વાર્તા :
રમકડું
- ભવી અશોક ગાંધી, મુંબઈ
‘આજે મમ્મી મારી સાથે બગીચામાં કેમ ન આવી? અને ચોકીદાર જોડે મને કેમ મોકલી દીધો? છેલ્લાં છ મહિનામાં આવું એક પણ વાર બન્યું નથી. કંઈ વાંધો નહીં, મારી જીંદગી છે બહુ મસ્ત છે… ન કોઈ કામ… ન ટેન્શન… ફક્ત શાંતિ અને આરામ… વાહ… લાઈફ સેટ છે આપણી. ઉપરથી હવે કાલથી લોકડાઉન લાગુ થવાનું છે, એટલે હવે તો કંપ્લિટ આરામ. બહાર આંટો મારવાનું પણ બંધ. અને મમ્મી પણ આખો દિવસ ઘરે હશે. એટલે હું એની સાથે ખૂબ રમીશ. આમેય ઘણા દિવસ થઈ ગયા અમે કંઈ નવી રમત નથી રમ્યા.’ સુખના આ વિચારોમાં જ હતો કે ચોકીદાર મને ઘરે મૂકી ગયો. હું ઘરમાં ઘૂસુ, એ પહેલાં જ મમ્મીએ મને અટકાવ્યો.
“સોનુ ઉભો રહે….”, મમ્મી હાથમાં ફટ્ટો લઈ દોડતી આવી અને બોલી. ‘શું થયું…? આજે આમ અચાનક. “મારો સોનુ બહારથી આવ્યોને, તો સોનુના બૂટ ખરાબ હશે. આપણે પહેલા તેને ઉતારી લઈએ. પછી અંદર જશું…” મમ્મી મારા બૂટ કાઢતાં બોલી. આજે અચાનક આવું કેમ. રોજ તો હું આમ જ આવતો હતો, પહેલાં તો ક્યારેય મમ્મીએ આવું નથી કર્યું. હું અંદર આવ્યો તો જોયું કે ઘરનો નક્શો જ બદલાઈ ગયો હતો. એકદમ ચોખ્ખું, ચમકતું અને નવું ઘર ! વાહ ! આ તો ઘણું સરસ કહેવાય !
હું ઘરની બદલાયેલી અવસ્થા જોવા લાગ્યો. એટલે મમ્મીએ મને તેડીને વ્હાલ કરતાં કહ્યું, “કેવું લાગે છે ઘર ? એકદમ સરસને ?” મેં હસીને હા કહેતું ડોકુ હલાવ્યું. તે આગળ બોલી, “તારા પપ્પા, ભાઈ અને બહેન ઘણા વખતે કાલે ઘરે આવવાના છે. આ વિશ્વભરમાં કોરોનાની બીમારીને લઈને લોકડાઉન છે ને એટલે. તેઓ પાછા ભારત આવી રહ્યા છે. ” મેં શંકાશીલ નજરે જોયું.
મમ્મી મારી મૂંઝવણ સમજી ગઈ અને મને તે લોકોની ઓળખાણ કરાવવા લાગી. “આ ફોટો જો”, એક ફોટા તરફ આંગળી કરતાં મમ્મી બોલી. એ ફોટો તો મમ્મીનો કોઈ માણસ સાથેનો હતો. બન્ને મસ્ત નદીની વચ્ચે બોટમાં બેઠા હતા. “આ તારા પપ્પા છે…. “ મમ્મી બોલી. ‘મારા પપ્પા… તો પછી હું ઘરે આવ્યો ત્યારથી આજ સુધીમાં, ૬ મહિના દરમ્યાન, મેં તેમને જોયા કેમ નહીં…? તે છે ક્યાં…?’ “
કાલે પૂરા ૮ મહિના પછી દુબઈથી પાછા આવવાના છે, એક બ્રાન્ચ સેટ કરવા ગયેલા.” મમ્મીએ તેમનો વિસ્તારથી પરિચય આપ્યો. વાહ, મારા પપ્પા બહુ મહેનતુ માણસ લાગે છે, કેટલું કામ કરે છે, કાલે આવશે ત્યારે નક્કી મમ્મી માટે ગીફ્ટ લાવશે. મમ્મી કેટલી ખુશ થઈ જશે !
અત્યારે તો પપ્પાના આવવાની વાતથી જ કેટલી ખુશ છે !
