મેઘાણી વંદના- એક નોંધ
- વસંત જોષી, રાજકોટ
ભાષાવિજ્ઞાન ભાષાની બે મૂળભૂત શક્તિઓની નોંધ લે છે : લિખિત ભાષાની શક્તિ અને ઉચ્ચરિત ભાષાની શક્તિ. લિખિત ભાષા અને ઉચ્ચરિત ભાષા આમ તો એક જ પણ બન્નેનાં પોત અલગ. જે આપણે લખીએ તેનો ઉચ્ચાર એ એનું બીજું રૂપ. કોઈ લખાણ ખૂબ જુસ્સાભેર લખાયું હોય પણ જો તેનો ઉચ્ચાર એવો જ જુસ્સાભેર ન થાય તો ? ઉચ્ચારનો મહિમા એ અર્થમાં પ્રમાણી શકાય.
આજે જયારે આપણે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષે એમની વંદના કરી રહ્યાં છીએ ત્યારે એમણે સર્જેલા સાહિત્યની ભાષાનું જોમ અને જુસ્સો કેવાં હતાં એની પણ વાત કરવી જોઈએ. મેઘાણીની લિખિત ભાષાની બંને તરફ બોલાયલી વાણી પડેલી છે. લેખ પહેલાં અને લેખન પછી. "ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ", કે પછી, "નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે", જેવી પંક્તિઓ આપણે જયારે કોઈ ચારણ કે ગઢવીના ઘેઘુર, બુલંદ, પહાડી અવાજમાં સાંભળીયે છીએ ત્યારે મેઘાણીલિખિત ભાષાની ઉચ્ચરિત શક્તિનો પરિચય થાય છે. શ્રી ઝવેરચંદ મેઘાણી આવી ઉચ્ચરિત ભાષાના સર્જક હતા. જો કે એમનો અવાજ એવો પહાડી નહોતો પણ એમણે રચેલાં કેટલાંય ગીતો એવાં તો જોમભર્યા હતાં કે એ વખતે આઝાદીની લડતમાં એ ઠેર ઠેર ગવાતાં હતાં. અને મેઘાણીને એમની કાવ્યબાની લોકોએ ઉચ્ચારેલી વાણી માંથી મળી છે.
લોકસાહિત્યના સંપાદક તરીકે એમણે ધૂળ ધોયાનું કામ કર્યું. એ માટે મેઘાણી પગપાળા, ઘોડા કે ઊંટ પર કે પછી બળદગાડામાં અંતરિયાળ પરિભ્રમણ કરતા અને લોકસાહિત્યની સામગ્રી એકઠી કરતા. થોડા સમયમાં એમને એવું મૂળ ગામી કામ કરી બતાવ્યું કે ૧૯૨૯ના ૧૬-૧૭ માર્ચના રોજ રણજિતરામ મહેતાને પ્રિય એવા લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન માટે શ્રી ઝવેરચંદ મેઘાણીને સર્વપ્રથમ “રણજિતરામ સુવર્ણચંદ્રક”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
'કસુંબીનો રંગ' કાવ્ય ૧૯૩૪માં મુંબઈમાં લખાયું. ઝવેરચંદ મેઘાણી નોંધે છે: “સોરઠમાં અને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચુંદડી, શોર્ય-પ્રેમીની કસુંબલ આંખ પ્રચલિત છે. સુગંધે મહેકતો, ન ભડાકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ઘૂંટી કરેલો હોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. જીવનનો પણ એવો જ કસુંબલ રંગ: હૃદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઊર્મિઓના રંગે રંગાયેલા કોઈ વિરલાને નિર્દેશી રચ્યું છે આ કાવ્ય.”
જેમ કવિવર ટાગોરે પોતાનાં ગીતો માટે "રવીન્દ્ર સંગીત" રચ્યું હતા એ જ રીતે મેઘાણી પણ પોતાની ગીતરચનાઓ પોતે નિર્મેલા ઢાળે ગવાય એવો આગ્રહ રાખતા.”કોઈનો લાડકવાયો” એમણે મુકરર કરેલા સૂરોમાં જ ગવા ય એનો આગ્રહ રાખતા. તેઓ કહેતા કે જયારે હું કાલીન્ગડા અને મરાઠી સાખી એમના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલ સાંભળું છું ત્યારે મને વેદના થાય છે.
