આમુખ -પહેલી આવૃત્તિનું: હરિવલ્લભ ભાયાણી, માર્ચ ૧૯૯૯.
વીશેક વર્ષ પહેલાં, ત્યારે સ્વાતિ પ્રકાશન ચલાવતા ભાઈ શિવજી આશર, અમારો હજી સાધારણ પરિચય હોવા છતાં, તેમના ઊંડા કવિતાપ્રેમથી પ્રેરાઈને, સોએક સંસ્કૃતપ્રાકૃત મુક્તકોના મેં કરેલા પદ્યાનુવાદો, મૂળ રચનાઓના પાઠ અને ગદ્યાનુવાદ સાથે રૂપકડા આકાર અને સુંદર ગોઠવણી વાળા ‘પ્રપા’ નામક સંગ્રહ રૂપે પ્રકાશિત કર્યા હતા.
તે પછી સમય સમયે એ જ રીતે જે મુક્તકોના અનુવાદ હું કરતો રહ્યો, તેમનો સંગ્રહ જ્યારે છપાતો હતો, ત્યારે ઉમાશંકરભાઈએ સહજ સ્નેહભાવે તેને નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા સાટે સ્વીકારી લીધો-તે સાથે એમણે પૂછ્યું હતું, “ ‘પ્રપ્રા’ અપ્રાપ્ય હોઈને તેના મુક્તકો તમે આ સંગ્રહમાં સમાવી લીધા છે ને ? પુસ્તકનું કદ વધી જાય અને કિંમત પણ, એ બીકે મેં તો નવા અનુવાદો જ સંગ્રહમાં મૂક્યા હતા. ‘મુક્તકમાધુરી’ નામે એ સંગ્રહ ઉમાશંકરભાઈ જેવા કવિવર્ય અને કાવ્યવિદનો પુરોવચન-પ્રસાદ પામી ૧૯૮૬માં પ્રકાશિત થયો.
‘પ્રપ્રા’ના પદ્યાનુવાદોમાં તે પછી, ૧૯૮૬ પછી કરેલા થોડાક અનુવાદો ઉમેરીને પ્રકાશિત કરવાનું મેં જ્યારે વિચાર્યું, ત્યારે પાર્શ્વ પ્રકાશન ચલાવતા બાબુભાઈએ ઉત્સાહથી એ જવાબદારી માથે લઈ લીધી. પુસ્તકના મુદ્રણ વગેરેમાં ઊંચું ધોરણ જાળવવાની જે તેમની રુચિ છે તેનો પણ આ સંગ્રહને લાભ મળવાનો આમ સુયોગ થયો.
સંગ્રહની દૃષ્ટિએ ‘મુક્તકમાધુરી’માં મેં કેટલોક સ્વૈરાચાર કરેલો અને ઉમાશંકરભાઈએ એ ઉદારભાવે તે ચલાવી લીધો હતો. આ સંગ્રહમાં એવા સ્વૈરાચારની માત્રા વધી છે. ‘મુક્તકમાધુરી’માં મુક્તકો ઉપરાંત લાંબા કાવ્યખંડોના પણ થોડાક અનુવાદો, કેટલીક બાબતમાં અનુવાદની સાથે રસદર્શન કે વિવરણ પણ આપેલ હતું, અને વિભાગો પણ કાંઈક સગવડિયા રાખ્યા હતા (જેમ કે ‘સ્વભાવોક્તિ’ની નીચે તેની ચુસ્ત વ્યાખ્યાનો ભંગ કરતી કેટલીક રચનાઓ પણ મૂકી હતી). આ ‘મુક્તકમંજરી’માં પણ ક્યાંક મૂળના મુક્તકનું વિસ્તરણ કર્યું છે કે અહીંતહીં સહેજ પરિવર્તન કર્યું છે. એકાદ લાંબા કાવ્યખંડનો અને એક ગદ્યકાવ્યના ખંડનો