યુવાસ્વર: સર્જન

નમન‌‌ દોશી

નમન‌‌ દોશી, જૂનાગઢ નો સાહસિક નવજુવાન ફોટોગ્રાફર કલાકાર છે.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો રસિયો નમન પોતાનો કેમેરા લઈ, ગિરનારના ફોરેસ્ટ ગાર્ડો સાથે,

અધરાતે મધરાતે પણ પ્રકૃતિની રુદ્ર રમ્ય શોભાને પોતાની કલાકૃતિઓમાં
કાયમી વસવાટ કરવાનાં ઇજન આપતો રહે છે.

એવા નમન દોશીની કેટલીક ફોટો કલાકૃતિઓ.....

(નીચેની રજૂઆત પર ક્લીક કરવું)

૧. અંકુરણ

(સૉનેટ - શાર્દૂલવિક્રીડિત)

-સપન પાઠક, બારડોલી.

 

છે સૂકીભઠ આ ધરા, સરવરો; સૂકાં દિસે વૃક્ષ સૌ.

પ્રાણીઓ જળ બુંદ બુંદ તલસે, આ આકરા ગ્રીષ્મમાં.

આંખોથી પણ ના વહે જળ હવે, છે શુષ્કતા એટલી!

ને સામ્રાજ્ય હવે બધે રવિ તણું, આખાય આ વિશ્વમાં.

જાણે કે રવિ રોમરોમ પ્રગટે, અંગાર હૈયે ઝરે;

અંગે ત્યાં સ્પર્શી રહી લહરખી, નૈઋત્યથી આવતી.

દેખું શ્યામલ વાદળો ઉમટતાં, ત્યાં દૂર કૈં આભમાં;

માટીની ખુશબો ભળે પવનમાં, એંધાણ શા આપતી?

આભેથી વરસાદ થૈ વરસતાં પીયૂષના પાનથી,

આ મૂર્છિત થયેલ વિશ્વફલકે, ચૈતન્ય વ્યાપી રહે.

પંખી 'ને પશુઓ બધા ઉપવને આનંદથી મ્હાલતા,

જાણે કે નવકારિકા વિહરતી, એવી નદીઓ વહે.

ફૂટે છે નવ પલ્લવો હરિત કૈં, સૂકી બધી ડાળને;

તો શાને નવ થાય અંકુરણ ત્યાં, સૂકી હૃદે ભોમ પે ?

 

૨. એક રચના

-અર્પણ ક્રિસ્ટી, અમદાવાદ.

 

જાતથી પણ દૂર હું ઠેલાઉ છું,
જે ક્ષણે બસ 'હું' મને દેખાઉ છું.

એક માણસ મેં ખરીદ્યો ઠાઠથી,
લાગતું હું ત્યારથી વેચાઉ છું.

સૌ જુએ, એ વેલ થઇ વળગે મને,
જાણતો હું, કેટલો વ્હેરાઉ છું!

જૂઠ પર મેં કેસ મૂક્યો ત્યારથી,
હું ગુનેગારો સમો લેખાઉ છું.

તું અમીરી, ક્યાં કશું વીંધે તને?
શ્વાસથી પણ રાંક હું છેદાઉ છું.

એ મને લઇ હાથમાં જકડે પછી,
રેત મુઠ્ઠીની બની વેરાઉ છું.

Not to be કે પછી to be હવે?
બેઉ વચ્ચે થઇ રબર ખેંચાઉ છું.

૩. ગામને પાદર

-તરૂણ મહેતા, મોરબી.

 

ગામને પાદર

અવાવરું વાવને કાંઠે,

 ઉગેલા લીમડા પર ચડી,

ક્યારેક તેની શીતળ છાયામાં

રમતા'તા   આંબલી પીપળી.

  વાવમાં ડોકિયું કરીને

પડી જવાના  અને  ભૂતના

બેવડા ભયથી,

જ્યાં રૂંવા ઉભા થઇ જતા

 - એ ગામને પાદર,

આજે વર્ષો પછી જાઉં છું

સરનામું શોધવા

સુખનું, મારા શૈશવનું, સ્મરણોનું

ત્યારે મને મળે છે

બહુમાળી ઇમારતોનો રાક્ષસ

જે ભરખી ગયો છે મારા ગામના પાદરને.

નાના હતા

ત્યારે મા વાર્તા કહેતી.

વાર્તા સાંભળતા અચૂક એક પ્રશ્ન  થતો,

' તે એ  વળી કયો  રાક્ષસ?'

જે માણસ ગંધાય, માણસ ખાઉ  કરે છે?

આજે અનેક ચહેરાઓ વસે છે,

  શ્વસે છે,  ભમે છે, મારા ગામને પાદર.

પણ પેલી,

ચિર-પરિચિત સંબંધોની

ધસમસતી નદીને,

કાળનો એરૂ આભડી ગયો છે.

ખેતરોની જગ્યાએ

મૂક્યા છે  મિલનાં ભૂંગળાં.

મારા ગામનાં પાદરનો આત્મા,

નક્કી અવગતે ગયો હશે.

બેગમાંથી લેપટોપ કાઢી

જોઉં છું જૂની તસવીર

ગામનાં પાદરની

ત્યારે,

તેનો આત્મા આવી ચડે છે

ક્યાંક આસપાસમાં

ટહુકાંરૂપે, પતંગિયારૂપે

અને સુકાયેલી નદી,

પુન:  સજીવન થાય છે.

મારી આંખો છલકાય છે

મારા ગામને પાદર.......

૪. એક રચના.

- પાયલ ધોળકિયા, ભુજ.

 

આ તે કેવાં બંધનનાં સ્પંદનો

છૂટાંછવાયાં વાદળો પણ કાબુમાં આવી જાય

જયારે વર્ષાની ગર્જના થાય.

જેમ આભને ગુમાવ્યાની વેદના

ખરતા તારા સિવાય

કોઈ જાણી શકતું નથી,

તદ્દન એવું જ થાય છે,

આ રહસ્યમય જીવનમાં.

દૂર વસતાં આપ્તજનોનો

સાથ હોવો, એ આજે

ઓકિસજન જેવું ફરજિયાત બની ગયું છે.

સંબંધો હવે લાગણીનાં

વેન્ટીલેટર ઉપર પાંગરે છે.

લાગણીની ભીનાશનો ખપ વર્તાય છે.

સાચવી લેજો આ સંબંધો ને.

નહીં તો એ દિવસ દૂર નથી,

કે આપણે

લાગણીઓનાં પણ બેસણામાં જવું પડશે.

 

૫. નોધારું જીવતર

- મનુ વી. ઠાકોર, 'મનન'. ભદ્રાડા.

 

કેમ કરી કાઢવી આ રાત્યું?

હવે કરવી જઈ ક્યાં મારે આખ્ખાય આયખાની વાત્યું?

ડૂસકાઓ ડૂબે છે એકધારા આવીને  ઊંડા આ છાતીના વે'ણમાં,

ઓશિયાળા આંસુથી ઓશીકે ઊભરતી રાત કાળી ફૂટે છે નેણમાં,

હીરની ગૂંથેલ મારી નવરંગી ઓઢણીની ભૂંસાઈ ગઈ ભરચકતી ભાત્યું,

કેમ કરી કાઢવી આ રાત્યું?

જન્મારો વેઠીને વાવ્યું'તું વ્હાલ જેની વિરહે સૂકાઈ રહી વેલી,

હારોહાર હાલવાની હૈયાની વાત ભૂલી નોંધારી કેમ મૂને ઠેલી?

મેલાય ગઈ માદળીયે બાંધીને રાખી જે મનખાની મોંધી મોલાત્યું.

કેમ કરી કાઢવી આ રાત્યું?

હવે કરવી જઈ ક્યાં મારે આખ્ખાય આયખાની વાત્યું?

 

૬. એક રચના

-નિલેશ સાટિયા, 'મન'. વલસાડ.

 

કોણ કરે છે વાતું?

ઝબકારે પલકારે મુજમાં રહી રહી સંભળાતું.

સમજણની રેતી છે ને ભીતર શ્વાસ વલોવે,

અણદીઠ્યાનું સુખ માણીને, મન મોતી પરોવે.