ઈં ગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સીટી તરફથી ભારતીય લોકવાણીના સંશોધન અને રેકોર્ડીંગ માટે ડૉ. અર્નોલ્ડ બાક ૧૯૩૮માં આવેલા. તેમણે રાણપુર આવીને ઝવેરચંદ મેઘાણીનાં સ્વરમાં ભજનો, લોક ગીતો અને એમની રચનાઓનું રેકોર્ડીંગ કરેલું. એ તો વિદિત છે કે મેઘાણી કવિવર ટાગોરના સાહિત્ય પ્રતિ વિશેષ આદર ધરાવતા. કલકતા નિવાસને કારણે એમને બંગાળી ભાષા સાથે સીધો નાતો જોડાયેલો. ટાગોરનું અતિ લોકપ્રિય કાવ્ય “નવ વર્ષા” મેઘાણીએ કવિ પાસેથી જ ૧૯૨૦માં સાંભળેલું અને તે કાવ્ય એમનાં મનમાં એવું ઘૂંટાયું કે છેક ૧૯૪૪માં અનુસર્જન રૂપે “મન મોર બની થનગાટ કરે” રચાયું.
આકાશવાણીનો એક પ્રસંગ.૧૯૪૬માં ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્રના ડિરેક્ટર હતા શ્રી ઝુલ્ફીકાર અલી બુખારી. સિદ્ધાંતોના કારણોસર ઝવેરચંદ મેઘાણી રેડિયો પર આવતા ન હતા. મુંબઈ કેન્દ્રના ગુજરાતી વિભાગના વડા શ્રી ચંદ્રવદન ચી. મહેતાના પ્રયાસથી ઝવેરચંદ મેઘાણી અને બુખારીની મુલાકાત યોજાઈ. ઝવેરચંદ મેઘાણીએ બુખારીને બે કલાક સુધી ગીતો સંભળાવ્યાં. પ્રસન્ન બુખારીને જોઇને ચં.ચી.મહેતાને આશા બંધાઈ કે બુખારી સાહેબ મેઘાણીને સમજાવી શક્યા હશે. મેઘાણીને વળાવીને પાછા આવેલાં બુખારીએ કહ્યું કે This man will never come on All India Radio.
એ સમયમાં પોલીડોર નામની રેકોર્ડ કંપનીએ ઝવેરચંદ મેઘાણીનાં અવાજમાં " શેણી વીજાણંદ-લોક કથા" ની રેકોર્ડ પણ બહાર પાડેલી.
"નોળવેલની મહેક" ની ઝવેરચંદ મેઘાણી વંદના માટે મેઘાણી સાહિત્યનો પ્રસાર-પ્રચાર કરનારા એમના પૌત્ર શ્રી પિનાકીભાઈ નાનકભાઈ મેઘાણી તરફથી સહયોગ મળ્યો તેનો સહુને ઘણો આનંદ છે. એમનો હ્રુદય પૂર્વક આભાર. શ્રી પિનાકીભાઈ, મેઘાણીનાં જન્મ સ્થાન ચોટીલામાં "ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન" નામની સંસ્થા ચલાવે છે. તેઓ વખતોવખત મેઘાણી વિષયક કાર્યક્રમોના આયોજન દ્વારા મેઘાણીનાં સાહિત્યનો પ્રસાર-પ્રચાર કરતા રહે છે. "નોલવેલની મહેક" માટે એમણે મેઘાણીનાં ગીતોની સીડીનો ઉપયોગ કરવા માટે ઉમળકાભેર સંમતિ આપી છે. આ અંકમાં આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીનો અવાજ અને એમનાં ગીતો અલગ લિંકરૂપે મૂક્યાં છે. શ્રી પિનાકીભાઈ, ઝવેરચંદ મેઘાણીનાં ૧૨૫મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
અંતે બે અવતરણોથી સમાપન કરું:
મહાત્મા ગાંધીજીએ કહેલું: "કાઠિયાવાડને ઓળખવામાં બહુ કુનેહ જોઈએ. ત્યાં ઈતિહાસ પડ્યો છે. નૂર પડ્યું છે. ગુણ, ભક્તિ અને નેકદિલી છે. કળા, સૌન્દર્ય વગેરે આ પ્રજામાં ઘણું ભર્યું છે. આની શોધખોળ પાછળ મેઘાણી ગાંડા હતા. મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા."
