સંસ્કૃત – સુભાષિત-સ્પન્દનિકા

સંસ્કૃત - સુભાષિત - સ્પન્દનિકા

-વિજય પંડ્યા

ભર્તૃહરિએ કહેલું કે 'યદિ સુકવિતા અસ્તિ, રાજ્યેન કિમ્ - જો પોતાની પાસે સુકવિતા હોય તો, રાજ્યનું શું કામ?' પણ સુભાષિત - સુષ્ઠુ ભાષિતમ્ - સારી રીતે કહેવાયેલું (સુભાષિતનું well turned saying એવું અંગ્રેજીમાં ભાષાંતર પણ થાય છે!) એટલે કે બે કે ચાર પંક્તિઓમાં સારી રીતે કહેવાયેલું સુભાષિત પણ કવિતા છે અને આવી કવિતાનું રાજ્ય નહીં સામ્રાજ્ય તો સર્વત્ર સંસ્કૃત પ્રદેશમાં વ્યાપેલું છે. સંસ્કૃત સાહિત્યનું કોઈ એવું એક પણ સ્વરૂપ નહીં હોય જેમાં સુભાષિત ન હોય.

સુભાષિતને સંસ્કૃતમાં 'મુક્તક' પણ સાભિપ્રાય કહેવામાં આવે છે. મુક્તક અન્યથી - સંદર્ભથી આલિંગિત (આ શબ્દપ્રયોગ અભિનવગુપ્તાચાર્યનો છે) નથી હોતું, સંદર્ભથી મુક્ત હોય છે. સુભાષિતનું સ્વરૂ૱પ એવું પ્રાણવાન હોય છે કે કથાનક ધરાવતા પ્રબંધમાં (આર્ષ મહાકાવ્યો, અલંકૃત મહાકાવ્યો, કથા-આખ્યાયિકા વગેરે) પણ સંદર્ભને અતિક્રમીને મુક્તક-મોતીની જેમ ચમકી રહેતું હોય છે. ઉત્તરરામચરિત નાટકમાંથી અહીં ઉદ્ધૃત પદ્ય આવા સંદર્ભને અતિક્રમી રહેતા મુક્તકનું ઉદાહરણ છે.

સુભાષિતો જીવનના શ્વેત-શ્યામ વચ્ચેના ભૂખરા રંગની આછી-ગાઢી છાયાઓને આલેખતાં હોવાથી તેમની વિનિયોગ્યતા સર્વત્ર હોય છે, અને એ રીતે પણ સુભાષિતનું સામ્રાજ્ય સંસ્કૃતમાં સીમાડાઓ વગરનું વિસ્તીર્ણ છે.

પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં પ્રબન્ધ સાહિત્યમાંથી ચૂંટીને સુભાષિતોના સંગ્રહો પણ તૈયાર કરવામાં આવેલા જેમાંના કેટલાક આજે ઉપલબ્ધ છે. ભર્તૃહરિ, અમરુ, ભલ્લટ જેવાંનાં શતકો અંતે તો સુભાષિત-સંગ્રહો જ છે. તો વિદ્યાકરનો સુભાષિતરત્નકોશ, વલ્લભદેવનો સુભાષિતાવલી નામનો સુભાષિતસંગ્રહ તો શ્રીધરદાસનો સદુક્તિકર્ણામૃત જેવા સુભાષિતસંગ્રહો પ્રસિદ્ધ છે. આ સુભાષિતસંગ્રહોએ સુભાષિતોનો સંગ્રહ કરવા ઉપરાંત, સુભાષિતોને સાચવવાનું બહુ મૂલ્યવાન કાર્ય કર્યું છે. સંગ્રહો ન હોત તો, અસંખ્ય સુભાષિતો એવાં છે કે જે કોઈ પ્રબંધનો અંશ ન હોવાથી અંતે કાળની ગર્તમાં વિલુપ્ત થઈ ગયાં હોત. સુભાષિતસંગ્રહોમાં સુભાષિતો તો જળવાયાં છે તો સાથે સાથે તેમની સાથે જોડાયેલા કવિનાં નામ પણ આપણા સુધી આવ્યાં છે. યોગેશ્વર જેવો વિશિષ્ટ સંવેદનશીલ કવિ સુભાષિતસંગ્રહોમાં જ પ્રાપ્ત થાય છે.