દૂર દૂર ના નીરખું જરીય, તોય લાગે કળાતું.

કોણ કરે છે વાતું?

બહાર લીંપ્યું આંગણ ને જીવણ ખાલીપાનો દેશ,

કોણ ઉકેલે સઘળી વાતું, મન ભરમાવે વેશ.

માંડ કરી ઉકેલી મથીયે ને પળમાં એ ડહોળાતું.

કોણ કરે છે વાતું?

૭. એક રચના.

-યોગિની ચાવડા, રાજકોટ

 

બારણું,

બારી,

બારીને પડદા ‘ને હવાચુસ્ત પટ્ટીઓ .

સોફા પરની ગાદલીઓ પર

હાથી, ઊંટ, મોર, પોપટ,

મોંઘુંદાટ કાશ્મીરી કાલિંદ.

એક કાચની ટિપાઈ પર રંગીન ફૂલો ‘ને ત્રણ રિમોટ.

સેંટ્રલ બીચ કિચન માથે ચીમની.

બર્મન વૂડ નો ફ્લોર અને સીડીઓ.

કોતરેલી ફ્રેમોમાં

ટિંગાયેલ સંભારણા.

ટીક વૂડ બેડ,

સ્પ્રિંગ મેટ્રસ, કલરફૂલ બેડશીટ

‘ને ભીતે ચીતરેલ પ્રેમ .

સગવડે પહેરેલ મહોરું સુખ

ને

એક...દબાયેલું ડૂસકું.

 

 

૮. એક રચના.

- કુલદીપ કારિયા, રાજકોટ.

 

પવનમાં ઊડે છે કિરણ આમતેમ,

દિવસ નામનો એક જણ આમતેમ.

ખીસામાં પડ્યું’તું એ હમણા સુધી,

થયું બે મિનિટમાં મરણ આમતેમ.

સમય શોધતો ત્યાં અને આ તરફ,

રખડતી રહે એક ક્ષણ આમતેમ.

આ ભેખડ ધસી કે પડી છે સવાર,

દબાયું ઘર આખું, હું પણ આમતેમ.

તને મોં ઉઘાડી બતાવું ગઝલ,

મને નાનો સમજી ન ગણ આમતેમ.

 

 

૯. એક રચના.

- નરેશ સોલંકી, રાજકોટ.

 

હે પવન ! ધીમા વહો ! આ એમનો આદેશ છે

દ્વાર પર સીધા રહો ! આ એમનો આદેશ છે

પળ ગુલાબી આંખમાં કઈ રીતથી બેસી ગઈ

પૂર્ણ એ ઘટના કહો ! આ એમનો આદેશ છે

પોક મુકે, ચીસ પાડે , લોહીનાં આસું રડે

સાંભળો, પીડા સહો ! આ એમનો આદેશ છે

આભ કોરુંકટ ગળે ને, હાથમાં ચણ ઓગળે

તોય ઉદાસી  ન હો ! આ એમનો આદેશ છે

બારીએ વાંછટ લખાવે રૂપની જે કલ્પના

એ જ અદ્ધલ એજ હો !આ એમનો આદેશ છે

 

૧૦. અશ્રુનાં ટીપાં પડે.

-મિલિન્દ પારેખ, બારડોલી

 

કેટલા સંજોગ જીવનમાં મને એવા મળે,

નીચવો મારું હ્રદય તો અશ્રુનાં ટીપાં પડે.

જેલના ખૂંખાર કેદી સૌ અહીં ભેગા થયા,

સૌ બને સાધુ જો મીઠો સ્પર્શ આ તારો અડે.

આંખ મીંચીને ફરું છું મતલબી સંસાર માં,

ક્યાંક તો નિસ્વાર્થ દીવો માર્ગમાં મુજ ને જડે.

આપણું જે હોય તે પાછું ફરી આવે જ છે,

જાય જે નભમાં ઉડી એ સાંજમાં પાછું ફરે.

ક્યાં મળે છે માંગવાથી પ્રેમ કે થોડી પ્રશંસા,

માંગવાની જીદમાં બસ બાણની શય્યા મળે.

હું ફકત લખવા નથી લખતો ગઝલ "મિલિન્દ" પણ,

વેદના ભીતરની ભીની બસ કલમમાંથી ઝરે.

 

 

 ૧૧. તુઝુક- - જહાંગીરી યાને દાસ્તાં- - જહાઁગીરની

-ભરત ખેની.

 

જહાંગીર: ‘શેખુબાબા’, પોતે પક્ષીવિદ્દ, ન્યાયપ્રિય અને ક્લાપ્રિય ખરો પણ બાદશાહ તરીકે નિષ્ફળ કહી શકાય એવો હતો. વાજીકરણ માટે એ ચકલાંની જીભનું કબાબ ખાતો. દારૂ અને અફીણ લેતો. તેનું વ્યંગ્યાત્મક વ્યક્તિચિત્ર આપવાનો અહિ પ્રયાસ છે. અહીં ફારસી, ઉર્દુ, હિન્દી અને ગુજરાતીના સંમિશ્રણવાળી પદાવલી ઉપયોગમાં લીધી છે.

 

પોતાની આંખ નથી ખોલતા.

હોઝ- એ- કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

                                          પોતાની આંખ નથી ખોલતા.

પેશ-એ-ખીદમત હૈ, તોતી યા તોતા, લો બોલો ઇસમેં સે કોન હોતા?

ખાતી જો હોંગી વો તોતી હોંગી ઓર જો ખાતા હૈ વો હોંગા તોતા.

સાંભળો સલીમ અલી, આ રીતે પંખી પર જહાંગીરજી ન્યાયને તોલતા.

હોઝ- એ- કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

                                       પોતાની આંખ નથી ખોલતા.

ઈસ્મત ના બાગમાંથી રુહ- અલ- ગુલાબનું ઈત્ર- - જહાંગીરી નાખો.

ચકલાંની જીભનું લો આ કબાબ અને પ્યાલો શરાબનો આ એક ચાખો.

શેખુ કી શાદી મેં કોકાજી દીવાના’ ને બેગાના ચારેકોર ડોલતા.

હોઝ- એ- કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

                                       પોતાની આંખ નથી ખોલતા.

નૂરેજહાં બેગમના કિસ્મત તો દેખો, બાહાર હૈ સંત્રી ઓર અંદર સે ચોર.

તુઝુક- - જહાંગીરીની વાત જ મૂકોને, એમાં છે કિસ્સા-એ-બયા ઓર.

છોડ દો ખયાલ યાર, કંટાળો આવે છે, પેશી- એ- ખજૂર એક ફોલતા.

હોઝ- એ- કુતુબ પર બેઠા જહાંગીરજી, ગર્દાબાદ ગર્દાબાદ બોલતા.

                                       પોતાની આંખ નથી ખોલતા.

 

સંદર્ભ:

૧. હોજે કુતુબ = અમદાવાદની નગીનાવાડી. હાલ કાંકરિયા તળાવ

૨. સલીમ અલી = બહુખ્યાત પક્ષીવિદ્, પદ્મભૂષણ- પદ્મવિભૂષણ સાલીમ અલી

૩. ઈસ્મત = અસ્મત બેગમ, નૂરજહાંની માતા, અત્તર બનાવવાની શરૂઆત કરનાર.

૪. રુહ- અલ- ગુલાબ = એ નામનું એક અત્તર

૫. કોકાજી = કુતુબદીન ખાન કોકા, બંગાળનો સુબેદાર

૬. બેગાના = પરદેશી, અહિ સર ટોમસ રોના અર્થમાં અભિપ્રેત છે.

૭. તુઝુક- - જહાંગીરી = જહાંગીરે પોતાના રાજ્ય વહીવટ દરમિયાન થયેલા અનુભવો વિષે લખેલ          કિતાબ. જેમાં એના ક્લાપ્રેમ, રાજકીય રીતિ-નીતિ વગરે વિષે નોંધ છે.

૧૨. યાજ્ઞસેની.

-હાર્દિ ભટ્ટ, અમદાવાદ.

