યુવાસ્વર: સર્જન-લઘુકથા

રૂપિયો કાઢવાની કળા

 

- સંજય પટેલ, ગાંધીનગર 

 

અમારા પડોશી મિત્રનો સાત વર્ષનો બાબો રૂપિયો ગળી ગયો. સોસાયટીના ચાર છોકરાંઓએ એકીશ્વાસે દોડીને આ બ્રેકિંગ ન્યૂઝ અમારા મિત્રને પહોંચાડ્યા ત્યારે તેઓ તેમની કરિયાણાની દુકાનમાં ખાંડ તોલી રહ્યા હતા. રાક્ષસ હિરણ્યાક્ષ પૃથ્વી ગળી ગયો હોવાના સમાચાર જ્યારે દેવોએ ભગવાન વિષ્ણુને પહોંચાડ્યા હતા ત્યારે નારાયણ તો નિશ્ચિંત હતા, મરક-મરક હસી રહ્યા હતા; પણ અમારા આ મિત્રએ માપમાં વધતું-ઓછુ કરવા ભરેલી ખાંડની મુઠ્ઠી ત્રાજવામાં જ છૂટી ગઇ, ને કાંટાના ડિઝીટલ આંકડાઓ પર ધ્યાન આપ્યા સિવાય થેલી ગ્રાહકના હાથમાં પકડાવી તેઓ ઘર તરફ દોડ્યા. દુકાને બેઠેલો હું પણ એમને અનુસર્યો.

 

આજુબાજુના ચાર-પાંચ કુટુંબો એમને ત્યાં ભેગા થયેલા જોઇ દૂરથી જ સમાચરની ખરાઇ થઇ ગઇ. મિત્રએ એ કોઇની પરવા કર્યા વિના પૂછવા ધારેલા ઘણા બધા પ્રશ્નોના સંમિશ્રનરૂપે બોલી ઊઠ્યા, “ “કેમ થ્યું આ? ” આ ઘટનાનું ચશ્મદીત ગવાહ તો કોઇ નહોતું પરંતુ આ ઘટના સાથે નજીકનો સંબંધ હોવાનો દાવો કરીને આસપાસ ઊભેલાં છોકરાંઓ એને જુદી-જુદી રીતે વર્ણવી રહ્યાં હતાં. મિત્રએ બાબાનું મોઢું ખોલાવી દરેક પોલાણોમાં ઊંડી તપાસ કરી, રૂપિયો ક્યાંય ભરાઇ રહ્યો નથી ને સીધો હોજરી સુધી પહોંચી ગયો છે તેની ખાતરી કરી. પાણી મંગાવી પીવડાવ્યું. અન્નમાર્ગમાં ક્યાંય અટકતું નથી એની ખાતરી કરી. પોણો કલાકમાં પાંચેક ગ્લાસ પાણી બાબાને પીવડાવી દેવામાં આવ્યું હતું. તેની અસર થઇ. બાબો બોલ્યો, ‘મારે ટોઇલેટ જવું છે.’ કાણા ગ્લાસમાંથી જાણે રૂપિયો સીધો જ બહાર આવી જવાનો હોય એમ આ  શબ્દોને સૌએ વધાવી લીધા. મિત્રએ એમની પત્નીને સૂચના આપી, “તું સાથે જા. હવે ધ્યાન રાખવું પડશે.’

 

