અનૂદિત કાવ્યો: હરિવલ્લભ ભાયાણી.
સૂર્યાસ્ત, સંધ્યા, ચંદ્ર, અંધકાર
(૧૮૮) પુરાણું ચિત્ર
કર થાય ઊષ્મામંદ
મજીઠનો વાન ધરે રવિબિંબ
(નીકળતો દિવસનો જીવપિંડ!)
ગગનતળેથી ઢળે
લોટે અસ્તાચળે…
ઘૂસરિત જગ આછે અંધારપટલ
દીસે કો પુરાણું ચિત્ર ધૂમધૂંધળ.
(૧૮૯) ગુપ્તચર
તિમિરના ગુપ્તચર
આ મયૂરો
ચડી વાસ-તરુવરની ટોચે
તપાસી રહ્યા-
સાંધ્ય આતમ તણાં કથળતાં શેષ દળ
લથડતાં લથડતાં ક્યાં લપાયાં?
(૧૯૦) લાગી લાય
‘જુઓ, જુઓ
આ આભને મહાલયે
શી લાગી લાય!
અબઘડી એ ખાખ થાય!’
કો’ક ધસમસ્યું તુરંતઃ
ધગધગંત
લાલચોળ
લોહગોળ
પશ્ચિમાબ્ધિમાં દીધો ઝબોળી.
(૧૯૧) શિરચ્છેદ
નક્કી હા! તલવાર ક્રૂર કો કાળહસ્તકઃ
જોને! વઢાઈ અબ્ધિજળમાં જઈ પડ્યું
આ રક્તખરડ્યું
દિવસ તણું મસ્તક!
(૧૯૨) ગુપ્તચર
‘સૂર્ય તો ઢાળી દીધો
હવે જઈ જુઓ, ક્યાં છુપ્યો વામણો ચંદ્ર?’
ઉદ્દંડ અંધારરાજે
મૂક્યા શોધવા ગુપ્તચર-
આ જુઓ, ગૂઢભાવે કરે ભ્રમણ
સાયંભ્રમર.
(૨૦૭) નંગ – જડેલ
જાસુદપુષ્પના ગુચ્છ ને વાન
રવિ તણો અસ્ત થતાં જ
બની ગયું
અંતરે અંતરે લાલમલાલ
માણેકનાં નંગ-જડેલ
દિશાવલય.
(૨૦૮) સંધ્યાનો સૂરજ
સાયં-સૂર્યનું રાતું બિંબ-
ફૂટેલા ગરુડ-ઇંડાનો રક્તછલકતો ખંડ?
છિન્નમસ્તક ગગન તણે ધડ ચકામું લાલમલાલ?
કે કાળ – અઘોરીને કર રુધિર- નીંગળતું કપાલ?
(૨૧૫) સૂર્યાસ્ત
ગગનને પ્રાંત લટકે રવિબિંબ
મૂષામુખે તપ્ત જેવો કનકપિંડ,
એની પ્રભારંગ્યું આ મેઘનું વૃંદ
શું અંતરીક્ષે બને અનલાના ખંડ!
(૨૧૬) ઘરદીવડો
આથમ્યો વિશ્વનો દીપ,
જે કરે સકલ અંધાર – ઉન્મૂલનઃ
‘રે! નહીં મુજ મહીં એવી કો શક્તિ’-
ઘરદીવડો આ નમીને નીચો માથું ધુણાવતો
પવન કેરી ઝકોળે.
(૨૩૭) ઘટ્ટ અંધાર સર્વજ્ઞ વાસુદેવ
ઘુવડ-ધૂત્કાર ને
નિશચરી કેરી કિલકારીએ
ભીષણ આ ગગન-આભોગ
ઘેરી રહ્યો ગહનતમ, ઘોર અંધાર-
કીચડ-ખીચોખીચ ગર્તે ડૂબી નીસર્યા
ભૂંડનાં ઝૂંડ શો ઘટ્ટ કાળો.
(૩૦૭) આકડાનાં તૂર શુભાંક
ઐરાવતની લાળ હશે?
કે દિશા – સુંદરી કેરું હાસ?
અથવા થાક્યા સૂર્ય-અશ્વનાં
મુખથી ઝરતાં ફીણ?
પવન લહેરે તરતાં આવ્યાં
ચંદ્રકળા શાં કોમળ
ધોળાં તૂર આકડા કેરાં
પકડી લઈને કૌતુક ભાવે
ગેલતી આ બાળાઓ
સજતી શિર પર રમણીય ગજરા.
(૩૦૮) પિશાચ-લીલા
જુઓ, કેવું આ
પિશાચ-ટોળું
માનવ-શબના માંસ-કોળિયા
ઝપટી ઝટપટ ગળચે! –
ભોંયે પડતા અધખાધેલા
ભરખી જેવા એ
ઘુરક-ઘુરકતા વરુઓ
વળતા ટોળે,
ને ખજૂરી જાંઘ,
કાળી ચિમળાઈ ચામડી,
ગંઠાયેલી નસની જાળ
હાડકાં ઉપર છવાઈ –
એવાં જર્જર હાડપિંજરો
પકડી પિશાચો ઘૂમે.
(૩૦૯) પ્રિય દીઠે
કૂપ, સરિત, સરવરનાં જળ થકી
સીંચી વલ્લરી પણ જીવે ખરી –
સહિયર! એમાં નહીં કશો સંદેહ.
પરંતુ જળધર-જળે સીંચાતી
વલ્લરીઓની મુખ-કાન્તિ તો,
જોયા કરીએ બસ અનિમેષ.