ચરિત્રનિબંધ
ખોરડાની ઓળખ: ઉર્ફે દાદીમાની સંઘર્ષગાથા
- ડૉ. રમેશ ચૌધરી
કેટલાંક ખોરડાં કોઈ એક વ્યક્તિને લઈને ઓળખાય છે. પછી એ હયાત હોય કે ના હોય. એ વ્યક્તિના નામની ને કામની સુગંધ એ ઘરની હવામાં ભળી ગઈ હોય છે. મારે આજે એક એવી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેના નામે મારું ઘર આખાય ગામમાં ઓળખાય છે. નામ એમનું ધૂડીમા. નીચું કદ, ગૌરવર્ણ, બોલે તો અવાજનો રણકો એવો કે આખૂય ઘર ગુંજી ઊઠે. વાત એવી મીઠાશથી કરે કે દુશ્મનનેય અનાદર કરવાનું મન ના થાય. હિંમત પણ એવી કે અળવો બોલ કાઢતાં સો વાર વિચાર કરવો પડે. માણસને જોતાં જ પારખી જાય. દયાળું સ્વભાવ. હાડોહાડ માણસાઈથી ભરેલાં. જીવનમાં અનેક તડકી-છાંયડી વેઠીને ઘરને ઊભું રાખ્યું. ટાઢ-તડકો-વરસાદ જોયા વગર જિંદગી આખી કામ કર્યું. જીવતર જ એમની મૂડી. ક્યારેય મંદિરે પૂજા-પાઠ કરવા નથી ગયાં પણ ટેક એવી કે કુળદેવી અને મહારાજના નામનો રોજ નાહીને પાણિયારે દીવો અચૂક કરતાં, પછી જમતાં. કોઈ માગણ કે દુખિયારું આંગણે આવી ચડે તો એને કણક કરાવે ને રોટલો-છાશ ખવરાવી આંતરડી રાજી કરે, એજ એમનો સંતોષ. અડધામાંથી પણ આપી દેતાં અચકાય નહીં, પણ એક વાર એવું બન્યું કે અડધી રાતે માઢમાંથી જીરાની બોરી ઉઠાવી જતા ચોરને જોઈને બૂમ-બરાડા પાડવાની જગ્યાએ, પોતાની કુનેહ વાપરીને પરોઢ થતાં પગી બોલાવરાવ્યો, ને ચોરને પકડાવીને દંડ કરાવ્યો હતો. એમનું વ્યક્તિત્વ જ કર્મઠ. ઘરે ચાર-પાંચ દૂઝણી ભેંસો દોહતાં. મશારીની સામે દૂધનું બોગેણું ને ઘી-ગોળ મૂકતાં, ને કહેતાં ‘ખાસો તો ખમશો ને કામ કરશો.’ દુષ્કાળમાં ઢોર જીવાડવા બીજાના ત્યાં ભાગ બાંધીને રહ્યાં. એક એક પાઈ બચાવીને, પરસેવો પાડીને ઘરની ઈંટો ચડાવરાવી. પાણી વિનાના અમારા વિસ્તારમાં દાદાજીએ પહલો બોર બનાવરાવ્યો અને ખેતરની સાથે-સાથે આખા ગામને વર્ષો સુધી પાણી પાયું. કારણ વિના બોર ચાલુ કરીને ઢોર માટે છોડેલું પાણી પરબ બંધાવવા જેવું જ મહાન કામ હતું. દાદાના આ નેક કામોમાં હમેશાં દાદીનો સાથ-સહકાર હતો એટલે જ અમારા ખોરડા પર ભગવાન પણ રાજી રહ્યા છે. દાદા-દાદીએ પોતાનાં પાંચ દીકરા ને બે દીકરીઓને ભણાવી, પરણાવીને એમની વાડી લીલી કરી આપી. પોતે વેઠેલા અભાવોને લીધે આજે દીકરાના દીકરા ભણી-ગણી, નોકરી-ધંધે લાગીને બે પાંદડે થયા છે.
દાદી સ્વભાવે જ ઉદ્યમી. કઈંકને કઈંક કર્યા જ કરે. નરવું બેસી રેવું એમને ન પાલવે. ઉનાળાના દિવસોમાં એ માટીનાં ચૂલા ને કોઠીલાં બનાવે. ઘરને ગારમાટી ને લીંપણ કરે. અનાજ સાફ-સૂફ કરી લીમડા સાથે રાખમાં ભેળવી કોઠારમાં ભરે. ચોમાસુ બેસતાં પેહલાં છાણાં ભરવા કે ઢોર માટે ખોળ ભરવા મેઢવું બનાવી લે. આખા વરસનું મરચું-હળદર-જીરું ખંડાવી ભરી દે. ખેતરમાં સાંતેડું જોડ્યું હોય કે ખળે લણણી થતી હોય તો એ ભાત કે બપોરા લઈને જાય. એમના હાથની છાશની મીઠાશ આજે તો પૈસા ખરચતાં પણ દુર્લભ છે. એ જમાનો જ વલોણાંનો હતો. ડેરીઓએ હજુ પગ પેસારો કર્યો નહોતો. દૂધ ખાતાં વધે એ મેળવી લેવાતું ને એમાંથી દહીં-માખણ-ઘી-છાશ થતું. હું તો ખૂબ નાનો હતો પણ વહેલી સવારે દહીં વલોવાતું એનો અવાજ હજી કાનોમાં ગૂંજે છે. એ તાજી છાશ ને બાજરીના રોટલા પર લગાવીને ખાધેલું માખણ પીઝા, બર્ગર ને સેન્ડવિચ કરતાં સો ઘણાં સ્વાદિષ્ટ લાગ્યાં છે. આજે પણ ગામ જઈને મારી માના હાથનાં તળેલાં મરચાં, છાશ ને બાજરીનો રોટલો અચૂક ખાઉ છું. મૂળે આ બધુ દાદીને આભારી છે. એમની કોઠાસૂઝ જ એવી કે સામેના માણસ પાસે કામ લેતાં એમને આવડે. એમણે ભલે અક્ષરજ્ઞાન નતું મેળવ્યું, પણ વહીવટ કુશળ ખરાં. જીવનની પાઠશાળાના પાઠ એમની પાસેથી શીખવા મળ્યાં છે.
