યુવાસ્વર: સર્જન-કાવ્ય

પરિષદની અનોખી અગાસીની આજની કાવ્યસભામાં આ દસ રચનાઓ . . .

 

.

મેં તો બંધ પટારા ખોલ્યા . . .

- વર્ષા પ્રજાપતિ 'ઝરમર', અમદાવાદ

 

જાત ભણી ડગ માંડ્યા, મેં તો બંધ પટારા ખોલ્યા.

ઉગમણા આથમણા સૂરજ પાને પાને દોર્યા.

 

શૈશવની શેરીમાં જ્યારે સાદ ભર્યો  સખીઓને,

આંખો વચ્ચે તળાવ ચીતર્યુ, રમવા લાગણીઓને.

કિસ્સાઓ કાગળ પર મહેંકી, ઘાવ ફરીથી છોલ્યા ,

જાત ભણી ડગ માંડ્યા, મેં તો બંધ પટારા ખોલ્યા.

 

પ્રીત નામની જોગણ સાથે સંગ કર્યો આતમનો,

આજે પણ દર્પણમાં જોઉં પડછાયો પ્રીતમનો ,

ક્ષણ વચ્ચેથી અર્થ વિનાના સગપણ ભીના બોલ્યા,

જાત ભણી ડગ માંડ્યા, મેં તો બંધ પટારા ખોલ્યા.

 

ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે 'કેમ છો વર્ષારાણી!'

'મોરપીંછના સરનામે' આ શીદને છલક્યા પાણી ?

'મોરપીંછ'નુ નામ સાંભળી રાગ ત્યાગ સૌ છોડ્યા,

જાત ભણી ડગ માંડ્યા,  મેં તો બંધ પટારા ખોલ્યા.

 

.

નાદાન લાગણીઓ

- સંજય લુહાર, જોરાવરનગર, જીલ્લો સુરેન્દ્રનગર.

 

 નાદાન લાગણીઓ

ઘણીવાર,

બાથ ભરીને પક્ડી લે,

મને,

અને મારી બોલકી કલમને.

 

કેટલીક,

નાદાન અને તોફાની લાગણીઓ.

કરગરે,

વિનવે,

સતાવે મને.

 

ખબર છે કેમ?

તૂટી ગયેલા સપનાઓને

શબ્દોમાં ઢાળવા.

કવિતાનું સ્વરૂપ આપવા.

 

૩.

આ તે કેવું જંતર !

- ભરત વાઘેલા,  સિહોર.

 

તારા વગરનું  રણઝણ  કરતું  ચાલે  આખું  તંતર.

આ તે કેવું જંતર !

 

પરથમ  પે'લા  ઘાટ  ઘડાયો  પછી   મૂકિયા  તાલ,

ખરો  પારખું  હાથ   કરે  તો  સરખી  ચાલે  ચાલ.

ચાલ ઉપરજો  ભાવ ભળે તો ખોલી નાખે અંતર.

આ તે કેવું જંતર !

 

સુખ  દુઃખને  જીરવી  જાતું  જબરી  એની  કૂખ,

આંગળિયુંનો  સાથ મળે  તો ભવની  ભાંગે ભૂખ.

સૂર,  તાલ  ને  લય   તૂટે  તો   થાતું   મૂંગુ   મંતર.

આ તે કેવું જંતર !

 

.

મને યાદ છે

- ધર્મેશ ખેર. ઉગામેડી તા. ગઢડા જી. બોટાદ

 

તારા હૈયામાં પાનખર ,

ને મુખ પરની વસંત મને યાદ છે,

 

તાવડી પર બાળીને ટેરવા,

તારી રોટલીની મીઠાશ મને યાદ છે.

 

મારી ભૂલ પર તારું ખીજાવું,

ખૂણામાં જઇ તારું રડવું, મને યાદ છે,

 

‘બસ, આ છેલ્લો કોળિયો કહી’,

ખવડાવવાની તારી કલા મને યાદ છે

 

મને આવેલો થોડો તાવ, ત્યારે તારી

ઝાઝી ઉજાગરાની રાત મને યાદ છે,

 

મારા સ્વપ્નો, તારી મંજિલ હતી કદાચ,

છોડ્યાં તારા સ્વપ્ન સદા, મને યાદ છે

 

બપોરનાં કાળઝાળ તડકામાં ,

તારા પાલવનો શીતળ છાયો મને યાદ છે.

 

પડોશમાં તે મારા માટે કરેલા,

અમથે-અમથા ઝઘડા, મને યાદ છે.

 

ખબર નથી કે ભગવાન છે કે નહી પણ,

તેની આપેલી ભેટ- મારી ‘મા’ મને યાદ છે

 

.

અને ફરી યાદ આવી ગ્યો તારો સ્પર્શ

- નિલેશ ભાનુશાલી "અખર્વ",  કચ્છ

 

આજ બેઠો છું ઓટલે, જોતો ચકલીને ખેલતા.

 

આંખો નાની નાની ને નમણી બે પાંખ,

બોલે કાલુ ઘેલું બસ ચીં ચીં ચીં ચીં ચીં

કેવો તીણો તણખલા તણો સાદ છે,

તદ્દન તારી સમો,

આવી અચાનક જ ઓટલે બેસી,

ને પછી કૂદકો, મારીને મારા હાથ પર.

