યુવાસ્વર: સર્જન-વિવેચના

વિવેચન લેખ :

‘કવીશ્વર દલપતરામ’

 

- કૃપાલી દિનેશભાઈ કામળિયા

 

પંડિતયુગના એક ઉત્તમ ઊર્મિકવિ દ્વારા સુધારકયુગના અગ્રણી સર્જક પિતાને અપાયેલી ભવ્ય અંજલિ 'કવીશ્વર દલપતરામ' છે. ઈ.સ.૧૯૩૩થી ૧૯૪૧ સુધી લખાયેલું આ જીવનચરિત્ર ત્રણ ભાગ અને ચાર ખંડોમાં વિસ્તરેલું છે. ત્રણેય ભાગના શીર્ષક પણ સૂચક: ભાગ પહેલો:'કાવ્યદીક્ષા', ભાગ બીજો: 'સંસ્કૃતિઓના સંગમઘાટે', ભાગ ત્રીજો:'સંધ્યાની મધુરપ'. એમ લાગે છે કે આ ચરિત્ર સર્જકપુત્ર દ્વારા થયેલું સર્જકપિતાનું ઉત્કૃષ્ટ તર્પણ છે.

ન્હાનાલાલે આ ચરિત્ર રચવામાં દલપત વિષયક પ્રકાશિત બધી સામગ્રીનો તો ઉપયોગ કર્યો જ છે, સાથે જ પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના વિશે જે નોંધો કરાવેલી, તેનો પણ અહીં યથાસ્થાને સદ્ઉપયોગ કયૉ છે. પ્રસ્તુત ચરિત્રમાં કેટકેટલી માહિતી પ્રાપ્ત થાય છે: કુટુંબના પૂર્વજો દલપતરામનો ઉછેર, ક્રોધી પિતા, પિંગળનો અભ્યાસ, કવિતા લેખનનો પ્રારંભ, તેમનું અમદાવાદ આવવું, ફાર્બસ સાથેની મૈત્રી, 'રાસમાળા'ની સામગ્રી એકત્રિત કરવી, ગુજરાત ભ્રમણ, શૈક્ષણિક - સાહિત્યિક સંસ્થાને તેમની સેવા, જીવનના ઉત્તરાર્ધનું મધુર દાંપત્યજીવન, તેમણે કરેલી ગુજરાતી સાહિત્યની અને સ્વામીનારાયણ સંપ્રદાયની સેવા.

આ બધાની પ્રમાણભૂત અને પ્રચૂર માહિતી વ્યાપક સંદર્ભે અહીં વિગતે રજૂ થઈ છે. આ ચરિત્રમાં તત્કાલીન ગુજરાતનું સાંસ્કૃતિક જીવન વિગતે ઉપસાવ્યું છે કારણ કે દલપતરામનું જાહેર જીવન સમૃદ્ધ છે. દલપતરામ તત્કાલીન ગુજરાતના સાંસ્કૃતિક જીવન પર અસર કરનાર એક નોંધપાત્ર સંસ્કાર વ્યક્તિ હતાં. તેથી તેમાં ગુજરાતનું સાંસ્કૃતિક જીવન વિશેષ રજૂ થાય તે સ્વાભાવિક છે.

‘દલપત-ફાર્બસ’ સાથે મૈત્રી કેવા સંજોગોમાં થઈ, એ મૈત્રીને લીધે દલપતરામનું જીવન કેવું વિકસ્યું અને ગુજરાતી સાહિત્યને કેટલો બધો લાભ થયો, એની નિરાંતે વાતો કરી છે. આ મૈત્રીકથાનું નિરૂપણ આ ચરિત્રચિત્રણનો વધુમાં વધુ આસ્વાદ્ય અંશ બન્યો છે. ન્હાનાલાલની ઉદારતા અહીં એ બાબતમાં વર્તાય છે કે  તેમણે નર્મદ વિષે વિસ્તારથી લખ્યું છે. તેમણે નર્મદને 'વીર' અને દલપતરામને 'ધીર', નર્મદને 'ક્રાંતિવાદી' અને દલપતરામને 'વિકાસવાદી' નર્મદને 'રાજર્ષિ' અને દલપતરામને બ્રહ્મર્ષિ' વિશેષણોથી નવાજ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે નર્મદને પૂરતું માન-સ્થાન આપીને પણ એક પુત્ર લેખે તેમણે પિતાને મહાન ગણાવ્યા છે, તે જરાયે અસ્થાને લાગતું નથી.