દાદીમા ખૂબ માયાળું. મારા ઉછેરમાં એમનો જ ફાળો છે. દાદીમા જ્યાં જાય ત્યાં મને સાથે લઈ જાય. હુંને દાદી ઘણી વાર એમનાં પિયર ગયાં છીએ. અડધા સુધી જીપ કે બસ મળે, બાકીનો રસ્તો અમે ચાલીને ટૂંકાવી દઈએ. લણણીના દિવસો ચાલતા હોય ત્યારે દાદી પોતે મજૂરો માટે છાશ, ડુંગળી, તળેલાં મરચાં, ગોળ અને ચા લઈને જાય. એક તો આકરો તાપ અને કકડીને ભૂખ લાગી હોય ત્યારે દૂરથી દાદીને બપોરાં લઈને આવતાં જોઈને બધાંનાં મોં ખીલી ઉઠતાં. વળતી વખતે અડાયાં છાણાં, એંધણાં કે બાવળના પૈડિયા લેતાં આવે, ક્યારેય ખાલી હાથે પાછાં ન ફરે. દાદીમાનું આ મેનેજમેંટ શીખવા જેવું હતું. મે ક્યારેય એમને થાકેલાં કે નિરાશ થયેલાં જોયાં નથી. કંટાળો જેવો શબ્દ જ એમની પાસે નહોતો. એ કંઈક ને કંઈક કર્યા જ કરતાં હોય, નવરાં બેસી રેવું એ એમનો સ્વભાવ જ નહોતો. તાંબા-પિત્તળનાં વાસણોને માંજીને દર્પણ જેવાં રાખતાં. રાંધણિયા ઘરમાં આ તાંબા-પિત્તળનાં અને માટીનાં માટલાંની ઉતરબેડ રહેતી. ઉતરબેડની સૌથી નીચેનાં માટલાંમાં ગોળ ભરેલો હોય. અમે નિશાળેથી રીશેષમાં ઘરે આવીએ એ ઉતરબેડ ઉતારીને એમાંથી ગોળ કાઢી ગોળ અને બાજરીનો રોટલો ખાઈને પાછાં નિશાળે જતાં રહીએ. ક્યારેક ઉતરબેડ ચડાવાની ભૂલી ગયા હોઈએ તો ઘરની વડીલ સ્ત્રીઓ અમને વઢે. પણ દાદી અમારાં બચાવપક્ષમાં હોય. અમે નાનાં છોકરાં કશું પણ થાય તો દાદી પાસે દોડી જઈએ. દાદી જ અમારી સમસ્યાઓનું સમાધાન! દાદીથી બધાં ડરે પણ દાદી કોઈથી ન ડરે.
અમારું કુટુંબ સંયુક્ત. દાદીના પાંચ પુત્રો અને તેમનાં સૈયાં-છોકરાં થઈને વીસ-બાવીસ જણ થાય. આ બધાંને સાચવીને સાથે રાખવાની કુનેહ દાદી પાસે હતી. કોઈ માટે ભેદભાવ નહીં. હું નાનો હતો ત્યારે મારા કાકા મને રોજ સવારે ભણાવા માટે બેસાડે. કશુંક ના આવડે તો વઢે અને મેથીપાક આપે. દાદી વચ્ચે પડીને “છોકરાને લાટ સા’બ નથી બનાવો, લેં હેંડ તું.’’ કહી મને ખેચીને લઈ જાય. પણ એજ દાદી કાકા માટે અલગ રાખેલો તીખો વખાર હું ખાઈ જાઉં ત્યારે “તું ઉપરથી બધો હારો-હારો વખાર લઈ લે છે.” એમ કહી મને વઢતાં. ક્યારેક નિશાળેથી રીશેષમાં આવીને તોફાન કર્યું હોય તો ધોકો લઈને મને છેક ઘરની બાર દોડાવે ને સાંકળ બંધ કરી દે. હું બાર ઊભો રહીને સાંકળ ખખડાવું. દાદીના રોષમાં પણ વ્હાલ હતું એ તો આજે સમજાય છે. વહેલી સવારે વલોણું કરે ત્યારે બાજરીના રોટલા ઉપર માખણનો લોંદો મૂકીને ખાવા આપે. બાજરીના રોટલામાં નીતરે એટલું ઘી નાખીને ચૂરમું બનાવી આપે. ઉપર લીલી ડુંગળી કે લસણની કઢી-વઘાર હોય. દાદીના કારણે જ આજે પણ મને લીલી ડુંગળીની કઢી અને વઘાર ખૂબ પ્રિય છે. ઉનાળાના દિવસોમાં સાંજે ખીચડી રાંધી હોય. કાંસાના વાટલામાં ચાળણી નીચે એ ઠરવા મૂકે. ઘરના દરેક સભ્યો જમવા બેસે ત્યારે એમાં ઘી નાખીને આપે. ખીચડી હલાવા માટે સાથે બાવળનું એક દાતણ આપે. ચમચીનો એ જમાનો નહોતો. કશું લેવા આંગણે આવેલ કોઈ ક્યારેય પાછું ન ફરતું. આજે તો મકાનો મોટાં પણ મન સાંકડાં થતાં જાય છે. ત્યારે ઘર ભલે કાચાં હતાં, પણ મન સાચાં હતાં.
મને મધમાખી કરડે તો રિએકશન આવે. આખા શરીરે ઊભરો ધાવે. દાદી શરીર પર ગોળનું પાણી કરીને લગાવે. ચૂલાની રાખ ચોળે અને સૂવાડી દે. ઉપર બે-ત્રણ ધાબળા કે રજાઈ ઓઢાડે જેથી ગરમી વાટે બધું ઝેર નીકળી જાય. મારાં કાકીને દાઢનો દુખાવો થતો ત્યારે દાદી ગરમ સળિયો કરીને દાઢમાં કશુંક કરે ને દુખાવો ગાયબ થઈ જાય. દાદી આમ કરતાં કારણ, ગામમાં ડૉક્ટર પણ નહીં ને દવા પણ મળે નહીં. દાદીના પ્રયોગોથી અમને રાહત થતી. આજે દાદી નથી તો જાણે એક આખો યુગ પૂરો થયો હોય એમ લાગે છે. દાદી જૂની મૂડી સમાન હતાં. દાદીની કોઠાસૂઝ, હોશિયારી, અને સ્ફૂર્તિ જોઈને મને તો એ કોઈ દંતકથાના પાત્ર સમાન લાગે છે. આજે દાદી વિનાનું ઘર સૂમસામ લાગે છે. એમની પાસેથી સાંભળેલ હાલરડાં, ગીતો હવે એ કંઠમાં જ વિલુપ્ત થતાં, મોઘી જણસ ખોવાયાનો વસવસો અનુભવું છું.
