મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો
-જ્યોતિ ભટ્ટ
પ્રસંગ ૨
1969 દરમિયાન દેશમાં વિવિધ પ્રદેશોમાં દુષ્કાળ પડ્યો હતો. બિહારમાં હાલત ખૂબ જ ખરાબ હતી ત્યારે મિથીલાના મધુબની ગામમાં મહિલાઓ દ્વારા પોતાના ઘરોની દીવાલ પર ચિત્રો બનાવવાની જે પ્રાચીન પરંપરા જળવાઈ રહી છે. તેને ‘હેન્ડલૂમ બોર્ડ' દ્વારા મોટા શહેરોમાં પહોંચાડવાની શરૂઆત થઈ. કચ્છમાં પણ દુષ્કાળ પીડિત ગ્રામજનોને મદદરૂપ થવા રામકૃષ્ણ મિશનના સ્વામીઓ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે મુંબઈથી કેટલીક બહેનો પણ તેમને મદદ કરવા ત્યાં જઈ પહોંચી. સ્વામીઓએ તેમને કહ્યું કે, આવા ભયંકર તાપમાં કામ કરવાનું તમને ફાવશે નહી. બલ્કે તમે અમારી જવાબદારીઓ વધારી દેશો. પરંતુ એ બહેનોએ કંઈક કરવું જ છે એમ નક્કી કરેલું આથી કચ્છની જે ગ્રામીણ મહિલાઓ રસ્તાના બાંધકામ માટે મજૂરી કરતી હતી, તેઓને તેમનાં ઘેર બેઠા જ કામ મળી રહે તે માટે ભરતકામ કરાવી શકાય એવો વિચાર આવ્યો. તેમનો આ વિચાર "ધાણેટી" નામના ગામની એક આહીર મહિલા પરમાબાઈ(?) એ આવકાર્યો અને તેના ઘરે એક બીજ સ્વરૂપે ‘શ્રુજન' નામની એક સંસ્થાનો આરંભ થયો. ‘શ્રુજન’ એ તે મહિલાઓમાંની બેના નામમાંથી લીધેલા અક્ષરો જોડીને ઉપજાવાયેલ નામ છે. ‘શ્રુજન’ની કાર્યવાહી ધીરે ધીરે વિકસતી ગઈ, જે જાતિઓમાં ભરતકામની પ્રથા ન હતી તેઓની મહિલાઓ પણ તેમાં જોડાઈ. બન્ની વિસ્તારમાં વસતા માલધારીઓની મહિલાઓ આહીર તથા રબારી મહિલાઓ કરતા જૂદા જ પ્રકારનું ભરતકામ કરતી હતી. પરંતુ તેમની કૌટુંબિક રૂઢિઓ અને રીતિરિવાજ બહુ આકરા હતા. તેથી ઘરની બહાર પગ મુકવો એ પણ તેમણે માટે સહેલું ન હતું. શ્રુજને પોતાની કાર્યવાહીની વાત તેઓ સુધી પહોંચાડી અને ‘ધોરડો' ગામના મુખીએ તે સ્વીકારી. મુખીની પુત્રી આખા ગામમાં એક જ ગુજરાતી બોલતી તરૂણી હતી. તેણે એ ગામમાં ‘શ્રુજન’ની પ્રવૃત્તિ અપનાવી. આજે તો એ બીજ મોટો વડલો બની ચુક્યો છે અને સાતેક હજાર જેટલી મહિલાઓને ભરતકામના કૌશલ્ય દ્વારા ગુજરાનનું સાધન મળી ગયું છે.
‘શ્રુજન’ સાથેના મારા સંબંધને કારણે જ્યારે 1975માં હું તેમની સાથે આ વિસ્તારોમાં ગયો ત્યારે મને પણ આવકાર મળ્યો. એટલું જ નહિ પણ કેમેરા દ્વારા છબી પણ લઇ શક્યો. ત્યારપછી બીજા વર્ષે તો મારા છબીકાર મિત્ર રાઘવ કનેરીયા ને હું, ધોરડોમાં શ્રી ગુલબેગ ભાઈના ઘરે મહેમાન બની અઠવાડિયું રહ્યા હતા. અમારી પાસે કોઈ વાહન ન હતું તેમજ બન્ની વિસ્તારમાં પણ બસ સર્વિસ જેવી કોઈ વ્યવસ્થા ન હતી. સદ્ભાગ્યે કોઈ દૂરના સ્થળે આવેલ એક તળાવમાંથી પાણી ભરી લાવી બીજે સ્થળે લઇ જવાનું કામ કરતો એક ખટારો ધોરડો પાસેથી પસાર થતો હતો. શ્રી ગુલબેગ ભાઈએ અમને એ ખટારામાં બેસવાની વ્યવસ્થા કરી આપી. સવારે એ ખટારામાં બેસી અમે રસ્તામાં જે ગામ દેખાય ત્યાં ઉતરી જતા. અને સાંજે ખટારો પાછો આવે ત્યારે તેમાં બેસી જઈ ધોરડો ઉતરી જતા. શ્રી ગુલબેગ ભાઈના ભૂંગામાં (ગોળાકાર ભીંતોવાળું અને શંકુ આકારના છાપરાવાળું ઘર) ખૂબ બારીક ભૌમિતિક આકૃતિઓ ધરાવતા ‘રિલીફ' પણ હતા. તેમની ધાર્મિક માન્યતાને કારણે તે આકૃતિઓમાં મોર, પોપટ, હાથી, ઘોડા, પનિહારી જેવા રબારી ઘરોમાં જોવા મળતા સ્વરૂપો ન હતા. જાણવા મળ્યું કે, આ રિલીફ તેમના ઘરની મહિલાઓએ બનાવ્યા ન હતા, પરંતુ હરિજન જાતિની મહિલાઓ પાસે કરાવ્યા હતા. ખટારામાં કરેલી મુસાફરીઓમાં એક સ્થળે અમે વહેતું પાણી જોયું. તેથી ત્યાં ઉતરી ગયા અને છેલ્લા ચાર પાંચ દિવસથી નાહવાની સગવડ થઇ ન હતી તે નિવારી, ખટારો પાછો ફરવાને ઘણી વાર હોઈ અમે દૂર દેખાતા એક ગામ જઈ પહોંચ્યા ત્યાં એક હરિજનના મોટા ભૂંગામાં - કદાચ નવા જ બનાવેલ, ખૂબ સુંદર રિલીફ જોવા મળ્યાં.
ભુંગામાં પ્રવેશદ્વાર સિવાય હવા કે અજવાળા માટે એકાદ બે નાની બારી સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. ખૂબ જ ગરમી તેમજ ખૂબ જ ઠંડી ને કારણે આ જરૂરી હશે. પણ છબી લેવા માટે મુશ્કેલી રૂપ પરિસ્થિતિ હતી. જોકે, ટ્રાઇપોડની મદદને લીધે છબી તો લઈ શકાઈ પણ પ્રવેશદ્વારની નજીકનો ભાગ અને તેનાથી દૂર આવેલ ભાગની વિગત એક સરખી થઇ શકી નહિ.
અહીં આપેલ છબી 2005 દરમિયાન કમ્પ્યુટર પર ફોટોશૉપ વડે ફરીથી બનાવાયેલ છાપ છે. તેથી તેમાં છાયા-પ્રકાશમાં કરી શકાય તેટલા સુધારા કર્યા છે.
⇔