પછી મમ્મીએ મને બીજો ફોટો દેખાડ્યો. તે ફોટામાં મમ્મીના હાથમાં એક નાનો છોકરો હતો. “આમ શું જુએ છે ? મોટો ભાઈ છે તારો. ૩ વર્ષ પહેલા અમેરીકા ભણવા ગયેલો, ભણવામાં એટલો ડૂબી ગયો હતો કે ડિગ્રી લીધા પછી જ મમ્મીની યાદ આવી. તને ખબર છે, એને મારા હાથની ખીર બહુ જ ભાવે છે… આંગળીઓ ચાટતો રહી જાય. અને પછી એટલા વખાણ કરે કે ન પૂછો વાત ! ત્રણ વર્ષ થઈ ગયા એ વખાણ સાંભળ્યાને. એ આવશે ને તરત કહેશે, ‘મમ્મી મારી ખીર ક્યાં છે?’ હું મમ્મીને જોવા લાગ્યો, એટલે તે બોલી, “તું ચિંતા ન કર, ખીર એના આવ્યાં પહેલા જ તૈયાર હશે. મારો આદિ. ” મમ્મીની આંખોમાં કેટલાં હર્ષના ચમકારા હતા, પોતાના દીકરાને ભેટવાના, ભાઈની આંખોમાં પણ નક્કી આવા જ સપના હશે, મમ્મીને મળવાના. એ આવીને તરત જ મમ્મીને ભેટી પડશે. કેવું અદ્ભુત મિલન હશે મા-દિકરાનું !
મમ્મીની વાત આગળ ચાલી, એક સાડી પહેરેલી સુંદર છોકરીનો મમ્મી સાથેનો ફોટો હતો. મમ્મી આંખના આંસુ રોકીને બોલી, “આ છે મારી આરોહી, બહુ અભરખો હતો વિદેશમાં નોકરી કરવાનો. મમ્મી, હું લંડનમાં જોબ કરીશ અને એક્સપિરીયન્સ લઈને આવતી રહીશ. ૫ વર્ષથી એક્સપિરીયન્સ જ લે છે. પણ કંઈ વાંધો નહીં, અંતે તો પાછી આવે જ છે ને. એ વાતની ખુશી છે. જો જે આવીને જ ઘરનાં બધા કામ માથે લઈ લેશે. એક કામ નહીં કરવા દે મને. કહેશે, મમ્મી તું આરામ કર. તારી આરોહી છે ને કામ કરવા. ” મમ્મીની આંખમાંથી એક ખુશીનું ટીપું ગાલ પરથી વહીને ઉતરી ગયું. ખરેખર સંસ્કારી દીકરી હશે, એટલે જ મા માટે આટલું વિચારતી હશે.
“લે આ બધી વાતોમાં તો હું ભૂલી જ ગઈ કે જમવાનો સમય થઈ ગયો. જઈએ આપણે જમવા ?” મમ્મી અને હું જમવા બેઠા. મમ્મીને આજે દરેક વસ્તુમાં પપ્પા, ભાઈ અને બહેન અને તેમની આદતો દેખાતી હતી. તેને આમ ગમે છે, તેને આ ભાવે છે, અને હજી બીજુંય કેટલું બધું, બધું જ મમ્મીને યાદ છે. સવારે કોણ કેટલા વાગે ઉઠે, એ વાતથી લઈને કોણ શું ખાશે, કેટલા વાગે ખાશે સુધી બધું જ.
ભાવિના આ સ્વપ્નની શીતલ છાયામાં અમે બન્ને ક્યારે સુઈ ગયા ખબર જ ન પડી. સવારે મારી આંખ ખુલી તો મમ્મી આરતી કરતી હતી. હું બહાર આવ્યો. મેં જોયું આજે મમ્મીના ચહેરા પરનું સ્મિત કંઈક અલગ જ હતું. એવું લાગ્યું જાણે બધાને મળવાની ઝંખનાએ તેની સુંદરતામાં એક નવો રંગ ઉમેર્યો હોય. ! તે મને જોઈ ખુશ થઈ અને મને તેડીને પોતે સોફા પર બેસી બધાની રાહ જોવા લાગી.
