યુવાસ્વર: સર્જન-નિબંધ

હાસ્ય નિબંધ

નામની કમાલ અને ધમાલ

- સંજય પટેલ 

 

માણસનું નામ પણ બીટકોઇનની જેમ વર્ચ્યુઅલ છે, રીયલ નથી. તેને બોલી શકાય, સાંભળી શકાય, અનુભવી શકાય ને ક્યારેક બીટ કોઇનની જેમ કોઇ કામ કઢાવવા માટે કોઇની આગળ વાપરી શકાય.પરંતુ તેને હાથમાં લઇ સ્પર્શી શકાય નહીં. તેમ છતાં, સાલુ આ નામનું મહત્વ વધતું જ ચાલ્યું છે.થોડી વાર માટે કલ્પના કરો કે આ દુનિયામાં કોઇ વ્યક્તિ કે વસ્તુનું નામ જ ન હોત તો? મને તો લાગે છે કે દુનિયામાં સમાનતા લાવવા માટેનો આ એકમાત્ર રસ્તો છે,  કે દુનિયાને નામશેષ કરો. કંચન અને કથીર, પ્રધાન અને પટાવાળો, પત્ની અને પ્રેમિકા જેવી જગખચિત અસમાનતાઓ આ નામને કારણે જ અસ્તિત્વ ધરાવે છે. દિન-પ્રતિદિન માણસની નામ માટેની ખેવના વધતી જાય છે. પરિણામે આ જગત અસમાનતાના અંધકારમાં ધકેલાઇ રહ્યું છે.

મારું માનવું છે કે દુનિયામાં સૌપ્રથમ જાતિવાચક-નામો, સંજ્ઞાઓ આવી હશે. નદી, પર્વત, દેશ, સ્ત્રી, પુરુષ જેવાં જાતિવાચક નામો આવ્યાં ત્યાં સુધી વિવાદને કોઇ સ્થાન ન હતું. પણ જ્યારથી આ જાતિવાચક નામોમાંથી વ્યક્તિવાચક નામ બનતા ગયાં ત્યારથી અસમાનતાઓની શરૂઆત થઇ. નાનું-મોટું, સારું-નરસું, ગમતું-અણગમતું, પ્રશિષ્ટ-અશિષ્ટ જેવા ભેદો તેને લીધે શરૂ થયા અને આ મહાનતા-તુચ્છતા સાબિત કરવાની લ્યાહમાં જગતમાં અધર્મયુધ્ધોથી માંડીને અણુયુધ્ધો થયાં. માણસ જે વસ્તુઓ વાપરતો ગયો તેના લીધે દ્રવ્યવાચક નામો આવ્યાં. પરંતુ  સમૂહવાચક નામો એ માણસની આળસની નિશાની છે.ભાવવાચક નામોમાંથી મોટા ભાગના ભ્રમ છે. અને જે કેટલાંક વાસ્તવિક છે તે આ પામર માણસને જીવનભર દુ:ખી દુ:ખી કરી મૂકે છે. તો આવાં  નામની-નામોની આપણને જરૂર છે ખરી?