- રમેશ ચૌધરી
ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર
⇔
સાહિત્ય વિવેચન
દલિત નારીવાદ : ‘સાવિત્રી’ નવલકથાના સંદર્ભે
- અવની પ્રદીપ સોલંકી
ભારતને હંમેશા અવતારોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. દરેક અવતારોમાં માતાનું સ્થાન મોખરે છે. કોઈ પણ યુગ લઈએ, નારીના અસ્તિત્વનો હંમેશા સ્વીકાર થયો છે, પરંતુ દરેક યુગમાં સમાજ હંમેશા પુરુષપ્રધાન જ રહ્યો છે. પ્રત્યક્ષ રીતે નારીનાં ઘણાં બધાં રૂપો છે. સત્ય, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, ત્યાગ, બલિદાન, શક્તિ કે પ્રેરણા જેવાં અનેક શબ્દોથી પ્રયોજવામાં આવે છે. પરંતુ પરોક્ષ રીતે? પરોક્ષ રીતે તો નારીને ફક્ત ભોગ, વિલાસ અને ઘરની સજાવટના સાધન તરીકે જ ઉપયોગ કરવામાં આવી છે. મનમાં આવ્યું તો સજાવીને રાખે, મન થયું તો ઢીંગલીની માફક રમી લે. અને મન થયું તો એ જ ઢીંગલીને તોડીને ફેકી પણ દે..! દરેક સ્ત્રી મનુષ્ય છે, પણ દરેક મનુષ્ય સ્ત્રી નથી..! સ્ત્રી જન્મતી નથી, જન્મબાદ તેને સ્ત્રી બનાવવામાં આવે છે. જન્મ તો દરેક વ્યક્તિ મનુષ્યના રૂપમાં જ લે છે. ફક્ત લૈંગિક ભિન્નતા ધરાવતી હોય છે. અને આ દૈહિક ભિન્નતા નૈસર્ગિક છે અને સંસારનો પ્રવાહ અસ્ખલિત રહે તે માટે જરૂરી પણ છે. જન્મબાદ તેને જે સંસ્કાર અને માનસિકતા થોપવામાં આવે છે, તે જ તેને સ્ત્રી કે પુરુષ બનાવે છે. તો દૈહિક ભિન્નત્વ કોઈને હીન કે શ્રેષ્ઠ માનવાનો માપદંડ કેવી રીતે હોઈ શકે? સશક્ત સ્ત્રીનો અર્થ પણ માનવી હોવું છે. એમાં પણ પુરુષના જેવી અને જેટલી જ શક્તિઓ છે. દુર્બળતા પણ છે અને એ મનુષ્યની પૂર્ણતા પણ છે. નારીવાદનો મુખ્ય ઉપક્રમ પણ સ્ત્રી પુરુષના જેન્ડરને ગૌણ માની બેઉ મનુષ્ય છે અને બંને સમાન છે તે જ છે. બંને ઝુંબેશના કેન્દ્રમાં તો સમાનતાની માંગણી જ છે. આ જ લૈંગિક ભેદને કારણે સ્ત્રીને કોઈ અન્યાય કે અત્યાચારના ભોગ બનવું પડે કે એનો દરરજો નીચો ગણાય તો એ થયો નારીવાદ.
દલિત નારીવાદ એ નારીવાદનો જ એક ભાગ છે. પરંતુ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. સવર્ણ સ્ત્રી – સ્ત્રી હોવાને લીધે પીડાનો ભોગ બને છે, જયારે દલિત સ્ત્રી ત્રણ શાપને લીધે પીડાય છે. એક તો સ્ત્રી હોવું, સાથે દલિત હોવું અને દરિદ્ર હોવું. પરંપરાથી જાતિવ્યવસ્થાનો ભોગ બનેલી પીડિત, અપમાનિત, અસ્પૃશ્ય કે સમાજથી તિરસ્કૃત સ્ત્રીઓ દલિત નારીવાદનો મુખ્ય વિષય બની રહે છે.
આજના સંદર્ભે વાત કરીએ તો આ યુગના સમગ્ર સાહિત્યમાં નારીસાહિત્યની એક આગવી ધારા વહે છે. પરંતુ એમાં મૂળ વાત એ છે કે નારીસાહિત્યમાં પણ દલિત નારીની વેદના, સંવેદના, વ્યથા, પીડાને ઉજાગર કરતું સાહિત્ય કેટલું? જવાબમાં પણ પ્રશ્નાર્થ જ છે.
દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓથી માંડી સાંપ્રત સમય સુધીમાં સ્ત્રીનું સ્થાન સતત બદલાતું રહ્યું છે. એક સમય એવો પણ હતો જયારે સ્ત્રી પુરુષની સમક્ષ નજર મેળવી વાત પણ કરી શકતી નહોતી. ‘બાઈ ભણે તો તેનો ધણી મરી જાય’ જેવી અનેક પરંપરાગત માન્યતાઓ ધરાવતી સમાજવ્યવસ્થા ચાલતી હતી. દલિત સમાજ અને ખાસ કરીને દલિત સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ નાજૂક હતી. એવા સમયે અછૂત અને દલિત અત્યાચારોને ઉત્તર આપવા રૂઢિગત વ્યવસ્થાને પલટાવી, પોતાના જ પતિ પાસે શિક્ષણ મેળવી, સ્ત્રી શિક્ષણ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનો પાયો બાંધવો એ કોઈ નાની-સુની બાબત ન કહેવાય..! આવા મહાન કાર્યો કરનાર દલિત કુટુંબની જ એક સ્ત્રી એટલે કે ‘સાવિત્રીબાઈ ફૂલે’. મહાત્મા ફૂલે અને તેમનાં ધર્મપત્ની સાવિત્રીબાઈ ફૂલેએ શુદ્રો-અંત્યજો, અસ્પૃશ્ય, દલિતો તેમજ સ્ત્રીઓ માટેની દેશની સર્વપ્રથમ ‘શૂદ્ર-શાળા’ તેમજ ‘શૂદ્ર-કન્યાશાળા’ શરૂ કરી. શિક્ષાના માધ્યમ દ્વારા સમાજમાં એક અલગ જ ક્રાંતિ સર્જી. અવિસ્મરણીય અને પ્રસંશનીય સમાજસેવા કરવામાં દલિત સ્ત્રી તરીકે તેમણે અગણ્ય મુશ્કેલીઓ વેઠીને પોતાનું સમગ્ર જીવન સ્ત્રી સેવામાં સમર્પિત કર્યું.
આ નિમિત્તે શ્રીમતિ દક્ષા દામોદરાએ સાવિત્રીબાઈ ફૂલેની જ જીવનકથનીને ‘સાવિત્રી’ નવલકથા સ્વરૂપમાં પ્રગટ કરીને સ્ત્રીના અલગ-અલગ વ્યક્તિત્વનું આલેખન કર્યું. મહત્વની વાત તો એ છે કે શ્રીમતિ દક્ષા દામોદરાએ આ નવલકથા નિમિત્તે દલિત નારીની વ્યથા વેદનાનું આબેહુબ ચિત્રણ તાદ્રશ્ય કર્યું છે.
