ગાથા સતસઈ
– રાજેન્દ્ર નાણાવટી
ઘાવ થકી ખરબચડી મુખિયાના છોરાની છાતીએ
વહુ કષ્ટે નિંદારાય, ગામ વળી સુખે સૂતું છે. ૩૧
માર્ગ સંભાવિતોનો સુભગ નભાવી જાણ્યો કેવળ તેં,
હૃદયે કૈં, વચને કૈં - એ તો ખરે અવ લોકતણો. ૩૨
ઉના નિસાસા નાખી ક્યમ મુજ પરાડ્મુખીના શયનાર્ધે
હૃદય બાળીને પાછો અનુતાપે પીઠ સળગાવે? ૩૩
વધુ વાંચો (નીચે)....
રાજેન્દ્ર નાણાવટીઃ
આપણા વિદ્યાજગતનો એક અનોખો હિમગિરિ.
- સિતાંશુ યશશ્ચંદ્ર
ઇ. 1950 થી 1970નાં બે દશકોના ગાળામાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી અને સંસ્ક્રુત લઈને બી.એ.-એમ.એ. કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં નામોની યાદી બનાવો તો ગુજરાતી સાહિત્યનું એક ‘હુ’ઝ હુ’ બની જાય. રાજેન્દ્ર નાણાવટીનું નામ એમાં શોભી ઊઠે અને સ્નેહ ઉપજાવે એવું છે.
રાજેન્દ્ર નાણાવટીનો મુખ્ય વિષય સંસ્ક્રુત. એ મારાથી બે વરસ મોટા. તો પણ એમને ‘રાજેન્દ્ર, તું’ એવી રીતે, એકવચનમાં, હું બોલાવતો. કૉલેજકાળથી જ નાના-મોટા સહાધ્યાયીઓના, સહકર્મીઓનાં મનમાં ઊંડો આદર ઉપજાવવાની સાથે જ ભારે હેત જગાડવાની રાજેન્દ્ર નાણાવટીની સહજ શક્તિનો એ સ્નેહપૂર્ણ તુંકારમાં એક અણસાર હતો. હેતની વાત એટલી. આદરની વાત એક તુલના વડે કહું.
મુંબઈની સેઇન્ટ ઝેવિયર્સ કૉલેજના અમારા એક સમર્થ અને વિખ્યાત પુરોગામી વિદ્યાર્થી તે ચંદ્રકાન્ત ટોપીવાળા. એ તો રાજેન્દ્રથી યે ત્રણ વર્ષ મોટા. મારો અને ટોપીવાળાસાહેબનો પરિચય, જો કે, ઝેવિયર્સ કૉલેજનો નહીં. એમનું એમ.એ. પૂરું થયા પછી મારું બી.એ. શરુ થયું. એમના દાહોદના જાજરમાન (જાજ્વલ્યમાન) વરસોથી અમારો પરિચય શરુ થયો. અને, અહો બત કિમ્ આશ્ચર્યંમ્, એમને ‘ચન્દ્ર, તું’ એવું દ્વિગુણિત-એક વચની સંબોધન હું ત્યારથી કરવા લાગ્યો. હવે, જોવા જેવું એ છે કે મારા નામકોષમાં ‘ચંદ્રકાન્ત’નું ‘ચંદ્ર’ થયું, પણ ‘રાજેન્દ્ર’નું ‘રાજુ’ ન થયું. એ સંબોધન તો ‘રાજેન્દ્ર, તું’ એવું જ આજીવન રહ્યુ. એવું કેમ, એ સવાલ કોઈને જરૂર થાય.
એક કોલેજના ત્રણ વિદ્યાર્થીની આ વાત, પ્રો. ડૉ. રાજેન્દ્ર નાણાવટીને અપાતી આ સ્મરણાંજલિની શરુઆતે જ સકારણ કરી છે. એ વાત સૂચવે છે કે એ રાજેન્દ્ર મિત્ર મટ્યા વિના ગુરુ થઈ શકતા હતા અને ગુરુકર્મ અટકાવ્યા વિના એ અમારો દોસ્ત પણ થઈ શકતો હતો. ભારતના ઉત્તમ સંસ્ક્રુત અને પ્રક્રુત ભાષા-સાહિત્યના, પ્રાચ્યવિદ્યાના વિદ્વાનોમાં જેમની ગણના થાય છે એવા પ્રો. ડો. રાજેન્દ્ર નાણાવટીના વિદ્યા-વ્યક્તિત્વની સમગ્રતાનું આ એક મર્મસ્થાન છે. એમનું ગુરુપણાના ભાર વિનાનું ગુરુત્વ, એમનો દોસ્તાના ઇલ્મ, એમના વ્યક્તિત્વને વિરલ અને અવિસ્મરણીય બનાવે છે.