 

પટરાણી એ પાંડવ કુળની,

દ્રુપદપુત્રી એ સખી કૃષ્ણની.

ઇન્દ્રપ્રસ્થમાં શાસન કરતા

પાંચે પાંડવ સુંદર દીસતા.

ઝેર રાખીને મામા શકુનિ,

ચાલ ચાલે છે દ્યુત રમતની.

પાસા એનું કીધું કરતા

હારી બાજી જીતી કરતા.

કપરી ઘડીઓ આવી પાસે,

પ્રપંચી પાસા હસતા ભાસે.

રાજપાટને, જાતને હારી,

ખેલ્યો દા' આખરનો ભારી.

પ્રપંચી પાસા ખડખડ હસતા,

શકુનીની આંખોથી ફરતા.

હાર્યા પાંડવ, હાર્યું સત્ય,

દુર્યોધનને ફળ્યું અસત્ય.

આપી આજ્ઞા બોલાવી નારી,

સભા મધ્યે લાજ લૂટવા ધારી.

લજ્જિત પાંડવ નીચું જોતા,

દૃષ્ટ કૌરવો ઝેરી હસતા.

ભીષ્મ દ્રૌણ ને વિદુર વિમાસે,

દૂરદૂર ના મારગ ભાસે.

દ્રુપદપુત્રી ધૃષ્ટધ્રુમ્ન ભગિની પાંડવકુળની રાણી.

આર્તનાદ પોકારો કરતી આંખે ભરતી પાણી,

ભરી સભામાં વિકર્ણ બેઠો, કર્યો તેણે ઉદગાર,

સત્ય સ્વરૂપા દ્રુપદ પુત્રીની કેમ લૂટો છો લાજ ?

કોઈ ના આવ્યું મદદે ત્યારે, છેવટનો આધાર,

પ્રિય સખા હે કૃષ્ણ, હવે ઉતારો સામે પાર.

દોડ્યા કૃષ્ણ ને પૂર્યા ચીર

કૌરવનું હણાયું હીર,

ભરી સભામાં સતીએ તાક્યા,

વડીલો સામે શબ્દના તીર.

સત્યનો ના લેવો પક્ષ,

કપટી કારણ મા સૌ દક્ષ

તેથી આવે કુળનો અંત,

ભાંગી દુ:શાસનનું વક્ષ.

 

૧૩. ઊંઘ (એક સરરિયલ રચના):

-અક્ષય દવે, અમદાવાદ

 

ઊંઘ મારી આંખ માંથી નીકળીને દોડતી જતી રહી છે કઈ તરફ ?

ના કોઈ પણ દિશા હવે કહી શકે છે ભેદ કે આ દ્રશ્ય એ તરલ સમયના અંશનો  પ્રકાર છે

કે છે બરફ?

ગૂઢ કોઈ રંગના વલય ઉપર સવાર થઈને દોડતી એ ઊંઘ એક પ્હાડની ગુફાઓમાં સરી પડે,

કે પ્હાડ પરથી દોડતી એ વાદળાની આરપાર વીજળી બની ગુમાનમાં ઉડેલ

કોઈ પાંખને નડે!

દૂરથી ઉઘાડ-બંધ થાય એક દ્વાર ..

કે જે..

છે? નથી? નથી! કે છે?નો પ્રશ્ન લઇને થાય ગૂમ!

ને ઊંઘ એજ બારણાની પાર જઇને..

 સ્વપ્ન ફાડે,

 સ્વપ્ન ચીરે,

સ્વપ્ન ખાય,

સ્વપ્ન થૂંકે,

 સ્વપ્ન ઓકે...

ઊંઘ લડતી ઊંઘ સાથે,

ઊંઘ ચાલે ઊંઘ માથે,

ઊંઘ ઊંઘ ઊંઘ ઊંઘ

ઊંઘ ઊંઘ ઊંઘ,

ક્યાં ગઈ?

 

૧૪.  તુરી

-અલ્પા વિરાશ, ભાવનગર.  

 

એક હાથનું નેજવું કરી બીજો હાથ કમ્મરે ગોઠવીને એ ઉભી હતી.છેક ખભેથી શરૂ કરી હાથની કોણી સુધી ગોઠવાયેલાં સફેદ બલોયાની શોભા તે વધારતી હતી.ઉનાળાના દિવસોમાં એની આંખો ડામરની સડકના તાપને કારણે ઝીણી બની હતી.કપાળ પર ગોઠવાયેલો હાથ તેના મોટ્ટા કાળા ચાંદલાને થોડી થોડી વારે  જગ્યા કરી આપતો હતો. ઉઘાડાં રહી ગયેલાં બે હોંઠ વચ્ચેથી ડોકાઈ જતાં પીળાં અને કથ્થાઇ રંગના દાંત એની છીંકણી ઘસવાની ટેવ છતી કરતાં હતાં. લીમડાની એક ખરબચડી વાંકી ચુંકી ડાળ જેવી નથડી તેના નાકમાં ઝૂલતી હતી. તેની બરાબર બાજુમાં નાકના બંન્ને ભાગ વચ્ચેની ખાલી જગ્યામાં એક લાલ મોતી પરોવેલ  સફેદ વાળો હંમેશા નિશ્ચેતન પડ્યો રહેતો.એ તુરી હતી.

તુરી પતરાનાં તગારા , પાવડી ,સગડી , સૂપડાં વેચતી હતી.પાલીતાણા બસ સ્ટેન્ડથી બહાર નીકળી જાગૃતિ હોટેલ વટાવતાં જાગૃતિનો બધો જ વધેલો કચરો જ્યાં  એકઠો થતો ત્યાં જ તુરીનું ઘર હતું.જ્યારે પણ હું ભાવનગરથી પાલીતાણા જાવ ત્યારે  તુરીનું ઘર અવશ્ય જોઉં.ટ્રેનમાં જાવ તો પણ તુરીનું  ઘર તો વચ્ચે આવતું જ.જાગૃતિ હોટેલ અને ગેસ એજન્સી વચ્ચે જ તુરી રહેતી. રેલ્વે સ્ટેશન વાળો રસ્તો ગેસ એજન્સી તરફથી જ ઘર બાજુ જતો. બંન્ને જગ્યાએથી તૂરીનું ઘર એના એજ રૂપમાં જોવા મળતું. તુરી તેના ઘરમાં રહેતી હતી એના કરતાં વધુ મારા મનમાં રહેવા લાગી હતી.એટલે રસ્તેથી પસાર થતાં તુરીને જોવાનું પ્રલોભન ટાળી શકતી નહીં. તુરીના દર્શન ન થાય તો છેવટે એના નામની બૂમો સાંભળીને પણ હાશકારો અનુભવાતો. તુરીનું  ઘર વાદળી અને કાળાં રંગના મોટ્ટા પ્લાસ્ટિકથી બનાવાયું હતું.મને એ ઘર જોઈને નાના બાળકોના ઘોડિયાં હોય એવું લાગતું.  ફરક માત્ર એટલો જ કે એનો પડદો ન ઊંચકાય ત્યાં લગી અંદરનું કશું ન દેખાય.ઘોડિયામાં પાયા દેખાય જ્યારે આમાં એ ન દેખાય એટલો ફરક. તુરીએ એવાં બે મોટ્ટા ઘોડિયાં બનાવ્યા હતા.એકમાં તુરી રહેતી અને બીજામાં એના દીકરો અને વહુ.બાળકો બંન્ને ઘરમાં આવ - જા કરતા. તુરી ઘરની મોભી હતી.

