યુવાસ્વર: સર્જન-કાવ્ય

૧.

પાંચ લઘુ કાવ્ય

 

- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ'

 

પીળા થયેલા વૃધ્ધો

તાજો જન્મેલો બાંકડો

તાક્યા કરે

એકમેકને.

*

 

પીળા

પાંદડાના

ઢગ પર

બિરાજે

તાજો બાંકડો.

*

 

લાગણીઓ

છૂપાવી

પીળા પાંદડા

ભેટવા આતુર

તાજા જન્મેલા

તરૂને.

*

 

પીળાપચ

પાંદડા હેઠે

ટહૂકો જનમ્યો

બાંકડો રાજી.

*

 

પીળા પાંદડા

નવા બાંકડે

બેઠાં બેઠાં

ટહૂકા સાંભળે.

 

- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ', કરજણ, વડોદરા

૨.

ધાત્રીનું ગીત

 

- જયેશ રાષ્ટ્રકૂટ

 

 

મારે આંગણ જાદવરાય રે (૨)

મારે ફળિયે રણઝણ ટહુકા, બાઈ મારું હૈયુ રે હરખાય...

 

 

મારે આંગણ જાદવરાય.

કમખે ટાંક્યા આભલિયાં ત્રાજવડે ટાંક્યો મોર

અડવા પગની આંટી મારી દોર્યો રે ચિતચોર

મારી પાનીએ ખણખણ ટહુકા,બાઈ મારું હૈયુ રે હરખાય...

 

 

મારે આંગણ જાદવરાય.

અમરત વરસે આખલડીને ભીંજે આખું ગામ

પૂતળી મારી પાતળિયુ ને નવલખ નેહના ઠામ

મારે આહુડે ચણચણ ટહુકા,બાઈ મારું હૈયુ રે હરખાય...

 

 

મારે આંગણ જાદવરાય.

વરત નાખી વ્હાલના ને ઓજલ રહું દિનરાત

સંતાડું હું  નાગરા ને  દરશનની છે ઘાત

મારે ટેરવે અધમણ ટહુકા,બાઈ મારું હૈયુ રે હરખાય...

 

 

મારે આંગણ જાદવરાય.

 

 

-જયેશ રાષ્ટ્રકૂટ

 

 

 

 

 

.

અસ્તિત્વ મારું !

 

- રમજાન હસનિયા

 

જળ ભરેલા વાદળો ઉપર તરે અસ્તિત્વ મારું;

તો કદી પુષ્પોની સંગે ફરફરે અસ્તિત્વ મારું.

 

પર્વતોની ટોચ પર પહોંચી, વળી લપસી જતું એ;

પંખીઓની પાંખ પર બેસી ઉડે અસ્તિત્વ મારું.

 

વૃક્ષની ઊંચાઈઓને આંબવા દોડી જતું એ;

મૂળિયાની શોધમાં કંઈ તરફડે અસ્તિત્વ મારું.

 

નીલરંગી નભ તણી અનંતતાને તાકતું એ;

ગજની પાસે રજ બનીને રહી જતું અસ્તિત્વ મારું.

 

જેના થકી અસ્તિત્વ પામ્યું છે કદી અસ્તિત્વ મારું;

એમાં જ આજે ઓગળી જાતું અહીં અસ્તિત્વ મારું.

 

- રમજાન હસનિયા, રાપર, કચ્છ

 

.

ભક્તિ

 

- ચૈતન્ય પુરોહિત 

 

હરિનાં ઉંબરે બેસીને વાગોળ હૈયાની પંક્તિ,
બીજી તો શી રીતથી કરાય એમની ભક્તિ?

 

હાથ જોડ, માથું ટેક અને જયઘોષ કર,
જાગૃત કર અને સંચાર તારી અખંડ શક્તિ.

 

બહાર નહીં પણ ભીતરે માર ફાંફાં,
આંખ મીંચીને શોધ તારા અંદરની વક્રોક્તિ.

 

માંગ માંગ! તું માંગીશ એ મળશે, પણ
એક વાર તો કરી જો આભારની અભિવ્યક્તિ.

 

સઘળું છોડવાથી નહીં થાય જ્ઞાનપ્રાપ્તિ 'પુરોહિત'!
ખુલ્લા હાથે વધાવી લે બધું, મળી જશે તને મુક્તિ.

 

- ચૈતન્ય પુરોહિત, અમદાવાદ

 

.

આયનો

 

-'અગન' રાજ્યગુરુ

 

આપમેળે ઓગળે છે આયનો.

કે તને જોઈ ઢળે છે આયનો?

 

દોસ્ત જ્યારે તું મને સામે મળે;

એમ લાગે કે મળે છે આયનો!

 

જાત વિશે એ નહી બોલી શકે;

જેમને રોજે છળે છે આયનો.

 

શું થશે જો તું સજે શણગાર તો?

સાદગીથી પણ બળે છે આયનો!

 

બ્હારનાં દેખાવને જોયા કરે;

ક્યાં કદી ભીતર કળે છે આયનો!

 

એક પા તું, એક પા તારી છબી;

ને ઉપર એમાં ભળે છે આયનો!

 

એજ કારણ છે 'અગન' ચળકાટનું;

રોજ મારામાં ગળે છે આયનો!

 

 

  -'અગન' રાજ્યગુરુ

ખોડીયાર નગર-૨, નવી કાનાણીની વાડી,

ચક્કરગઢ રોડ,અમરેલી,ગુજરાત 365601

૬.

હાઈકુ

 

- પાયલ ધોળકિયા

 

 

દૂર થશે આ

ઉદાસીનું અંધારું

આવી દિવાળી

 

*

 

હવે ઉજવો

મનનો અજવાશ

આવી દિવાળી

 

*

 

આ દીપોત્સવી

ઉજવીએ સાહિત્ય,

શબ્દ સંગીત

 

 

 

- પાયલ ધોળકિયા

ભુજ, કચ્છ

 

 

 

 

૭.

હું સ્ત્રીચ્છા

 

- હીરલ પરમાર 

 

હું યુગો યુગોથી

ભટકાતી,

 

સંબંધોની આડમાં

અટવાતી,

 

ક્યારેક ઉંબરે આવી

થોભતી,

 

તો ક્યારેક

ઘૂંઘટમાં શોભતી,

 

ક્યારેક લાગણીના

 વંટોળમાં ગૂંચવાતી,

 

તો  ક્યારેક

 સંઘર્ષોમાં હણાતી,

 

સપનાના ગર્ભમાંથી

 બહાર આવવા, તો

 ન જાણે

 કેટલુંયે મથતી,

 

પણ,

આડંબરથી ભરેલી

 માનમર્યાદા,

પુરુષત્વમાં લપટાઈને,

હંમેશા મને રોકતી,

 

 હું પોકારત,

લલકારતી,

 વિનંતી કરતી,

 

ને અંતે પોલા થઈ પડેલા

 શ્વાસમાં રહીને,

 હું રૂંધાતી,

 

 હારતી, ને

ટુકડે ટુકડે વિખરાતી,

 

 તોંય,

 એક સ્ત્રીના હૃદયમાં

 ખૂણો ઝાલીને,

દુનિયા સામે હરખાતી.

 

હું સ્ત્રીઇચ્છા.

 

- હીરલ પરમાર, નડીઆદ.