*
(આગળ)
ટોપીવાળા સાહેબ, ભલે મારાથી વયમાં અને બીજી ઘણી રીતે મોટા, પણ એઓ મારા ગુરુ હોય, એવો ભાવ ક્યારેય થયો નથી. પણ રાજેન્દ્ર નાણાવટી ગુરુ હોય એવો ભાવ સાદ્યન્ત થયો. (છેલ્લાં વરસોમાં, જ્યારે એ રાજ્યાશ્રય અને ધર્માશ્રય તરફ જરા ઢળ્યા ત્યારે મત્યેન્દ્રનાથ પ્રત્યે ગોરક્ષનાથને થાય એવો!). સાહિત્યનો અભ્યાસ કરવાનાં વરસો (1961-1965) દરમ્યાન, અને એ પછી આ છેક ગઈ કાલ સુધી એ તેજસ્વી મિત્ર-ગુરુ પાસે હું ઘણું શીખ્યો છું. ઝેવિયર્સમાં એમની પાસે જ બાણભટ્ટની ‘કાદંબરી’ ભણ્યો. એમની ઉંમર ત્યારે 25નીયે નહીં. પણ બાણભટ્ટનાં પ્રલંબ વાક્યોની સશસ્ત્ર સેના અમ જુનિયરો ઉપર તૂટી પડે ત્યારે એ રાજરાજેન્દ્ર અમારા પ્રતિપાળ બને. ટચુકડા દ્વિગૂથી તત્પુરુષ અને કર્મધારય સહિત છેક પ્રલંબ બહુવ્રીહિ સુધી વિસ્તરતા સમાસોથી સભર એવા બાણભટ્ટના ગદ્યના એ બધા આક્રમક (ક્યારેક તો આતંકવાદી લાગે એવા) સમાસોનો, એક મહાન રાજનૈતિક સંધિવિગ્રાહક જેમ, એ યુવા છતાં વત્સલ ગુરુ શાન્તિપૂર્વક વિગ્રહ કરી બતાડતા અને કૉલેજનાં છ માસિક અને વાર્ષિક વિદ્યાવિશ્વયુધ્ધોની પૂર્વસંધ્યાઓએ અમારું રક્ષણ કરતા. અમારાં એ ઉદ્યોગપર્વોનાં ઠામઠેકાણાં તે એ ઝેવિયર્સ કૉલેજનો અનુપમ સુંદર ક્વોડ્રેન્ગલ કે સ્પૅનિશ સ્વોર્ડ ફાઈટના મ્યુરલવાળી એની સાદીસીધી કેન્ટીન. એટલે, અમારા એ ‘રાજેન્દ્ર’ ક્યારે પણ ‘રાજુ’ ન બન્યા છતાં એ બીજો પુરુષ અમારે માટે એકવચની બની રહ્યો. અને એમને માટેનું અમારું આજીવન સ્નેહાદારભર્યું સંબોધન બન્યુઃ ‘રાજેન્દ્ર, તું’.
*
આ નિવાપાંજલિ લેખની શરૂઆત, એટલે જ, ‘રાજેન્દ્ર, તું આમ વહેલો ચાલ્યો ગયો, પાર્ટીમાંથી, એ ઠીક ન કર્યું,’ એવી ફરિયાદ (હવે એ તો છે નહીં, એટલે) ટોપીવાળાસાહેબ પાસે કરવાનું મન થાય છે. (જો કે એ હવે જેટલા ‘ચન્દ્ર’ એટલા જ ‘ટોપીવાળાસાહેબ’ પણ થયા છે, એટલે જરા ડર લાગે છે!) તો પણ કહેવાનું મન થાય છે કે ‘રાજેન્દ્ર, તું હજી હોત તો કેવી મઝા આવત! ને આજની યે કેટલીક નવી નવી પરીક્ષાઓ વખતે કેટલાક યુદ્ધખોર સમાસોની ગૂંચો ઉકેલી આપત.’ પણ એ તો બધા દ્વંદ્વ છોડી, પેલા તત્પુરુષ સાથે ક્યાંક ચાલ્યો ગયો લાગે છે! એના આ વિદ્યાર્થીને એકલું લાગે છે. કોને કહેવું?! એટલે સહુને આ કહ્યું.