મારાં કેટલાંક નજીકના સંબંધીઓએ મારા દૂરના સંબંધીઓમાં એવી અફવા ફેલાવી છે કે મને બાળકનું નામ પાડતા સારું  આવડે છે. તેથી  મારાં આ દૂરનાં સગાંની ગેરસમજ દૂર ન થાય ત્યાં સુધી મારા ઘેર બહુ ધસારો રહે છે. છેલ્લાં દસેક વર્ષોમાં મને આવડતા હતાં એવાં અને સાર્થ જોડણીકોશમાં હતાં એવા બધાં જ સ્ત્રી-લિંગ, પુલ્લિંગ (નપુંસકલિંગ નામ પાડવાનું હજુ સુધી કોઇએ સૂચવ્યું નથી.) શબ્દો નામ ખાતર સૂચવી દીધાં છે. શરૂઆતમાં કેટલાંક નામો આમાંથી પસંદ થયા પણ ખરાં. પણ હવે સમયની સાથે સાથે માણસની નામ પ્રત્યેની સમજની સાથે સાથે ગેરસમજ પણ વિસ્તરતી ગઇ છે. પહેલાં નામના અર્થને મહત્વ આપવામાં આવતું હતું. હવે લય અને નાદબ્રહ્મનું મહત્વ વધ્યું છે. સાથે સાથે એબ્સર્ડિટીની અસર માત્ર સાહિત્ય અને કલાઓ સુધી જ સીમિત ન રહેતાં એ અસર નામમાં પણ દાખલ થઇ છે.આ અસરોને લીધે હવે મારા સૂચવેલાં નામ બહુ ઓછા લોકો સ્વીકારે છે. હા,આ દૂરનાં બધાં જ સગાં મને નજીકથી અજમાવી જુએ છે ખરાં, પણ નામ પાડવા બાબતે તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી સ્વાયત્તતા ભોગવી રહ્યાં હોય એમ મને સતત લાગ્યા કરે છે. આ સાથે મારા માટે એ પણ સમસ્યા ઊભી થઇ છે કે  છેલ્લા કેટલાંક સમયથી પાડવામાં આવતાં બાબા-બેબીનાં   નામો દુનિયાના કયા શબ્દકોશ કે જ્ઞાનકોશમાંથી ઉતરી આવે છે, એ હું સમજી શકતો નથી.

મારા સૂચવેલાં નામો હવે બહુ ચાલતાં નથી એની પાછળનું એક કારણ લોકોની ક્ષીણ થતી જતી ઉચ્ચારણ-ક્ષમતા પણ જવાબદાર છે. એક સંબંધીના બાબાનું નામ મેં ‘સ્પર્શ’ સૂચવેલું. થોડા દિવસ પછી તેઓ મને મળ્યા ત્યારે તેમની વાત પરથી મને લાગ્યું કે આ નામ રાખવાથી  ઘણાંને ઉચ્ચારણમાં ‘સ’ શ્રુતિનો લોપ થઇ જતો હતો. એટલે ‘સ્પર્શ’નું ‘પર્સ’ થઇ જવાના ભયે તે નામ બદલવું પડ્યું. એક સંબંધીએ ‘સંવેદ’નું અંગ્રેજી કરવા જતાં ‘સામવેદ’ થઇ જતું હોવાની ફરિયાદ કરીને મારા નામકરણને આઘાત આપેલો. લાંબા અને ભારેખમ નામો પાડવાની પંડિતયુગથી ચાલુ થયેલી પરંપરા છેક ગાંધીયુગ સુધી ચાલી. ગોવર્ધનરામ, બળવંતરાય, મણિશંકર, સુરસિંહજી જેવાં નામોની પરંપરાનો આધુનિક યુગે છેદ ઉડાડ્યો. ઘણા પશ્ચિમના વાદો સાહિત્યમાં પ્રવેશ્યા એમ ઘણાં પશ્ચિમનાં નામો ગુજરાતી કુટુંબોમાં પ્રવેશ્યાં. આ પરંપરા અને પ્રયોગોથી  લાંબેગાળે નામોનું ગુજરાતીકરણ તો થયું જ પણ એમાં એબ્સર્ડિટી, સંકુલતા, લાઘવતા, આકારવાદ, નાદવૈશિષ્ટ જેવા ઘણાં ગુણો-લક્ષણો પણ પાછલા બારણેથી  પ્રવેશી ગયાં. દિન-પ્રતિદિન નામો ટૂંકા થતા ગયાં  અને આજે તો મને ઘણાં નામો ‘ધ્વનિઘટક’ નો મુદ્દો ભણાવવા કામ લાગે એવાં સાંભળવા મળે છે. કેના, ફેના, રેના,જેના, મેના જેવાં  નામો  કે નેન્સી, ફેન્સી, હેન્સી, જેન્સી, કેન્સી  જેવાં નામોનો ઉપયોગ હું ‘ધ્વનિઘટક’ ભણાવતી વખતે કરું છું. અને એ રીતે હું મારા વર્ગશિક્ષણમાં પ્રયોગિકતાની સાથે આધુનિકતા પણ લાવી શક્યો છું.

