સહૃદય...
નોળવેલની મહેકના યુવાસ્વરનું એક જુદી દિશામાં પ્રયાણ...
યુવા સર્જકોની સર્જન,સર્જકતા અને સાહિત્યની આબોહવા વિશેની ઉત્સુકતા અને આપણાં સમકાલીન સર્જકોનો તેમની સાથેનો સંવાદ.....
સરવાળે તો આવનારા ભવિષ્યને વધુ સંગીન બનાવશે તેવી શ્રદ્ધા સાથે ....
યુવા સર્જકોના પ્રશ્નોના ઉત્તર આપનાર શ્રી બિપીન પટેલ
યુવા સર્જકોએ પૂછેલા પ્રશ્નો-ઉત્તર
- ઉત્તર આપનાર શ્રી બિપીન પટેલ
(૧) વાર્તા સર્જક પાસે શું માગે ?
એક સાહિત્ય –સ્વરૂપ તરીકે ટૂંકી વાર્તાની લાક્ષણિકતા સમજવી જોઈએ.
૧. ટૂંકી વાર્તામાં શું શું હોય ?
સ્થળ, સમય અને પાત્ર.
૨. ટૂંકી વાર્તામાં શું શું થાય ?
સમગ્ર વિશ્વમાં જે કંઈ થઇ શકે તે સઘળું થાય.સુરજ ઊગે, ચંદ્ર આથમે, કોયલ ગાય, બાળક હસે-રડે, વાર્તાનાં પાત્રો વિચારે.
૩. વાર્તા કોણ કહે ?
-
- વાર્તાકાર-સર્જક.
- વાર્તાનું મુખ્ય પાત્ર ( નાયક-નાયિકા ) પોતાની વાત કહે.
- વાર્તામાંનું કોઈ ગૌણ પાત્ર એક સાક્ષીરૂપે વાર્તા વર્ણવે.
૪. વાર્તાનાં ઘટકતત્વો કેટલાં અને શાં શાં ?
-
- સ્થળકાળ એટલે વાર્તાની ઘટનાનાં સમય અને સ્થળ.
- પાત્રસૃષ્ટિ અને ઘટનાવલિ.
- નિરૂપણરીતિ-કથન અને વર્ણન.
- ભાષા.
- દર્શન-જીવનસંદેશ.
વાર્તાનું આ માળખું વાર્તા લખવા માટે પૂરતું નથી. એ સિવાય પણ વાર્તા કલાત્મક બનાવવા ઘણી વાતો ધ્યાને લેવી જરૂરી છે. જેમ કે,
-
- વાર્તા લખવી હોય એણે આટલું જ કરવાનું હોય છે. કશાકનું સંવેદન અત્યંત તીવ્રતાથી અનુભવવું અને એને ઓછામાં ઓછા શબ્દોમાં કહી દેવું.
- વાર્તા લખવા માટે ભાષા, અનુભવ, સંવેદન અને કલ્પના મહત્વનાં છે.
- ટૂંકી વાર્તા કલ્પનોત્થ ( જેમાં કલ્પના હોય ) ગદ્યકથાનો એક પ્રકાર છે, અને થોડામાં ઘણું રજૂ કરવાની- દાબી દાબીને ભરવાની રીતિ તથા તીવ્ર અસર ઊભી કરવાની એની શક્તિને કારણે એ નવલકથાથી જુદી પડે છે.
- ટૂંકી વાર્તાનો લેખક રોજિંદા જીવનનો એકાદો બનાવ કે જીવનનો ખંડ પસંદ કરે છે અને સમગ્રનો તીવ્રતાથી ( સચોટ ) અનુભવ થઇ શકે એવી રીતે રજૂ કરે છે. આથી ટૂંકી વાર્તાનો કાળખંડ પણ ટૂંકો હોય છે.
- ટૂંકી વાર્તાના લેખકનું કામ બીજા માણસની રીતભાતમાં ગર્ભિત રહેલાં રૂપકો શોધવાનું છે. છૂપાઈને પડેલા કશાક તત્વને અનુકરણ અને અતિકથન દ્વારા બહાર લાવવાનું છે.
- ઘટના અને પાત્ર કથાવાર્તાનાં મૂળભૂત ઘટક તત્વો છે. ઘટનાનો સદંતર લોપ વાર્તામાં શક્ય નથી, પણ ઘટનાનું ગૌણત્વ સંભવ છે.