લેખિકાએ નવલકથામાં આવતાં સવર્ણ પાત્રોની સાથે દલિત પાત્રોને પૂર્ણ સજ્જતાથી અને તેના ગૌરવને હાનિ ન થાય તે રીતે આલેખ્યાં છે. જેમાં સાવિત્રીનું પાત્ર ખૂબ જ નાજૂકતા અને પૂર્ણ તટસ્થતાથી ચીતર્યું છે. સાવિત્રીબાઈ દેશનાં સર્વ પ્રથમ સ્ત્રી-શિક્ષિકા અને નારી મુક્તિ આંદોલનનાં અગ્રેસર. આ સ્ત્રીને શત શત વંદન..! જે પોતે અશિક્ષિત હોવા છતાં પતિ પાસે શિક્ષણ મેળવી શુદ્ર બાલિકાઓને શિક્ષણ આપવા સુધીનાં અનેક ભગીરથ કાર્યો કરે છે. જે ‘શિક્ષણ પ્રાપ્તિ’ને જ બધા પ્રશ્નોનો રામબાણ ઈલાજ માને છે. જે સશક્ત નારીનાં બધાં જ રૂપો જેવાં કે કામયાબ ગૃહિણી, પત્ની, પુત્રવધુ, પાલક માતા, સમાજ સેવિકા, શિક્ષિકા, કવયિત્રી તરીકેની જવાબદારી નિભાવવામાં હંમેશા સક્ષમ રહ્યાં. જે સામાન્ય સ્ત્રીની જેમ જ આગળ વધતા ડર અનુભવે છે. મૂંઝવણના લીધે પીછે હઠ કરવા પણ તૈયાર થાય છે. પણ ફરી પોતાના મનને સાચી દિશા તરફ વાળે છે. સ્ત્રી સહજ સંવેદનાઓ વચ્ચે ઘેરાતી, બાળક ન થતાં વ્હેમાતી કે, મારું આ કાર્ય પાપ છે. તેની તો આ સજા નથી ને.! ફરીથી પોતાને જલ્દીથી સ્વસ્થ કરી પાલકમાતા તરીકેની જવાબદારી પણ એટલી જ લાગણીથી નિભાવે છે. પતિને સંપૂર્ણ સહયોગ આપી, ‘કોઈપણ સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે’ એ માન્યતાને સાચી ઠેરવતી મક્કમ છતાં પતિવ્રતા ભારતીય સ્ત્રી પાત્ર છે. પોતાની તકલીફને સહજતાથી છુપાવી, પળે-પળ પતિનું મનોબળ વધારવાનું કાર્ય કાળજીપૂર્વક કરે છે. પતિના યુગપ્રવર્તક વિચાર-વલણને તન, મન, ધનથી સહયોગ આપવામાં સાંપ્રત સમયની દરેક સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ માટે મિશાલ બને છે.
મોગલ સલ્તનતનો અંત આવ્યા બાદ ઈ.સ.૧૮૧૭ની આસપાસ ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલ્યું. જેના લીધે અનેક ક્રાંતિકારી પરિવર્તનો આવ્યાં. જેમાં મરાઠાઓના આક્રમણો અને ખરાબ વ્યવહારને કારણે પ્રજાને ભારે હેરાનગતી ભોગવવી પડી. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની વચ્ચે પણ સંઘર્ષ થયો. સખત પ્રયત્નો કરવા છતાં અંગ્રેજી કેળવણીનો ફેલાવો રોકવો અશક્ય બન્યો. કારણ કે ઉચ્ચા હોદ્દાની નોકરી માટે અંગ્રેજી અનિવાર્ય ગણાતું. જે ફક્ત ઉચ્ચવર્ગ માટે જ શક્ય હતું. તેથી ભદ્ર વર્ગ તે વખતે શિક્ષા અને નોકરી મેળવવા સક્ષમ બન્યો. પરંતુ આ પરિસ્થિતિની ખરાબ અસરનો ભોગ બન્યો દલિત સમાજ. શિક્ષણથી વંચિત રહેવાના લીધે, અજ્ઞાનતા, સતીપ્રથા, કુરિવાજો, દંભ-લાલચ, ઉચ્ચ-નીચના ભેદો, અંધશ્રધ્ધા, વ્હેમ, બાળવિવાહ, સતીપ્રથા, લાજ કાઢવી, બાળકીને દૂધ પીતી કરવી, ધાર્મિક ક્રિયાકાંડો જેવી અનેક સમસ્યાઓએ સમાજમાં ઘર કર્યું. પરિણામે શૂદ્રોને તો ભણવા-ગણવાનો કોઈ જ અધિકાર નથી એવું કટ્ટર વાતાવરણ સર્જાયું. એટલું જ નહીં, તેઓને સામાન્ય ભૂલની સજા રૂપે હાથીના પગ નીચે કચડવા, દલિત સ્ત્રીઓના જનાંગો પર ડામ દેવા, બાળકો શાળામાં સ્વેચ્છાએ પ્રવેશ ન કરે તે માટે તેમની સાથે અભદ્ર વ્યવહાર, મહાર-માંગના ધરતી પર પડેલા પગલાંનાં નિશાનને ભૂસવા માટે કમરે સાવરણી બાંધી ફેરવવા, જેવી અનેક સમયોનો ભોગ દલિત સમાજ બન્યો.
એક દિવસ સાવિત્રીના પતિ જ્યોતિબા ફૂલે પણ તેનો શિકાર બને છે. સાવિત્રીના એ જ સંસ્મરણો સાથે નવલકથા આરંભાય છે. પીઠઝબકાર પદ્ધતિથી નવલકથા આરંભાય છે. પતિ જ્યોતિબાને તેના સવર્ણ મિત્રના લગ્નમાં દલિત હોવાના લીધે હડધૂત કરવામાં આવે છે, એ વાત તેમને ખૂબ જ આઘાત અને અપમાન જનક લાગે છે. આવી અપમાનની આગને બુઝાવી શસ્ત્ર અને સરંજામ બનવાનું કાર્ય અહીં નારીશક્તિ રૂપ સાવિત્રી કરે છે. ભારોભાર વેદના સામે દીર્ધ દ્રષ્ટા સાવિત્રીનાં મુખે બોલાયેલા શબ્દો નવજાગૃતિ માટે સૂચક બન્યાં. “હૈયે બળતી અપમાનની આગને ક્રાંતિની મસાલમાં પલટાવી નાખો સ્વામી.! તમારી પીડાના મૂળને પરખો સ્વામી.! અને એના વિચ્છેદ માટે વિનાશને બદલે નિર્માણનો માર્ગ પસંદ કરો. (પૃ. ૯-૧૦).
