પ્રતિભાવ – શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનો યુવા સર્જકને...
શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્ર દરેક યુવાનોની કૃતિ આવે ત્યારે તેમને મેલ પર પ્રતિભાવ આપી તેમનો ઉત્સાહ તો વધારે પણ સાથે સૂચન પણ કરતા હોય છે, તો આવા કેટલાક સૂચનો પણ તમારી સામે મૂકીએ છીએ, જે કાલઅબાધિત છે.
આ આવૃત્તિમાં પ્રતિભાવ – શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનો યુવા સર્જકને :
પ્રતિભાવનો જવાબ આપે છે
-કવિ સિતાંશુભાઈ યશશ્ચંદ્ર :
શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનો પ્રતિભાવ યુવા સર્જકોને :
(૧) યુવા સર્જક - મિલિન્દ :
વાહ, મિલિન્દ! સરસ વહેણ છે, અને કલ્પન.
જો કે "નોળવેલ" અંગે ઉત્તરનો અધિકાર પ્રો સમીર ભાઈ અને પ્રો. સેજલ બહેનનો છે.
(૨) યુવા સર્જક - નેહા ગરવા:
તમારી રચનાઓનું ભાવજગત મધુર અને મુગ્ધતા સભર છે, નેહુ ગરવા. એની તાજપ જાળવી રાખજો. પણ અભિવ્યક્તિમાં કઈ રીતે સહજતા આવે, એ વિશે વિચારજો. કવિતા કલ્પનો વડે અભિવ્યક્ત થાય છે, લાગણીઓ ઇંગીત દ્વારા સૂચવાય છે. કવિતા વેડા કરવાનુ તમને ન જ ગમે, કેમ કે તમારા ભાવ જગતમાં ઉત્કટતા છે. અનાયાસ થતી છતાં વળાંક ભરી અભિવ્યક્તિ કેવી હોય, એ અનુભવવા માટે ઉત્તમ કાવ્યો ભાવપૂર્વક વાંચો. "કાન્ત" નાં કાવ્યો વાંચો. નાનાલાલ નાં. ઉમાશંકર, સુન્દરમ્, પ્રિયકાન્ત મણિયાર ને વાંચો. " ગુજરાતી કવિતાનો આસ્વાદ" એ સુરેશ જોષી નું પુસ્તક ફરી ફરી વાંચો.
તમે શું કરો છો, ક્યાં અભ્યાસ કરો છો, શું વાંચો છો, એ જણાવો. " Nolavel" માં મૂકાતી બીજી સામગ્રી જુઓ, એની ચર્ચા કરો.
આ બન્ને પ્રશ્નો, પ્રશ્નોથી વિશેષ બે કલ્પનાઓ છે. વાર્તા કોણ છે? એ કોઈ એવી સ્વતંત્ર સત્તા કે Entity છે? ના. કલાસ્વરૂપો સર્જકની આવશ્યકતા અનુસાર ઘડાતા—બદલાતા રહે છે. એને લેખક ઉપર સર્વોપરી બનાવવાની જરૂર નથી. ગુજરાતી વાર્તામાં સ્વરૂપ અને વસ્તુ બેઉ સંદર્ભે અનેક પ્રયોગો થયા છે. બે ઉદાહરણો આપું. એક, રા.વિ.પાઠકની 'મહેફીલે—ફસાન—એ—ગયાન' શ્રેણિની વાર્તાઓ. બે—મધુ રાયની હરિયો પાત્ર આસપાસ રચાયેલી વાર્તાઓ અને હાર્મોનિકા તરીકે ઓળખાવાયેલી વાર્તાઓ.
વાર્તાનું સ્વરૂપ વાર્તાલેખકની અપેક્ષાઓ અનુસાર સતત સંમાર્જિત થતું રહે એ વધુ મહત્વનું છે. વાર્તાલેખક કોઈનો ગુલામ નથી,વાર્તાનો પણ નહીં. વાર્તા તે કઈ બલા છે કે વાર્તાકારને આ કે તે આભડછેટની એંધાણી આપે? કશાયથી દૂર કે નિકટ રહીને લેખક વાર્તા સર્જતો નથી. એ બધામાં ઓળઘોળ હોઈનેય બધાથી અલિપ્ત હોય છે, જ્યારે એ વાર્તા લખે છે. ટૂંકી વાર્તામાં ટૂંકાણનું સૂચન છે. ટૂંકાણ એ એનું લક્ષણ છે એની ઓળખ નથી.