- વાર્તામાં આપણે જે કહેવા માંગતા હોઈએ તેનાથી જેટલા દૂર જઈને કહીએ તેમ વાર્તા વધારે કલાત્મક થાય.
- કોઈ પણ પ્રસંગ જ્યાં સુધી માનવચરિત્ર સાથે સંકળાય નહીં ત્યાં સુધી ટૂંકી વાર્તા બનતી નથી.
- વાર્તામાં માત્ર અનુભવ નથી આલેખાતો, અનુભવ પ્રત્યેનું વલણ પણ વ્યકત થતું હોય છે. માત્ર વાસ્તવિકતા નથી હોતી, વાસ્તવિકતાનું અર્થઘટન પણ હોય છે. વાસ્તવિકતાની સપાટી નીચે વ્યક્તિત્વની જ્વાલા સળગતી હોવી જોઈએ.
- વાર્તાના બનાવો કુદરતી કે મનુષ્યકૃત, જે હોય તે, સ્વાભાવિક લાગવા જોઈએ. બીજી રીતે કહીએ તો વાર્તાના બનાવો પ્રતીતિકર હોવા જોઈએ. વાંચનાર કે સાંભળનારને વાર્તાના બનાવો બન્યા છે એમ માણવા જતાં કલેશ ન થવો જોઈએ.
- વાર્તામાં ક્યારેક વિરોધાભાસ પણ જણાય. પહેલો વિરોધાભાસ એ છે કે, વાર્તાકાર વાર્તા ઘડે છે છતાં તે ઘડે છે એવી નિશાની ન હોવી જોઈએ, વાર્તા એની મેળે ચાલતી હોવી જોઈએ. બીજો વિરોધાભાસ એ કે વાર્તા અત્યંત પ્રતીતિકર, સંભવિત હોવી જોઈએ અને તે ચમત્કારક હોવી જોઈએ.
- વાર્તામાં માત્ર બનાવનો ચમત્કાર બસ નથી. એમાં જે વિશેષ જોઈએ તે માનવજીવનનું રહસ્ય છે. એ રહસ્ય એ જ કથાસાહિત્યનો પ્રાણ છે.
- વાર્તામાં રહસ્ય સંપૂર્ણ પ્રતિબિંબિત થવું જોઈએ.
- વાર્તાકાર કુશળ એડિટર હોવો જોઈએ. અનુભવના કયા અંશો લેખક પસંદ કરે છે, એમણે કયા ક્રમમાં ગોઠવે છે, કયા ઉપાયો ( ટેકનીક ) થી એમણે રજૂ કરે છે, કયા અંશો પર કેટલો ભાર મૂકે છે તે મહત્વનું છે.
(૨) વાર્તાની તમારી વિભાવના શી છે ?
વિભાવના જેવા ભારેખમ શબ્દને બદલે કયાં લક્ષણો ધરાવતી વાર્તા મને ગમે, હું સફળ અને સારી ગણું એની થોડી વાત મુદ્દા એકની નોંધમાં કરી છે, અને મુદ્દા ત્રણમાં બીજી વાત થવાની છે, તેમ છતાં વાર્તાને વધારે રસપૂર્ણ કરતાં કેટલાંક વધારે લક્ષણો જોઈએ:
- પ્રતિબદ્ધ સાહિત્ય વિશે, લોક જેનાં હૈયે વસ્યું છે, જેમની વાતો એમના સર્જનમાં ભરપૂર કરી છે તે મેઘાણી કહે છે, “ વાર્તાકાર એટલે પક્ષીલ નહીં, ટીકાકાર નહીં. સારા અને નરસા બે વિભાગમાં જગતને વહેંચી નાખવાનું કામ વાર્તાકારનું નહીં. એક માણસ વિશેષ અને તેની સામેનું પત્ર ખલ અથવા દુષ્ટ, એવી સહેલી માન્યતાના પાયા પર થતું વાર્તાનું ચણતર ખોટીલું હોય છે. “ સાચો, સારો સર્જક મનુષ્ય જીવનનાં વિવિધ પાસાંઓને, જીવનક્ષણને પક્ષિલ થયા સિવાય કલાત્મક તાટસ્થ્યથી નિરૂપણ કરે છે.