*
અમે સહુ એક જોતાં મુંબઈના માણસો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થીઓ. વિશાળ આઝાદ મેદાનની સામે, લીલાંછમ વૃક્ષોથી ખીચોખીચ પોતાના નાનકડા બાગની પાછળ, કાળા, ભારે પથ્થરોનું બનેલું, ગોથિક (અને કોલોનિયલ) શૈલીના સુડોળ સ્થાપત્યવાળું એની ઇમારત આજે યે અડીખમ ઊભી છે, મુંબઈમાં અને અમારાં મનમાં. એની સારી એવી પહોળી કોરિડોરો અને મોટ્ટા ક્લાસ રૂમોમાં અમારાં ઘડતર થયાં. પાદરી પ્રોફેસરો, બીજા પણ. અમે સહુ પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબના પ્રિય વિદ્યાર્થીઓ. પ્રકાશભાઈ મહેતા, મધુસૂદન કાપડિયા, જયંત પારેખ, સુરેશ દલાલ, હરીશ ઝવેરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રાજેન્દ્ર નાણાવટી, દીપક મહેતા. દિવાળી-બેસતા વરસે ઝાલાસાહેબના ઘેર, ગ્રાન્ટરોડ સ્ટેશન પાસે, પાર્વતી મેન્શનમાં, આમાંના કેટલાક ભેગા મળે. અમારા દોરમાં, 1955થી 65ના દશકમાં, એ મંડળીમાં (હવે તો જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, અગ્રણી ઇન્ડોલોજિસ્ટ અને ભારતીય કલાના જ્ઞાતા ગણાય છે, એ) જ્યોતીન્દ્ર જૈન, (હિંદી સાહિત્યનાં એક બહુમાન્ય લેખિકા અને નારીવિમર્ષનાં અગ્રણી વિચારક બન્યાં, એ – હવે સ્વ. – એવાં જ્યોત્સ્ના ‘મિલન’, હાથના કાંડા પર નાનો રૂમાલ બાંધીને આવતાં (નેશનલ બુક ટ્રસ્ટનાં ચીફ એડિટર અને ડાયરેક્ટર બન્યાં એ,) વર્ષા મહેતા (હવે દાસ), બધાં અમારા ઝાલાસાહેબનાં આશિષ લેવા બેસતા વરસે સવારે ત્યાં આવે.
એમાંના બે, રાજેન્દ્ર નાણાવટી અને દીપક મહેતાનાં નિવાસસ્થાનો પણ મારી નજીકમાં અને વયમાં પણ નજીક. હું સિક્કાનગરમાં રહું, થોડે જ દૂર સી પી ટેન્ક પર રાજેન્દ્ર, થોડે જ દૂર ગીરગામના વજેરામ બિલ્ડિન્ગમાં દીપકભાઈ. દીપકભાઈના ઘરની અગાસી (મુંબઈમાં પોતાની અગાસી એટલે વૈભવ વૈભવ, દીપકભાઈનાં માતુશ્રીના વાત્સલ્યનો વૈભવ એમાં ઉમેરાય, અને) અમને મિત્રોને એ નાનકડી અગાસીમાં ભરપૂર ચા-નાસ્તો મળે. રાજેન્દ્ર, દીપકભાઈ અને હું, એ ત્રિપુટીએ એ અગાસી બેસીને બહુ મઝા કરી છે.
*
રાજેન્દ્રના પિતાજી, ઈશ્વરલાલભાઈ. અસલ સુરતી આનંદમૂર્તિ અને દીકરા પર અપાર વહાલ અને એની સિદ્ધિઓ માટે એ વત્સલ પિતાને ભરપૂર ગૌરવ. રાજેન્દ્રના જીવનની એ શીળી છાંયડી હતા. પાછલાં વરસોમાં દીકરાનાં વડોદરાનાં ઘરમાં, જૂના પાદરા રોડની રાજલક્ષ્મી સોસાયટીમાં, રાજેન્દ્ર-લતાબહેન-એષાની સાથે જ એ રહેતા. અંતિમ વર્ષોમાં ક્ષીણકાય પિતાને એમનો પ્યારો પુત્ર પોતાના બે મજબૂત હાથોમાં ઊંચકી લઈને સોફામાંથી ડાઈનિંગ ટેબલ પર અને બેડરૂમમાં લઈ જતો ત્યારે બન્નેના ચહેરા પર જે નર્યો નીતર્યો આનંદ પ્રગટતો, અને લતાબહેનની નજરમાં એ દૃષ્ય માટે હેત, એ દૃષ્ય અનેક વાર જોયું છે.
અગાઉ, મુંબઈનાં વરસોમાં ઈશ્વરલાલભાઈનું નાનકડું પ્રિન્ટિંગ પ્રેસ ફોર્ટ વિસ્તારમાં હતું. ઝેવિયર્સ કૉલેજના વાર્ષિક રસોત્સવનું બ્રોશ’ર છપાવવા માટે રાજેન્દ્ર અને હું ત્યાં જઈએ ત્યારે અમને બાજુની નાની પણ જાણીતી હૉટેલની ફાંકડી કોફી અચૂક મળતી. અમે જરૂર કરતાં વધારે પ્રૂફો જોવા ત્યાં વારંવાર જતા! ઈશ્વરલાલભાઈ સમજી જતા ને કૉફી પીવડાતા.
એ પિતા-પુત્રની સંયુક્ત છબી આલેખ્યા વિના રાજેન્દ્રનું જીવનચિત્ર અધૂરું આલેખાયું રહે.