કવિ ઉમાશંકર જોષીએ કહેલું : "ક્રુષણની બંસરીની સેવા આપનાર એ સાહિત્યવીરની, કસુંબલ રંગના ગાયકની લાડીલી મૂર્તિ ગુજરાતને હૈયે ચિરકાળ માટે સ્થાન ભોગવશે."
- વસંત જોશી
(આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક)
•
તળપદી સાહિત્ય દ્વારા જનજાગૃતિ - મેઘાણી અને ઝિટકલા-ષા
- ઈશાન શાહ, અમેરિકા
I. અમેરિકામાં રહેતા ગુજરાતી યુવક તરીકે મને ગુજરાતી સાહિત્યનો ઘણો ઓછો અનુભવ છે. પરંતુ જ્યારે પણ મને ગુજરાતી કવિતા, લેખ, ગીતો અને ભવ્ય સાંસ્કૃતિક વારસાની આછી પાતળી ઝાંખી મળે છે ત્યારે વિચાર થાય છે કે આપણે ઘણા નસીબદાર છીએ. મારો અહોભાવ અનાયાસે એ વ્યક્તિઓ તરફ ઢળે છે કે જેઓએ આ સંસ્કૃતિને જાળવવામાં યોગદાન આપ્યું છે. ઝવેરચંદ મેઘાણી વિશે મને થોડાં અઠવાડિયાં પહેલાં જાણવા મળેલું. હું જેમ એમના સર્જનકાર્ય વિષે વાંચતો ગયો તેમ મને એમના જીવન તરફ વધુ રસ જાગતો ગયો. બાળપણમાં સાંભળેલાં અમુક ગીતો (‘ચારણ કન્યા’ વગેરે) ઝવેરચંદ મેઘાણીનાં હતાં એ જાણી આનંદ થયો.
મારા માટે ઝવેરચંદ મેઘાણીના વ્યાપક સાહિત્યનું મહત્ત્વ એક ભાષાની દૃષ્ટિએ કરતા એમનાં રાષ્ટ્રીય શૌર્ય઼ગીતો દ્વારા ગુજરાતના સામાન્ય લોકોને એમણે આપેલી જાગૃતિ માટે વધારે છે. મેઘાણીએ અમદાવાદ, સુરત જેવાં મોટાં શહેરો છોડીને સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં રહેલા ગુજરાતીના આત્માને આગળ કર્યો. ગામડાની સોરઠકથાઓ દ્વારા ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના લોકોને પોતાના જ સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ કરાવી.
ફોટા: ઝિટકલા-ષા
II. હું મેઘાણી અને એમના સર્જન વિશે વિચારું છું તો મને અમેરિકાના આવા જ એક પ્રખર વ્યક્તિત્વની યાદ આવે છે. આ વ્યક્તિ પણ મેઘાણીની જેમ જ તળપદી સંસ્કૃતિના મહત્ત્વ અને પ્રસાર માટે દિલ દઈને લડ્યાં અને એમણે સાબિત કરી બતાવ્યું કે સાહિત્ય કોઈ ઊંચા ભણેલા ગણેલા સમાજની જાગીર નથી. આ વ્યક્તિનું નામ હતું ઝિટકલા-ષા (Zitkala-Ša). વીસમી સદીની શરૂઆતમાં તેમણે અમેરિકાની આદિજાતિ (Native American) સંસ્કૃતિ વિષે વિસ્તારથી લખ્યું અને પોતાની તળપદી પ્રજાની સંસ્કૃતિ, લોકગીતો અને વાર્તાના પ્રસાર માટે એ આખી જિંદગી કામ કરતાં રહ્યાં.