બે મહિના રહ્યા પછી તુરીએ નવો વ્યવસાય શરૂ કર્યો હતો. લાકડાની જુદી- જુદી વસ્તુઓ વેચવાનો.મને એ બહાને એની સાથે વાત કરવા મળશે એમ ધારી  કંઈ ન લેવાના ઇરાદે ખાલી જોવા જ હું પહોંચી ગઈ. તેણે મને લાકડાંની ટીપાઇ , ફૂલદાની , ખુરશી ,એક ઝૂલો એમ કંઈ કેટલીય વસ્તુઓ બતાવી. મારે ક્યાં કંઈ લેવી હતી.તુરીનો વ્યવસાયી સ્વભાવ મને કોઈ એકાદ વસ્તુ લેવા જ જાણે કહેતો હતો. પણ મારું ધ્યાન એક લાકડાંના પાટિયા પર જ કેન્દ્રિત થયું હતું.હું વિચાર કરતી હતી કે તુરી આટલાં નાનકડા પાટિયાંનો શું ઉપયોગ કરશે.મારી અખંડ ધ્યાનમગ્ન મુખમુદ્રા જોતાં જ એ પાટિયું ઉંચકીને મારી સામે લાવી ઉભી. નાછૂટકે મેં એ હાથમાં લીધું અને જાણે તૂરી નિશ્ચિત બની. મેં પર્સ ખોલી પૈસા આપવા હાથ લંબાવ્યો. મારા આશ્ચર્ય વચ્ચે એ મને પૈસા આપવાની ના પાડતી હતી.એની ભાષાનો એકેય શબ્દ હું ન્હોતી સમજતી.એ એનો વૈશ્વિક ભાવાનુવાદ કરતી હોય તેમ મારી સામે જોઈ રહી. હાથના અભિનયે મને એ પાટિયું લખવાના કામમાં લેજે એટલું જ કહેતી હોય તેમ સમજાયું.તુરંત તુરી અને હું જાણે એકમેકને ઓળખતાં થઈ ગયાં.તુરીએ હાસ્યની આછી રેખા સાથે મારા માથા પર હાથ મૂક્યો.  ત્યારે મને લાગ્યું હતું કે પછાડ્યો હતો. મારાં ધબકારા થોડીવાર માટે વધી ગયા હતાં.પણ એની તડકામાં પણ થોડી થોડી દેખાતી આંખોમાં ચમકતી જળરેખાએ મને નિશ્ચિંત કરી દીધી.હું  પાટિયું લઈને નીકળી પડી હતી.

આજે ૪ મહિને પાલીતાણા પાછી ફરી. એ સાથે જ જાણે તુરી મારા મનના ખૂણામાં બેઠી થઈ.બસમાંથી ઊતરી માત્ર રોડ ક્રોસ કરતાં જ તુરી દેખાશે એ અધીરાઈ એ ક્યારે પાલીતાણા આવ્યું તેની ખબર ન પડવા દીધી.પાલીતાણા આવતાવેંત હું એક કૂદકો મારીને જ નીચે ઊતરી.રોડ ક્રોસ કરી જાગૃતિ હોટેલના ગાઠીયા બનતાં જોતી જોતી જતી હું તુરીના ઘર બાજુ ઓછું જોતી હતી.રખેને તુરી પહેલાં એનું ઘર દેખાઈ જાય તો....મારો ચહેરો તુરીને જોવા આકુવ્યાકુળ થઈ ગયો હતો. મેં ચોપાસ નજર ફેરવી પણ તુરી ક્યાંય ન મળે.મારા પગ જાણે કોઈ ધરતીના પેટાળમાં ખેંચતું હતું.ખૂબ જ ધીમા પગલે ચાલતી હું જોતી હતી કે તુરીનો વ્યવસાય તેના દીકરાએ સંભાળ્યો હતો.તેના દીકરાના બંન્ને બાળકો એક ફાટેલ ગોદડી પર બેઠાં બેઠાં તૂટેલ ઠીકરાંના કાતરા પર કોલસાથી કંઇક ચિતરામણ કરતાં કરતાં એકમેકને મારી પણ લેતાં હતાં.તુરીને કોઈપણ સંજોગે જોયા વગર તો નથી જ જવું.એવા ઇરાદે  તૂરી જ્યાં જ્યાં બેસતી અને જ્યાં જ્યાં મે એને ઉભેલી જોઈ હતી ત્યાં ત્યાં  નજર ફરી વળે એ રીતે હું એના દીકરા પાસે લાકડાંની ખુરશીનો ને ફૂલદાનીનો ભાવ કરાવતી રહી.સડક પર ને જાગૃતિના પછવાડે બધે મેં જોઈ લીધું. તુરી ન દેખાઈ. મારી જિજ્ઞાસા શમવાને બદલે વધે જતી હતી. ન રહેવાતાં જાતે જ ઘરમાં આંટો મારી લેવા નક્કી કર્યું. તુરીના ઘરે કંઇ દરવાજા તો હતાં નહીં કે ખખડાવવા પડે.એક ઝાટકે મેં આડું રહેલું લૂગડું હટાવી અંદર ડોકિયું કર્યું. એક સ્ત્રી પીઠ ફેરવીને બેઠી હતી.મને થોડી રાહત થઈ.ત્યાંજ એ બાઈ મારી સામે જોઈ રહી.હું શું કામ એના ઘરમાં પૂછ્યા વગર ડોકિયાં કરું છું એવા કોઈ પ્રશ્નાર્થ એ ચહેરામાં નહતાં.મને એકધારી એની સામે જોઈ રહેલી તે અંતે ઊભી થઇ.મને થયું કે પૂછું? પણ જીવ ન ચાલ્યો.

ઘર તરફ જવા પગ ઉપાડ્યા પણ નજર તુરીને જોવા મથતી હતી.ગેસ એજન્સી પાસેથી જ પાછું વળીને પૂછવાનું મન થયું.છતાં ધીમે ડગલે ચાલતી રહી.રામદેવ ચાઈનીઝ-પંજાબી ઢાબા સુધી તો માંડ પહોંચી હોઈશ ત્યાં મનોમન નક્કી કર્યું. પાછી વળી.કોને પૂછવું એ વિચારમાં બે પાંચ મિનીટ ખર્ચવી પડી.અંતે તુરીના  દીકરાને પૂછવું યોગ્ય લાગ્યું.ગુજરાતીમાં જ પૂછ્યું. તમારી બા કેમ નથી દેખાતા? તેના દીકરાએ એક હાથ હલાવ્યો તેને અનુક્રમે હ્રુદય, બંન્ને આંખો,અને કપાળ પર લગાવી અંતે વાદળ તરફ ઈશારો કરી દીધો.ધરતી ફાટશે કે આસમાન હું ક્યાં જઈને ફેંકાઈશ .મારા પગનું સમગ્ર ચેતન તુરીના દીકરાના એક માત્ર અભિનયમાં હરાજી થઈ ગયું હતું. મણ મણની બેડીઓ જાણે પગમાં જડાઈ ગઈ હોય એટલા ભાર સાથે હું ત્યાંથી ઘરે જવા નીકળી. મારી આંખો એક પલકમાં જાણે મને ભીંજવી દેવાની હોય એવી બીકે મેં મોં પર દુપટ્ટો બાંધી લીધો.૧૦ મિનિટનો રસ્તો પસાર કરતાં મને ખાસ્સો એક કલાક લાગી ગયો હતો.રસ્તામાં મીરાંના ઘરે આંટો મારીને પછી જ ઘરે જવું પડશે.નહિતર સ્વસ્થ નહિ રહી શકાય. મીરાં સાથે સંશોધન અને સંશોધનની વ્યસ્તતા બાબતે સાચા ખોટા ગપ્પાં મારી હું નીકળી.

