ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?
કોરોનોના વિષાણુ સામે કાવ્ય-પંચામૃત.
કવિવર રાજેન્દ્ર શાહનાં પાંચ કાવ્યો.
(સ્વપઠન: આપણાં દુ:ખનું કેટલું જોર... )
આપણા દુઃખનું કેટલું જોર?
ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનું વાહન કોણ બની રહે ? નહિ અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાનઃ
સજલ મેઘની શાલ પે સોહે રંગધનુષની કોર.
જલભરી દ્રગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
⇔
ભાઈ ન તારે ભય.
ભાઈ ન તારે ભય,
ને કેથે કાંઈ નહિ દુર્જય;
મનમોજી તવ ચાલનો ઘેલા
રેલતો જાને લય !
આવરી લે અંઘાર તો ભલે,
નેણ કેરે પલકાર છે
એલા વીજળીનો ચમકાર !
કોઈ નહિ આધાર તો ભલે
આંગળી ઊંચી કીજિયે એના
જોમનો જો અણસાર !
શૂરને વળી સંગ ? ના વીરા !
મારગે મળ્યા વ્હેણનાં હોંશે
પીજિયે પોશે પય !
દૂરથી દેખાય એટલું જો તું !
તરણું ઓરું આવતાં પાછળ
ગોપવે રે ગિરનાર !
કોણ નાનું કોણ, ભાઈ રે મોટું ?
છોડ મથામણ, અમથી વેળા
જાય ન આજ અગાર !
આપણને અસબાબ ન કોઈ,
મેલ કોરાણે મોત, જીવ્યાના
નાદનો કીજે નય !
⇔
નહિ વ્હાલીડા.
ડાળનું પાક્યું પાંદડું અમે નહીં વ્હાલીડા !
ઊભરાતા અંધારની ભેળું ઓગળે
એવું ચાંદરણું તે નહિ વ્હાલીડા !
મોસમ આવી ઊતરે,
અમે જાંઈ ન ઝરી;
નજર નો મંડાય તો,
રિયે સોડમાં સરી.
વરસતા વરસાદનો વ્હોળો નહિ વ્હાલીડા !
ભમ્મરિયા વંટોળનો ઘેલો
વગડે વાગી જાય હેલો તે નહિ વ્હાલીડા !
પારકી થાપણ લઈ
ન ગરવ કરીએ જરી,
સાંસની સમાં આયખું
આખું રાખીએ ઘરી.
વાળમાંનું વરણાગિયું પીંછું નહિ વ્હાલીડા !
આપણા આ ગોકુળિયે તારા
કાળજાથી કાંઈ હોય બીજું તે નહિ વ્હાલીડા !
⇔
આપણે આવળ બાવળ બોરડી.
આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પંખથી
મ્હાદેવથી યે પણ મોટા જી.
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.
કોઈ તો રીઝે છે વેળુછીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.
નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અનદીઠ ઓરું એને પાય જી.
બેઠેલાંનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબે સાખથી,
વેડે તેને આવે હાથ જી.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં કૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
જળહળ એનાં રે ભવન જી.
⇔
અંતરાય.
વનની લઘુ નિર્ઝરી તણો પથ પાષણથી વ્યસ્ત કુંઠિત;
મૂલનું હતું મૌન તે હવે કલનાદે રમતું અખંડિત.
નભને પથ શુભ્ર તેજને નડી કાયા જહીં ક્રુષ્ણ અભ્રની;
ઘરતી પર દ્રુષ્ટિરમ્ય ત્યાં સુષમા સોહત સપ્તરંગની.
મુખથી કંઈ વેણ જે સર્યાં અવરોધે ચહુ ઓર ડુંગરા;
સૂર જે શમી જાત શૂન્યમાં લહું તેના ધ્વનિની પરંપરા.
⇔