ત્યાં જ બેલ વાગી. મને સોફા પર જ મૂકી., મમ્મીએ દરવાજો ખોલ્યો, સામે પપ્પા હતા, હાથમાં કોટ-બેગ સાથે. મમ્મીએ તેમની આરતી કરવાની ઇચ્છા દાખવી પણ પપ્પા તો ફોનમાં વાત કરતાં હતા. મમ્મી સામે જોઈ, હસીને અંદર આવી ગયા. અને સોફા પર બેસી બુટ કાઢવા લાગ્યા. મમ્મી કંઈ બોલી નહીં હસીને બેગ લઈને અંદર આવી. પપ્પાએ ફોન મૂકી મમ્મી સામે હસીને જોયું. “કેમ છે વંદૂ ?” પપ્પાએ પૂછ્યું.
“હવે તમને જોઈને વધારે મજામાં” મમ્મી થોડું શરમાતા બોલી. “સોનુ…. કેમ છે ?” પપ્પા મને વ્હાલ કરતાં બોલ્યા. હું પણ હસ્યો. પછી મારી સામે જોઈને હસીને થોડીવાર મને રમાડ્યો.
પપ્પા નાહી, જમીને ટીવી જોવા બેસી ગયેલા. મમ્મી ઘડિયાળ સામે જોતી પપ્પાને કહેવા લાગી, “આપણે એરપોર્ટ જવું જોઈએ, બન્નેને લેવા, હજી નથી આવ્યા, ક્યાંક રસ્તો ન ભૂલી ગયા હોય !”
“અરે વંદુ, એમ કેમ ઘરનો રસ્તો ભૂલી જાય ? બન્ને મોટા થઈ ગયા છે, આવતાં જ હશે, તને તો ખબર છે મુંબઈનો ટ્રાફિક, નક્કી તેમાં અટવાયા હશે”
પપ્પા મમ્મીની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. પણ એક માની ચિંતા કેમની શાંત થાય ? થોડીવારમાં જ બેલ વાગી. મમ્મીએ દોડીને દરવાજો ખોલ્યો સામે એક છોકરી હતી. હાફ પેન્ટ, પેટથી ઉપર ટી-શર્ટ અને લીલા રંગના વાળ. મારી આંખો પહોળી થઈ કે આ મારી સંસ્કારી બહેન. ફોટા કરતાં તો સાવ જુદી જ છે. મમ્મીને જોઈને તે મમ્મીને એકદમથી ભેટી પડી.
“કેમ આટલી વાર લાગી ? મને કેટલી ચિંતા થતી હતી તમારા લોકોની. અને આદિ ક્યાં છે ?”
“ઓહો મમ્મી એક મિનીટ શ્વાસ તો લઈ લે” પાછળથી કોઈનો અવાજ આવ્યો. એ હતો મારો મોટો ભાઈ આદિ. મમ્મી તેને જોઈને, તેને વળગી પડી. “બહુ ટ્રાફીક નડ્યો ?” મમ્મીએ પૂછીયું.
“હા મોમ, બહુજ. પૂરા ૨ કલાક લાગી ગયા એરપોર્ટથી ઘરે આવતા”, ભાઈએ સફરની વિગત જણાવી.
“અરે મારો સોનુ, મને ઓળખી ? હું તારી સીસ છું.”
મારી બેન મારી પાસે આવી અને મને પ્રેમ કરવા લાગી. “ઓય સોનુ, અહિંયા આવ. તારા બ્રો પાસે” ભાઈએ મને બોલાવતા કહ્યું. બન્ને મારી જોડે પ્રેમથી રમવા લાગ્યા. પછી બન્ને ફ્રેશ થવા ગયા. નાહી કરીને બન્ને મારી જોડે બોલથી રમ્યા અને ઘણા બધા ફોટો પાડ્યા. પછી મમ્મીએ બધાને જમવા માટે બોલાવ્યા. આરામથી બધા જમીને પોત-પોતાના રૂમમાં જતા રહ્યાં. માત્ર બહેન બહાર સોફા પર બેસીને ફોનમાં કંઈક કરતી હતી.
હું પણ મારા રૂમમાં મારા બોલથી એકલો રમવા લાગ્યો. એટલામાં તો વગર નોક કરે, પેલી લીલા રંગના વાળવાળી છોકરી એટલે કે મારી બહેન અંદર આવી, પોતાનો સામાન લઈને.
હેં, પેલ્લી વાત તો આ મારો રૂમ છે, અને બીજી વાત નોક કર્યા વગર અંદર આવી જવાનું ? આ ફોરેનમાં પ્રાઇવસી નામની વસ્તુ શીખી કે નહીં ? અરે આના લીલા વાળ કરતા તો મારા ગોલ્ડન વાળ સારા છે.
