યુવાસ્વર: સર્જન-કાવ્ય

પરિષદની અનોખી અગાસીની આજની કાવ્યસભામાં આ દસ રચનાઓ . . .

 

.

યુવા સ્વર’-ની કવિતા

- પાયલ ધોળકિયા, ભુજ

 

1
આ સ્વગૃહ છે
ભાવકો સર્જકોનું,
સહ્રુદયોનું.

2
આ યુવાસ્વર
રજૂ કરે આનંદો
પરિષદમાં

3
" પંચમ મેળે "
સાહિત્ય સહવાસે
કોરોના કાળે

4
કપરા કાળે
છાપામાર લડતો
લડીએ સાથે

- પાયલ ધોળકિયા, ભુજ, કચ્છ.

 

.

ટેરવાં

- સંજય લુહાર, જોરાવરનગર, જીલ્લો સુરેન્દ્રનગર.

 

મારાં

ટેરવાંઓની અંદર,

ઘૂમે,

ઝૂમે,

ઉડે,

પડે,

ચાલે,

બેસે,

છળે, ભળે

કેટલાંક તોફાની શબ્દો.

હું,

પળપળ,

ખળભળ,

આકળવિકળ.

 

- સંજય લુહાર.

 

૩.

કોણ માનશે?

- બ્રિજેશ દવે, ' વિભવ'. 

 

જેણે લખી સુમેળ ગઝલ એક છંદમાં,

એ છંદથી અજ્ઞાત હતો કોણ માનશે ?

 

દેવો સમાન માન બધાં આપતાં રહ્યાં,

માણસ તણી જ જાત હતો, કોણ માનશે ?

 

જેના મરણ વિશેષ હતાં, પૂછતાં બધાં,

મારો જ આપઘાત હતો, કોણ માનશે ?

 

જે વૃક્ષની મહેક બધાં અવગણી રહ્યા,

તે એક પારિજાત હતો, કોણ માનશે ?

 

માપી ગયો જમીન કદમ ત્રણ ચાલતાં

વામન નહીં, વિરાટ હતો. કોણ માનશે ?

 

 

- બ્રિજેશ દવે, ' વિભવ'

 

 

.

પછી . . .

- અર્પણ ક્રિસ્ટી, અમદાવાદ. 

 

લોહીમાં વ્હેતી હો લાગણીઓ ભીની 'ને છોલાઈ જાય એ જ્યાં સ્હેજ,

પછી રૂંવે રૂંવે ફૂટે ભેજ.

 

ભીંતો પર ચીતરેલું નામ એક ખોવાતાં, ઘરને પણ ફૂટે છે ટીસો,

કાયાનાં એકેએક કોષોની ઈંટો આ, પાડે ના સંભળાતી ચીસો .

મન કેરાં ઓરડામાં સૂરજને ટીંગાળો, તો પણ ના દેખાતું તેજ.

પછી રૂંવે રૂંવે ફૂટે ભેજ .

 

સીધો સટાક સાવ લાગે છતાંય એના ડગલે 'ને પગલે છે ફાંટા,

સગપણનાં મારગ પર પાથરેલા ફૂલો, કંઈ કહેવાય ના, થઇ જાય કાંટા!

થાય છે અકસ્માતો એવા કે હૈયા ને થઇ જાય "બ્રેઈન હેમરેજ".

પછી રૂંવે રૂંવે ફૂટે ભેજ.

 

- અર્પણ ક્રિસ્ટી, અમદાવાદ.

.

કોઈ વર્ષોથી ઊભું છે બારણામાં . . .

- રાહુલ બી. શ્રીમાળી

 

કોઈ વર્ષોથી ઉભું છે બારણામાં,

ફૂલીફાલી છે પ્રતીક્ષા આંગણામાં.

 

જિંદગીભર જેમણે દરિયો ઉલેચ્યો,

ડૂબવા પાણી લીધું છે ઢાંકણામાં.

 

બંધ બાજી ખૂલશે તકલીફ તો છે,

પણ હકીકતની મજા છે ધારણામાં.

 

આજ પણ દિલમાં સળગતા છે સવાલો,

શોધવાના છે જવાબો આપણામાં.

 

રેત,ઈંટો,કાંકરા,કપચીની વચ્ચે,

છોકરું ઝબકી ગયું છે પારણામાં.

 

- રાહુલ બી. શ્રીમાળી