ઘણાં ખરાબ અનુભવો પછી પણ હું નામમાંથી અર્થ કાઢવાની મારી નબળાઇને નાથી શક્યો નથી. મારે ઘેર આવેલા એક મિત્રની નાનકડી બેબીનું મેં નામ પૂછ્યું. એ બેબીએ એની કાલી-ઘેલી ભાષામાં હેલી, મેલી, થેલી, જેલી જેવું કંઇક ઘણીવાર સુધી કહ્યું,પણ હું એ નામના પ્રારંભિક વ્યંજનને પકડી શક્યો નહીં. ત્યારે તેના પિતાશ્રીએ-મારા મિત્રએ કંઇક ગોટાળો ન થાય એ માટે કહ્યું કે, “એનું નામ ‘કેલી’ છે.” મને કવિ  કાન્તનું તુરત જ સ્મરણ થયું ને મનમાં ‘કામિની કોકિલા કેલી કૂજન કરે’ પંક્તિ ગણગણી બેઠો. મને થયું કે આ આખી પંક્તિમાં માત્ર ‘કેલી’ શબ્દ જ નામ માટે અસ્પૃશ્ય રહી ગયો છે એટલે આ મિત્રએ, કવિ કાન્તને ખોટું ન લાગે એ માટે આ શબ્દ પણ ઉપાડી લીધો હશે.પરંતુ કુટેવવશ આ શબ્દ વિશે લાંબો વિચાર કરતા અર્થ કંઇ જામ્યો નહીં. એટલે હું પૂછી બેઠો: “આ કેલીનો શું અર્થ થાય?” મારા મિત્ર ગૂંચવાયા. ને પળ-બેપળનો વિચાર કરી તરત જ મારી પર તાડૂક્યા,  “અરે યાર ! તમેય શું વેદિયાવેડા કરો છો? નામના તે કંઇ અર્થ હોતા હશે?”

મેં  એમને નામના સમૃદ્ધ  ઇતિહાસની, શરૂઆતથી ઉદાહરણ આપી સમજ આપી કે વ્યક્તિમાં સારા અને સરાહનીય ગુણોનું આરોપણ કરવા માટે વ્યક્તિનું નામ અર્થસભર  રાખવામાં આવે છે. જેમ કે, અઢારે અંગ વાંકા હોય ને અવાજ સાવ ઘોઘરો હોય તો ય એમનું નામ ‘મયૂર’ રાખવામાં  આવે છે. એક ઘડી પાંચ પૈસાનો ય ભરોસો ન કરી શકાય એવી સ્ત્રીનું નામ ‘શ્રધ્ધા’ રાખવામાં આવે છે. કઢીમાંથી મીઠો લીમડો વીણતા પણ ન ફાવે એમનું નામ ‘પ્ર-વીણ’ રાખવામાં આવે છે વગેરે.આવા ગુણારોપણને લીધે  જ પક્ષી જગતમાંથી મયૂર, મેના, કોકિલા, સારિકા જેવાં નામો વ્યક્તિજગતમાં ઉતરી આવ્યાં છે. પણ ઘૂવડ, કાબર,તેતર, કબૂતર જેવાં નામો કોઇએ પાડ્યાં હોય એવું જાણમાં નથી. મિત્રને ધ્યાનથી સાંભળતા જોઇ મેં આગળ ચલાવ્યું, “આપણી આગલી પેઢીમાં કચરો, પૂંજો, ધૂળો, ઘેલો, ગાંડો જેવા નામ રાખવા પાછળ પણ કારણ હતું. એ વખતે લોકો એવું માનતા કે કોઇ દંપતિનાં સંતાનો જીવતા ન હોય-વારંવાર મૃત્યું પામતા હોય ત્યારે આવા નામો રાખવાથી એ જીવી જશે. આવી શ્રધ્ધા (અંધશ્રધ્ધા)ને લઇને તેઓ આવા તુચ્છ નામો પાડી બાળકને જીવવાની કામના કરતા.”  મારું આ નામ-પુરાણ  સાંભળીને મારા મિત્ર રીતસર ગૂંચવાયા. એમને માથુ ખંજવાળતા જોઇ મને ભય લાગ્યો કે હવે આ નામનો પુનરોદ્ધાર કરવાનું કાર્ય મારા શીરે તો નહીં આવે ને! એવું કશું બન્યું નહીં . એમણે જ થોડીવાર વિચાર કરીને મને પ્રશ્ન પૂછ્યો : “યાર ! આમ તો આ ‘કેલી’નામ શોર્ટ અને સ્વીટ નથી લાગતું? ને ભવિષ્યમાં એ ફૉરેન જાય તો ત્યાં પણ કોઇને બોલવામાં તકલીફ ન પડે.”  મેં છેડેલા નામયુદ્ધનો અંત  મને તરત જ સૂઝ્યો. મેં એમની વાતને સો ટકા સમર્થન આપી નામના પારાયણની પ્રસાદી વહેંચી.

