યુવાસ્વર: સર્જન-કાવ્ય

.

જીવણ ઝાંપો ઝાલો

 

- મનીષ શિયાળ

 

બળબળતા તાપ હેઠે માંડ્યો છે ચૂલો.

                            જીવણ ઝાંપો ઝાલો.

 

ભાદરવાના ધોમ ધખતા તાપમાં હાલી હું તો દાતરડું લઈ

                            બાજરી કેરું વણ વાઢતા વાગ્યો છે  ખાંપો.

 

મારી નણદલના વીરા પરદેશ, હું મૂઈ ભોળી કોને કેવા જાઉં,

                                લોહીઝાણ થયો છે, ચૂંદડી છેડો ઝાંખો.

 

ઓ રે અભાગિયા ખાપાજી, તમે ક્યાં તે જન્મનું વેર વસૂલો.

 

બળબળતા તાપ હેઠે માંડ્યો છે ચૂલો.

                               જીવણ ઝાંપો ઝાલો.

 

ખેતર વચ્ચાળે ઉભો ચાડિયો આવ્યો ના ભેરે, હું ભાગી ઘેરે

                                               છેડલો ઝાલી પહોંચી ડેલીએ.

 

ઝાંપો રે વટતા વહેતી થઈ વાતો, નણદલે કીધાં કવળા વેણ,

                                             હું મૂઈ ભોળી પડતું મેલ્યું મેડીએ.

 

મારી નણદલના વીરા, શ્વાસે લીધું ઢૂંકડુ, હવે ચાલો.

 

બળબળતા તાપ હેઠે માંડ્યો છે ચૂલો.

                               જીવણ ઝાંપો ઝાલો.

 

- મનીષ શિયાળ

 

.

ફાજલ નકલ

 

- યોગિની ચાવડા

 

એક ઘરને બે બારણાં

એક આ તરફ

એક પેલી તરફ

એક આગળ

એક પાછળ

 

આગળના બારણે થી સૌ આવે જાય

પાછળના બારણે તાળું

ઉપરથી વસાયેલુ તાળું

ચાવીની બે નકલો પણ ખરી

છેલ્લાં થોડાક મહિનાઓ થી એક નકલ ખોવાઈ છે

ખૂબ શોધતાં પણ જડે નહીં

એક દિવસ ઘરને જીભ આવી

રાતના ત્રણ તેતાલીસે

ખટાકકક...

 

ઘરને એક જ ઉદગાર આવડતો હતો

બરાબર રાતના  ત્રણ તેતાલીસે

પાછલો દરવાજો...

ખટાકકક...

 

હવે બીજી નકલ પણ ફાજલ પડી છે.

 

- યોગિની ચાવડા

 

 

 

.

હાઇકુ : 

 

- ઉર્વિકા પટેલ

 

1.

 

નભમાં ઊડે

પંખી મનની પાંખે

પિંજર કેદ.

 

2.

 

સાગર સંગે

મીઠાશ થઈ લુપ્ત

નદી મિલને.

 

3.

 

ઝાકળ, નિજ

શતદલ સુમન

કોરું ને કટ.

 

-  ઉર્વિકા પટેલ, અમદાવાદ. 

 

૪.

ગઝલ :  પાછા ફરાતું હોત તો

 

- અર્પણ ક્રિસ્ટી

 

કોઇ એકનું જો થઇ શકાતું હોત તો,
છૂટી સરળતાથી જવાતું હોત તો.

 

કૈં કેટલાં શિખર બની ઊભાં અહીં,

માણસ બની ઊભું થવાતું હોત તો?

સૌ ઝૂંપડાઓ ભીતરે સરવર થતાં,

ટીપેટીપે સરવર ભરાતું હોત તો.

 

જાડું કદી ના થાત લોહી આપણું,

દુઃખથી પરાયા, ખળભળાતું હોત તો.

 

પૉલિશ વડે બુટને ઘસી ચમકાવતાં,

બાળકનું કિસ્મત પણ ઘસાતું હોત તો?

પાછો ફરી મારી ભીતર આવી જતે,

ભેટી તને પાછા ફરાતું હોત તો

 

 

- અર્પણ ક્રિસ્ટી , અમદાવાદ

 

 

.

અરીસો ઉર્ફે...

 

- તરુણ મહેતા 

 

અરીસો હોય છે પ્રતિબિંબક ,

તે સજાવે છે બીજાના રૂપને ત્યારે

ખુબ ગમે છે.

 તે ગુણ અવગુણ જોતો નથી.

કુરુપતાની સામે પણ એ ઉભો રહે છે ત્યારે,

તેની આંખમાથી પ્રેમ અને કરુણા વહે છે.

ક્યારેક તે ડુસકે ચડે છે,

બાથરૂમની ચાર દિવાલો વચ્ચે,

અરીસાને દિવાનખંડમા રડવાની પણ છુટ નથી.

અન્ય સામે જાત ઓગાળી નાખતાં અરીસાને,

નથી કોઇ પોતાનું અસ્તિત્વ.

અન્યના રૂપને સજાવનાર સામે પણ નતમસ્તક થઇ,

ઉભો છે અરીસો.

અરીસો એટલે;

પોતે ઘસાઇને અન્યને ઉજળાં કરતું સાધન.

અરીસો સુખ-દુ:ખ બધું જ સહે છે,

પણ હા,

અરીસોય ફ્રેમની બહાર બહુ ધારદાર હોય છે.

 

- તરુણ મહેતા, મહુવા.

.

આમ બને ?

 

- પાયલ ધોળકિયા

 

સાવ કદીય આમ થતું હશે?

ઝાડ પરથી ખરેલું પાન

એ જ થડમાં મૃત્યુ પામ્યું હશે?

સાવ કદીય આમ થતું હશે?

દરિયાનાં મોજાં

કિનારેથી અડકી ગયા હોય,

અને સ્પર્શનો અનુભવ ન થયો હોય?

સાવ કદીય આમ થતું હશે?

તારો પોતે જ ખરી પડે,

અને એ જ ખરતો તારો,

ઈચ્છા પૂર્ણ કરી શકે?

ઝાડને પણ થાક લાગ્યો હશે લાગણીનો,

કિનારાનાં મોજાંને પણ ઉદાસીનતા હશે

નહીંતર,

જે તારો પોતે જ ખરી પડે છે,

શું કદીય બીજાંની ઈચ્છા એ પૂર્ણ કરી શકે?

 

- પાયલ ધોળકિયા, કચ્છ