સૌને નિરાશ કરતો બાબો ટોઇલેટમાંથી બહાર આવ્યો ત્યારે સૌએ પોતાની અનુભવવાણીથી અમારા મિત્રદંપતીને જ્ઞાનપ્લાવિત કર્યા. ચીલા-ચાલુ ડૉક્ટરોને અવગણી અમારા  મિત્ર બાબાને લઇ સુવિખ્યાત સર્જન પાસે પહોંચ્યા. ડૉક્ટરની કાતિલ ધીરજ જોઇ અમારા મિત્રના મનમાં ઘટનાની ગંભીરતા જરા ઓછી થઇ. એક્સ-રે થયો. એક્સ-રે જોતાં જ; નારાયણને જેમ જણાઇ આવ્યું હતું કે હિરણ્યાક્ષે પૃથ્વી તો સમુદ્રના તળિયે છુપાવી છે તેમ આ ડૉક્ટરને  પણ જણાયું કે રૂપિયો તો હોજરીના સાગરમાં અનેક પદાર્થોની વચ્ચે શાંતિથી પડ્યો છે. એને બહાર કાઢવાના વિકલ્પમાં અમારા મિત્ર છેક ઓપરેશન સુધી પહોંચી ગયા, પરંતુ ડૉક્ટરે એનો છેલ્લો વિકલ્પ જણાવી હવે પછીનું બાબા માટેનું સ્પેશલ મેનુ જણાવી ટોઇલેટની સંપૂર્ણ તપાસ કરતા રહેવાનું જણાવ્યું. મિત્રની અધીરાઇ પાછી કૂદી પડી, ‘સાહેબ! કેટલા દિવસ ટોઇલેટ ચેક કરવાનું ?’ ડૉક્ટરે ધીરજથી જવાબ આપ્યો, ‘રૂપિયો ન નીકળે ત્યાં સુધી.’ પ્રશ્નનું સ્વરૂપ બદલાયું, ‘રૂપિયો કેટલા દિવસે નીકળશે સાહેબ?’ “એ તો નક્કી ન કહી શકાય પણ બેથી આઠ દિવસ સુધીમાં નીકળવો જોઇએ.”  આગળના આઠ દિવસનો નિત્યક્રમ વિચારતાં-વિચારતા તેઓ ઘેર આવ્યા.

 

ઘેર વધુ ભીડ જામી હતી. હમદર્દીનો ભાર લઇને પ્રત્યેક ઘેરથી ઓછામાં ઓછો એક સભ્ય હાજર હતો. એમના કૂદાકૂદ કરતા કૂતુહલનો મિત્રએ સંતોષકારક જવાબ આપ્યો. સૌ એમની સોનેરી સલાહ આપી રહ્યા હતા. તેમાં બે વર્ગ સ્પષ્ટપણે જણાતા હતા. એક વર્ગનું માનવું હતું કે બાબાને પેટમાં ભાર-વજન થાય એવું ખવડાવો એટલે એ વજન સાથે રૂપિયો બહાર આવે, તો બીજા વર્ગનું માનવું હતું કે બાબાને સાવ હળવો ખોરાક આપો એટલે સાવ નોંધારો થઇને રૂપિયો બહાર આવી જાય. સાવ સામા છેડાની અગણિત સલાહોને મારા મિત્ર અને તેમનાં પત્ની હકારમાં માથુ હલાવી સંમતિ આપી રહ્યા હતા. મને લાગ્યું કે આ સૌએ બાબાને જે ખવડાવવાની સલાહ આપી છે એ બધું જ અભિમન્યુની જેમ રૂપિયો પેટમાં પડ્યો-પડ્યો સાંભળતો હશે તો હમણાં બોલી ઊઠશે કે, “આઘા રહો હું આવી જાવ છું બહાર!” મને પણ આ આફતને પહોંચી વળવા માટે લોકોએ સૂચવેલા ખાદ્યપ્રયોગો જાણી આપણા આયુર્વેદ અને આહારશાસ્ત્રના સમાજમાં પ્રસરેલા જ્ઞાન પર માન થઇ આવ્યું. પરંતુ અહી સવાલ એ હતો કે અહીં સૂચવાતા સૌ પ્રયોગો વ્યક્તિગત હતા. તેના પર પૂર્ણ બહુમતિ સાધી શકાતી નહોતી. મને જો ચિત્તભ્રમ ન થયો હોય તો એ વખતે સૂચવાયેલા પ્રયોગો કંઇક આવા હતા :

-“બાબાને કાચાં કેળાં ખવડાવો. એના વજનથી જ રૂપિયો નીકળશે.”

“-ના, ના. કાચા કેળાંથી કબજિયાત થાય. કેળાં તો પાકાં જ ખવડાવ્યા. એનાથી ધક્કો સારો વાગે.”