ઝિટકલા-ષાનો જન્મ ૧૮૭૬માં દક્ષિણ ડકોટા પ્રદેશમાં થયો હતો. તે યેંકટન નામની જાતિનાં હતાં. એ સમયની ગોરી પ્રજા આવા આદિજાતિ સંસ્કૃતિનો નાશ કરવા પૂરો પ્રયત્ન કરતી હતી. ઝિટકલા-ષા જ્યારે તે માત્ર આઠ વર્ષનાં હતાં ત્યારે ખ્રિસ્તી મિશનરીઓએ એમને પોતાના કુટુંબથી છીનવી લઈ એક મિશનરી શાળામાં એમની ભરતી કરી દીધી. આ મિશનરીઓ આદિજાતિનાં બાળકોને જબરજસ્તીથી ખ્રિસ્તી લોકોની જેમ રહેવા, ખાવા, પહેરવાનું શીખવતા. જેમ ઝિટકલા-ષા મોટાં થયાં તેમ આધુનિક અમેરિકન સમાજ પ્રત્યે એમનો અસંતોષ વધતો ગયો. એક બાજુ આદિજાતિ દુકાળ અને અનેક મુસીબતમાં હેરાન થઈ રહી હતી પણ બીજી બાજુ એમના પ્રદેશના સમૃદ્ધિના શોષણથી બ્રિટિશ સામ્રાજ્ય વધુ સફળ બની રહ્યું હતું. ઝિટકલા-ષા અને આવાં અનેક બાળકોનાં અપહરણ અને જબરજસ્તીપૂર્વક ખ્રિસ્તીશિક્ષણ દ્વારા અમેરિકાની ગોરી પ્રજા આદિજાતિની સંસ્કૃતિ અને એમના સાહિત્યનો નાશ કરવા માંગતી હતી. અમેરિકાની દૃષ્ટિએ આદિજાતિ અભણ અને અસંસ્કૃત હતી અને એમને તુચ્છકારથી જોવામાં આવતી હતી. ઝિટકલા-ષાએ આ વાતને ખોટી સાબિત કરી બતાવી. એમણે યુનિવર્સિટીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને પોતાની પ્રજાની વાર્તા અને ગીતોનું સંકલન શરૂ કર્યું. તેમણે આ તળપદી સાહિત્યનો લેટિન અને પછી અંગ્રેજીમાં અનુવાદ કર્યો. જેમ મેઘાણીએ ગુજરાતના તળપદી સાહિત્યને અવાજ આપ્યો તેવી જ રીતે ઝિટકલા-ષાએ પોતાની બાળપણની સાંભળેલી વાર્તાઓ અને ગીતોને પ્રસિદ્ધિ આપી. એમણે સાબિત કરી બતાવ્યું કે આદિજાતિનું સાહિત્ય અંગ્રેજી સાહિત્ય કરતાં કોઈ રીતે ઉતરતું નથી.
બોસ્ટનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી સંગીતનો અભ્યાસ કર્યા બાદ ઝિટકલા-ષા પેન્સિલ્વેનિયાની કાર્લાઈલ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રીઅલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયાં. આ સ્કૂલમાં આદિજાતિનાં અનેક બાળકોને જબરજસ્તીથી પોતાના કુટુંબથી છૂટા પાડી અંગ્રેજોની રીતભાત અને વ્યવહારની તાલીમ આપવામાં આવતી હતી. ઝિટકલા-ષાને પોતાનાં ટેન્કટન જાતિનાં બાળકોને આ નિશાળમાં લઈ આવવાનું કામ સોંપવામાં આવ્યું. પોતાની પ્રજાની હાલત જોઈને તે ખૂબ જ પરેશાન થઈ ગયાં. આટલાં વર્ષોમાં અંગ્રેજ પ્રજાએ આદિજાતિ ની જમીનના ટુકડા કરીને એમને સસ્તા ભાવે વેચવા માટે મજબૂર કરી દીધી હતી. મોટી સંખ્યામાં ગોરાં લોકો ડકોટા પ્રદેશમાં વસવા લાગ્યા હતા. આદિજાતિ વેરવિખેર થઈ રહી હતી.