- સ્થળકાળ, સમય, જ્ઞાતિ ઓગળીને માત્ર માનવસંવેદન કેન્દ્રમાં રહે એ વાર્તાની અનિવાર્યતા છે.
- પાત્રો, ઘટનાને રાગદ્વેષથી મુક્ત થઈને સર્જકની કરુણાથી જોવાં એ કોઈ પણ કલાની જરૂરિયાત છે. કરુણા સિવાય કલાનો ચમત્કાર સંભવ નથી.
- કેટલીક વાર્તાઓમાં અંતે એવી ક્ષણ આવે છે જે અંત લાવે છે. આ ચલ કે ચોટ તે ટૂંકી વાર્તાનું ‘ ભેદક’ લક્ષણ છે. તે ‘ તલાન્ત ‘ કરાવે તો જ એ કલાત્મક ટૂંકી વાર્તા બને. તાળ એટલે મનુષ્ય ચેતનાનું મૂલ સત્ય. મનુષ્યનાં માનવીય મૂળિયાં, ચોટ કે ચાલની ક્ષણોમાં પ્રત્યક્ષ થાય છે.
(3) વાર્તાલેખન વખતે સર્જકે શેનાથી બચવું ?
વાર્તાને કલાત્મક બનાવવા માટે કોઈ પણ સર્જકે નીચે દર્શાવેલ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ:
- વાર્તાને ઉપયોગી ન હોય તેવી કોઈ પણ બિનજરૂરી વિગત, પ્રસંગ, સંવાદ કે શબ્દ ન રહી જવો જોઈએ. વાર્તા રચાયા પછીના વચન સમયે આ બધો ભર હળવો કરવો કે જેથી વાર્તાનું વહાણ ડૂબે નહીં.
- વાર્તાકથનમાં વેગની જરૂર છે. વાઘ નદી ઊતરે ત્યારે વહેણમાં તણાયા વિના સીધો સામે કિનારે જ પહોંચે. વાર્તાકારે પણ સીધા જવું જોઈએ. પોતાના વહેણમાં કે લાગણીમાં પણ તણાવું જોઈએ નહીં. તેથી તો પન્નાલાલે કહ્યું છે, ‘ ભાવના ( લાગણી ) અસત છે.
- વાર્તામાં જોઈએ તેટલા બનાવો ન હોય તો વાર્તા શિથિલ લાગે, હાડકાં વિનાના દેહ જેવી.
- વાર્તાકારે વાચકના ચિત્ત પર છાપ કે અસર કથન દ્વારા મૂકવાની છે, વર્ણન કે વિવરણ દ્વારા નહીં.
- ટૂંકી વાર્તામાં એક પણ પાત્ર કે પરિસ્થિતિ તો ઠીક, પણ એક પણ ઉલ્લેખ પણ અપ્રસ્તુત કે અનુપયોગી ન હોવો જોઈએ. ચેખવના શબ્દોમાં, ‘ જે કોઈ વસ્તુને વાર્તા સાથે સંબંધ ન હોય તેને નિષ્ઠુર બનીને ફેંકી દેવી જોઈએ.
- મેઘાણી કહે છે, ‘ વાર્તાકાર એટલે વકીલ નહીં, ટીકાકાર નહીં. સારા અને નરસા બે વિભાગમાં જગતને જુએ, એક માણસ નિર્દોષ અને સામેનું પાત્ર ખલ એવા શ્વેત-શ્યામના પાયા પર થતું વાર્તાનું ચણતર ખોટીલું હોય છે.
(૪) વાર્તામાં ઘટના અને ઘાટ વચ્ચેનું સંતુલન કઈ રીતે જળવાય ?
ઘાટ એટલે આકાર, રૂપ. રૂપ સ્વયં સર્જાતું નથી. એને માટે કોઈક માધ્યમ, સામગ્રી જરૂરી છે. ઘટના એ વાર્તાની મૂળભૂત સામગ્રી, વસ્તુ છે. પણ પથ્થર તો જ્યાં-ત્યાં પડેલો જ હોય, શિલ્પી એને ઘડીને કોઈક અનેરી મૂર્તિ-આકૃતિનું રૂપ આપે છે. આ રૂપ એટલે પથ્થરનો બદલાયેલો, પરિવર્તિત ઘાટ. ઘટના એકલી ન ચાલે, રૂપવિહાર પણ એકલો ન ચાલે.