ઘરે જઈ નાહી ધોઈ સૂઈ જઈ સ્વસ્થતા મેળવવાની મારી ઈચ્છા હતી.પણ ઓરડામાં જતાં જ મને તુરીએ  આપેલું પેલું પાટિયું યાદ આવ્યું.મારા જ ઓરડાની અભરાઈના એક ખૂણામાં મેં જ એને ચડાવ્યું હતું. મેં તુરંત ખુરશી મૂકી એ ખૂણો તપાસ્યો.ખૂણો ખાલી હતો. મેં અધ્ધર શ્વાસે આખી અભેરાઈ વીંખી નાખી.આખા ઓરડાની બધી વસ્તુઓ ખોળી ખોળીને જોઈ.ક્યાંય પેલું પાટિયું ન મળે.અંતે બાજુના ઓરડામાં ચિત્રો ચિતરતી નાની બેબીને હળવે સાદે બોલાવીને પૂછ્યું.એ એના બોખા દાંતમાં હસતી હસતી આવી.કપાળ પર એક હાથ મૂકી અને મને જાણે બુધ્ધુ ન ગણતી હોય તેમ કમર પરનો હાથ ફેરવતી કહે પલદો ઊંચો કલ. હું એના ચહેરા સામે જોતી જોતી મારા ચેતનવિહોણા હાથે એની સૂચનાનું પાલન કરતી હતી.ત્યાં એણે કહ્યું સલખાયે ઊંચો કલ દ્દિદી ફઈ. બાલી ખોલ. મારી ડોક પાછળ ફેરવી હું બારી ખોલવા લાગી.બારી ખૂલતાં જ બારીના બારણામાં જાણે તુરી જ ઉભી હોય એવી અદાથી તેણે આપેલું પાટિયું જડાઈ ગયું હતું. મારાં આશ્ચર્યને સમજતી હોય તેમ બેબી કહી રહી હતી.બાલીનો કાચ તુતી ગયો એતલે પપ્પાએ તાલું પાતિયું ચોતાલી દીધું.તેનું બોખું મોં હાસ્યનો ધોધ વરસાવતું હતું.એક ઝાટકે હું ઉભી થઈ બેબીને ઉંચકીને એક ચક્કર ફરી ગઈ. સામેની ગુલાબી રંગની દીવાલમાં સ્વ.દાદીમાનો વાદળી રંગનો ફોટો મર્માળુ સ્મિત કરતો જાણે રંગની નવી ભાત ઉપસાવતો હતો.સંધ્યાટાણે કરેલી અગરબત્તીની ધૂમ્રસેર મારાં ઓરડામાં આવતી હતી ને પ્રશ્નાર્થો ને ઉદગારો રૂપી સુગંધથી  આખા ઓરડાને સુગંધમય બનાવી રહી હતી.

 

 

  ↔

૧૫. દીકરીનું ઘર.

-સંજય પટેલ, ગાંધીનગર.

 

“ વળી,એમાં તે  કંઈ આવાં નાટક હોય ? હગાઈમાં તો બામણ આવે રૂપિયો ને નાળિયેર લઇ.આપણે તો લગન વધાઇ ને બામણને દખણા આલી સુટ્ટા...આ  છોકરીના હાહરીવાળા ઘર ઊઠ્યા હગાઈમાં આવે ને પચ્ચા-હો  માણહનો જમણવાર કરવાનો,એવું તો ભઈ પેલ્લીવાર હાંભળ્યું હો... ! ” ‘નવઈ સે  તમારે તો...’ એમ કહેતા ને ખભો ઉલાળતાં નાથીબાએ મનહર સામે રીતસર છાજિયું કર્યું.

પરમદિવસે વેવાઈને મળ્યા પછી નક્કી થયેલા આ આયોજનને પહેલાં તો મનહરે જાહેર કરવાનું ટાળ્યું હતું.પણ આ તો આખા ઘરનો પ્રસંગ કહેવાય,એમ ઢાંક્યો થોડો ઢંકાવાનો હતો? ને નાથીબાનો સ્વભાવ તો મનહર સારી પેઠે જાણે.એટલે જ એણે આગલા દિવસે એમને કહી દેવાનું મુનાસિબ માન્યું. નહીં તો આ તો નાથીબા, કોઇની સાડાબારી ન રાખે. વેવાઈના ઘરનાં દસ-બાર માણસની વચ્ચે પણ લોકજોઇણાં કરે એવાં.

નાથીબાના કંઈક આવા જ જવાબની અપેક્ષા મનહરે રાખી હતી, છતાં તેને  અત્યારે નાથીબાના શબ્દોથી ખૂબ જ ચીડ ચડી. તેને લાગ્યું કે બાને કોઈક રીતે વાળવા જરૂરી છે.નહીં તો આવતીકાલે બધાંની વચ્ચે જ ક્યાંક ...?  તેણે પણ લોઢું લોઢાને કાપે એમ અવાજમાં કડકાઈ ઉમેરી.

“તે મોટા ઘરમાં છો’રી નાંખવી હોય તો એમનું કહેલું ય કાને તો ધરવું પડે કે નહીં ? અને આ જે  કરવાનું છે એમાં તો આબરૂ વધવાની કે ઘટવાની ? જરા વિચાર તો કરો,જમાના પરમાણે સૌને બદલાવું પડે કે નહીં?”

નાથીબા એમ હથિયાર હેઠાં  મૂકે એમ ક્યાં હતાં ?  તેમણે બમણા જોરથી વળતો પ્રહાર કર્યો.

“ ભઈ ! તમારા પર જ આ જમાનો આયો સે.આ આખી દુનિયા તો હાવ ગાંડી જ હશે ને ? તમે મોટા બા’ર નેકડી બારેસ્ટર થઈ ગ્યા સો તે જેમ મન ફાવે એમ વાજું વગાડો સો.પણ હું એમ કહું સું  કે તમે આ પચ્ચા વરહમાં હું નવું કર્યું ? બધું દળી દળીને કુલડીમાં !”

મનહરને લાગ્યું કે બાના શબ્દો હવે વિષય બદલી રહ્યા છે.આવતીકાલના પ્રસંગનો છેડો ફાડી તેઓ એક-બે વર્ષ પહેલાંની ઘટનાઓનો બળાપો કાઢી રહ્યા હોય એમ તેને  લાગ્યું. બા પાછા એ જ જૂની વાત પર આવી જશે એવું લાગતાં મનહર ત્યાંથી ચાલી નીકળ્યો.

નાથીબા એકલાં પડ્યાં. તેમને થયું કે ગામમાં ક્યાંક આંટો મારી આવે તો રાહત થાય. પણ ગામમાં સવાર સાંજ બે ટાઈમ આંટો દેનાર નાથીબા છેલ્લા મહિનાથી તો ઘરની  બારાય ક્યાં નીકળ્યા હતાં ? જ્યારથી તેમણે જાણ્યું કે તેમનો દીકરો મનહર પોતાના મોટા દીકરાને સાવ પડતો મૂકીને દીકરીનું સગું ક્યાંક નક્કી કરી આવ્યો છે ત્યારથી તો તેમણે ઘરની બહાર પગ મૂકવાનું પણ  બંધ કરી દીધું હતું. એમના સવાર-સાંજના બે ટાઈમના આંટામાં તો આખા ગામ-સમાજના  સમાચારોની હેરાફેરી થતી. તેમાંય સગપણ અને લગ્ન એ એમનો મુખ્ય અને પ્રિય વિષય હતો. કોની સગાઈ ક્યાં થઇ ને  કોની  તૂટી, કોનું સાટું  ક્યાં લેવાયું ને  કોને બૈરું  બહારનું લાવવાનું છે,આ વર્ષમાં કોને ત્યાં વિવાહ માંડવાના છે તેની ઝીણામાં ઝીણી વિગત નાથીબાના ચોપડે નોંધાતી.ઘણાં ગરજવાનને તો નાથીબા દેવ સમાન લાગતા.ઘણાં તેમના વડપણ હેઠળ, ઘરમાં લગ્નનું કોકડું ઉકલી જતા તેમના બુદ્ધિચાતુર્ય પર વારી જતા.તો મનવાંછિત ફળ ન આપનાર કોઈને નાથીબા કાળ જેવા લાગતાં, ને તેમને પ્રપંચી ગણી તેમની પાછળ ગાળો ભાંડતા. પણ, સગપણ વિવાહની બાબતમાં તેમની બુદ્ધિનો કોઇ તોડ નહોતો તે  તો  સૌએ સ્વીકારી લીધેલું સત્ય હતું..એમાંય જેના ઘેર દીકરીનું હથિયાર નથી તેણે પોતાના દીકરાના લગ્નનું યુદ્ધ કેમ જીતવું તેની સોગઠાબાજી નાથીબાના વડપણ હેઠળ જ ગોઠવાય એવું સૌ કોઈ ઇચ્છતાં.

આવા જાંબાજ યોદ્ધાને આજે પોતાના ઘર-આંગણે જ અવગણવામાં આવ્યો હતો. મનહરના છોકરા-છોકરી માટે નાથીબાએ  ગોઠવેલા બધાં જ  ચોકઠાં મનહરે સાવ ફગાવી દીધાં ત્યારે નાથીબાનો આઘાત સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે ઘરનાં સાથે બોલવાનું ને ઘરની બહાર નીકળવાનું લગભગ બંધ જ કરી દીધું હતું.