આ ચરિત્રાંકનમાં દલપતરામનું ચરિત્ર અનેક રીતે આલેખાયું  છે પણ સાથે જ ફાર્બસ, નર્મદ, મૂળીમા, કરસનદાસ મૂળજી, મહીપતરામ, રાયચંદ શેઠ વગેરે અનેકોનાં ચરિત્રો પણ નખશિખ ઊપસી આવ્યાં છે. આ ગ્રંથ નિમિત્તે કવિએ ૧૯મી સદીના ગુજરાતનું દર્શન કરાવ્યું છે, તે સંદર્ભમાં વિચારીએ તો આ ચરિત્રનું ઐતિહાસિક મૂલ્ય ખૂબ વધી જાય છે. માહિતીની દૃષ્ટિએ તો આ ગ્રંથ મૂલ્યવાન છે જ સાથે જ ઊર્મિકવિ ન્હાનાલાલના ગદ્ય પ્રભુત્વનો પણ અહીં પૂરો પરિચય થાય છે. આ ચરિત્ર નિમિત્તે ન્હાનાલાલની ગદ્યશૈલીનો પરિચય મેળવવાનો અહીં મુખ્ય હેતુ રાખ્યો છે. પહેલા જ ભાગની પ્રસ્તાવના તત્કાલીન સામાજીક ઈતિહાસને ઉજાગર કરે છે. લેખક લખે છે:

"પેશ્વાઈ પડયા પછી બે એક વર્ષે ઈ.સ.૧૮૨૦ જાન્યુઆરીની ૨૧મી તારીખ એ દલપતરામની જન્મતિથિ, મહારાણી વિક્ટોરિયા વિદેહ થયાં તે પૂર્ ત્રણેક વર્ષે ઈ.સ.૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખ- એ દલપતરામની અવસાન તિથી. પેશ્વાઈની પડતીથી માંડીને ૨૦મી સદીના ઉદયકાળ સુધીમાં દલપતરામનું આયુષ્ય જાણે આપણી ૧૯મી સદીનો દેશકાળ ભરીને ગિરિવરનો મ્હોટ્ટો પડછાયો પથરાયો."

---આમ પ્રસ્તાવનાથી જ ન્હાનાલાલની ગદ્યશૈલીનો પરિચય થવા માંડે છે. આગળ તે લખે છે:

' લગભગ આખી ૧૯મી સદી એટલે દલપતરામ... દલપત જીવનકથા એટલે ૧૯મી સદીની આપણી ઈતિહાસ કથા: સ્વામી નારાયણ ધમૅની સંસ્થાપનકથા, નવસંસ્કૃતિની ઉદયકથા, બળવાન જ્વાળામુખીની કથા, કંપની બહાદુરના અસ્તની ને ઢંઢેરાના અભયવચનદાતા મહારાણીજીના રાજયપ્રકરણની કથા."

આવી રીતે દલપતરામના આયુષ્યકાળ દરમિયાન ગુજરાત-ભારત અને વિશ્વની સામાજીક-રાજકીય સ્થિતિને પોતાના લેખનના ઊંડાણમાં સમાવીને ન્હાનાલાલે આ બૃહદ્ચરિત્ર રચ્યું છે. દલપતરામના વ્યક્તિત્વને ઉપસાવતું ન્હાનાલાલનું ગદ્ય ઓજસપૂર્ણ અને વાગ્મિતાથી ભર્યું ભર્યું બન્યું છે. દલપતરામે પોતાની બુદ્ધિથી, સમભાવપૂર્ણ રીતે સમાજને જે રીતે જોયો છે, સાચી દિશામાં વાળ્યો છે, તે માટે ન્હાનાલાલ લખે છે:

"નહિ ઉતાવળિયાપણે કે નહિ કાયરતાથી, સંસારશાસ્ત્રની ઊંડી સમજણને હદયંગમ્ય સમજાવટથી, લોકસમુદાયને ભડકાવ્યા વિના, સમાજમાં સંપ રાખીને, પ્રજાનું સંઘબળ જમાવતાં જમાવતાં, સેંકડો વર્ષોને કારણે ખંડેરરૂપ થયેલાં આપણી આત્મનિષ્ઠાને આત્મભાન કરાવતાં, નહિ તિરસ્કાર-નહિ ઉશ્કેરાટ, સેનાની રીતે નહિ પણ ઋષિની સાત્વિકતાથી, આવતો દેશકાળ સ્મૃતિકાળની આંખે વાંચી, પહેલા પાઠોમાં સદ્ ગુરુ શિષ્યને દોરે છે એ ભાવથી, ગુર્જર પ્રજાને દલપતરામે નવયુગની સત્ પ્રવૃતિઓમાં પહેલાં પગલાં ભરાવ્યાં અને ગાળી-ગાળીને મરડતાં પૂરતાં પાણી પાયાં એ તો ધીરગંભીર ભાવે ભણવા- વિચારવાનો આપણાં ગુજૅર ઈતિહાસનો ઐતિહાસિક પ્રસંગ છે...સૌમ્યપૂર્તિ દલપતરામ પ્રધાનભાવે સાત્વિકવણૉ સાધુગુણોની ગુણમૂતિૅ હતાં."