પન્નાલાલની ઘણી વાર્તાઓમાં ઘટનાને ઘાટ મળતાં કાળરૂપ ધારણ કરે છે. એનું ઉત્તમ ઉદાહરણ ‘ લાડુનું જમણ ‘ વાર્તા છે. તે જ રીતે હિમાંશી શેલતની ‘ અંધારી ગલીમાં સફેદ ટપકાં ‘, મોહન પરમારની ‘ ઘૂરી ‘ અને કિરીટ દૂધાતની ‘ ભાઈ ‘ વાર્તાઓમાં આવું પરિણામ આવ્યું છે.
(૫) તમને સહુથી વધારે સ્પર્શી ગયેલી ગુજરાતી વાર્તા કઈ ? શાથી ?
ગમી ગયેલી વાર્તાઓની યાદી ઘણી લાંબી છે. પરંતુ આજના સમયમાં જયારે કલાકાર તંત્ર અને સમૂહ તરફથી પ્રગટ અને પ્રછન્ન ધોંસ અનુભવે છે ત્યારે આવા વાતાવરણમાં ગુંગળાતા એક કલાકારની વેદના અને ગામવટાની પન્નાલાલ પટેલની ‘ મલક ઉપર ‘ વાર્તા પ્રસ્તુત લાગી છે. આ વાર્તા મારી પ્રિય વાર્તા છે. એનું કથાનક આમ છે:
ગોવો એક ચમાર છે પણ પ્રકૃતિથી એ, મોચીની જેમ ઝીણા ટાંકા લેતો કલાકાર છે. સિપાહીઓના જોડને મફતમાં સીવી દઈને થાકેલો ગોવો ઉંદરની જેમ ઘરમાં પેસી જાય છે ત્યારે દુશ્મનનું કામ કરતી પત્ની જમાદારને ચાડી ખાય છે. જમાદારના જુના જોડાની ટીકા કરે છે ત્યારે જમાદાર એને ખડે ખડે નવા સીવી દેવા હુકમ કરે છે. વાસના બધાં એના પર ગુસ્સે થાય છે કે ઝીણા ટાંકા ભરી જમાદારને શું કરવા ટેવ પાડી? છેવટે વાસના લોકોએ ચામડું આપ્યું, જોડા સીવાયા, જમાદાર ગયો. હવે વાસના સહુ ગોવા પર અકળાય છે. બધાંને લાગે છે, ‘ આ ગોવનો જ આખા દખનું મૂળ છે. ‘ બાપદાદા મારતા એમ ‘ બબ્બે આંગળના ટેભા જ ભલા ‘ પણ ગોવાનો કંઇ માને ? એ નાનાંમોટાં કામ કરતો રહ્યો અને અમલદારોનો માનીતો થઇ પડ્યો. પણ એમ કંઈ વખાણથી પેટ ભરાય ? એને દાદાની શિખામણ સાંભરી ટાંકાના ટેભા કરી જોયા, પણ પોળ ખુલી ગઈ અને ડંડા પડ્યા. છેવટે વાસ સામે આવીને બેઠો ને પૂછ્યું, ‘ કૉ તમે જ કૉ’ એમ કરું હવે તો.’ કોઈકે કહ્યું, ‘ કાં ગોવનો રહે કાં વાસના બધાં રહે ‘ ગોવાનાને યાદ આવ્યું, અગાઉ આમ કર્યું ત્યારે એ લોકોએ જ પાછો વાળ્યો હતો. આ વખતે વાસ મક્કમ હતો. એક બાઈએ કહ્યું, ‘ જનારને વળી રોકનાર કુણ છે મલક પર ? ‘
ગોવો ચોપાડ તરફ વળ્યો. ઓજાર વીણવા લાગ્યો. પત્નીએ પૂછ્યું, ‘ ચ્યાં હંભાળ્યાં આ આંઝારાં ? ‘ ‘ મલક પર ‘ કહી ગોવો ઘરમાં પેઠો. સડપ દઈને બહાર નીકળ્યો. વિદાય લીધી. ‘ રામ રામ દાદા...રામ રામ બધાંને!’