*
સેન્ટ ઝેવિયર્સ કૉલેજનાં વરસોમાં રાજેન્દ્ર નાણાવટી બહુ પ્રોમિસિંગ પોએટ હતા. ‘ચન્દ્રકાન્ત ટોપીવાળા હાજર છે’, એ અનોખા પુસ્તકમાં ટોપીવાળસહેબે પોતાની અજોડ કલમે રાજેન્દ્રનું હેત અને શોકથી સભર સભર એક અલગ રેખાચિત્ર આલેખ્યું છે. એમાં નોંધ્યું છે તેમ આંતર કૉલેજ કાવ્ય સ્પર્ધામાં એક વર્ષે ચં.ટો.ની કવિતા પ્રથમ અને રા.ના.ની બીજું પારિતોષક મેળવી ગઈ હતી તો વળતે વરસે એ ક્રમ ઉલટાયો હતો. મનસુખલાલ ઝવેરીની કવિતા અંગેની જે કંઈ સમજણ હતી, એનો ભારે પ્રભાવ ત્યારે આ સહુ કવિઓ પર હતો. પછી ચન્દ્રકાન્તની કવિતા આમૂલ બદલાઈ અને નવમા દશકમાં ગુજરાતી કવિતામાં નવી પહેલ પાડનારી બની. રાજેન્દ્ર કવિ લેખે જાણે અપ્રગટ થઈ ગયા.
રાજેન્દ્ર નાણાવટી જેવા હોનહાર કવિ હતા એવા જ અપાર શક્યતાથી સભર રંગકર્મી પણ હતા. ઝેવિયર્સ કૉલેજની સામે, ‘રંગભવન’ નામે ઓપન એ’ર થિયેટર હતું, એમાં દર વર્ષે સંસ્કૃત નાટકોની સ્પર્ધા થતી, ખરેખરાં સંસ્કૃત નાટકો, કાલિદાસ-ભાસ-શૂદ્રકાદિનાં, ને તે યે મૂળ સંસ્કૃતમાં, ને આખું રંગભવન ભરીને એ જોવા માટે મુંબઈગરા આવતા ને થોડાક પૂણે-બડૌદાથી યે! એ સમયે મારા જેવા જુનિયરો, જેમાં જ્યોતીન્દ્ર જૈન અને જ્યોતીન્દ્ર દવે (હવે દિલ્હીના ભવ્ય સ્વામિનારાયણ મંદિરના અગ્રણી વ્યવસ્થાપક) પણ હતા, એવા સર્વ જુનિયરો વિસ્ફારિત નેત્રે અને ધાક ખાધેલા શ્રવણે – કેમ કે સંસ્કૃત સંવાદો અમને તો વચ્ચેવચ્ચે જ સમજાય – અને ભારે ગર્વપૂર્વક અમારા રાજેન્દ્ર નાણાવટીની એન્ટ્રીઓ જોતા અને સુદીર્ઘ સામુદાયિક તાળીઓ પાડતા. એલ્ફિન્સ્ટન કૉલેજમાં ત્યારે અતિસુંદર સોનલ પકવાસા (હવે માનસિંગ) ભણતાં હતાં તે છતાં એ કૉલેજ દ્વારા રજૂ થતાં નાટકોમાં ખુદવફાઈ જાળવીને હૂટિંગ કરી લેતાં. આ છેલ્લી વાત અમારી, અમારા મિત્ર-ગુરુ રાજેન્દ્ર નાણાવટી માટેની સાચી દોસ્તીનો અકાટ્ય પુરાવો ગણાય.
રાજેન્દ્રનો અવાજ ઘેરો અને ઘૂંટાયેલો. મુખછબિ ધારદાર રીતે આકર્ષક. શરીર એકવડિયું, કસાયેલું. રંગ થોડો શામળો. યુવતીજનો માટે આકર્ષક સામગ્રી.
વળી ગીતો પણ સરસ ગાય. અમારા કૉલેજ કાળમાં તો, મોડી સાંજે ત્યારની સબર્બન ટ્રેઈનના ભીડભાડ વગરના ડબ્બામાં થોડા દોસ્તો ક્યાંકથી ગ્રાન્ટરોડ, ચર્નીરોડ પાછા ફરતા હોઈએ ત્યારે, પાર્લાથી મહાલક્ષ્મી સુધી રાજેન્દ્ર હિંદી ફિલ્મોના પ્રેમગીતો લલકારે. હજી એનો તોફાની અવાજ સાંભળી શકું છુઃ ‘મેરા શ્યામ રંગ લૈ લે!’ . . . કિશોરીઓના ચિત્તની હલચલ એ આબાદ સમજી શકતો અને ગાતી વખતે સૂચવી શકતો!
ટૂંકમાં, રાજેન્દ્ર નાણાવટી સંસ્ક્રુત અને પ્રાક્રુત, બન્નેના તલાવગાહી અને રસજ્ઞ વિદ્વાન; સંસ્ક્રુતિ અને પ્રક્રુતિ, બન્નેના મર્મજ્ઞ.