દલપતરામ શું હતાં તે બાબતે ન્હાનાલાલના વિચારોમાં સ્પષ્ટતા છે અને તેની અભિવ્યક્તિ પંડિતયુગના સર્જકને છાજે તેવી છે. તેથી જ તે લખી શક્યા છે: "સંસ્કૃતિઓના સંગમકાળના દલપતરામ કવિ હતા; પણ અર્વાચીનતાનાં અંધશ્રદ્ધાળુ અનુકરણીય ઉપાસક નહોતા કે પ્રાચીનતાના ઉવેખનાર નહોતા."  દલપતરામ શું હતા, તે તેમણે આ ચરિત્રાંકનમાં અનેકવાર દર્શાવ્યું છે.

ઉદા..."રાજા-પ્રજા ઉભયના દલપતરામ પરમ શ્રધ્ધા સ્થાન હતા'; 'દલપતરામ દૂધ ઉજળા સાહિત્યકારને લોકનેતા હતા.' 'સવૅદેશીય લોકકલ્યાણ એ દલપતરામને કાવ્યસિદ્ધિ ને જીવનસિદ્ધિ હતા'; 'પ્રજાના મહાપ્રશ્નોના મંથનને દલપતરામે કાવ્યસાહિત્યની દિશાઓ વિસ્તારી'; 'દલપતરામ દ્રષ્ટા છે. દલપતરામે બેસતાયુગને ઓળખ્યોને ગુજરાતને ઓળખાવ્યો.'; '૧૯મી સદીના ઉત્તરાર્ધના છેલ્લાં ચાર દાયકાઓમાં યત્કિંચિત્તે ભણેલ પ્રત્યેક ગુજરાતીના મુખમાંને હૈયે વસ્યા છે. રંક કે રાજવી, સાધુ શેઠિયા કે આચાર્ય, પાદરી કે કાજી, દેશી કે પરદેશી, હિંદુ, ઈસ્લામી, પારસી કે ખ્રિસ્તી, લોકસભા કે રાજદરબાર; સહુ દલપતરામને 'કવીશ્વર' તરીકે સંબોધતા. દલપતરામને જનતાએ આપેલું  બિરૂદ છે. એટએટલો વ્હાલો, એટલો યુગને, કાળને સારવનાર, એટલો સર્વમાન્ય કે સર્વસામાન્ય કવિ કે સાહિત્યકાર છેલ્લી કેટલીક સદીઓ શોધી વળ્યે સાંપડશે?"

ના, નહીં જ સાંપડે---  એવો જવાબ આપવો પડે તેવું ન્હાનાલાલનું લખાણ છે. ન્હાનાલાલે કેટકેટલી રીતે દલપતજીવનને મૂલવ્યું છે તે ઉપરોક્ત લખાણમાં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત ચરિત્રમાં દલપતરામના પૂર્વજોથી માંડી લેખકે તેમના વંશજો સુધીની વાતને સાંકળીને દલપતરામના ગૃહજીવન સાથે તેમના જાહેરજીવનને બહુ માહિતીપૂર્ણ રીતે રજૂ કર્યું છે. ન્હાનાલાલે દલપતરામની વાત સાથે ફાર્બસની, અન્ય વ્યક્તિઓની, અનેક રાજ્યોની તેમજ સમાજોની પણ વાત કરી છે. ન્હાનાલાલે દલપતરામ જે હતા તે અતિશયોક્તિ વગર, સ્પષ્ટ સુરેખ રીતે રજૂ કયૅું છે.

"દલપતરામ સૂર્ય સમા દીપક ન હતા, ભારતદીપક ન હતા, ગુર્જર દીપક હતા...."

દલપતરામ શું હતા તે સંદર્ભે ન્હાનાલાલનાં આ વિધાનો તેમની સાચી છબિ તો રજૂ કરે છે સાથે જ ન્હાનાલાલના ગદ્યનો પણ પરિચય થાય છે. સમગ્ર ચરિત્ર ચિત્રણનું અધ્યયન કરતાં કહી શકાય કે--- સંસ્કૃતિઓના સંગમકાળના સમયે આપણી ગુર્જરકુંજોમાં દૈવયોગે એ અવતર્યા હતા. પ્રાચીનતાના ખોળે દલપતરામ ઉછર્યા હતા, પુરાણના ગુણમહિમાના પરમ શિષ્ય અને ભક્ત હતા. છતાં તેમની પ્રાચીનપૂજતી આંખે આવતા યુગને ઓળખ્યો ને વધાવ્યો.