નાથીબાને શું કરવું એ કંઈક સૂઝ્યું નહીં. મન ખોલીને થોડું રડી લેવાય તો  ય સારું લાગે એવું થયું. પણ એમ કરવામાં  એમના સ્વભાવે મંજૂરી આપી નહીં. તે ઘરમાં જ ઢાળેલા રહેતા ખાટલા પર બેસી રહ્યા. ઘણું બધું એકસાથે વિચારવાને લીધે જાણે વિચાર પ્રક્રિયા જ અટવાઈ પડી હોય એવું એમને લાગ્યું. દિવાલ સામે એકધારું તાકી રહેલી તેમની નજર તેમના શૂન્યમસ્તકની ચાડી ખાતી હતી. રામજીબાપાને ચાલી નીકળે બે વરસ થયાં ત્યારે આજે પહેલીવાર નાથીબાને તેમની ખોટ વર્તાઈ રહી  હતી.

રામજીબાપાના ગયા પછી જ નાથીબાએ મનહરને  ઘેર બોલાવી લીધો હતો. દસમું ભણ્યા પછી મુંબઇ જતો રહેલો મનહર ત્રીસ વર્ષ મુંબઈ રહ્યો.અને ભાઈ મુંબઈ જેનું નામ..! ત્રણ દાયકામાં ત્રણેકવાર પરિવારને ત્યાં લઈ જવાના ઉધામા  મનહરે કર્યા પણ કારીગરની જિંદગીમાં પરિવારનું પોષણ મુંબઈમાં રહીને કેમ થાય ?છેવટે વાર-તહેવારે જાતે જ ઘેર આવી જવાની વાસ્તવિકતા સ્વીકારી ત્રણ દાયકા મનહરે ત્યાં જ પસાર કરી દીધા. નાથીબાને ત્રણ દીકરા ને બે દીકરીઓ. મનહર સૌથી મોટો. બે દીકરીઓને લીધે બે દીકરા તો મંડાયા પણ સૌથી નાનો  ચાળીસ વર્ષે  પણ કુંવારો રહી ગયો.નાનાનું ઘર માંડવા નાથીબાએ ઘણાય  કાવાદાવા રચેલા પણ પરિણામ શૂન્ય આવ્યું. ભાઈ, નણંદ, દિયર બધાને ત્યાં નજર દોડાવેલી પણ થયું એવું કે બાવો જ ધૂણીએ તાપતો હોય તો લોકોને લાકડાં ક્યાંથી આપે?  છેવટ સુધી નાનાનું ઘર ન મંડાવાને લીધે તે ઘરનું કામ મૂકીને રમતારામ થઈ ગયેલો.નાથીબાની દેખરેખ રાખવાની વાતમાંથી પણ તેણે હાથ ઉંચા કરી લીધેલા. વચલો પોતાની ફરજ નથી એમ કહી છટકી ગયેલો. છેવટે મોટા દીકરા મનહર પર આશા રાખી તેમણે તેને ઘેર બોલાવી લીધેલો. બાપાની પહેલી દિવાળીએ ઘેર આવેલા મનહરને તેમણે કહેલું,

“ભઇ, આખી જિંદગી મુંબઈમાં કાઢી તોય કંઈ વેળા વળી નહીં. ઊલટાનું ઘરે ખોયું  ને તમારું શરીરે  ખોયું. એના કરતાં હવે ઘેર હારા.ચાર મણની જમીન હરખી હંભાળશો  તોય એટલું તો મળી રે’શે.”

લગભગ પચાસે પહોંચેલા મનહરને પણ બાની વાતનું સત્ય સમજાયું હતું. એટલે ત્યારબાદ એક જ અઠવાડિયામાં મનહરભાઈ મુંબઈવાળા મટીને ઘરના થઈ ગયા હતા.

મનહરની વહુ રમીલા બાના ઓરડામાં આવી. થોડી આઘીપાછી થઇ. પણ બાનું ધ્યાન ક્યાં હતું? બા દિવાલના પડદા પર આખી દુનિયાદારીનું ચલચિત્ર જોવામાં મસ્ત હતાં. રમીલા તેમને તાકી રહી.  રમીલાને મનમાં કચવાટ તો હતો જ  કે દીકરાને  આમ સાવ પડતો મૂકી દીકરીને નોંધારી પરણાવી દેવાની ? વાત એના ય  ગળે ઉતરી નહોતી. મનહર મુંબઈ હતો ત્યારે તો તેણેય  બાની વાતોમાં સાખ પૂરેલી.જે આખા ગામની ચિંતા લઈને ફરે છે તેને  ઘરની ચિંતા તો હોય જ ને એ ન્યાયે  રમીલા છોકરાંના સગપણ બાબતે સાવ નિશ્ચિંત હતી. હમણાં બે મહિના પહેલાં જ ઘેર આવેલા ચાર પાંચ મહેમાનોમાંથી એક બહેને તેમને ત્યાં ચા પીવાની ના પાડી હતી. કારણ પૂછતાં પેલા બહેને કહેલું  કે,  ‘નાથીબા કહે છે કે દીકરીના ઘરનું તો પાણી ય  હરામ, ચા  તો બહુ દૂરની વાત છે.’ રમીલાએ તેમની આ વાતનો તાળો મેળવી જોયો ત્યારે જણાયેલું કે નાથીબાએ એમનાં  છોકરી-છોકરાને પોતાને ત્યાં ગોઠવવાની વાત લગભગ નક્કી કરી આવ્યાં હતાં.

રમીલાને આ વાતથી કોઈ વાંધો નહોતો પણ જ્યારે તેણે મનહરને  આ વાત કરી ત્યારે તે છંછેડાઈ ગયો હતો. રમીલાએ ઘણુંય વાર્યો છતાં બાની પાસે વાતની ખરાઈ કરવા તે પહોંચી ગયો હતો. રમીલાને એની એને પાછળ જવું નહોતું પણ થોડી વારે તેણે જોયું કે મા-દીકરા વચ્ચે વાત વધી પડી હતી. રમીલા પહોંચી ત્યારે નાથીબાએ ઉગ્ર ચંડીરૂપ ધારણ કર્યું હતું.

“તે તારે ત્યાં નવાઈ સે ? છતી છોરીએ તારે આ બાયણું વાખી દેવું સે ? આ વચલાને વસ્તી નથી ને તું ય એકની એક સોકરીને નોંધારી આલી આઈશ તો તારા સોકરાને કોણ ચોલ્લો ચોડશે ? જરા હમજ, તારા પોતાના જ પગ પર કુહાડો મારવા બેઠો સે તે. ને,હું તો કોઈને મોઢું બતાબ્બા લાયકે  નહીં રહું હા...” લાખ કરવા છતાંય નાથીબાની એકેય  કારી ફાવી નહોતી. મનહર એકનો બે ન થયો તે ન જ થયો.થોડું-ઘણું ભણેલી રમીલાને બાની વાત માનવી કે પતિની એ જ સમજાતું નહોતું.