*
કવિવર રાજેન્દ્ર શાહનું લિપિની પ્રિન્ટિંગ પ્રેસ અને એમાં 1950થી 197૦નાં વર્ષોમાં ચાલતી ‘કવિલોક’-ની નિયમિત અઠવાડિક બેઠકો, તે અમારી બીજી કૉલેજ, કાવ્યશાળા. દીપકભાઈના (અમે નાગરી શિસ્તથી એકબીજાને માનાર્થે બહુવચનમાં બોલાવીએ) ઘરની લગભગ સામે એ જગ્યા, ઓગણીસમી સદીના મરાઠી શ્રેષ્ઠિ શંકરશેટની જૂની હવેલીના પાછલા કમ્પાઉંડમાં હતી. દિલીપ ઝવેરી, ઝેવિયર્સના વિજ્ઞાનના વિદ્યાર્થી, પછી ડૉક્ટર, એ મને ત્યાં લઈ ગયા. રાજેન્દ્ર, દીપકભાઈ પહેલેથી આવતા. જયંત પારેખ, પ્રદ્યુમ્ન તન્ના, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે – અને અલબત્ત રાજેન્દ્ર શાહ. ત્યાં સહુ પોતપોતાની રીતે કવિશિક્ષા પામ્યા.
રાજેન્દ્ર નાણાવટી એ ‘કવિલોક’-ના પૂરા નિવાસી ન બની શક્યા. રાજેન્દ્ર શાહની કવિતાને પૂરી પામી ન શકનારા એમના પુરોગામી વિવેચક-કવિઓમાં મનસુખલાલ ઝવેરીનું નામ આગળ એટલા માટે મૂકવું પડે કે એમની ઘાક એ જમાનાના મુંબઈમાં ભારે હતી. સેઇન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિભાગના એ અધ્યક્ષ બોમ્બે યુનિવર્સિટી અને મહારાષ્ટ્ર એસ.એસ.સી. બોર્ડના ગુજરાતી પાઠ્ય પુસ્તકો અંગેની સમતિના એ વગદાર સભ્ય. પછીથી એ પોરબંદર અને કલકત્તા ત્યાંની કૉલેજોના પ્રિંસિપાલ તરીકે ગયા. જરા રૂપકાત્મક રીતે કહું તો પ્રો. મનસુખલાલ ઝવેરી જો પોરબંદર અને કલકત્તા વહેલા ગયા હોત તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી થોડાક વધારે કાવ્યસાહસક્ષમ કવિઓ મળ્યા હોત, એમ લાગે છે! અલબત્ત, કોઈ એક વ્યક્તિનો પ્રભાવ અંતે તો મર્યાદિત હોવાનો (વિધેયે અને નિષેધે), પણ ઊગતી યુવાનીમાં કેટલાંક પરિબળો અપ્રમાણ પરિણામકારી બને છે.
રાજેન્દ્ર શાહ, ગૌરીપ્રસાદ ઝાલા અને રામપ્રસાદ બક્ષી, એ ત્રણ ગુરુજનો પ્રત્યેનો અને અમૃતલાલ યાજ્ઞિક અને ગુલાબદાસ બ્રોકર, એ બે વાત્સલ્યભર્યા વડીલો પ્રત્યેનો જે ઊંડો સ્નેહાદરભાવ અનુભવું છું, એનાં કારણ કેવળ વ્યક્તિગત નથી, વ્યાપક, સંસ્ક્રુતિપરક છે. પોતપોતાની રીતે એ દરેક વ્યક્તિએ, એ સમયની સાહસિક, પ્રયોગશીલ અને વૈશ્વિક સંદર્ભોવાળી ગુજરાતી સાહિત્યિક સર્જકતાને આવકારી હતી, એને યથાશક્ય રક્ષણ અને પોષણ આબ્યું હતું. બીજી તરફ રચનાકુશળ પણ સાહસભીરુ લેખનને પોષનારાં પરિબળો જેમ અમદાવાદમાં તેમ મુંબઈમાં પણ સત્તાસ્થાને હતાં. એ ગાળાનાં શાળા-કોલેજોનાં પાઠ્યપુસ્તકોનો જો અભ્યાસ કરવામાં આવે તો પ્રિ. રમણ વકીલ અને એમનાં પત્ની પુષ્પાબહેન વકીલ, શ્રીમતિ મધુરીબહેન શાહ આદિનાં કાચાંપાકાં લખાણોને એ પાઠય્પુસ્તકોમાં સ્થાન મળેલું જોવા મળશે. ત્યારે એ ત્રણે સહિત પ્રો. મનસુખલાલ ઝવેરી, પ્રો. સુરેશ દલાલ આદિનાં બનેલાં સંપાદક મંડળોની કામગીરી અંગે પણ પ્રશ્નો ઊભા થાય.
મુંબઈના એક ‘પ્રોમિસિંગ પોએટ’ રૂપે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થી તરીકેના વર્ષોમાં પ્રગટનારા યુવાકવિ રાજેન્દ્ર નાણાવટીનો કવિ લેખે વિકાસ જો ન થયો હોય તો એ ઘટનાને સ્સ્મજવા માટે એમની આસપાસનાં આવાં પરિબળોને એ કઈ રીતે સમજતા અને સ્વીકારતા/પડકારતા હતા, એની તપાસ કામ લાગે.