-“કેરીની સીઝન છે. જો બાબાને કેરી ન ભાવતી હોય તો તેનો રસ કાઢીને પીવડાવો. કેરીનો રસ પેટનો બધો કચરો સાફ કરી નાખશે.”

-“રસ કદાચ ભારે પડે. આજનો દિવસ હળવા ખોરાકનો પ્રયોગ કરો. મગદાળની ખીચડી ખવડાવો ને સૂતી વખતે થોડું દીવેલ ગરમ દૂધ સાથે પીવડાવો. એનાથી કદાચ અડધી રાત્રે ઊંઘ બગડે, પણ અઠવાડિયા કરતાં એક રાત ભલી.”

-“ફાડા લાપસી ખાય તો સારું. ઘીના લીધે રૂપિયાને સરકવામાં મદદ મળે.”

-“રાત્રેસૂતી વખતે આઠ-દસ કાચા સીંગદાણા ગળી જાય તો સારું. સીંગદાણા સૈનિકનું કામ કરશે. રૂપિયો જ્યાં હશે ત્યાંથી શોધી કાઢશે.”

-કાચા સીંગદાણાથી પેટમાં નકામી ચૂંક આવશે. એના કરતાં શેકેલા ચણા સારા. ખાય એટલા ચણા ખવડાવો. રમવા જાય તોય ખીસ્સામાં ભરી આપવા.”

-“જો ગરમ ના પડે તો તલનું સૂંઠ નાખેલું કચરિયું સારું. ઉપરથી ગરમ દૂધ પીવે તો જલદી અસર થાય.”

-ભાઇ, આ બધું રહેવા દો. અનાજ સાવ બંધ જ કરી દો. એકલા ફ્રૂટ ઉપર જ રાખો. સફરજન, ચીકુ, કેરી જે મળે તે બધું દાબીને ખવડાવો.”

 

દરેક જણ પોતાનો અભિપ્રાય એવી ઊંડી શ્રધ્ધાથી વ્યક્ત કરી રહ્યા હતા કે હું તો સાવ બાઘો બનીને સાંભળી રહ્યો હતો. જો જલદી છૂટકારો ન થયો તો આવનારા દિવસોમાં બાબાની હોજરી પર જે પ્રયોગો થવાના હતા એ ભયને લીધે મારા શરીરમાં એક કંપારી પ્રસરી ગઇ.

છૂટા પડતા વળી પાછું કોઇ બોલ્યું,

“ટોઇલેટને હમણાં તાળું મારી રાખજો. તમે ક્યાંય આઘા-પાછા હોવ ને બાબો જઇ આવે, ને ખબર ન રહે એવું ન થાય ! આ તો છોકરું કહેવાય.”

ટોઇલેટને તાળું મારવાના વિચાર પર હું આફરીન થઇ ગયો.

 

રૂપિયો વધુ જીદ્દિ નીકળ્યો. ખારા, ખાટા, મીઠા, તીખા, ગળ્યા ને તુરા સૌ રસોની ઉપેક્ષા કરીને પડી રહ્યો હોજરીના પાતાળમાં. કોઇ આહારદ્રવ્ય સાથે ગોઠડી કરી એને બહાર આવવાનું મન ન થયું. બાબાની ટોઇલેટ-વિધિ પતાવી અમારા મિત્ર દુકાને જવા બહાર નીકળતા ત્યારે સોસાયટીમાંથી પસાર થતાં સૌ કોઇના મોઢે એક જ પ્રશ્ન રમી રહેતો,

“ભાઇ ! નીકળ્યો ?”

શરૂઆતના બે દિવસ તો મિત્રએ શબ્દો દ્વારા ઉત્તર વાળ્યો, પણ પછી ભારેખમ માથુ નકારમાં સહેજ હલતું. તેમની દુકાનેથી ઘેર ને ઘેરથી હોસ્પિટલની દોડધામ જોઇને એક સાંજે મારા બાબાએ મને કહ્યું, “પપ્પા! આ સુરેશ અંકલ ખોટી દોડાદોડ કરે છે.”