સાવિત્રીના આ અનોખા રૂપને જોઇને જોતીરાવને આશ્ચર્ય થાય છે. એમને જાણ થાય છે કે સાવિત્રી કશુક અસાધારણ કરવા જન્મી છે. ને સાચે એવું જ થાય છે. તે પતિની શિષ્યા બને છે, અશિક્ષા વિરુદ્ધની જંગમાં, અણખેડ્યા પંથ પર પતિની સહ્પંથી બને છે. સમાજમાં ચાલતી આવતી વર્ષો જૂની જાહિલ અને બેબુનિયાદ માન્યતાઓને બાજુમાં રાખી, પોતાનાં બાળકોની ઉંમરનાં છાત્રો સાથે બેસીને વિદ્યાભ્યાસનો સંકોચ, છાત્રો દ્વારા થતી રમૂજ અને કેટલાંય સમયથી હિજરાતી માતૃત્વની અધુરી અબળખાની પીડાને ભૂલી જઈ અક્ષરજ્ઞાન આરંભે છે. જે આજે પણ દલિત સમાજમાં શિક્ષણથી વંચિત રહેનાર સ્ત્રીઓ માટે પ્રેરણાસમ રહ્યાં છે.
‘સંભવ છે.. નારી મુક્તિના ભાવી આંદોલનની નાંદી બની રહે આ ઘંટનાદ.’ જોતીરાવ, સાવિત્રી, સગુણાતાઈ, બાળમિત્રો સદાશિવ, સખારામ, મોરોપંત અને તાત્યાસાહેબના સહયોગથી વિશ્વની સર્વપ્રથમ ‘કન્યાશાળા’ શરૂ કરે છે. અહીં ઘંટનાદ નારી મુક્તિના ઉજ્જવળ ભવિષ્ય તરફ આંગળી ચીંધે છે. કહેવાય છે ને, ‘સારા કામમાં સો વિધ્ન’. શાળા શરૂ થતાંજ બ્રામ્હણો તેમજ ગામના લીકો તેઓને રોકવાના ઘણા નિષ્ફળ પ્રયત્નો કરે છે, અંતે જ્ઞાતિ-બહિષ્કૃત કરવાના ડરથી સાવિત્રી સાથેના શિક્ષકો કામ છોડી દે છે. આવી કઠિન પરિસ્થિતિમાં સાવિત્રી શિક્ષિકા બનવાની અગત્યની ભૂમિકા પણ ભજવે છે. શાળાએ આવતાં જતાં અનેક મહેણાં-ટોણાં, અપમાન જનક શબ્દો, અગણ્ય નઠારા અનુભવોનો ભોગ બનવું પડે છે. ગામડાંનાં લોકો દ્વારા થતાં કાદવ-કિચડના અભિષેકને પણ પોતાનું બહુમાન સમજી સાવિત્રી પોતાની પ્રતિબધ્ધતાને પરાજયમાં પલટાવા દેતી નથી. આ અપમાનજનક પરિસ્થિતિની હદ્દ પાર થતાં એક સમય એવો આવે છે કે સદીઓ જૂની શૂદ્રો, અછૂતો અને સ્ત્રીઓ ઉપર થતી વેદનાનો ઉત્તર થપ્પડ દ્વારા આપવા સુધીની હિંમત સાવિત્રીમાં એકઠી થઇ જાય છે. રોજ કાદવ કિચડ અને ગાળોને મુંગા મોઢે ઝેલનારી સાવિત્રી આવો વિસ્ફોટક પ્રત્યાઘાત આપી શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે! આ જ તો એક દલિત સ્ત્રીની તાકાત હોવી જોઈએ. જે મૂંગા મોઢે અસહ્ય વેદનાઓને સહન પણ કરી શકે અને જરૂરત જણાય ત્યાં તમાચા દ્વારા ઉત્તર પણ આપી શકે! લોકોના જ્ઞાતિ બહિષ્કૃતના ડરથી પિતા દ્વારા સાવિત્રી અને જોતીરાવને ઘર નિકાલનો ભોગ બનવું પડે છે. છતાં આ દંપતિ બ્રામ્હણવાદ અને અશિક્ષા વિરુધ્ધની જંગ દ્વારા અંત્યજોના જીવનને યુગોથી ઘેરી વળેલી અંધકારની છાયને દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.
‘સમય ભલે નિર્મમ હોય, પણ એ માત્ર લેતો જ નથી, ઘણું દેતો પણ હોય છે’. આ વિધાન નવલકથામાં યથાર્થ ઠરે છે. આ દંપતી દ્વારા કરાયેલી ‘સત્યશોધક’ સમાજ’, ‘બાળહત્યા પ્રતિબંધક ગૃહ’(અનાથાશ્રમ)ની સ્થાપના એ તેનું પરિણામ છે. જે ફક્ત અનાથાલય ન રહેતાં, વર્ષોથી ખાલી રહેલી કોખને પોતાનું દુર્ભાગ્ય સમજતી સાવિત્રીને માટે તે વરદાનરૂપ બની રહે છે. કારણકે અહીં વર્ષો જૂની માતૃત્વની ઝંખના અંત રૂપે સાવિત્રી બ્રામ્હણ બાળવિધવાના અવૈધ સંબંધોથી જન્મેલા, બે દિવસના તરછોડાયેલા બાળકની પાલકમાતા બને છે. એક સ્ત્રીના માતા બન્યાં પછીનાં બદલાયેલાં રૂપનાં દર્શન પણ અહીં થાય છે. ફક્ત એક બાળક જ નહીં આ સ્ત્રી તો જગતનાં તરછોડાયેલાં આવાં અનેક બાળકોને પોતાના હૈયામાં સમાવી લેવાની શક્તિ ધરાવે છે. જેમ-જેમ કથાવસ્તુ આગળ વધે છે તેમ તેમ એક સ્ત્રી શક્તિની તમામ ક્ષમતાઓ આપણી સમક્ષ ઉભરતી આવે છે. જે સાવિત્રીની આંગળીઓ એક સમયે પારકા ઘરનાં ગોદડાં સીવતાં- રક્તની ટશરોથી ફૂટી આવતી એ જ આંગળીઓ અર્થસભર શબ્દોનું સર્જન કરવા તરફ વળવા લાગે છે. જેને ‘કાવ્ય ફૂલે’ દ્વારા પુસ્તકદેહ રૂપે પ્રગટ કરવામાં આવે છે. એક કુશળ શિક્ષિકાની વિદ્યાર્થીનીઓમાં પણ તેમનું પ્રતિબિંબ જોવા મળે છે. પરિણામ સ્વરૂપ તેમની કન્યાશાળાની જ વિદ્યાર્થીની દ્વારા સ્વલિખિત નિબંધ વાંચન કરે છે અને શિક્ષાનું મહત્ત્વ આંકે છે. “શિક્ષા એ અંધકારનો દુશ્મન છે. સ્ત્રીના સૌભાગ્યનો નહીં.” જે સ્પષ્ટપણે સ્ત્રી શિક્ષા અભિયાન તરફ આંગળી ચીંધે છે.