બીજું, રાજ્યાશ્રય અને ધર્માશ્રય, એ બે પરિબળો સર્જકતા માટે અને વિદ્વત્તા માટે ક્યારે અને કેટલાં સહાયક બને અને ક્યારે અને કેટલાં વિઘાતક બને, એ અંગે (હમેશાં અને આજના તબક્કે તો સવિશેષ) સાવધ ન રહેવાય, તો શી સ્થિતિ થાય, એ પણ આ નિમિત્તે ચેતવા જેવું છે. ‘ચન્દ્રકાન્ત ટોપીવાળા હાજર છે’, એ પુસ્તકમાં ચન્દ્રકાન્તે રાજેન્દ્રને મોકલેલો પદ્યપત્ર અને રાજેન્દ્રે આપેલો એનો પદ્ય-ઉત્તર, બન્ને આ સંદર્ભે વાંચવા જેવા છે. એક પૂછે છેઃ ‘રાજેન્દ્ર નાણાવટી ક્યાં વસે છે? / છે સાંભળ્યું કે રઘુવંશ છોડી/ એ કૃષ્ણના મંદિરમાં પડ્યો છે.’ મિત્રની ટકોર, સંસ્કૃત સાહિત્યના સઘન પરિશીલનને સ્થાને રાજેન્દ્રનો સમય, નિવૃત્તિ પછી, પુષ્ટિ સંપ્રદાયની સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ આદિમાં વીતતો, એ અંગેની છે. રાજેન્દ્રનો ઉત્તર, એ જ મિશ્રોપજાતિ છંદમાં આવો હતોઃ ‘વ્યોમે નિહાળે બહુ વાર ચન્દ્રને … /ખંતે પરંતુ પડીને ખુણામાં / એ આચરે છે વ્રત વિસ્મૃતિ તણું’. વિદ્યાવિઘાતક અને સાહિત્યસર્જકતાને કુંઠિત કરતાં પરિબળો જેમાં બેફામ બનવા લાગ્યાં છે, એવા આપણા આ સમયમાં બે વિદ્યાનિષ્ઠ અને સર્જકતાભર્યા મિત્રો વચ્ચે આવો પત્રવ્યવહાર થાય, એ ઘટનાની અર્થ-મીમાંસા જેટલી થાય એટલી ઓછી.
રાજેન્દ્રે જો કે છેક એવું ‘વ્રત વિસ્મૃતિ તણું’ ધાર્યું નહોતું. ‘મરીચિકા’-ની સાનુવાદ આવૃત્તિ 2016માં પ્રકાશિત થઈ. અને આદિ શંકરાચાર્યની અવિસ્મરણીય કૃતિ ‘સૌંદર્યલહરી’ની સુંદર, સચિત્ર પ્રતનું સંપાદન, એ કૃતિના ગુજરાતી અનુવાદ સાથે, 2013માં રાજેન્દ્રે કર્યું. જો કે એના પ્રકાશનની સમગ્ર ગાથા એનું પ્રકાશન કરનારી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને કેવળ યશ અપાવે એવી નહોતી બની.
*
રાજેન્દ્ર સંસ્કૃત અને પાલિના વિદ્યાર્થી. પાલિના નામથી અમે વળી વધારે અભિભૂત થઈ જતા. માત્ર વિદ્યાર્થી કાળની આ વાત નથી. કવિ હાલની ‘ગાથા સપ્તશતી’-નો અદ્ભુત અનુવાદ મહારાષ્ટ્રી પ્રકૃતમાંથી લયાન્વિત ગુજરાતીમાં રાજેન્દ્ર નાણાવટીએ કર્યો અને શિરીષ પંચાલે સ્નેહથી પ્રકાશિત કર્યો, એ તો લગભગ આજને અડીને ઊભેલી, નિવૃત્તિ પછીની ગઈ કાલની વાત. એ અનુવાદ વાંચ્યો ત્યારે અંદરથી મારો કૉલેજ-કાળ આળસ મરડીને ઊભો થઈ ગયો – આવડતું હોત તો ‘લાસ્ટ ટેન્ગો ઇન સેઇન્ટ ઝેવિયર્સ’ કરત!
પ્રો. ડો. રાજેન્દ્ર નાણાવટીએ સંસ્ક્રુતમાં આદિ શંકરાચાર્યના ‘સૌંદર્યલહરી’-ની સચિત્ર હસ્તપ્રતનું કરેલું સાનુવાદ અને સૌંદર્યદ્રષ્ટિસંપન્ન સંપાદન અને પ્રાક્રુતમાં કવિવર હાલની ‘ગાથા સપ્તશતિ’ (‘સતસઈ’)નો કરેલો અદ્ભુત ગુજરાતી અનુવાદ – એ બે એમનાં ચિરંજીવ પ્રદાન બન્યાં છે.