થોડીવાર બાની સામે તાકી રહ્યા બાદ રમીલાએ બાનો ખભો પકડી ઢંઢોળ્યા.અનંતની યાત્રાએ જાણે વિહાર કરતાં હોય તેમ બા પાછા ફર્યા. બાને  કંઇક બોલાવવા માટે રમીલાને જે સૂઝ્યું તે બોલી નાખ્યું,

“શું થ્યું  બા...?”  બાએ  એવા જ તેવરથી જવાબ આપ્યો,  “શું થવાનું’તું અમને વળી ? આ જમડા ય  ઘર ભૂલી ગ્યા લાગે સે.”  બાનું ધાર્યું ન થયાનો આઘાત રમીલા સ્પષ્ટ જોઈ શકતી હતી. હવે એમની સાથે વાત કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવો ખેલ હતો. છતાં, મનહરે તેને સોંપેલી જવાબદારી પૂરી કર્યા સિવાય છૂટકો નહોતો. તેણે  હિંમત એકઠી કરીને  બાને પૂછ્યું,

“એ કહેતા હતા કે કાલે સગાઈમાં કુટુંબીઓને તો કહી દીધું છે,ગામમાં બીજા કોઈને કહેવાનું છે ?” ઉભરો ઠાલવવાની જગ્યા જ શોધતા હોય એમ બા ઉછળી પડ્યા,  “ તે અમને હું  કામ પૂછવું પડે તમારે વળી ? તમે તમારી મરજીના ધણી.ઠીક લાગે તો કુટુંબીઓ જમાડો, ગામ જમાડો,ને વધારે  ધજાગરો કરવો હોય તો આખી નાત જમાડો.  આંય  નાથીબાઈને શું લેવાદેવા ?” નાથીબાની ગાડી હવે જટ પાટા પર નહીં ચડે એવું જણાતાં રમીલાએ દલીલ પડતી મૂકી. વાત વધુ વણસી જાય તે પહેલા ત્યાંથી ચાલતી પકડી.

બીજા દિવસે સવારે ખાટલામાં સૂતેલાં બાએ મોડે સુધી ચહેરા પરથી ચાદર હટાવી જ નહીં. સૌનું ધ્યાન એ તરફ જતું હતું પણ બાને જગાડવાની કોઈની હિંમત ચાલી નહીં. નાથીબા માથે ચાદર  ઓઢીને ઘરનો બધો જ ધગધગાટ સાંભળી રહ્યા હતાં,સાથે અનુભવી પણ રહ્યા હતાં.એમને ય હવે ઊઠવું તો હતું જ,પણ કોઈના બોલાવવાની તેઓ રાહ જોઈ રહ્યા હતાં.આટલે મોડે સુધી રાહ જોયા પછી હવે  તે જાતે જ ઊઠી જાય તો માન ગુમાવવા જેવું થાય.પણ સમય જેમજેમ વીતી રહ્યો હતો તેમતેમ  હવે તેમને બીક લાગવા માંડી હતી.ગામનું કોઈ આવીને પૂછશે તો ? તેમણે  તેનો જવાબ મનોમન નક્કી કર્યો ને થોડીવાર એમ જ પડી રહ્યા.આખરે કુટુંબના વડીલ વાલીબાએ પહેલાં આવી બીડું ઝડપ્યું.નાથીબાના ચહેરા પરથી ચાદર ખેંચીને તેમણે સીધો જ પ્રશ્ન કર્યો,  “ કેમ વળી અત્યાર હુંદી ?”

નાથીબા સફાળાં બેઠાં થઇ ગયાં.ગોઠવેલા શબ્દો સીધા જ સામે ધરી દીધા, “ રાતનું આખા શરીરમાં કળતર ભરાઈ ગ્યું સે તે આખી રાત ઊંઘ જ આવી નઇ.તે હમણાં જરા આંખ મીંચાણી.”

ગામમાં કોઇને ત્યાં બોલવા-ઝગડવાનું થાય તો નાથીબા સૌને એક જ સલાહ આપતાં, “ ઘરનું વાજું  ઘરમાં જ વગાડો ભૈ.ગામમાં જઈ વગાડશો તો આખું ગામ તમાશો જોશે.”  આજે આ સલાહ પોતાની જાતને જ આપીને નાથીબા કમને પણ ઘરના પ્રસંગમાં જોડાઈ ગયાં.

મહેમાન આવે એ પહેલાં કુટુંબીઓ અને ગામના નજીકના સગાં-વ્હાલાં આવવા માંડ્યા હતાં.પુરુષો ચોપાડમાં ઢાળેલા ખાટલાઓમાં તો સ્ત્રીઓ ઘરમાં જઈ ગોઠવાઈ જતી હતી. પોતાને અનુકૂળ એવી બે-બે ચાર-ચારની જોડી બનાવી સૌ પોતાની વાતોમાં મશગુલ બન્યા હતાં.નાથીબા ઘડીકમાં પોતાના ઓરડામાં તો ઘડીકમાં રસોડા બાજુ આંટો મારી સૌની નજરે પડતાં હતાં,પણ સૌની વચ્ચે આવી બેસવાનું જાણીજોઈને ટાળતાં હતાં.બા આઘાપાછા છે એમ માનીને બોલાયેલા શબ્દો બાએ તેમના ઓરડામાંથી સાંભળ્યા,“ અરે મારી બાઈ,છો’રી હોય તો બાપનું જ નહીં કાકા, મામા કે ફઈનું ઘર પણ ઉઘાડું રાખે. આ તો...?”વધારે સંભળાશે નહીં એવું લાગતાં નાથી બા પાછળની બારીએથી બહાર નીકળી ગયાં.

ત્રણ ગાડીઓ આંગણે આવીને ઊભી રહી ને સૌનું ધ્યાન એ તરફ ખેંચાયું. મહેમાનોને આવકારવા સૌ ઊભા થયાં.જમાઈ સહિત દસેક જણાં ગાડીઓમાંથી ઉતરી ઘરમાં આવ્યા.સગાઇનો આવો પ્રસંગ સૌના માટે નવો હતો.એટલે કુતૂહલવશ પણ સહુ મોટા વેવાઈને આવકારવા ને ખાસ તો તેમને જોવા માટે આવવા લાગ્યા હતાં. આવકાર ને ચા-પાણી પત્યા  બાદ સગાઈનો વિધિ ચાલુ થયો.બ્રાહ્મણે શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ કર્યા બાદ વેવાઈ સામે જોયું.વેવાઇએ એ ઇશારો સમજીને પોતાના કાળા પાકીટમાંથી બે ડબ્બીઓ કાઢી. છોકરા-છોકરીના હાથમાં એક-એક મૂકી.ડબ્બીઓ ખૂલતાં જ સોનાનો ચળકાટ આજુબાજુ જમા થયેલા લોકોની આંખમાં ફરી વળ્યો. છોકરી-જમાઈએ એકબીજાના હાથમાં વીંટી પહેરાવી.ગોર મહારાજે વિધિ  સંપન્ન થયાની જાહેરાત કરી લોકોને હવે વિખરાઈ જવાની પરોક્ષ સૂચના આપી.

જમવાનો સમય થઈ ગયો હતો છતાંય તૈયારીમાં થોડી વાર હોય તેમ જણાયું.મનહરે વેવાઇને બધાથી અલગ પાડવાના આશયથી થોડો આરામ કરવાનો અનુરોધ અને બાદમાં આગ્રહ કર્યો. વેવાઈને તે પાછલી બારીએ થઈ બાના ઓરડા તરફ દોરી ગયો.વચલા દીકરાના ઘરમાં બેઠેલાં બા મનહર અને વેવાઈને પોતાના ઓરડા તરફ જતા જોઈ રહ્યાં.ઘરના વડીલ તરીકે તેમણે પણ વેવાઈ જોડે જઈને બે ઘડી બેસવું જોઈએ એમ લાગતા બા ઊભા થયાં.એમની પાછળ પાછળ ગયાનું કોઈ અનુમાન ન કરે તેથી તેઓ પહેલા બાથરૂમ તરફ ગયાં  ને થોડી વાર રહીને  તેમણે પણ એ જ પાછળનો બારીવાળો રસ્તો પકડ્યો.સહેજ અધખૂલ્લાં બારણા પાસે આવીને તેઓ ઊભા રહી ગયાં.નજર પહોંચે એટલી જગ્યામાંથી બાએ અંદર ખાટલામાં સામસામે બેઠેલા મનહર અને વેવાઈને જોયા.વેવાઈ આવ્યા ત્યારથી તેમની પાસે રહેલું કાળું પાકીટ તેમણે મનહર તરફ લંબાવ્યું હતું. વેવાઈના શબ્દો બાના કાને પડ્યા, “આપણી વાત મુજબ અત્યારે ત્રણ લાખ છે,બે લાખ લગન પછી.” આટલું કહી વેવાઈએ તે પાકીટ  મનહરને આપી દીધું.તરત જ ઊભા થઇ તેમણે  થોડી ચલણી નોટોની બીજી એક થપ્પી કાઢી.ફરી બાએ સાંભળ્યું, “આ પચ્ચીસ હજાર આજના ખર્ચા માટે. છૂટી નોટો છે એટલે જરા હાથ મારી લ્યો.” મનહર હસતા મોઢે ઊભો થઇ વેવાઈના બંને હાથ પકડી લીધા.અવાજમાં શક્ય એટલી ભીનાશ લાવીને તે બોલી ઊઠ્યો,“અરે તમે તો જીભના પાક્કા માણહ...એમ નોટો ગણીને  તમારી કિંમત ઘટાડું એ કંઇ ચાલે ?”