 

નાનકડા નખના સ્પર્શથી,

સળવળી ઉઠ્યા તરંગો હજાર.

રોમ રોમ એક અજબ ભાષા સંભળાય,

ને આવી વર્ષો જૂની એક યાદ.

 

આતમના ઊંડાણે મારો હર્ષ અપાર,

મને ફરી યાદ આવી ગયો,

તારો સ્પર્શ, તારો સ્પર્શ.

 

 

ઉપાય નૈ . . .

- શ્યામ  શુકલ, જૂનાગઢ

 

બ્હારથી આ તેજ ભીતર જાય નૈ,

જાત સળગાવ્યા વિના ઉપાય નૈ.

 

ક્યાં છુપાવ્યા કસ્તુરી જેવા સુખો?

શોધતા ર્યો, ક્યાંય પણ દેખાય નૈ.

 

જીંદગી જાણે ગઝલ છે મીરની,

વાંચવામાં છે સરળ, સમજાય નૈ.

 

આ તરફનું વ્હેણ તો તાણી જશે,

એ તરફ તું હોય તો કહેવાય નૈ!

 

સાવ પાસે, સાવ સામે આંગણું,

પારકે પગ ઘર સુધી પ્હોંચાય નૈ.

'

શ્યામ' આ ઘોંઘાટને તું શાંત કર,

મૌન છે તું, મૌન કૈં પડઘાય નૈ.

 

 

.

 મને ફૂલની જેમ ચૂંટે, ખરા !

- ધ્રુવ મહેતા

 

મને ફૂલની જેમ ચૂંટે, ખરા એ,

બની ભૃંગ ને એમ ચૂમે, ખરા એ.

 

અહીં તો છું, જો, ઓળખી લે મને, તો,

જરા પામવા આંખ મીંચે, ખરા એ.

 

પ્રથમ કોતરે પ્રેમ મારો. પછી તો,

શિલાલેખ આખો ય ઘૂંટે, ખરા એ.

 

અરે હૈયું  છે, ચોરવામાં શું ગૂનો?

દિલે ધાડ પાડી ને લૂંટે, ખરા એ.

 

ભલે રોશની ચાંદ જેવી બતાવે,

નભે ‘ધ્રુવ’ની જેમ તૂટે, ખરા એ.

 

 

 

૮.

નયનથી નયન તું  મિલાવી શકે . . .

- કૃપા શામરીયા, અમદાવાદ

 

નયનથી નયન તું  મિલાવી શકે ,

ભલે મૌન છે પણ જણાવી શકે.

 

ગઝલમાં બધી વાત કહીએ છતાં

મને  રૂબરૂ  ના  હસાવી  શકે  ?

 

ઘણી લાગણી મે લૂંટાવી ભલે,

વિરહમાં  સ્મરીને  રડાવી  શકે.

 

મધુરા છે વેણુનાં મોહનના નાદ,

એબંસી ના સુરે  નચાવી શકે.

 

રિસાઈ ગઈ છું છતા હક કરી

હે   કાના!  મને  તું મનાવી  શકે.

 

.

કોઈ કુંવારા રૂમાલમાં

- ભરત પ્રજાપતિ, મોટા કોઠાસણા

 

 

પડખું ફરે છે  કોઈ કુંવારા રૂમાલમાં,

સપનું જુએ છે  કોઈ રૂપાળા ગુલાબમાં.

 

રસ્તાની આસપાસ સરકતી કતારમાં,

આસું સરે છે ક્યાંક સુવાળા લિબાસમાં.

 

અફવા ઉડી છે એક હ્રદયના નગર ભણી,

એણે કર્યો છે કેદ સમયને ભીનાશમાં.

 

ને આપ તું જવાબ સભાના સવાલનો,

બોલી રહ્યું છે કોણ આ તારા વિચારમાં?

 

ભૂલીને સાનભાન ખુલાસો કરે છે કોઈ,

જીવી રહ્યું છે શ્હેર આ પીળા અભાવમાં.

 

 

 

૧૦.

મોડી સાંજે . . .

- ચાર્વી ભટ્ટ, ભુજ, કચ્છ

 

સાંજે થાકને ખીંટીએ લટકાવુ છું.

 

સન્નાટાને સ્પંદિત કરતાં સામયિકનાં પાનાંના ફફડાટને બંધ કરું છું.

 

મોડી સાંજે અજાણ્યા ફોન પરથી જાણીતો અવાજ સાંભળવા મથુ છું.

 

'આજે બહુ જ મજા પડી', 'ધાર્યું થયું' એવા આંદોલન વચ્ચે ઝોલા ખાઈ જાઉં છું

 

સંબંધોની ચાદર ઓઢતા કોઈકની પ્રતિક્ષાને આંખો તળે ઘેરાવા દઉં છું.

 

મોડી સાંજે આથમતા સૂર્યનાં વિસ્તીર્ણ રંગો એનાં રાગમાં મલાકાતા જોઉં છું.

 

બસ ત્યારે બઘું જોઉં છું.

 

બધું જોઉં છું, હવા સાથે પવન બની,

ફૂલની રજકણ બની.

 

બાળકની કિલકારી થઈ,ડોસા-ડોસીની લાકડી બની, એક્સપાયર ડેટ બની ગયેલું પાનું થઈ.

 

આથમતી સાંજે પામુ છું, કંઈક પમરાટ થકી ચચરાટ થકી.