મે કહ્યું,  “દોડાદોડ તો કરે છે ને બેટા ! એમનો ભૈલું રૂપિયો ગળી ગયો છે...!”

એની સાથે જ હંમેશા રમતા મારા દીકરાએ સાવ નિખાલસ પ્રશ્ન પૂછી નાંખ્યો,

“પણ પપ્પા, એક રૂપિયામાં શું?”

સવાલ રૂપિયાનો નથી પણ એ રૂપિયો જે પાતાળે જઇને પડ્યો છે એનો છે, એવું મેં એ સમજી શકે એવી ભાષામાં સમજાવ્યું.

 

એ રાત્રે પાંચેક દિવસ થઇ ગયા હતા એટલે હું એમના ઘેર ગયો. સમાચાર પૂછ્યા. મારા મિત્રએ તરત ઊભા થઇ તાજો પડાવેલો એક્સ-રે મને બતાવ્યો. મને તો એમાં ઘણી જગ્યાએ રૂપિયા દેખાયા. મારા મિત્રે આખા પાચનતંત્રની પરિક્રમા કરીને હાલ રૂપિયો ક્યાં પહોચ્યો છે તે આંગળી દઇ બતાવ્યું. આ પાંચ દિવસમાં તેમનું શરીરશાસ્ત્ર વિશેના જ્ઞાનમાં ઘણો વધારો થયો હતો. પણ આ બાબતે સાવ અબૂધ એવા મે પ્રસંગાનુરૂપ કહ્યું, ”તો તો હવે ચિંતા નથી. રૂપિયો હવે દરવાજે જ ઊભો લાગે છે.”

‘દરવાજો’ શબ્દ એમને કઠ્યો હોય એમ લાગ્યું. પણ આવો ભારેખમ શબ્દ ગળી જઇને તેમણે ઉદારી દાખવી.

“હા, ડૉક્ટર કહે છે કે કાલે તો નીકળી જ જશે. આજનો દિવસ ખાવામાં ધ્યાન રાખવું પડશે.”

કશુંક અણધાર્યુ ને  અકલ્પનીય બની જવાને લીધે સાવ અવાચક બનીને ઊભેલા બાબા તરફ મારું ધ્યાન ગયું. મને એના પર દયા આવી ગઇ. પાંચ દિવસોમાં એણે શું શું નહી ખાધું હોય! એવો વિચાર મારા ચિત્તમાં ઝબકી ગયો.

 

સવારે સાત વાગે હું હજુ માંડ ઊઠું છું ત્યાં એ મિત્રનો ફોન આવ્ય. મે ‘હલ્લો!’ કહ્યું. પણ સામેથી બે શબ્દો અતિ ઉત્સાહમાં બોલાયા,

‘નીકળી ગયો.’

મેં કહ્યું, ‘સરસ...! બહુ સરસ!’

‘આવો છો મંદિરે? માનતા હતી.’

હું ના ન કહી શક્યો. એમની ગાડીમાં બધાં ગોઠવાયા. મિત્રએ ઉત્સાહમાં રૂપિયો નીકળવાની ને સાથે એને શોધી કાઢવાની આખી પ્રક્રિયા વર્ણવી બતાવી. શુકદેવજી બોલી રહ્યા હતા, હું પરીક્ષિતની જેમ અતિ શ્રધ્ધાથી સાંભળી રહ્યો હતો. ખાસ તો એ કે કયા ખોરાકે વરાહ રૂપ ધારણા કરીને પૃથ્વીની જેમ આ રૂપિયાને પોતાના દંતશૂળમાં ઊંચકી લીધો એનું મેં અતિ શ્રધ્ધાપૂર્વક શ્રવણ કર્યુ. સાથે, મિત્રની વાત પરથી લાગ્યું કે બાબાના પેટમાં પડેલો એ દાનવરૂપી રૂપિયો મારા મિત્રના ખિસ્સામાં પડેલા દસ હજાર રૂપિયા ઢસડી ગયો હતો.

 

- સંજય પટેલ, ગાંધીનગર