સ્કૂલમાં પાછાં આવ્યાં પછી ઝિટકલા-ષાએ ખૂબ જ ખંતથી લેખ લખવા શરૂ કર્યા અને એ જમાનાના પ્રતિષ્ઠિત અખબાર ‘એટલાન્ટિક મન્થલી’ અને ‘હાર્પર મન્થલી’ માં એમનાં લખાણ પ્રકાશિત થયાં. એમના લેખમાં આદિજાતિનાં બાળકોની હાલત જાણી ઘણા અમેરિકનોને આઘાત લાગ્યો. તેમને જાણવા મળ્યું કે આદિજાતિ પર કેટલો અત્યાચાર થઈ રહ્યો છે. આદિજાતિની સંસ્કૃતિનાં ગીતો અને વાર્તાઓ દ્વારા અમેરિકન પ્રજાને અહેસાસ થયો કે આદિજાતિ પ્રજાનું પણ પોતાનું અસ્તિત્વ છે અને એમને અસંસ્કૃત કહીને તિરસ્કાર કરવો યોગ્ય નથી. જેમ મેઘાણીને બ્રિટિશ સરકારે "સિંધુડા" ના પ્રકાશન પછી જેલ ભેગા કર્યા હતા એવી જ રીતે ઝિટકલા-ષાને પણ એમના લેખોને લીધે કાર્લાઈલ સ્કૂલમાંથી બરતરફ કરવામાં આવ્યાં.
એમણે નાસીપાસ થયા વગર વધારે ઉત્સાહથી આવા લેખ લખવાના ચાલુ રાખ્યા. અમેરિકન સરકાર જ્યારે આદિજાતિ ગીતો પર પ્રતિબંધ મૂકી રહી હતી ત્યારે એના વિરોધમાં ઝિટકલા-ષાએ આદિજાતિના સન ડાન્સ ઉપર સૌ પ્રથમ અમેરિકન ઓપરાની રચના કરી. એને ઘણી પ્રશંસા મળી અને એના દ્વારા આદિજાતિનાં ગીતો અને વાર્તાઓ વધારે પ્રચલિત થયાં. જેમ સાહિત્ય દ્વારા મેઘાણી ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય હતા અને એમણે ભારતના શોષણનો પ્રખર વિરોધ કર્યો હતો આવી જ રીતે ઝિટકલા-ષાએ પણ આદિજાતિની દુર્દશા વિશે પોતાનાં લખાણ દ્વારા જનજાગૃતિ ફેલાવી. એમના એક લેખ “ઓકલોહોમાના ગરીબ અમીર ઈન્ડિયન્સ” એ તો એટલો બધો ખળભળાટ મચાવ્યો કે અમેરિકન સરકારે કાયદો પસાર કર્યો અને સ્વીકાર કર્યો કે આદિજાતિને એમના પ્રદેશ પર અધિકાર છે અને એમને સાર્વભૌમત્વ આપ્યું.
“ઈશ્વરના અસીમ પ્રેમ તરફની એમની સમજ ભલે સીમિત હોય પણ એ યાદ રહે કે નિસ્તેજ મિશનરી અને કામણ કરતી આદિજાતિ એ બંને ભગવાને જ સર્જ્યાં છે. એમના જડ અંધવિશ્વાસ કરતાં પક્ષીઓના કલરવમાં, વહેતા પાણીમાં કે પવનથી ફેલાતી ફૂલોની ખુશ્બુમાં બ્રહ્માંડનો નાદ નાના બાળકની નિર્દોષતાથી સાંભળવો મને વધુ પસંદ છે. જો આને ધર્મવિહીનતા કહેવાતી હોય તો હું હમણાં ધર્મવિહીન કાફિર છું” - ઝિટકલા-ષા (Why I Am a Pagan, 1902)
III. વીસમી સદીની મધ્યમાં આ બંને સુપ્રસિદ્ધ સર્જકોએ પોતાનું કાર્ય સંકેલ્યું. મેઘાણીએ પોતાના સર્જન થકી રાષ્ટ્રભક્તિ જગાડી. પોતે ભારતની આઝાદી જોવા પામ્યા નહીં પરંતુ પોતાના જીવનકાળ દરમિયાન ભારતની જાગૃત થયેલી દેશભક્તિ જોઈ શક્યા. મેઘાણીએ સમાજની નસોમાં ભારતીય મૂલ્યોનું રક્ત વહેતું કર્યું. મેઘાણીની કવિતાઓ ટાગોરના કલકત્તાના ઉમદા ભવનમાં હોય કે સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં હોય, એમાં એ જ રસધાર રહે. એ જ પ્રમાણે બોસ્ટન જેવાં મોટાં શહેર હોય કે એમના ડકોટા લોકોના હરિયાળા પ્રદેશ હોય, ઝિટકલા-ષાની વાર્તાઓ સદાય એમની આદિજાતિના ગર્વની કથા કહેતી રહી. આ બન્ને મહાન સર્જકોએ પોતાનાં લખાણ થકી લોકોમાં ગર્વ અને સન્માન જગાવ્યાં. આ બન્ને મહાન વ્યક્તિઓએ સત્તા થકી થતો અત્યાચાર પડકાર્યો અને “સામાન્ય” લોકોની વાતોમાં પ્રાણ પૂર્યો.