આ નામની બાબતમાં દક્ષિણ ભારતના લોકો વધુ પરંપરાગત અને ચીનના લોકો વધુ પ્રયોગાત્મક- આધુનિક રહ્યાં છે. દક્ષિણ ભારતીયોના  દોઢ લીટીના નામથી માંડીને ચાઇનીઝ લોકોના એકાક્ષરી નામો તરફ આપણે ગતિ કરતા જઇએ છીએ. શી, પી, ચી, છી જેવા રવાનુકારી શબ્દો નામનો મોભો મેળવવાની તૈયારી કરી ચૂક્યાં  છે. અરે, આવા શબ્દો જ શું કામ? આવનાર સમયમાં આંકડાઓ પણ નામની જગ્યાએ વપરાય તો નવાઇ નહીં. રમત-ગમતમાં કોઇ એક શુભ અંકને દર્શાવતા વસ્ત્રો પહેરેલા ખેલાડીઓને જોઇ શકાય છે એમ આવનાર સમયમાં વ્યક્તિને નામની જગ્યાએ આવો કોઇ અંક આપી દેવામાં આવે તો નવાઇ નહી! મારા એક શિક્ષક-મિત્ર સામે જ્યારે મેં આ વિચાર રજૂ કર્યો ત્યારે તેઓ ચિંતામાં સરી પડ્યા, ને એ ચિંતાગ્રસ્ત અવાજમાં જ પૂછી બેઠા, “અરે યાર! આવું થાય તો વર્ગ-રજિસ્ટરમાં છોકરાંઓનાં નામ કઇ રીતે લખવાનાં?’ મેં તેમને ઉદાહરણ  સહિત સમજાવતાં કહ્યું, ‘પટેલ બત્રીસકુમાર પાંત્રીસભાઇ (પટેલ ૩૨કુમાર  ૩૫ભાઇ ) મારા આવા જ્ઞાનપ્રપાતથી પ્લાવિત થયેલા તેમણે વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની ઉત્કંઠાથી વધુ પૃચ્છા કરી, “તો યાર ! આ જ્ઞાતિવાચક શબ્દોને બદલે  અંક નહીં વપરાય ?” મેં ભવિષ્ય પર એક સર્વગ્રાહી દૃષ્ટિપાત કરીને જણાવ્યું,  “મિત્ર,જ્ઞાતિવાચક શબ્દો તો આવનાર સમયમાં આથી પણ વધારે ચુસ્ત બનશે.પટેલના પણ બીજા પચ્ચીસ પ્રકારો પ્રચારમાં આવશે.અને સૌ પોત-પોતાના પ્રકારને ચુસ્તીથી વળગી રહેશે” મારી આવી સમજાવટથી એક ઉમદા ભવિષ્યવેત્તાના  અહોભાવથી તેઓ મને તાકી રહ્યા.

 

- સંજય પટેલ