જોતીરાવની અસ્વસ્થ તબિયતના લીધે સાવિત્રી બધાં જ કાર્યોની જવાબદારી પોતે સ્વબળે નિભાવે છે. સાવિત્રીનાં જીવનને જોતાં સ્ત્રીને અર્ધાંગના નહીં, પૂર્ણાગના કહેવામાં સે’જ પણ અતિશયોક્તિ નહિ થાય. પતિના મૃત્યુના આઘાત બાદ પણ સાવિત્રી સમાજસેવિકા તરીકેની જવાબદારી તટસ્થ રીતે નિભાવે છે. તેમનાં વક્તવ્યો દલિત –શૂદ્રો અને સ્ત્રીઓને રાષ્ટ્રવાદ અને હિંદુ પરંપરા પ્રત્યે જાગૃત કરે છે. નવલકથાના અંતે પ્લેગગ્રસ્ત પીડિત લોકોની સેવા કરતાં કરતાં જ સાવિત્રીના જીવનનો પણ અંત આવે છે. ક્ષર દેહે મૃત્યુ પામેલી સાવિત્રી અક્ષર દેહે આજે પણ દેશની હજારો સ્ત્રીઓની સુષુપ્ત શક્તિઓને જીવન અર્પિત કરે છે. સાવિત્રીબાઈના જીવન કર્મને ઓળખવું – પારખવું અને જીવનમાં ઉતારવું આજની નારી માટે એટલું જ જરૂરી છે.
જ્યોતિબા ફૂલેનાં જ વાક્યોમાં કહીએ તો, ‘પુરુષ કરતાં સ્ત્રી વધુ શ્રેષ્ઠ અને શક્તિવાન હોય છે! જેના મનોરથો દ્રઢ મનોભૂમિની પેદાશ હોય છે, તે ભયંકરમાં ભયંકર પથ પણ પાર કરી જતાં હોય છે. આત્મબળથી.’ – સાવિત્રીનું આ જ આત્મબળ દરેક સ્ત્રીને સશક્ત નારીની ઓળખાણ આપે છે. માત્ર રાજકીય, આર્થિક, સામાજિક સમાનતાથી સ્ત્રીની મુક્તિના માર્ગો નથી ખૂલવાના. જ્યાં સુધી સ્ત્રી સ્વયં ભાવનાત્મક સ્વાતંત્ર્ય નહીં મેળવે ત્યાં સુધી એની મુક્તિના માર્ગો એ પોતે જ બંધ કરી રહી છે એવું સિધ્ધ થતું રહેશે. જગતે જ નારી પરત્વેની દ્રષ્ટિ નથી બદલવાની. નારીએ પણ જગત પ્રત્યેની અને પોતાની જાત પ્રત્યેની પણ દ્રષ્ટિ બદલાવવાની છે.
•
પ્રસ્તુતકર્તા :
- અવની પ્રદીપ સોલંકી
સહાયક અધ્યાપક,ગુજરાતી વિભાગ,મીઠીબાઈ આર્ટસ અને કોમર્સ કૉલેજ, વિલેપાર્લે (પશ્ચિમ), મુંબઈ ૪૦૦૦૫૬. મોબાઈલ : ૭૭૧૮૮૦૩૩૪૭
સંદર્ભ સુચિ :
- ગુજરાતી દલિત સાહિત્ય - મોહન પરમાર , યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ પ્રથમ આવૃત્તિ ૨૦૦૧.
- દલિત સાહિત્ય આંદોલન - આર.એચ.વણકર, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૦૩.
- દલિત સાહિત્ય અભ્યાસ અને અવલોકન - ગુણવંત વ્યાસ , પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૦૮.
- ‘ગુજરાતી દલિત નવલકથા કલાકીય અભિગમ : બાબુ દાવલપુરા – હરીશ મંગલમ,હયાતી, માર્ચ ૧૯૯૮
- દલિત નવલકથામાં પ્રતિબધ્ધતા અને બોધ : બાબુ દાવલપુરા - હરીશ મંગલમ, હયાતી, સપ્ટે-ડિસે. ૨૦૦૭
- દલિત સાહિત્યનું સૌન્દર્ય શાસ્ત્ર : ડૉ.શરણકુમાર લીમ્બાલે’ - હરીશ મંગલમ, હયાતી, સપ્ટે-ડિસે. ૨૦૦૭
- ‘સાવિત્રી’ – જ્યોતથી અજ્ઞાનના તમસને ભેદનારાની કથા - વિપુલ પુરોહિત, પરબ, ઓકટો ૨૦૧૦
↔
નિબંધ - વિચાર
‘નિશિકુટુંબ’ અને ‘તિમિરપંથી’
- દયા ડાભી, ભાવનગર
આપણાં સમાજમાં અમુક પ્રકારના કામ કરનારાં લોકોની સામે તુચ્છતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે.તો અમુક પ્રકારના કામને તો પાપ જ ગણવામાં આવે છે. આ કામમાં એક તો ચોરી કરવી અને બીજી ગણિકાવૃતિ.
સાહિત્ય ક્ષેત્રે ગણિકા વિશે તો થોડું ઘણું સાહિત્ય મળી રહેશે પણ ચોર વિશેનું સાહિત્ય વિસ્તાર પૂર્વક મળવું અઘરું છે. પરંતુ બંગાળી લેખક એવાં મનોજ બસુ એ 'નિશિકુટુંબ' અને ગુજરાતી લેખક એવાં ધ્રુવ ભટ્ટે 'તિમિરપંથી' નવલકથા આપી છે. આ ચોર વિશેની નવલકથા આપીને તેઓ આ ખામી પણ પૂરી કરી આપે છે.