“મોમ, આ અહીં કેમ છે ?” મારી સામે જોઈને બોલી. એટલે હું તેને જોવા લાગ્યો. ‘હું અહીં કેમ છું ? આ સવાલ તો મારે કરવો જોઈએ ? તું અહીં કેમ છે ? આ તો મારો રૂમ છે ’ .
એટલામાં મમ્મી આવી અને બોલી, “તું અહીંયા ક્યાં હતી એટલે આ રૂમ આને માટે રાખેલો. કંઈ વાંધો નહીં એ હવે મારી સાથે મારા રૂમમાં રહેશે. ચાલો સોનુ, મમ્મી-પપ્પા સાથે રહેશેને, મારો દિકો…” આટલું કહી મમ્મી મને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગઈ.
‘આ તો મમ્મી એ કીધુને એટલે નહિંતર તો આજે સો કોલ્ડ બહેનની વાટ લગાડી દીધી હોત. મારો રૂમ પડાવી લીધો. કંઈ વાંધો નહીં. હવે મને મમ્મી-પપ્પા સાથે રહેવા મળશે. મજા આવશે. મમ્મી કામ કરશે, ત્યારે પપ્પા સાથે રમીશ. . અને પપ્પા કામ કરશે ત્યારે મમ્મી સાથે રમીશ.’
મમ્મી મને બેડ પર બેસાડીને પપ્પાને કહેવા લાગી, “સોનુ અહીં છે, એનું ધ્યાન રાખજો અને આ ટીવીમાંથી ટાઈમ મળેને તો એની સાથે થોડું રમી પણ લેજો.”
સૂચન આપતાં મમ્મીએ કહ્યું, પણ ટીવીમાંથી બહાર જોયા વગર, પપ્પાએ હા માં ડોકુ હલાવ્યું.
ચાલો પપ્પા જોડે રમશું. એ આશાથી મારી ભોળી આંખોથી હું પપ્પા સામે જોવા લાગ્યો. પણ આ શું એ તો હલતા પણ નથી. ટીપીકલ હસબંડ અને ટીપીકલ પપ્પા છે, એમની દુનિયા એટલે એ અને એમનું ટીવી, ચાલો જોઈએ તો શું જોવે છે પપ્પા. કોઈ સરસ કાર્ટુન જોતા હશે તો મને પણ મજા પડી જશે. આમેય ઘણા દિવસથી પ્લુટો નથી જોયું. ટીવી સામે જોયું તો આ શું ? ન્યુઝ… અરે યાર… આ ન્યુઝ ચેનલ જ કાઢી નાખવી જોઈએ. આખો દિવસ આ કોરોના ભાઈનું સાંભળીને મને તો માથું દુઃખે છે, અરે. ઓ પપ્પા, ચેનલ ચેન્જ કરો ને. આપણે બાપ દીકરા મળીને કંઈક સરસ જોઈએ ને, જેમકે પ્લુટો અથવા મને તો તારક મહેતા પણ ચાલશે. હા માત્ર મમ્મીની સાસ-બહુ સીરીયલ છોડીને કંઈ પણ.
અરે યાર, આ પપ્પા તો જોતા પણ નથી મારી સામે. ચાલ બેટા આપણે બહાર જઈએ… એક ભાઈની વેદના બીજો ભાઈ જ સમજી શકશે. ભાઈ નહીં પેલું શું કહેલું, હા…. બ્રો…. ચાલ બ્રોને મળવા જઈએ… એની જોડે તો નક્કી મજા આવશે…. બ્રો સાથે રમવાની આશાથી હું તેના રૂમમાં ગયો.
આ શું, અંદર આવતાની સાથે જ આપણે જોઈ ન શકીએ એટલો બધો પથારો… અરરર… આટલો પથારો તો હું પણ નથી કરતો…. જોઈએ તો આટલા પથારામાં મારો બ્રો ક્યાં છે… અરે ક્યાંક ખોવાઈ નથી ગયો ને… ના ના… અહીં જ છે… શું કરે છે… ઓહ આ તો મોબાઈલ કરી રહ્યો છે… ચાલો આપણે બ્રોને કહીએ મારી સાથે બોલ-બોલ રમે. રમવાની આશાથી મેં બોલ ભાઈ પાસે ફેંક્યો. પણ એને તો બોલ ઉપાડીને પોતાના પથારામાં ક્યાંક સંતાડી દીધો.