*
પણ ‘ઘન વરસે વન પાંગરે’ એવું થઈ શક્યું હોત, તે ન થયું. ગુજરાતની અને ભારતની વિદ્યાસંસ્થાઓએ અને સાહિત્યસંસ્થાઓએ થોડીક વધારે હૂંફ, થોડુંક વધારે સન્માન આપ્યું હોત તો આ વૃક્ષરાજ પૂર્ણ ઘટાએ, હજી વધારે સુંદર પુષ્પો અને રસાળ ફળો આપી શક્યું હોત, એવું લાગે છે. પ્રવર્તમાન દૃષ્ટિદુષ્ટ શીતકાલ સામે ટકીનેય એણે જે સૌંદર્યપુષ્પો અને જ્ઞાનફળો આપણને સંપડાવ્યાં છે, એનું ઋણ આનંદ અને કૃતજ્ઞતાથી સ્વીકારીએ.
*
લોકેષણા (અને, એથી વધારે નીચી કક્ષાના વ્યક્તિત્વ પર વિત્તેષણા) સવાર થઈ ગઈ તો રાજ્ય અને ધર્મ, આર્થિક પ્રલોભનો/દબાણો વાપરી, કોઈ સર્જક-વિચારક પર કેવું કુટિલ શાસન કરવા લાગે, એ અંગે જાગૃત ઉહાપોહ થતો રહે તો કેવું સારું, એ ભાવ આજે આ લખાણ લખતાં પ્રબળ પણે થાય છે.
*
આ સર્વથી રાજેન્દ્ર નાણાવટી હંમેશાં સભાન રહેતા. એ સભાનતાની સંપ્રજ્ઞ અને સંવેદનશીલ કાવ્યાભિવ્યક્તિ થઈ તે જેટલી ગુજરાતીમાં તેથી યે વધારે સંસ્કૃત ભાષામાં. રાજેન્દ્રનો સંસ્કૃત ભાષામાં લખાયેલી અને કવિ વડે જ ગુજરાતીમાં સિદ્ધાનુવાદ પામેલી પ્રભાવક, આધુનિક કવિતાનો સંગ્રહ તે मरीचिका (1993 સંસ્કૃત કાવ્યો, 2003 ગુજરાતી અનુવાદ સહિત). સંસ્કૃતના વિખ્યાત વિદ્વાન ડો. સત્યવ્રત શાસ્ત્રીએ એની પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમઃ It is a collection of poems by a talented poet which have everything to commend them: their raciness, their depth of thought and their lucid expression.’ અને એ કાવ્યોની ભાષાભિવ્યક્તિ વિષે ઉમેરે છેઃ ‘The expression in the poems is all perfect. . . . The classical ring is kept up in them even in the new [modern] setting.’ રાજેન્દ્રની સંસ્કૃત કવિતામાં વરતાતાં બે લક્ષણો -- વિચારોનું ઊંડાણ અને અભિવ્યક્તિની પ્રવાહિતા તેમ જ પ્રયોગશીલતાની સાથોસાથ જળવાતી પ્રશિષ્ટતા – આ બન્ને લક્ષણો સત્યવ્રતજીએ સુયોગ્ય રીતે તારવ્યાં. પહેલું લક્ષણ એમણે ‘રેસીનેસ’-નું ગણ્યું છે. જો ‘સ્પિરિટેડ’ એટલે કે ‘જોમવંતું’ એવો અર્થ લઈએ તો એક પણ જો ‘સ્લાઇટલી ઇમ્મોડેસ્ટ’ એટલે કે ‘થોડુંક મર્યાદા ચૂકતું’ એવો અર્થ લઈએ તો બીજી વાત બને.
સત્યવ્રતજી શાસ્ત્રીને ‘મરીચિકા’માં આવતાં નારીદેહનાં કેટલાંક આલેખનો ‘રેસી’ લાગ્યાં હોય. પણ કાવ્યસંગ્રહનું શીર્ષક ‘મરીચિકા’ અમસ્તું નથી અપાયું, એ વાત સ્મરણમાં રહે તો, જેમ ‘મહાભારત’ના યુધ્ધમાં હણાયેલા પતિનો કપાયેલો હાથ જોઈ ‘અયં સ રશનોત્કર્ષી, પીનસ્તનવિમર્દિન’ એ રીતે પત્ની વિલાપ કરે છે ત્યાં શૃંગાર નહીં, કરુણ રસ અનુભવાય, એમ અહીં જિન્સી વૃત્તિઓની નહીં પણ અશક્ય પ્રણયની, પ્રેમના વ્યાપક અભાવની, સ્નેહમરીચિકાની વાત આ આધુનિક સંસ્કૃત કવિએ માંડી છે. એની પહેલી જ રચના છેઃ ‘किं न मूल्यं ममैतावद् / यत्स्नेहमहमाप्नुयाम्?’ (‘શું એટલું યે નથી મૂલ્ય મારું ? કે પ્રેમ પામું?’) બે કાવ્ય પંક્તિઓમાં લખાયેલી આ સંસ્કૃત રચનાના અનુષ્ટુપ છંદની એક સળંગ પંક્તિને અને દોઢ પંક્તિ લખાયેલી આ ગુજરાતી રચનાના ખંડ ઉપેન્દ્રવજ્રા છંદને ઓળખનાર વાચક, આ કવિની સર્જકતાને પ્રેરનારા એક ભારે ઓછપના ભાવને (‘શું એટલું યે નથી મૂલ્ય મારું?’) અને જગતની રચનામાં (‘કલાપી’ અને ‘કાન્ત’ને વરતાતી હતી એવી) પ્રણયની અશક્યતાના ભાવને (‘કે પ્રેમ પામું’) -ને પણ પહેચાની શકે.