મનોજ બસુની 'નિશિકુટુંબ' અને ધ્રુવ ભટ્ટની 'તિમિરપંથી' આ બંને નવલકથા પરથી આપણને જાણવાં મળે છે કે આપણાં સમાજમાં બધાં જ કામોમાં જો કોઈ અઘરું કામ હોય તો તે છે ચોરી કરવી. કારણ કે આ કામ સામાન્ય વ્યક્તિ કરી શકે નહીં. તેનાં માટે બુધ્ધિ, આવડત અને ચપળતા જોઈએ. આપણો સમાજ ખૂબ જ પ્રગતિ કરીને આગળ વધી રહ્યો છે. પરંતુ આ ચોર સમાજના મહાનાયકોનો ઈતિહાસ બોલે છે કે, 'સમયે તેમને તેઓ જ્યાં હતાં ત્યાં જ રાખ્યાં છે'.
'નિશિકુટુંબ' નવલકથાનું કથાનક જોઈએ તો આ નવલકથામાં સાહેબ નામનાં એક છોકરાનો જીવન-સંઘર્ષ જોવા મળે છે. સુધામુખી નામની એક ગણિકાને સાહેબ આદિગંગાના કાલિઘાટ પર એક ટોપલીમાં મળી આવે છે. અને તે તેને ઘરે લઈ આવે છે. સાહેબના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તે ચોરી કરે છે. સાહેબ એ દયાળું અને ભાવનાશીલ હોવાથી તે જ્યારે પણ ચોરી કરે છે, ત્યારે કોઈ ભલાઈનું કામ કરી બેસે છે. તેથી તેને ખૂબ સહન કરવું પડે છે. એટલે તે કાલીમાતાના મંદિરે જઈને પ્રાર્થના કરે છે કે, ' હે કાલીમાતા, મને ખરાબ બનાવી દો- ખૂબ ખૂબ ખરાબ...' આ પ્રાર્થના તે હંમેશા કરતો હોય છે. એક દિવસ સાહેબ જ્યારે ટ્રેનના ડબ્બામાં ચોરી કરતો હોય છે ત્યારે બલાધિકારીમશાય નામની વ્યક્તિ સાહેબની ચોરી કરવાની આવડત જુએ છે અને તેનાથી પ્રભાવિત થઈને તેને તેની સાથે ફૂલહાટા ગામે લઈ આવે છે. બલાધિકારીમશાય 'ચોરશાસ્ત્ર' વિશે અને 'ચોર' વિશે જાણતાં હોય છે. સાહેબ તેની પાસેથી પંચા બાઈટા વિશે જાણે છે. આ પંચા બાઈટા 'ચોરચક્રવર્તી' હોય છે. ( ચોરચક્રવર્તી એટલે બધાં જ રાજાઓ અને બધાં જ ચોરોમાં સૌથી ચડિયાતો વ્યક્તિ.) સાહેબને પંચા બાઈટાનો શિષ્ય બનવામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. તે એક શ્રેષ્ઠ શિષ્ય બનીને બતાવે છે. તે કોઈપણ ચોર માટે મહત્વનું ગણાતું એવું હથિયાર 'ગણેશિયો' ગુરુ પાસેથી મેળવે છે. અને તે આગળ જતાં ચોરચક્રવર્તી બને છે.
'તિમિરપંથી' નવલકથાનું કથાનક જોઈએ તો આ નવલકથામાં સતી નામની એક છોકરીના જીવન વિશેની કથા છે. સતી એ તેની માતા તાપી અને પિતા રઘુવીર નાયક સાથે દંગામાં ભળીને ગામડે-ગામડે ફરતાં હોય છે. એક દિવસ તે તેમની માતા સાથે શહેરમાં તેનાં નાનીનાં ઘરે જાય છે. નાનીને બધાં નાનકી કહેતા હોય છે. નાનકી સતીને ત્યાં જ રોકી લે છે. તે રોજ સતીને તેનાં જમાનાનાં ચોર વિશેની વાતો કહીને તેને બધી વિદ્યાઓ શીખવે છે. સતી શહેરમાં વિઠ્ઠલ નામનાં છોકરા સાથે લગ્ન કરીને ત્યાં જ રહી જાય છે. સતી એ સૌરાષ્ટ્ર પંથક બાજુની હોવાથી તેને 'આડોડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આ જાતિનાં છોકરાંઓને શાળામાં ભણાવવામાં આવતાં નથી. તેથી સતી તેની જાતિનાં છોકરાંઓની માટે નિશાળ બનાવવા માંગે છે. અને તેનાં માટે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. અંતે તે નિશાળ બનાવીને તેનું સપનું પૂરું કરે છે.
આ બંને નવલકથાની કથાનકની શરુઆત આપણે જોઈએ તો એક સરખી જ જોવા મળે છે. બંને નવલકથાની શરૂઆતમાં નાયકને ચોરી કરતાં બતાવ્યાં છે. અને પછી બંનેના બાળપણ વિશે એટલે કે નવલકથા ભૂતકાળમાં જતી રહે છે. શરુઆતમાં જે ચોરીનો પ્રસંગ આવે છે, તે પ્રસંગનો અંત તો નવલકથાનાં ઉતરાર્ધમાં જોવા મળે છે. આ એક બાબત બંને નવલકથામાં સમાન જોવા મળે છે.
આ બંને નવલકથાનાં મધ્ય ભાગમાં જોઈએ તો 'નિશિકુટુંબ' નવલકથાનો નાયક સાહેબને પંચા બાઈટાનો શિષ્ય બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. કારણ કે પંચા બાઈટાનુ એવું માનવું છે કે, 'આ વિદ્યાઓ પચાવી શકે અને સાચાં રસ્તે વિદ્યાનો ઉપયોગ કરી શકે તેવો લાયક વ્યક્તિ આ સમયમાં તેને નહિ મળે'. પરંતુ સાહેબ ધીમે-ધીમે તેનું મન જીતી લે છે. અને તેનો શિષ્ય બને છે. જ્યારે 'તિમિરપંથી' નવલકથાની નાયિકા સતીને નાનકી સામેથી જ પોતાની શિષ્યા બનાવવા માટે તેની માને કહે છે. અને તેની પાસે રાખે છે. નાનકી જો શહેરમાં ન આવી હોત અને આ કામ સાથે જોડાઈ રહી હોત તો તે પણ ચોરચક્રવર્તી જ બની હોત. આમ, આ બંને નવલકથાનાં નાયકોની મહાનતા અને સફળતાની પાછળ તેની સમજણ અને આવડત તો ખરી જ પરંતુ બીજું કારણ જોઈએ તો તેનાં મહાન ગુરુઓ પણ છે.
