યુવાસ્વર: સર્જન-કાવ્ય

૧.

પાંચ હાઇકુકાળી બિલાડી

 

- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ'

 

૧)

કાળી બિલાડી

સૂર્ય સાથે ઝગડે

અંધારું થતાં.

 

૨)

કાળી બિલાડી

પસાર થતી દેખી

રસ્તો ફંટાયો.

 

૩)

કાળી રાતમાં

કાળી બિલાડી ફરે

અપશુકન.

 

૪)

કાળી બિલાડી

ઉભા પૂંછડે ભાગી

માણસ દેખી.

 

૫)

કાળી બિલાડી

પગલાં પડ્યાં કાળા

રસ્તો ગાયબ.

 

- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ', કરજણ

૨.

શ્વાસની શરત

 

- શૈલેશ ગઢવી

 

અજાણ ક્યાં છે રમકડું? અહીં રમત કેવી?

વિરામ નામે નથી, શ્વાસની શરત કેવી?

 

શરીર જેમ, સ્મરણ વૃદ્ધ થઈ નથી શકતા

ગુલાબ ખોયાં પછી મહેકની મમત કેવી?

 

ખરી શક્યા નથી જે પાનખરમાં એ શું કહે,

ભરી વસંતે ખરેલા ફૂલોની ગત કેવી?

 

ગગનમાં સૂર્ય અને ચંદ્રની રમત ચાલે,

કહો કે એથી વધુ આપણી વિગત કેવી?

 

અવાજ વચ્ચે જરા મૌનનેય સાંભળજો,

જો શબ્દથી જ બને વાત, આવડત કેવી?

 

કળીની જેમ ખીલે છે ગઝલ, જો યત્ન કરું,

લજામણી સમી શરમાય છે તરત કેવી !

 

 

- શૈલેશ ગઢવી

 

 

 

 

 

 

.

મેળાવડો

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

- ડૉ. બાલકૃષ્ણ સોનેજી 'બે-ગમ'

 

“હું” ભલેને હો હિમાલય જેવડો.

પદ જતાં થઈ જાય કેવો બાપડો !

 

 એ જ ઠોકર, એ જ પથ્થર, એ જ પથ,

કોઈ ક્યાં તૈયાર છે લેવા ધડો !

 

શૂન્ય છે એ  શૂન્ય રહેવાનું ફક્ત,

જ્યાં સુધી લાગે ના આગળ એકડો.

 

થાય છે સૂની આ ડેલી જોઇને,

છત ઉપર આવીને બોલે કાગડો.

 

જેમને  ચાહે ન, ઘરનો ઓટલો,

રાહ જોતો હોય એની બાંકડો.

 

શોકની એવી સભા શું કામની?

બેસણું થઈ જાય જો મેળાવડો.

 

 

- ડૉ. બાલકૃષ્ણ સોનેજી 'બે-ગમ'

 

.

ગીત

- તરુણ મહેતા, મહુવા

 

ચાંચ મહીં ઉપાડી દરિયો ચકલી ચાલી જાય અને સૌ ચુપ થઇને જોયા કરીયે,

 

પાંખ મહીં આકાશભરી એકાંત ઠલવતી જાય ને ચકલી, ચુપ થઇને જોયા કરીયે

 

કાળુ ડમ્મર આભ સામટું ભફ્ફ દઇને વાગે તોયે વજ્જરની છાતીથી ઝીલુ,

 

એક પાંખડી સુગંધનો છેડો ફાડીને કહે સુરજને, મારી રીતે ખીલુ,

 

કોઇ આવીને છાનુછપનુ મિંઢળ બાંધી પીઠી ચોળી જાય,

 

                                                  અને સૌ ચુપ થઇ ને જોયા કરીયે,

 

ખડકી ઉંબર ને ટોડલિયે મોર કરે છે ટૌકા, ટૌકા વેરણછેરણ થાય ,

 

ફાટફાટ થાતાં જોબનિયે સોળ દિવાળી એક સામટી ધોધમાર ઉજવાય ,

 

ખબર પડેના તમને એવા શરણાયુને ઢોલ ડેલીયે વગડાવી કો જાય,

                                                  અને સૌ ચુપ થઇ ને જોયા કરીયે,

 

- તરુણ મહેતા, મહુવા

 

 

.