રમવા પણ ન મળ્યું અને બોલ પણ જતો રહ્યો. મમ્મી જેની ફોન પર નાલાયક કહીને તારીફ કરતી હોય છે, તે આજ લાગે છે, સાચે એકદમ નાલાયક છે….
હવે શું કરું ? આજે મમ્મીનું ધ્યાન એક મિનિટ માટે પણ મારા પર પડ્યું નથી. એ આજે મારી જોડે એક પણ વાર રમી નહી. પણ એ બિચારી પણ શું કરે ? આ લોકોના આવવાથી કામ પણ તો વધી ગયું છે. હમણાં પણ કિચનમાં જ એકલી એકલી કામ કરી રહી છે, ચાલ સોનુ આમ જ અહીં બેસીને બારી બહાર જોઈને મજા લે, એટલે હું હોલની બારીની બહાર જોવા લાગ્યો.
એટલામાં તો જમવાનો સમય થઈ ગયો. જમતી વખતે પણ બધા પોત-પોતામાં વ્યસ્ત હતાં. મમ્મીએ ઘણા પ્રયત્ન કર્યા, બધા જોડે વાત કરવાના પણ કોઈ વિશેષ કંઈ બોલ્યા નહીં. મમ્મીને અચાનક ભાઈ માટે બનાવેલી ખીર યાદ આવી અને મમ્મીએ મારા ભાઈને ખીર આપી. ખીર જોઈને તે બોલ્યો, “મમ્મી, આટલું શુગર મારી હેલ્થ માટે સારું નહીં, તુ પ્લીઝ આને બાજુએ મૂક, મને મારું હેલ્ધી ડ્રીન્ક જોઈએ છે.”
મમ્મીએ તેને હેલ્થ ડ્રિન્ક આપ્યો. બહેને જમતાં પહેલા બધા સાથે એક સેલ્ફી લીધી. મને તો એમ લાગે છે કે કંઈ પણ કામ કરતાં પહેલા આ સેલ્ફી લેવાનો રિવાજ નવો આવ્યો છે માર્કેટમાં ! જમીને ભાઈ-બહેન પોતાના રૂમમાં જતા રહ્યા અને પપ્પા હોલમાં ટીવી જોવા લાગ્યા. હું પણ તેમની સામે જઈને હોલના એક ખુણામાં બેસી ગયો. મમ્મી પણ વાસણ ધોવા કિચનમાં ગઈ.
એક કલાક પછી મમ્મી ઘરના બધા કામ પતાવીને હોલમાં આવી પપ્પાની બાજુમાં બેસી ગઈ. મમ્મીએ પપ્પા જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું, “કેવું છે દૂબઈ ?” “હં, સારું છે, ” બસ પપ્પાએ એટલો જ જવાબ આપ્યો. પરંતુ ટીવીમાંથી નજર હટાવ્યા કે મમ્મી સામે જોયા વગર. મમ્મીએ પ્રયત્ન ન મૂક્યો. તેણે ફરી પૂછ્યું, “બ્રાન્ચ સેટ થઈ ગઈ ? બધું કામ થઈ ગયું ? હવે પાછું જવું નહી પડે ને ?” “ના વંદુ આટલું સહેલું છે દુબઈમાં કામ ગોઠવવાનું ? હજી સમય લાગશે”, પપ્પાએ જવાબ આપ્યો. મમ્મીને લાગ્યું કે પપ્પાનું ધ્યાન હજી પણ નહોતું.
મમ્મીની આંખોમાં ઝળઝળિયા દેખાયા. મારી આંખો પણ ભરાઈ આવી. અને તેવામાં જ અમારા બંન્નેની આંખો મળી. અને હું મમ્મી પાસે ગયો. અને તેનો હાથ ચાટવા લાગ્યો. મમ્મીથી અચાનક બોલી પડાયું, ‘આવ્યાં ત્યારથી પોતાનામાં ખોવાયેલા આ લોકોના રમકડાં કરતાં તો મારું રમકડું સારું! ભલે અબોલ છે પણ ભાવના સમજે છે, જ્યારે એમના રમકડાં એ તો, એમને સંવેદનબુઠ્ઠા કરી નાંખ્યા છે. ’
- ભવી અશોક ગાંધી.
કે. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, મુંબઈ.
↔