દલપતરામ ગુજરાતને કહેતાં હતા કે-' દેશમાં સંપ કરો, પણ ધીરે ધીરે સુધારાનો સાર; સુધારો થવા સદ્ય વિદ્યા- વિચાર વધાર્યા; પરંતુ ગાળી ગાળીને પાણી પીજો અને પ્રજાની બે આંખોને એક નાક સમી એ મંત્રત્રયી ઉપર લલાટદેશે મ્હોટે અક્ષરે મૂલવંતાં જૂનાનાં જતન કરજો.'

એવું લાગે છે કે દલપતરામનું સાચું મૂલ્યાંકન પ્રસ્તુત ગ્રંથમાં અવાર-નવાર થયું છે. કયારેક મહ્દઅંશે અતિશયોક્તિથી લાગણીમાં સરી જતાં લાગે. પણ ચરિત્ર લેખક વિશાળ વ્યાપને સાથે રાખીને આ ચરિત્ર રચી શક્યા છે, તે ખાસ નોંધપાત્ર બાબત છે. દલપતરામની વાત કરતાં કરતાં લેખકે, અનેક શહેરો-નગરોનો ઇતિહાસ સાંકળ્યો છે, જે અભ્યાસીઓ માટે અધ્યયન તેમજ સંદર્ભ સામગ્રી બની રહે છે. વળી, ન્હાનાલાલની વાગ્મિતાનો પરિચય અહીં અનેક સ્થળે થાય છે. તેને લીધે દલપતરામના જીવનપ્રસંગો ભવ્ય રીતે નિરૂપાયા છે તે જો તેનો વિશેષ બની રહે તો ચરિત્ર લેખનમાં તાટસ્થ્ય સચવાતું નથી, તે એની મર્યાદા પણ બની રહે છે.

પ્રસ્તુત ચરિત્રમાં દલપતરામના ગૃહસ્થજીવનના તેમજ જાહેરજીવનની વાત સાથે તત્કાલીન સમાજનું આલેખન થયું છે, ભારતની રાજકીય સ્થિતિ આલેખાઈ છે, તત્કાલીન સાહિત્યિક સ્થિતિ રજૂ થઈ છે અને અનેક ચરિત્રો જીવંત આલેખાયા છે.

'સમસ્ત ગુર્જરજનતા કાજેનાં કાવ્યમંડળનો મહાસંગ્રહ તે દલપતકાવ્ય.' સરસ્વતી મંદીરે સંચરતાં ગુર્જર સંસારનું પગથિયે પગથિયું કવીશ્વરે કાવ્યફૂલડે વધાવેલું છે. દલપતકાવ્યમાં છે પ્રજાસંદેશ. વળી દલપતરામના અંતિમ થોડા દિવસોનું નિરૂપણ તો આંખ્યે દેખ્યો અહેવાલની જેમ રજૂ થયું છે.

અર્થસભર ગદ્યપંક્તિઓથી અને ફકરાઓથી શોભતા આ ચરિત્ર ગ્રંથમાં દલપતરામનાં આંતરિક વ્યક્તિત્વની રેખાઓ ઓછી આલેખાઈ છે, કયાંક તાટસ્થ્યનો અભાવ પણ વર્તાય છે, છતાં આ ચરિત્ર અમૂલ્ય છે. ન્હાનાલાલનું ગદ્યપ્રભુત્વ અહીં અનેક સ્થળે દેખાય  છે. પંડિતયુગના આ ઊર્મિકવિ દ્વારા નિરૂપાયેલું ચરિત્ર દલપતરામને નિમિત્ત બનાવીને જે વ્યાપકતાને સાંકળીને લખાયું છે તે ન્હાનાલાલની વિશાળ દૃષ્ટિને સમજવા અને તેમના ગદ્યને માણવા જેવું તો ખરું જ. આ ચરિત્રનું વાંચન આપણને ગુજરાતી ગદ્યની ગરિમાનો અદ્ભૂત પરિચય કરાવે છે, ગુજરાતી ભાષાની તાકાત દર્શાવે છે અને વિશેષણોમઢયા ગદ્યવાંચનનો આનંદ આપે છે. તેથી કહી શકાય કે  ગુજરાતી સાહિત્યના અલ્પધન ચરિત્રસાહિત્યમાં આનું સ્થાન નોંધપાત્ર છે.

 

- કૃપાલી દિનેશભાઈ કામળિયા, પાલીતાણા.