આ સર્વ સંગ્રહોમાં અદ્યતન સમયમાં પ્રાચીન સમયની જેમ પણ તે સર્વને અતિક્રમી જતો સુભાષિતોનો સંગ્રહ તૈયાર કરવાનો ભવ્ય પુરુષાર્થ પોલેન્ડના લુડ્વિક સ્ટર્નબાખ (Ludwik Sternbach) નામનો પ્રાચ્યવિદ્યાવિદે કર્યો. મૂળાકાર પ્રમાણે તેમણે સુભાષિતસંગ્રહના महा-सुभाषित-संग्रह શીર્ષકથી વોલ્યૂમ્સ તૈયાર કર્યા અને ડબલ-ડેમી-સાઇઝના લગભગ 400 પૃષ્ઠોમાં પથરાયેલા એવા क સુધીના ચાર ભાગ તેમના જીવન-સમય દરમ્યાન પ્રકાશિત થયા. બાકીના છ સુધીના ચાર ભાગ મરણોત્તર પ્રકાશિત થયા છે. સળંગ પદ્યોનો ક્રમાંક 14653 સુધી પહોંચ્યો છે. (મુંબઈના નિર્ણયસાગરપ્રેસ (આજે લુપ્ત) પ્રકાશિત નારાયણરામ આચાર્ય સંપાદિત સુભાષિત-રત્ન-ભાણ્ડાગારમાં આશરે 12,000 પદ્યો છે.) અને આવા વીસ ભાગોમાં વિસ્તરતી મહા-સુભાષિત-સંગ્રહની સામગ્રી આ પુણ્યશ્લોક વિદ્વાન તૈયાર કરતા ગયા છે, જે ક્રમશઃ હોશિયારપુરની વિશ્વશ્વરાનન્દ વેદિક રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત થઈ રહ્યા છે. આધુનિક સંસ્કૃત વિદ્યાજગતનું મનુષ્યમાનસને અચંબિત કરી દે તેવું એકલે હાથે સિદ્ધ થએલું આ વિદ્યાકીય પરાક્રમ છે! (અહીં આ લેખમાં महा-सुभाषित-संग्रह માંથી પણ પદ્યો ઉદ્ધૃત કર્યાં છે.)

અનુવાદ-ટિપ્પણીમંડિત નિસ્યન્દિત સુભાષિતો

आदित्यस्य गतागतैरहरहस्संक्षीयते जीवितं

व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालोऽपि न ज्ञायते ।

दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते

पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥

(महा-सुभाषित-संग्रह ક્રમાંક 4722)

અનુવાદ : સૂર્યના ઊગવા-આથમવાથી દિને દિને આ જીવન ક્ષીણ થતું જાય છે; ઘણાં કામોનો અતિ ભાર વહન કરતી પ્રવૃત્તિઓ થઈ સમય ક્યાં જાય છે તેનું કંઈ ભાન પણ રહેતું નથી; જન્મ, જરા અને મરણ જેવી વિપત્તિને નિહાળીને ભય પણ લાગતો નથી. પ્રમાદરૂપી મૂર્છિત કરનારી મદિરા પીને આ જગત તો ઉન્મત્ત બની ગયું છે.

पुरा यत्र स्रोतः पुलिनमधुना तत्र सरितां

विपर्यासं यातो घनविरलभावः क्षितिरुहाम् ।

बहोर्दृष्टं कालादपरमिव मन्ये वनमिदं

निवेशः शैलानां तदिदमिति बुद्धिं द्दढ्यति ॥

(ઉત્તરરામચરિત 2-27)

અનુવાદ : પહેલા જ્યાં નદીપ્રવાહ હતો ત્યાં અત્યારે રેતાળ કિનારો છે; વૃક્ષો જ્યાં ગીચ હતાં ત્યાં આજે આછાં છે અને જ્યાં આછાં હતાં ત્યાં આજે ગીચ ઝાડી છે. ઘણા સમય પછી જોવામાં આવતું આ વન જાણે બીજું જ હોય એમ મને લાગે છે. પણ પર્વતોનો નિવેશ 'આ તે જ છે' એમ બુદ્ધિને દૃઢ કરે છે.

ટિપ્પણી : આ સુભાષિત પ્રબંધનું - ઉત્તરરામચરિતનું છે પણ, સ્વતંત્રપણે પણ આસ્વાદ્ય છે. (રામને) ભૂતકાળમાં અતિ પરિચિત સ્થળે (જનસ્થાન દણ્ડકારણ્ય) આવવાનું થતાં, સ્થળમાં આવેલાં પરિવર્તનોનું માર્મિક વર્ણન આ પદ્ય શબ્દાંકિત કરે છે.

