યુવાસ્વર: સર્જન-કાવ્ય

૧.

હું શું કરું?

- ચૈતન્ય પુરોહિત

 

આ હવે ધાન્ય દળીને હું શું કરું?

આ હવે રોટલો રળીને હું શું કરું?

 

રાત્રીમાં અજવાસ પાથરવા નીકળ્યો,

ધોળે દિવસે ઝળહળીને હું શું કરું?

 

આંખોનો અવગણો હું ભાળી ગયો,

હવે તારા શબ્દો કળીને હું શું કરું?

 

છે તમન્ના તારી સાથે મુસાફરીની,

મંઝિલ પર તને મળીને હું શું કરું?

 

થઈ ગયું છે એકાંત જોડે ઐક્ય,

ભીડ જોડે હળી ભળીને હું શું કરું?

 

આતમ મારી થાય સાષ્ટાંગ દંડવત,

નશ્વર દેહથી લળીને હું શું કરું?

 

નાહીં નાખ્યું મેં મારા જ નામનું,

ચિતા પર હવે બળીને હું શું કરું?

 

કંઠ "પુરોહિત"નો છે પહેલેથી નીલ,

ઝેરનો ઘૂંટડો ગળીને હું શું કરું?

 

 

ચૈતન્ય પુરોહિત

સંપર્ક : Email - [email protected]

 

૨.

લઘુ કાવ્યો

- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ'

 

 

૧)

ભીના ઘાસને પસવારતા

માદક ગંધથી

ઇન્દ્રિયો

તરબતર

એની કાયા

ફોરતી

માદકતા જેમ.

 

૨)

હાથ પસવારે

ભીના વાળ

ભીનું ભીનું ઘાસ

બધું જ એક સમાન

માદકતા ભર્યું.

 

૩)

વરસતો વરસાદ

ભીંજાયેલું ભીનું ભીનું ઘાસ

હાથમાં પરોવાયેલો હાથ

બે હૈયાનો ધબકાર

અને

માદકતા.

 

ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ'

કરજણ , વડોદરા

[email protected]

.

એક કાવ્ય

- અર્પણ ક્રિસ્ટી

 

હો બધું તારું જ 'ને તું કાંઈ ના પામી શકે,
જાત તારી વ્હેંચતો રહે તો એ પળ આવી શકે.

 

આંખમાં પાષાણનાં કિલ્લા ચણાવી રાખવા,
કેદ છે જે આંસુઓ તે બ્હાર ના ભાગી શકે.

 

દૂરતાનાં નામ પર છુપાવ ના તું અણસમજ,
પાસ હો તું તે છતાંયે ક્યાં મને માપી શકે?

 

જાતમાંથી બ્હાર આવી જો બધું સાપેક્ષ થઇ,
તો જ ઘટના શું ઘટે છે, તું ખરે જાણી શકે.

 

વૃક્ષ થઈને છાંયડો આપી શકે તું પ્રેમથી,
જો દટાઈ બીજ માફક જાતને મારી શકે.

 

વેલ મારા પર ચડેલી મૌનની તું તોડ ના,
ચીસ જેવું રૂપ મારું તું નહીં સાંખી શકે.

 

ક્રૉસ પર મરવું નથી અઘરું રહ્યું ઈસુ હવે,
લોક ખીલાઓ, હથોડા, ક્ષણમાં લઇ આવી શકે!

 

 

 

- અર્પણ ક્રિસ્ટી

[email protected]

 

 

.

અડધી કવિતા

-નરેશ સોલંકી

 

એક અડધી કવિતા

એક અડધી જીંદગી

વચ્ચે

પુલ બનાવે

એક અધખુલેલી બારી

જેની આંખોમાં

ડુબી ગયો છે

નગરનો ટ્રાફીક

ઘોંઘાટ

પુરપાટ દોડતા વાહનો

અકસ્માત

બે પાંપણ વચ્ચે

પલકારામાં

પળ પળ થઈ

પ્રસર્યા કરે

રોડ અને બારી વચ્ચે

આભ અને ધરતી જેટલું અંતર

વચ્ચે અડધુ અંધારૂ

વચ્ચે અડધું અજવાળું

આછા કાળા અને આછા ધોળા રંગો

વચ્ચે અડધી કવિતામાં હું

વચ્ચે અડધી જીંદગીમાં તું

 

 

-નરેશ સોલંકી

.