લોસ એન્જલસથી હું આ બંને સર્જકોને હૃદયપૂર્વક નમન કરું છું. મેઘાણીની લડત આજે પણ એટલી જ લાગુ પડે છે. ભારતની આધુનિક ગુજરાતી પ્રજા અત્યારે પશ્ચિમની સંસ્કૃતિ પાછળ ઘેલી થઈ છે અને અંગ્રેજી મીડિયમની પાછળ એવી આંધળી દોટ મૂકી છે કે ગુજરાતી ભાષાની અવગણના થતી રહે છે. હું એવી આશા રાખું કે આપણે મેઘાણીને યાદ કરીને આપણી ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાને જીવંત રાખીએ.
- ઈશાન શાહ
૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦
•
લિ. હું યાદ કરું છું
– ઇન્દુ જોશી
નરમ દિલ અને જ્વલંત જુસ્સાના નાયક એવા મારા પૂર્વજ મેઘાણીદાદા,
તમને મારા નમસ્કાર.
તમારા વિશે લખવા માટે કયો પ્રકાર યોગ્ય ગણાશે તેવું બહુ વિચાર્યું. બહુ મથી. કવિતા લખું? પછી થયું ના. કવિતામાં તમારા વિશેનું બધું કેમ કરીને સમાવીશ? કેન્સલ. પછી થયું કે નિબંધ લખું? પણ તેમાં મને મજા નહીં આવે તેમ લાગ્યું. તે પણ કેન્સલ. તમારી કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓ અને બીજું સાહિત્ય વાંચતા થયેલી અભિભૂતતા ને આત્મીયતા બંને કઈ રીતે વ્યક્ત કરું? એમ મથતાં અંતે મન ઠર્યું પત્રલેખન પર.
‘લિ. હું આવું છું’ પુસ્તકનું મુખપૃષ્ઠ યાદ આવ્યું ને મારા અળવીતરાં મને તરત શીર્ષક બાંધી દીધું – લિ. હું યાદ કરું છું. તે આ પત્ર.
પત્રમાં સંબોધન તો હોય જ ને ? બીજો વારો આવ્યો તેનો. પાછી ગડમથલ. કોલેજકાળમાં વાંચેલા ને ગમેલા સાહિત્યકારોમાંના તમે એક. ગમતાં સાહિત્યકારો સાથે અજાણપણે પોતીકાપણું લાગેલું. એ રીતે કોઈ બંધન વગર વાત કરી શકાય ને પોતાપણું લાગે એવા વડીલ માટે આદરસૂચક શબ્દ ‘દાદા’ જ છે. એટલે તમારી આ અનુજની તમારા સંબોધન માટેની આમ ‘દાદાગીરી’.
એક બીજી વાત. મારા નાના ફોટોગ્રાફર હતા. તમે જ્યારે વડોદરામાં એક સભા સંબોધવા આવેલા ત્યારે મારા નાનાએ તમારો ફોટો પડેલો. એ ફોટો જોઈને તમે ખુશ થઈને તમારી પાસેનો ભરતકામ કરેલો ખેસ મારા નાનાને આપેલો. મારા નાનીનો એ ખેસ સાથેનો ફોટો મારી મમ્મીએ મને બતાવેલો. આમ સાહિત્ય અને આ સંબંધ બંને રીતે તમે દાદા.