બારણેથી જ નાથીબા પાછા વળી ગયાં.જમવા ઊઠેલા મહેમાનો ને બીજાં સૌ,વાતોના તડાકા લેતાં લોકો ને પીરસનારાઓની સાચી-ખોટી દોડાદોડ વચ્ચે બાએ પોતે શું કરવું એ સમજાયું નહીં.ઘડી વાર તો એમને લાગ્યું કે હજુ તે ગઇકાલના વિચારોમાં ઘસઘસાટ ઊંઘે જ છે.વાલીબાએ આવીને તેમને ઉઠાડ્યા ને ત્યાર બાદ જે જોયું એ તો બધું સ્વપ્નમાં જ ચાલે છે.ઊંઘમાં ચાલતાં ક્યાંક પડી જવાશે એવી બીકે ઘરની બહાર ઓટલા પર જ તેઓ  બેસી ગયાં.આંખોમાં ઉભરાતાં અનેક દૃશ્યોમાં તે અટવાઈ પડયાં.

એમને એમ કેટલો સમય પસાર થઈ ગયો એની ખબર જ પડી નહીં.છેવટે રમીલાએ આવી એમને ઉઠાડ્યાં.“બા…! ક્યારના બેઠા છો અહીં ?ચાલો જમી લો હવે.” નાથીબા કશું જ બોલ્યા વગર રમીલાની પાછળ પાછળ ઢસડાયાં.પંગતમાં બેઠેલા કુટુંબીઓની વચ્ચે જઈ તેઓ બેસી પડ્યાં.આસપાસ બેઠેલા સૌ એમની તરફ આંખોને નચાવી આછું આછું મલકી રહ્યા હતાં.ભાણું પીરસાણું.પણ ભાણામાં શું પીરસાણું છે તેની તેમને ક્યાં ખબર જ પડતી હતી ?બધું જ દેખવા છતાં તેમને ક્યાં કશું જ દેખાતું હતું ? તેઓ એકધારું એ ભાણા સામે તાકી જ રહ્યાં. આજુબાજુ બેઠેલા સૌએ પણ માની લીધું કે નાથીબાનું કહ્યું આજે ઘરમાં જ ચાલ્યું નથી એટલે ડોશીને આઘાત જીરવાતો નથી.નાથીબા તેમના ભાણા સામે તાકી જ રહ્યા.થોડીવારમાં તો તેમને આજુબાજુના કુટુંબીઓ અદૃશ્ય થતા લાગ્યાં.ડોશીએ જોયું કે તેઓ હવે પોતાના નહીં પણ વેવાઈના ઘરમાં બેઠા છે.વેવાઇ જાતે આવીને તેમને ભાણું પીરસી ગયા છે.ભાણામાં લાડુ તરફ નજર જતા જ તેઓ ચોંકી ઊઠ્યા.લાડુ સોનાનો છે.સોનાનો લાડવો કેમ કરી ખવાશે એની મૂંઝવણમાં તે બેબાકળા બનીને આસપાસ નજર ફેરવી રહ્યા છે.બીજાના ભાણામાં લાડું જેવો લાડું ને પોતાના ભાણામાં સોનાનો લાડવો જોઈ તે રીતસર મૂંઝાઈ ગયાં.ત્યાં તો વેવાઈએ આવીને એ સોનાનો લાડવો ડોશીના મોઢામાં દબાવી દીધો.એ લાડવો નથી ખવાતો કે નથી બહાર કઢાતો.શ્વાસ પણ અટવાઈ જાય એવું થતાં ડોશી ઝટ લઇ ઊભા થઈ ગયાં.ને હડી કાઢી પોતાના ઓરડા તરફ દોટ મૂકી.જતાં જતાં,ખડખડાટ હસી રહેલા મનહરના શબ્દો તેમના કાને પડ્યા, “જબરું  કર્યું વેવાઈ તમે તો...!”

 

૧૬.  સ્વપ્નસમી નદી.

-ધારા હરસોરા, ભાવનગર.

 

એક દૃશ્ય ભૂંસાઈ ગયેલાં સ્વપ્ન જેવું. ટેકરીઓનો ઢોળાવ અને એની વચ્ચે રહેલી ખોબા જેવડી નદી. એ વિશાળ ટેકરીઓની વચ્ચે રહેલી ખોબા જેવડી નદી. હા, ખોબા જેવડી. એકબાજુ ઊંચી ઊંચી ટેકરીઓ અને બીજીબાજુ ઘનઘોર વૃક્ષો, એકબાજુ નરમ પણ સહેજ તીખો તડકો અને બીજીબાજુ શીતળ છાંયડો, એક બાજુ ખડકાળ ટેકરીઓનો સૂનકાર અને બીજીબાજુ ઘેઘૂર વૃક્ષોની  ડાળીઓના અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ.  એ બંને વચ્ચે 'હું' હું અને મારું સ્વપ્ન. હા સ્વપ્ન, ભૂંસાઈ રહેલું સ્વપ્ન. આંખોની સામે રહેલી એ ખોબા જેવડી નદીનો ઝીણો અવાજ મારા અંતરના ભાવોને મારી સામે નદીના પ્રવાહની જેમ એકપછી એક વહેણ આપવામાં મદદ કરે છે. આ પાણીનો પ્રવાહ જેમ સ્થિર નથી તેમ મારું મન પણ આજે સ્થિર નથી. એકપછી એક વિચારો ભમરાની જેમ ગોળ ગોળ ઘુમરીઓ ખાઈ રહ્યાં છે. મારી દૃષ્ટિ મને નદીના સામા કાંઠે ખેંચી જાય છે. પાણીમાં તરી રહેલા પંખીઓ મને લલચાવે છે એની જેમ ડૂબકીઓ મારવા. એમ ડૂબકી મારીને સંતાઈ જવાની રીત કેવી સરસ છે નઈં? લાગે છે કે મારું સ્વપ્ન પણ એ જ રીતે ડૂબકી મારીને સંતાઈ ગયું છે. શું ખરેખર એ સંતાઈ રહ્યું છે? પણ જુઓ તો ખરા! આં પંખીઓતો મારી સાથે સંતાકુકડી રમી રહ્યાં છે. ડૂબકીઓ મારીને પછી બીજા સ્થળેથી પ્રગટ થાય છે. તો શું એ રમત રમી રહ્યા છે? હા. એતો એના આનંદમાં લીન છે. જેવી રીતે એક રાજા એનાં રજવાડામાં રાજ્ય કરે તેમા પંખીઓ એના પોત્તાના વિસ્તારમાં ઠાઠમાઠથી આનંદ લઈ રહ્યાં છે.

એકબાજુ તડકી અને બીજીબાજુ છાંયડી હોવા છતાં નદી તો એના પૂરા ખળભળાટથી એ એક જ સ્વરે વહી રહી છે. એને સૃષ્ટિની આવી અથડામણોથી કશો ફેર નથી પડતો. એને તો દિવસ હોય કે રાત, અજવાળું હોય કે અંધારું, કોઈ એને સાંભળે કે ના સાંભળે વહ્યે જ જવાનું ને? નદીનું એ જળ એક સમયે એક સ્થળ પર છે તો પછીના સમયે અન્ય સ્થળ પર હશે અને ત્યાંથી પણ એ આગળ ને આગળ પહોંચશે એના સંગમ સુધી પછી એ સંગમ એને પોતાનામાં સમાવી લેશે. નવોઢા જેમ રૂપ બદલે તેમ એ પણ પોતાનું નવું રૂપ ધારણ કરશે. તો શું મારું પેલું સપનું પણ...