જોર છે

- રુદ્ર જાની

 

તું ધરે જે વ્હાલથી એ ઝીલવાનું જોર છે

ઝેર ઘટકાવ્યા પછીયે જીવવાનું જોર છે

 

મેં કદી પકડયાં નથી આ સોયદોરા હાથમાં,

તોય દુનિયાના અધરને સીવવાનું જોર છે

 

જખ્મ અંતરના બધા છે જાગવાની રાહ પર,

'સ્નેહ-ઔષધ' ની અસર પૂરી થવાનું જોર છે

 

હું ડરું છું દાન ખોટા હાથમાં ચાલ્યું જશે!

આમ આખી જાતને પણ દઇ જવાનું જોર છે

 

રામ જેવો થઇ ગયો છે તો તુ બેસી જા ખભે,

આ જિગર હનુમંત થઇને ચીરવાનું જોર છે

 

જ્યાં તમે ભોંઠા પડો છો ડૂબવાના ખ્યાલ માં,

એ લહેર પણ ઉતરીને જીતવાનું જોર છે.

 

 

- રુદ્ર જાની

અમદાવાદ (નરોડા)

 

 

૬.

વળુ નહિ

- ધાર્મિક સોલંકી

 

જવાય એટલું જ , હું જાતથી ઊંડો કંઈ પડુ નહિ ..

હું બોલ્યા પછી પાછો એમ કંઈ વળુ નહિ ..

 

મને ડરાવી ડરાવી બહાર આવતા રોકયું હશે બાકી ,

હું વેદનાનું આંસુ છું એમ કંઈ અંદર બળુ નહિ ..

 

મારી જરૂર તો ભર બપોરે કાળા તડકે પડે છે લોકોને ,

હું મીઠો છાયડો છું કંઈ શીતળ સાંજે મળું નહિ ..

 

નક્કી ને નક્કી તમાંરા કાન ભર્યા હશે કોઈએ, બાકી તો,

હું બાળ જેવો છું કોઈની લાગણી સાથે રમુ નહિ ..

 

રૂપ,જબાન કદાચ સારી ન હોય પણ ચરિત્ર તો મીઠું જ,

હું શબરીનું ચાખેલુ બોર છું એમ કઈ સડું નહિ ..

 

મારો સ્વભાવ છે કે પેલા ઊંડે ઉતરું પછી જ અંદર સમાવું ,

હું ઘડો છું એમ કંઈ ઉપર ઉપરથી પાણી ભરું નહિ ..

 

કોઈની ઈચ્છા અઘરી હોય તો જોર પૂરેપૂરું લગાવી જોઉં,

મારું નામ ખરતો તારો છે એમ કંઈ નીચે ખરુ નહિ ..

 

- ધાર્મિક સોલંકી

(બે'લગામ) કોડીનાર

૭.

લઈને આવજે

- ધ્રુવ મહેતા, અમરેલી

 

બાગ, ફૂલ કાં’તો સ્હેજ સુવાસ લઈને આવજે,
તું નહી તો તારા હોવાનો આભાસ લઈને આવજે.

 

‘હ્રદય’ નામની હવેલી તારા નામે ખડી છે હવે,
જે’દિ આવ એ’દિ જરા નવરાશ લઈને આવજે.

 

અજાણ્યા મારગ નો હું ભટકેલો મુસાફર છું,
મને શોધવા તું આખેઆખો પ્રવાસ લઈને આવજે.

 

પ્રેમ થયો તો પથ્થર ને પણ દિલ આવ્યા જ્યારે,
ખુદાએ કહ્યું તારા ટૂટ્યા નો ઇતિહાસ લઈને આવજે.

 

જિંદગી આખી “ધ્રુવે” ગાઢ અંધકાર માં વિતાવી,
છેલ્લી ઘડીએ દિલાસો દેવા અજવાસ લઈને આવજે.

 

 

- ધ્રુવ મહેતા, અમરેલી

૮.

એક કાવ્ય

- શ્યામ શુક્લ 

 

આશરાઓ હોય, ઘર ના હોય યાર,
જીંદગીભર આ ખબર ના હોય યાર!

 

પ્હોંચવાથી ખ્યાલ આવ્યો એટલો,
આમ કંઈ આ સફર ના હોય યાર,

 

લાગણી તો બારમાસી વૃક્ષ છે,
ત્યાં વળી આ પાનખર ના હોય યાર,

 

ઓટ-ભરતી ભીતરે આવ્યા કરે,
સ્થિર પાણીને અસર ના હોય યાર,

 

સોંપવામાં જાત જોખમ એટલું,
પારકાને કૈં કદર ના હોય યાર,

 

- શ્યામ શુક્લ, જૂનાગઢ.