અનુવાદ પણ સામેલ કર્યો છે. વળી એક અલગ વિભાગમાં અંગ્રેજીમાંથી અનુવાદિત વિદેશી મુક્તકો મુખ્યત્વે જાપાની હાઈકુના અનુવાદો મૂક્યા છે. તેમને માટે છંદ, હાઈકુના અક્ષરમાપ અને પંક્તિમાપ વાળો રાખવાને બદલે યથેચ્છ માત્રિક-પરંપરિત પ્રકારના છંદ યોજ્યા છે. ભાવ, અભિવ્યક્તિ, લાઘવ વગેરેને ધ્યાનમાં લેતા હાઈકુની અને સંસ્કૃતપ્રાકૃત મુક્તકની નાતજાત એક જ હોવાનું પ્રતીત થશે . કવચિત મૂળના એક જ મુક્તકના બે અનુવાદ પણ આપ્યા છે
હાઇકુ-અનુવાદનો જે એક સંગ્રહ મેં ઉપયોગમાં લીધો હતો તે હાથવગો ન હોવાથી કેટલાંકનો મૂળ પાઠ આપી શકાયો નથી. બીજો ઉપયોગમાં લીધેલો સંગ્રહ છે ‘હાઇકુ હાર્વેસ્ટ- અનુવાદક : પિટર બાયલેન્સન (Beilenson) અને હેરી બેન (Behn) ન્યુયોર્ક, ૧૯૬૨, થોડાંક સંસ્કૃતપ્રાકૃત મુક્તકોના પાઠ પણ મૂળ પુસ્તકોની નોંધ જળવાઈ ન હોવાથી આપી શકાયા નથી. આવી નાની મોટી કચાશો અને અસંગતિઓ ઉદારભાવે નભાવી લેવા પાઠકોને વિનંતી છે.
મુક્તકની પ્રકૃતિ, સ્વરૂપ, આસ્વાદ વગેરે વિશે ‘ગાથામાધુરી’ અને ‘મુક્તકમાધુરી’માં મેં વિગતે વાત કરી છે. ઉમાશંકરભાઈનું પણ માર્મિક વક્તવ્ય છે. એટલે આ સંગ્રહમાં તે વિશે કશું કહ્યું નથી.
શોધિવર્ધિત બીજી આવૃત્તિમાં આગલી આવૃત્તિ કરતાં ૭૦ જેટલાં વધુ અનુવાદોનો સમાવેશ કર્યો છે, જેમાંના સાતેક આસ્વાદ સાથે આપ્યા છે. અંતે જે સાઠ જેટલા ગ્રંથોમાંથી પચાસ જેટલા કવિઓની (એમાં ૨૦ હાઈકુકારો અને ત્રણચાર અન્ય વિદેશી કવિઓ ઉમેરવા) રચનાઓ અનુવાદિત કરી છે, તેમની સૂચિ આપી છે. તેમાં કેટલાક અનામી ગ્રંથો અને કવિઓની સંખ્યા ઉમેરી શકાય.
હાર્દિક આભાર : કવિતાના તંત્રી અને અવિચલ સૌહાર્દનો સતત અનુભવ કરાવતાં સુરેશ દલાલનો (બે જ વરસમાં બીજી આવૃત્તિ થાય છે તેનો કેટલોક જશ પણ એને ફાળે જાય છે). બીજી આવૃત્તિનું પણ મુક્તભાવે પ્રકાશન કરવા માટે બાબુભાઇ શાહનો, પ્રાચીન પાઠોને પણ શુદ્ધિથી મુદ્રિત કરી આપનાર ક્રિશ્ના પ્રિન્ટરીના હરજીભાઈ એન. પટેલનો; અને સૌથી વધુ જેમના સુધાપાત્રમાંથી આચમનીઓ ભરી છે તે કવિપુંગવોનો.
ચૈત્રી પૂનમ, ૨૦૪૭
માર્ચ, ૧૯૯૯
હરિવલ્લભ ભાયાણી