આ બંને નવલકથાનાં અંત જોઈએ તો 'નિશિકુટુંબ' માં સાહેબ એ બાળપણથી માંડીને તે જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી તેને રહેવા અને જમવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. અને તેનાં જિંદગીનાં છેલ્લા દિવસોમાં પણ તે એક વ્યક્તિની ભલાઈ કરવાં માટે કે પછી પોતાની ભલાઈ કરવાં માટે જેલમાં ચાલ્યો જાય છે, તે એક પ્રશ્ન આપણને થાય. જ્યારે 'તિમિરપંથી'માં સતી જે વાતાવરણમાં ઉછરી છે તે વાતાવરણથી દૂર થઈને શહેરમાં જતી રહે છે. અને પાછી નવલકથાના અંતમાં સતી તેની માને મળવા માટે દંગામાં પાછી આવે છે ત્યારે દંગામાં તેની સહેલીનો નાનો છોકરો પુછે છે કે, 'તું કોણ છે?' ત્યારે સતી હસીને જવાબ આપે છે, 'ખબર નહીં'. પરંતુ તે જ્યારે રાત્રે ખુલ્લાં આકાશ નીચે સુતી હોય છે, ત્યારે તેને સવાલ થાય છે કે, 'પોતે કોણ છે?'. આમ, આ બંને નવલકથાનાં અંત આપણને વિચારતાં કરી મુકે છે.
આ બંને નવલકથાની તુલના કરીએ તો સૌ પ્રથમ 'નિશિકુટુંબ' નવલકથામાં આપણો સમાજ જેને પાપ ગણે છે એવાં બે કામ જોવા મળે છે. એક તો ગણિકાવૃતિ અને બીજું ચોરી. આ બંને કામને ગુંથીને રજૂ કરવાની આવડત આપણને અહીં જોવા મળે છે. આ નવલકથામાં ચોર સમાજની કોઈ ચોક્કસ જાતિ દર્શાવવામાં આવી નથી. તેમાં સંપૂર્ણ ચોર સમાજની વાત કરવામાં આવી છે. જ્યારે 'તિમિરપંથી' નવલકથામાં સૌરાષ્ટ્ર પંથકમાં ગણાતા એવા 'આડોડિયા' જાતિની જ કથા જોવા મળે છે.
આ બંને નવલકથાઓ જુદાં-જુદાં પ્રદેશની હોવાથી તેનાં રીતિ-રિવાજો, માન્યતાઓ, સમાજજીવન, પરિવેશ અને ભાષા આપણને જુદી-જુદી જોવા મળે છે. તેની અમુક માન્યતાઓ જોઈએ તો 'નિશિકુટુંબ'નવલકથામાં જાણવાં મળે છે કે, ચોરશાસ્ત્રોમાં લખેલું છે કે ચોરીના દેવતા કાર્તિકેય છે. છતાં બંગાળનાં ચોર કાલિમાતાને વધુ માને છે. તેથી તે સૌ પ્રથમ કાલીમાતાનું નામ લઈને જાય છે. કારણ કે તેઓનું માનવું છે કે, કાલીમાતા તેની સાથે રહીને આગળનો રસ્તો બતાવે છે.
જ્યારે'તિમિરપંથી'નવલકથામાં જાણવાં મળે છે કે આડોડિયા જાતિને કોઈપણ ધર્મના દેવસ્થાનોએ અપનાવ્યા ન હોવાથી તે ભગવાન વિશે જાણતાં નથી અને તેને માનતાં પણ નથી. આ લોકો જગતમાં પ્રકૃતિને જ પરમ આરાધ્ય માને છે. તે ઉપરાંત તે તેનાં પૂર્વજોની પૂજા પણ કરે છે. આમ, આ બંને નવલકથાની માન્યતાઓ જુદી-જુદી જોવા મળે છે.
આ બંને નવલકથા પરથી આપણને તેનાં નિતિ-નિયમો પણ જાણવાં મળે છે જેવાં કે 'નિશિકુટુંબ'માં જોઈએ તો ગુરુ પોતાના શિષ્યને સંપૂર્ણ વિદ્યા શીખવ્યા પછી તેની અઘરી પરીક્ષા લે છે અને શિષ્ય જો તે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને બતાવે તો જ તેને 'ગણેશિયો' આપે છે. આ ગણેશિયો મેળવ્યા પછી જ તે ખાતર પાડી શકે છે. તે જે ઘરમાં ખાતર પાડી લીધા પછી તે ઘરમાં બીજી વખત ભૂલેચૂકેય પગ મુકવાની તેનાં ઉસ્તાદ ના પાડે છે. જ્યારે 'તિમિરપંથી' નવલકથામાં આડોડિયાનું હથિયાર 'ગોફણ' છે. તે વન-વગડામાં રખડતાં હોવાથી તે ખેતરોમાં અનાજની ચોરી કરે છે. અને મુસીબત સમયે ગોફણના ઘાથી તેનો બચાવ કરે છે. આ લોકો જે ઘરની ફરતે જુવારના દાણાને વેરેલા હોય તે ઘરમાં ચોરી નથી કરતાં. કારણ કે તે જુવારને અન્નપૂર્ણામાં ગણે છે અને તે માને છે કે તેને ઓળંગીને ઘરની અંદર પ્રવેશ કરવો તેને પાપ ગણે છે. આ બંને નવલકથામાં એક વાત સમાન જોવા મળે છે કે ગુરુ તેનાં શિષ્યને અમુક ઘરોમાં જવાની ના પાડે છે જેવાં કે - બ્રાહ્મણ, ધરમ-કરમ કરવાવાળા, પંડિત-વિદ્વાન, વસવાયાં આ બધાં ઘરે ચોરી કરવી પાપ ગણાય છે.
આ બંને નવલકથા પરથી જાણવા મળે છે કે અમુક ચોર પોતાના પેટ ખાતર ચોરી કરતા હોય છે તો અમુક ચોર એટલે કે સાહેબ અને સતી જેવાં ચોર બીજાની ભલાઈ માટે ચોરી કરે છે. તેનો ચોરી કરવાનો આશય ખરાબ નથી હોતો કે તે સમાજને નુકશાન પહોંચાડીને ચોરી કરતાં નથી. તે પણ એક માનવી જ છે. ઉલટાનું કહીં શકીએ કે આપણાં દેખાવ કરવાવાળા સમાજ જીવન કરતાં તેનું આયના જેવું સમાજજીવન વધારે સારું છે.
આ બંને નવલકથાની તુલના કરીએ તો 'તિમિરપંથી' નવલકથા સાંપ્રત સમયની હોવા છતાં તે આજના સમયની લાગે નહીં, જ્યારે 'નિશિકુટુંબ' નવલકથા આધુનિક યુગની હોવા છતાં તેનાં પાત્રો કે પરિસ્થિતિ આપણને અત્યારે પણ સ્પર્શે એવાં છે.
- દયા ડાભી
ભાવનગર
⇔