને પરિણામે જગત બઘિર બનેલું જણાય છે કારણ કે સંભળાય તો સામો કશોક પ્રતિસાદ દે ને? ‘પવનનું ઊકરડાને ફેંદવું’ એ વિગત પણ બાણની નિરીક્ષણશક્તિની પરિચાયક છે.
‘લોહી માટે લાલચુ સિંહબાળ ખીલેલા ધાતકી પુષ્પગુચ્છને ચટવા લાગ્યાં,
અકળાયેલા હાથીઓનું ઝુંડ સૂંઢના પાણીના છંટકાવથી પર્વત ઢોળાવોને આર્દ્ર કરવા લાગ્યું,
પિડાતા હાથીઓના ક્ષીણ મદજળની સુકાયેલી શ્યામ રેખામાં ભમરાઓ લીન અને મૂક બનવા લગ્યા,
રાતાં મંદાર વૃક્ષે સીમાઓ સિન્દૂરવર્ણી બનવા લાગી,
જળપ્રવાહોના સંદેહથી ભ્રમમાં પડેલા મોટા પાડાઓ, શીંગડાંઓની અણીઓથી ખતરોળીને
સ્ફટિકનાં પથ્થરોને તોડવા લાગ્યા,
વેલીઓ મર્મર અવાજ કરવા લાગી,
તપેલી રેતીની કુશકીમાં વિકિર પક્ષીઓ વ્યાકુળ બન્યાં,
શેળાઓએ બખોલોનો આશ્રય લેવા માંડ્યો, કિનારા પરના અર્જુન વૃક્ષ પરનાં
ક્રૌંચ પક્ષીઓના કૂજનથી અને ગરમીથી તરફડતી, ચત્તી પડેલી માછલીઓથી કાદવ
જેમાં બચ્યો છે તેવાં ખાબોચિયાંનાં પાણી કાબરચીતરાં બનવા માંડ્યાં,
દાવાનળથી જગતની આરતી ઉતારાવા લાગી,
રાત્રીઓને રાજરોગ લાગુ પડ્યો,
નિદાઘસમય આ રીતે કઠોર બનવા લાગ્યો ત્યારે . . .’
અહીં સુધી નિદાઘની સર્વસામાન્ય અસરોને કવિએ નિરૂપી છે. અંત્યંત સાદી, પરિચિત વિગતો દ્વારા લગભગ ટૂંકાં વાક્યોમાં કવિએ ગ્રીષ્મકાળને આલેખ્યો છે. પશુઓ, પક્ષીઓ, તેમ જ વનસ્પતિવિષયક વિગતોને કવિએ રજૂ કરી છે, તેમના પર થયેલી અસરને કવિએ નિરૂપી છે, ક્યાંય કવિએ અલંકાર પ્રયોજ્યો નથી અને તેથી નિદાઘના નિરૂપણમાં બિનંગતતા આવી છે, એ ગ્રીષ્મના નિરુપ્યમાણ દાહને પરિપોષક છે. આમ બન્યું હોવાથી ઉષ્ણતાના દંશને ભાવક તીવ્રપણે અનુભવી શકે છે. दावजनितजगन्निराजने – દાવાનળથી જગતની આરતી ઉતારાવા લાગે – જેવું સંક્ષિપ્ત વાક્ય નિદાઘના દવને વિરાટ પટ પર આલેખી શકે છે. તીક્ષ્ણ, રઝળતા, બળબળતા નિદાઘના સર્વવ્યાપીપણાનું એક ભવ્ય (સબ્લાઈમ) ચિત્ર આ નાનકડું વાક્ય આંકી દે છે. ઉચ્ચ કોટિની સર્જકચેતનામાંથી આવાં વાક્યો સર્જાતાં હોય છે.
(અનુનય, ૨૦૧૮ -માંથી સાભાર.)
વિજય પંડ્યા
ઉપનિષદ, 11એ,
ન્યૂ રંગસાગર સોસાયટી,
સરકારી ટ્યૂબવેલ પાસે,
બોપલ, અમદાવાદ 380058
(મો.) 98980 59404