ને એ લક્ષણને સિધ્ધ કરવા માટે વાર્તાકારે વસ્તુ કે સ્વરૂપ પરત્વે પોતાની ઉપર બંધનો લાદવાના નથી, બલ્કે ટૂંકાણને શૈલી રૂપે આત્મસાત્ કરવાની જરૂર છે. ટૂંકી વાર્તામાં ટૂંકાણ એ કેવળ કદનું નહીં, શૈલીનું સૂચક બને એ જરૂરી છે.
(૩) યુવા સર્જક - કાર્તિક:
નમસ્તે, કાર્તિક.
તમે સવાલ કર્યો, એ મને ખૂબ ગમ્યું. આપણે એવું સાહિત્ય જગત દ્રઢ કરવા ચાહીએ છીએ, જેમાં વિવેકપૂર્વક સવાલો થઈ શકે અને જવાબો આપી શકાય.
કાર્તિક, 'નોળવેલ' માં યુવા સ્વરનો એક વિભાગ છે. અને બીજા વિભાગો પણ છે. 'નોળવેલ'ની આગલી આવ્રુત્તિઓ તો તમે જોતા જ રહો છો. એમાં જોવા મળશે કે ઘણી બેઠકોમાં એવી કાવ્ય રચનાઓ મૂકી છે જે અગાઉ પ્રસિધ્ધ થઈ ચૂકી હોય અને ચચન રૂપે, કોઈક રેલેવન્સ કહેતાં પ્રસ્તુતપણું હોય તો એને 'નોળવેલ'માં મૂકવામાં આવી હોય. આવી અનેક કાવ્ય રચનાઓ વખતોવખત રજુ થતી આવે છે. ઉપરાંત જ્યોતિભાઈ ભટ્ટના ફોટોગ્રાફ્સ, વિજયભાઈ પંડ્યા રજુ કરે છે એવા સંસ્ક્રુત સાહિત્યના અંશો વગેરે સામગ્રી પણ હોય છે. યુવા લેખકો અને અન્ય ભાવકો આ બધી સામગ્રીથી પરિચિત થાય, એક વિશાળ સાહિત્ય અને કલા જગતમાં જીવે, એ જરૂરી છે, માત્ર પોતાનું વાંચી બેસી રહે, એ કોઈને માટે ઠીક નથી -- એ લેખક યુવા હોય કે યુવા ન હોય, કોઈ પણ લેખક માત્ર પોતાના કે એક નાના વર્તુળના વાચન ભાવનમાં મર્યાદિત રહે, એ ઠીક નથી, એની સર્જકતાને પોષનારું નથી. એટલે આ 'નોળવેલ'નું એક વ્યાપક જગત.
તમે આ રીતે સંવાદ કરતા રહો, એ શુભેચ્છા.
(૪) યુવા સર્જક - ગુરુદેવ:
આભાર અને આનંદ, ગુરુદેવ. સરસ કલ્પનો રચ્યાં છે, નવા બાંકડાનું કલ્પન સહુથી વધારે ગમ્યું. બારી બહાર જોતો, હથેળી જોતો, રાતે એકલો ચાલતો -- વ્રુધ્ધ, એ ત્રણે કલ્પનો પણ ગમ્યાં. શુભેચ્છા.
અન્ય રચનાઓમાં ઓવર ટોન્સ છે, એથી ચેતવું.
કલ્પનોને કામ કરવા દો,
સરસ કામ તમારી કલમે થશે. બહુ ભાર આપ્યા વગર લખો.
(૫) યુવા સર્જક - સંજય ભાઈ:
સ્નેહી શ્રી સંજય ભાઈ ,
ઇમેઇલ માટે અને યુવા કવિ નીલેશ ગોહિલની રચનાઓ મોકલવા બદલ પરિષદ તરફથી આભાર. પ્રો. સમીર ભાઈ ભટ્ટ અને પ્રો. સેજલ બહેન શાહ આ અંગે સ્વીકાર - અસ્વીકાર નો ઉત્તર તમને મોકલશે.
પરિષદની આ નિયમિત બેઠકોમાં તમે સહુ મિત્રો આ રીતે સક્રિય પણે સહભાગી બનો છો, એનો આનંદ છે. એ વિશેના પ્રતિભાવો પણ ક્યારેક લખી મોકલશો?
⇔