*
ભારતીય કાવ્યશાસ્ત્રને, નાટ્યશાસ્ત્રને અને સર્જનાત્મક સાહિત્યને, ત્રણેને રાજેન્દ્ર બહુ ઊંડાણથી સમજતા હતા. ઉપરાંત ભારતીય ભાષાવિચારના એ મૂલગામી વિદ્વાન હતા. એમનું પુસ્તક, ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર’ 1974માં પ્રકાશિત થયું અને મુંબઈ યુનિવર્સિટીમાં પાઠ્ય પુસ્તક રૂપે સ્વીકારાયું, એનો અમારી આખી મિત્રમંડળીને થયેલો આનંદ મારા મનમાં આજેય જળવાયલો છે. 1974નું વર્ષ નોંધવા જેવું છે. રાજેન્દ્રની સર્જકતા ‘રીતિ’ તરફ ઢળેલી એ તબક્કે જણાય છે. ‘નિઘણ્ટુ અને નિરુક્ત’-નું સંપાદન 1972માં.
વીસમી સદીના નવમા દાયકામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા બાદ, એના સંસ્કૃત વિભાગમાં વિભાગાધ્યક્ષ રૂપે અને તે પછી વિખ્યાત ‘પ્રાચ્યવિદ્યામંદિર’ના યશસ્વી નિયામક તરીકે ડો. પ્રો. રાજેન્દ્ર નાણાવટીએ જે કામ કરી બતાવ્યું છે, એ એમને અખિલ ભારતીય સ્તરે માનભર્યું સ્થાન અપાવનારું બન્યું. ભારતના રાષ્ટ્રપતિનો સંસ્કૃતના ઉત્તમોત્તમ વિદ્વાનોને અપાતું સન્માન, રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રો. રાજેન્દ્ર આઈ. નાણાવટીને અર્પિત કરાયો, એની ભૂમિકામાં એમની આ ‘ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ’-ના ડાયરેક્ટર પદે રહીને કરેલું કામ છે. એમના નેત્રુત્વમાં દેશવિદેશમાં મહિમાવંતી એવી ‘ઓરિએન્ટલ કોન્ફરન્સ’, દશકોના અંતરાલ પછી વડોદરામાં, મ. સ. વિશ્વવિદ્યાલયને આંગણે મળી. પ્રો. નાણાવટીની પહેલથી, આ કોન્ફરન્સમાં પહેલી વાર અર્વાચીન ભારતીય ભાષાના સાહિત્યમાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશના સાતત્યમાં તેમ જ એનાથી ફંટાઈને નિજી રીતે કેવું કામ થયું છે, એ વિશે બેઠકો યોજાઈ. આ ઘટનાનાં સૂચિતાર્થો પ્રો. આર. આઇ. નાણાવટી સુપેરે જાણતા હતા. પણ એ અંગે વ્યાપકપણે કોઈ નોંધ લેવાઈ હોય તો મને એની જાણ નથી.
*
રાજેન્દ્ર નાણાવટી અપાર શક્યતાથી સભર કવિ, રંગકર્મી અને સિદ્ધાંત વિવેચક હતા. આ ત્રણે ક્ષેત્રે, જાણે મહાસાગરમાં કોઈ ભવ્યસુંદર હિમગિરિ તરતો હોય, એવા એ વિહર્યા. આઇસબર્ગ જેટલો દેખાતો હોય એટલો પણ સૌંદર્ય અને શક્તિ ભર્યો લાગે. પણ ઝાઝો ન દેખાયેલો રહી ગયેલો હોય. રાજેન્દ્ર નાણાવટી સમકાલીન સાહિત્ય અને વિદ્યાજગતના એવા અનોખા હિમગિરિ હતા.
તો વિદ્યાનું અને સાહિત્યનું એવું વાતાવરણ ગુજરાતમાં રચવા આપણે જે જતું કરવું પડે એ જતું કરીને મથીએ જેમાં પ્રતિભાશક્તિને પૂર્ણાભિવ્યક્તિ મળે….
સમા, વડોદરા.
માર્ચ 28, 2019.
⇔