યુવાસ્વર: સર્જન-કાવ્ય

૧. ઝાકળની સાંકળ

-ડો. મિલિન્દ પારેખ

 

ઝાકળની સાંકળથી બાંધીને રાખ્યા છે તડકાના થનગનતા ઘોડાને મેં,

આવી જ કંઈ રીતોથી ગોંધીને રાખ્યા છે, ઈચ્છાના મનગમતા ટોળાને મેં.

 

મારી સૌ કોશિશ પર નાખે છે ભેગા થઈ, અવગણનાની ભારી ચાદર બધ્ધાં,

તો પણ લ્યો સળગાવી રાખ્યા છે અંતરમાં જુસ્સાના ધગધગતા ગોળાને મેં.

 

નિષ્ફળતાનો અગ્નિ બાળે જો સાહસની સુકાયેલી ડાળી તો ક્યાં જાઉં,

લીલી એ કરવા મેં વરસાવી રાખ્યા છે આશાના ઝરમરતા ફોરાંને મેં.

 

સૂરજના જોરે એ આંખોને આંજે છે, આઈના પોતે ક્યાં ચકમકતા છે?

છેટા રાખ્યા આવો દેખાડો કરતા સૌ લોકોના ઝગમગતા ઓરાને મેં.

 

વાયુ લઈ આવ્યો છે સંદેશા શ્વાસોમાં તારી ઉપસ્થિતિના આજે જો,

તેથી તો દોડાવી રાખ્યા છે ચૌ-બાજુ આંખોના ટળવળતા ડોળાને મેં.

 

 

-ડો. મિલિન્દ પારેખ, બારડોલી

 

૨. ૧૧ હાઇકુ  - વૃધ્ધ

 

- ગુરુદેવ પ્રજાપતિ ' ફોરમ'

૧)

કાળી ભમ્મર

રાત, ફગફગતું

ફાનસ રૂએ.

 

૨)

વૃધ્ધ સાંભળે

ચૂપકીદી વણની

વિના કારણ.

 

૩)

કાળું ભમ્મર

અંધારું ઘેરો ઘાલે

વૃધ્ધ રુદન.

 

૪)

અડધી રાતે

ઝબકીને જાગતા

ઘરડાં સ્વપ્નો.

 

૫)

નવો બાંકડો

આથમતો તડકો

વૃધ્ધ ચિંતિત.

 

૬)

ચીમળાયેલી

હથેળીઓ નિહાળે

વૃધ્ધ બાંકડો.

 

૭)

વૃધ્ધ નજર

ઝાંખુપાંખુ સાંભળે

ધ્રુસકા રૂએ.

 

૮)

બારી બહાર

વૃધ્ધ તાક્યા કરતો

નવયુગલ.

 

૯)

અંધારું રાતે

એકલો ચાલ્યા કરે

વૃધ્ધ સમય.

 

૧૦)

પૂનમ રાત

રાન મધ્યે ભજન

બોદો અવાજ.

 

૧૧)

કાન માં કીડા

ખદબદ,હાંફતા

ઘરડા કાન.

 

 

- ગુરુદેવ પ્રજાપતિ ' ફોરમ'

રામજી મંદિરની બાજુમાં, જુના બજાર - કરજણ

 

*નોંધ*

કમલ વોરા ના ' વૃધ્ધ શતક ' માંથી પસાર થતા......