સૌથી મોટું પરિવર્તન તો તે સમયે સીતા સાથે હતાં, આજે સીતા સાથે નથી. તે જ સૌથી મોટું પરિવર્તન આ પદ્યની પાછળ લપકી રહ્યું છે અને તે જ આ પદ્યની-મુક્તકની મોટી વ્યંજના છે. પરિવર્તન છતાં, સ્થળને ઓળખી શકાય છે કારણ કે પર્વતોનો નિવેશ છે ને પાસે! પર્વતો થોડા બદલાઈ જાય? તેમનામાં થોડું સ્થળપરિવર્તનને આવે? પણ જે (રામ) આ સ્થળપરિવર્તનને નિહાળે છે તેના માટે પર્વત પણ એક પ્રતીક બને છે. પ્રબંધથી મુક્ત આ મુક્તકમાં પર્વત સર્વ સાધારણ સમયસ્થળને વટાવીને એક પ્રતીક બને છે. તો કોઈક પ્રતીકવાદીએ કહેલું તેમાં જરાક પરિવર્તન (શ્લોક જ પરિવર્તનનો છે તો પછી અહીં અવતરણમાં શા માટે નહીં?) કહી, Let us not name it and destroy it!'

केलीलोलमरालकं मधुरसास्वादोन्मदेन्दीवरं

स्वच्छस्वादुजलं विकासिकमलं संप्रीणनं प्राणिनाम् ।

कासारं बत कासरः परिपतन्नाकस्मिकं दुर्भगश्

छिन्नाब्जं कलुषाम्बु वीतविहगं शून्यंचकार क्षणात् ॥

(महा-सुभाषित-संग्रह 11419)

અનુવાદ : સરોવરમાં હંસો ક્રીડા કરી રહ્યા હતા અને આમતેમ ફરતા હતા; ભમરાઓ ભૂરાં કમળોના રસનો આસ્વાદ કરી ઉન્મત્ત બન્યા હતા; જળ કેવું સ્વચ્છ અને મીઠું હતું! કમળો ખીલ્યાં હતાં; સર્વ પ્રાણીઓ આનંદવિભોર હતાં. અને, અરે! સરોવરમાં એકાએક દુષ્ટ પાડો (કાસર-પાડો, કાસાર-સરોવર) ખાબક્યો અને કમળો છૂંદાઈ ગયાં, જળ ડહોળાઈ ગયું, પંખીઓ ઊડી ગયાં, અને તે સરોવર ભેંકાર બની ગયું.

ટિપ્પણી : બધું સ-રસ, રમણીય, સંવાદિતાભર્યું હોઈ ને ક્યાંથી એકાએક, દેખીતા કાર્યકારણ વિના કોઈ દૂરિતનું આગમન થાય અને સર્વ તહસનહસ થઈ જાય. પાડો એવા દૂરિતનું પ્રતીક બનીને આ પદ્યમાં પ્રવેશે છે. આખું પદ્ય ચિત્રાત્મક અને પ્રતીકાત્મક છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે અપ્રસ્તુત પ્રશંસા નામનો અલંકાર આ પદ્યમાં રચાયો છે.

વધુમાં, વધારે વ્યાપક સ્તરે, સરોવર - પાડો જગતથી રચનાના પાયામાં રહેલી વિસંગતિને પણ નિરૂપવા તાકે છે, અને સમસ્ત પદ્ય પ્રતીક-સમૃદ્ધ બન્યું છે.

सा रम्या नगरी महान्स नृपतिस्सामन्तचक्रंचतत्- पाश्वेर्...

त्यार्श्वे तस्य च सा विदग्धपरिषत्ताश्चन्द्रबिम्बाननाः

उद्धृत्तस्स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ताः कथा

स्सर्वं यस्य वशाद्गात् स्मृतिपथं कालाय तस्मैनमः ॥

(ભર્તૃહરિના વૈરાગ્યશતકમાંથી 41, ગોપાલચારિઆરની આવૃત્તિ)

અનુવાદ : તે ભોગવિલાસની નગરી, તે મહાન રાજવી, તે સામન્તગણ, તેની પાસે સ્થિત વિદ્વાનોની પરિષદ, તે ચન્દ્રમુખી લલનાઓ, વંઠેલા રાજપુત્રો, ભાટાઈ કરનારા ચાટુકારો, તે કથાઓ ઃ તે સર્વ જેના વશમાં પડી સ્મૃતિશેષ બની ગયું તે (કોરોના) કાળને નમસ્કાર હજો!

  • વિજય પંડ્યા

ઉપનિષદ, 11એ,

ન્યૂ રંગસાગર સોસાયટી,

સરકારી ટ્યૂબવેલ પાસે,

બોપલ, અમદાવાદ 380058