બે કવિતા :

- મીરા જોશી, સુરત

 

(૧)

આ વરસાદે,

માટીની ભીની ગંધ,

‘માસ્ક’ની આરપાર થઈ હવામાં જ રહી ગઈ..

વરસાદની વાછટ

બારીમાં જ અથડાઈને અટકી ગઈ...

આ વરસાદે,

અગાસી ભીની તો થઈ,

પણ ભીના પગલાની છાપ અધુરી રહી ગઈ..

મોરનો ટહુકાર, કાગડાનું કા-કા

આ વરસાદે

કોઈ મહેમાન લાવ્યું નહિ...!

આ વરસાદે,

મોસમ હરિયાળી લીલીછમ થઈ,

પણ ચોમાસાનો રોમાંચ

‘સેનીટાઈઝર’માં વહી ગયો..!

 

 

(૨)

સેલફોનમાં

તારા નામથી લઈને,

જિંદગીમાં સંપર્કની

શક્યતાઓના દરેક પાનાંઓમાંથી

મેં તને ભૂંસી નાખ્યો હતો..!

પરંતુ તે દિવસે

ગહન રાત્રીના બીજા પ્રહરે આવેલા

સ્વપ્નમાં

તારું ચિત્ર દોરાઈ ગયું..! ને પછી

આખો દિવસ

મન-મસ્તિકમાં

તું જ ચિતરાયેલો રહ્યો,

સ્વપ્નમાં આવી દિલમાં પ્રવેશી જતા

એ આકારને

ભૂંસી શકું એવું

‘ઈરેઝર’ મળશે ક્યાંયથી

- મીરા જોશી, સુરત

 

.

બધી એ વાત સાચી છે.

 

- ભરત પ્રજાપતિ 'અદિશ'

 

મનોહર દ્રશ્ય જોયું છે, બધી એ વાત સાચી છે!

 

જીવનનું વસ્ત્ર ધોળું છે, બધી એ વાત સાચી છે !

 

ઘણી વેળા બીજાની જાત અજવાળવા માટે,

 

દીવાએ તેજ ખોયું છે, બધી એ વાત સાચી છે!

 

સજીવન થાય એના એક ટહુકાથી જગત આખું,

 

તમે એ પંખી જોયું છે, બધી એ વાત સાચી છે?

 

અચાનક ભીંતથી બોલી જવાયું છે,  તમે કાયમ-

 

પીડાનું આસું લોહ્યું છે,  બધી એ વાત સાચી છે?

 

ભરમ જાણ્યા પછી ગંગા સતી આ પાનબાઈએ,

 

શબદ મોતી પરોયું છે, બધી એ વાત સાચી છે?

 

- ભરત પ્રજાપતિ 'અદિશ', મોટા કોઠાસણા (મહેસાણા)

 

 

૭.

ગઝલને લખાવી

 

- પીયૂષ ચાવડા, પાટણ

 

નથી જાતો મંદિર હું મસ્તક નમાવી,

છતાં એણે આવી ગઝલને લખાવી.

 

જરા સાથ આપ્યો તે એની અસર છે,

ઉદાસીના ઘરમાં ખુશી આજ આવી.

 

મને સહેજ અડકી તું - જાદુ થયું છે,

પીડા આજ ભાગી પૂંછડી દબાવી.

 

આ ઊંચા, આ નીચા, આ હિંદુ, આ મુસ્લિમ,

મગજ તે બગાડ્યું છે ઊઠાં ભણાવી.

 

લીધા અંગૂઠાને તે કોરા ફલક પર,

બધું  લૂંટી લીધું છે અમને ડરાવી.

 

ભરી પાનખરમાં બહારો ખીલી છે,

જરા શી  તમે શું નજરને ઝૂકાવી.

 

 

- પીયૂષ ચાવડા, પાટણ