અમારી મહેફિલો
- પ્રહ્લાદ પારેખ
અમારી મહેફિલો કદીક નભના મંડપ મહીં
થતી; ને ત્યાં રાત્રિ નિજ મટુકી-ચંદા શિર ધરી,
લઈ આવે પીણું અજબ ભરિયું એ મટુકીમાં;
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી.
અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીઃ
વસંતે આવે ત્યાં કુસુમ-મટકીને શિર ધરી.
નશાવાળું પીણું મટુકી મહીં એ, છે સુરભિનુઃ
અમે પ્યલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની.
અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા,
અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા;
ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી,
અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત-નટી!
કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં
થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળેઃ
ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે;
લઈ એ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી.
અમે પીનારાં એ અદભુત રસોના ફરી ફરી;
અમે ગાનારા એ રસ-અસરને સૌ અનુભવી.
(સૌજન્યઃ ‘પરબ’ જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૨-ના અંકનું પરિશિષ્ટ.
તંત્રીઃ યોગેશ જોષી.)