ગુજરાતની પ્રજાનું ખમીર વધારવા, ટકાવવા અને તેને સાહિત્યરૂપે અમર કરવાની તમારી ધગશનો જોટો નથી. તમારા સમગ્ર સાહિત્યસર્જન પર ફરીથી નજર નાખવા બેઠી તો ચોમાસામાં ફરતી કાળી ઇયળને તમે સહેજ અડકો તો કેવી કોકડું વળી જાય તેવી હું થઈ ગઈ. આ બધું પત્રલેખન સિવાય બીજા કયા પ્રકાર માં લખાય?
એક વાત કહું? મને તમારા એક નાટકનું શીર્ષક વાંચીને ખરેખરી મઝા પડી- ‘વંઠેલ અને બીજી નાટિકાઓ’. તમે ‘સાંબેલાના સૂર’ શીર્ષક હેઠળ જે કટાક્ષિકાઓ ‘શાણો’ ઉપનામથી લખી છે તે આ લખનાર ‘શાણી’ને માટે તો ઉત્સવની વાત! તમે આ વાંચતાં મૂછમાં હસશો તે હું જાણું છું.
મને જોઈએ તમારી જેમ જ ભરપૂર જીવવાની તાકાત. જિંદગીને કોઈ જાતના પૂર્વગ્રહ વગર સ્વીકારવાની મજા. અથડાવાની, કૂટાવાની ને સહેવાની ખુમારી જોઈએ. ના, હું અત્યારના યુગની ફરિયાદ નહીં કરું. ઊંડાણથી જોતાં, દરેક યુગમાં માણસોના એકસરખા સંઘર્ષો, પીડાઓ અને મથામણો દેખાય છે. વિચારવા બેસું તો પ્રશ્ન થાય છે કે એવો તે કયો યુગ છે કે જેમાં નેકદિલના ને વિચારવંત માણસની કસોટી નથી થઈ?
તમને રવીન્દ્રનાથ ટાગોર અને ઠક્કરબાપા વિશે લખવાનું મન થાય તો દયાનંદ સરસ્વતી અને રવિશંકર મહારાજના કાર્યોનું આલેખન કરવું પણ ગમે. સ્વભાવથી તદ્દન અલગ અને ભિન્ન કાર્યક્ષેત્રો ધરાવનારા કેટલા બધા વિવિધ વ્યક્તિઓ વિશે તમે લખ્યું છે!
ગાંધીજી વિશે પણ તમે લખો ને ‘દરિયાપારના બહારવટિયા’ વિશે પણ! ‘અકબરની યાદમાં’ પણ લખો ને ‘સોરઠી સંતો’ વિશે પણ! તમે ભજનો પણ લખો ને ‘રઢિયાળી રાત’ સંગ્રહ પણ કરો! તમે હાલરડાંનો સંગ્રહ પણ કરો ને સોરઠિયા દુહાનો પણ! તમે ‘સમરાંગણ’ પણ લખો ને ‘પ્રભુ પધાર્યા’ પણ! કેટલી વિવિધતા!
ખુદના જીવનને કેટલું વ્યાપક સ્તરે તમે અનુભવ્યું હતું, ખરેખર! નાની હતી ત્યારે (જો કે અત્યારે પણ ઉંમરની રીતે બહુ મોટી નથી, હોં!) એક વાર્તા વાંચેલી. એક રાજકુમારને એક સાધુએ ખૂબ પુરાણા કિલ્લામાંથી એક અદભુત મણિ લાવવાનું કહેલું. સાધુએ રાજકુમારને ચેતવેલો કે ઘણા વર્ષોથી વપરાયા વિનાના, ધૂળ ને જાળા બાઝેલા ને રાક્ષસી કદવાળા દરવાજા તે એકલા હાથે ખોલશે તો જ તેને તે ચમત્કારિક મણિ મળશે. મેઘાણીદાદા, શું એ રાજકુમાર તમે નહોતા? બતાવોને, પેલો મણી!
લિ.
હું યાદ કરું છું.
ઇન્દુ જોશી