પાછો વાળવા વિનવ્યો. કોઈને હજુ બનાવટ લગતી હતી. પણ ગોવનો તો ‘ મારે કોઈનાય ઉપર દખ દાવો નથી, ને આણી ફેરા તો હું કોટિ ઉપાયેય પાછો નથી ફરવાનો. એ વગર છૂટકો જ નથી ! એની પત્ની અકળાઈને બોલે છે, ‘ પણ પીટ્યા.... મને તું કને અતળે મેલીને- ને ગોવનાએ ચાલતાં ચાલતાં જ જવાબ આપ્યો, અતળો એક રામનો ને બીજો મન ગોઠતો ખોળી લેજે ! વાસના લોકોએ હવે આશા છોડી, પણ એની પત્નીને કહેતાં હતાં, ‘ બે દિવસમાં સગે વ્હાલે ભટકીને પાછો આવશે. પણ પત્ની she માને ? એ એટલું જ બોલી: એ કોઈ દન નંઈ આવે.....હું એને ઓળખું ને ? ‘
‘ મલક પર ‘ વાર્તામાં ગોવનો વડીલો અને પત્નીની સલાહ નથી માનતો, અને, પોલીસતંત્ર પેંધી જશે, શોષણ કરશે તેનો ભય છે છતાં મોટા મોટા ટેભા લેવાને બદલે મોચી જેવા ઝીણા ઝીણા ટાંકા લેવાનો માર્ગ પસંદ કરે છે, કારણ તેને કલાનો માર્ગ ત્યજવો નથી.
ગોવનાએ તેની કલા ખાતર ગામ, સમાજ, કુટુંબ અને પત્નીને છોડી મલક પર ચાલી જવું પડે છે. એને કર્યું છે તો શું કર્યું છે ? નિષ્ઠાપૂર્વક, ઝીણવટથી કામ કર્યું છે, જેમતેમ નથી કર્યું. એને માત્ર ચમાર નથી રહેવું પણ મોચી થવું છે, મોચીથી પણ અદકેરા થવું છે. આ તેનો પહેલો ગુનો. બીજો ગુનો એ કે બે વર્ષ પહેલાં બુઢઢાની, પછી ગામ લોકોની સલાહ ન માની અને મોટા ટેભાને બદલે ઝીણા માંકોડિયા ટાંકાથી બૂટ, સોટી, દામણ, અરે જૂનાં ખાસડાં પણ સીવ્યાં. લોકો વ્યવહારડાહ્યાં હતાં તેથી સિપાઈઓ પેંધી જશે એ જાણતા હતાં. પણ ગોવનો કંઇ વ્યવહારપુરુષ થોડો છે ? એ તો શુદ્ધ કલાકાર છે અને કલાને વરેલો છે. એની આ બે ભૂલોથી આવેલાં પરિણામોથી એ થાકી, હારી જાય છે અને પોતાનાં ઓજારો લઈને મલક પર ઉતરી પડે છે. આમ વિષમ પરિસ્થિતિમાં પણ એની કલાસાધના અટકતી નથી. કલાનો આનંદ તાકી રહે છે.
વાર્તાના અંતમાં પન્નાલાની કમાલ એ છે કે સ્હેજ પણ લાગણીશીલ, ભાવનાશાળી બન્યા વગર વાસના લોકો જે ગોવનાથી છેડો ફાળે છે, વૃદ્ધ કે જેમણે ગોવનાએ બચાવ્યા છે, તે સહુ ગોવનો ચાલ્યો જાય છે ત્યારે પાછો વાળવા પ્રયાસ કરે છે પણ હાથ પકડીને પાછો વળતા નથી, એવો કરુણ વાસ્તવ આપણી સામે મૂકે છે. એની પત્ની પણ ગુસ્સે થાય છે, રડે છે. છેવટે એ પાછો નઈ આવે, એ એને ઓળખે છે એમ માની મૂંગીમંતર થઇ જાય છે. એ પણ રોકતી નથી કે એની સાથે ચાલી નીકળતી નથી. આમ સહુને ગોવો જાય છે તે ગમતું નથી પણ ‘ એ સિવાય છૂટકો નથી ‘ એ વાક્ય ભલે ગોવો બોલે છે, પણ ઓછેવત્તે અંશે સર્વ પાત્રોનો ભાવ એ જ છે. કારણ એ જ છે વ્યવહારિકતા, અથવા ક્રૂર તંત્ર સામે તાકી રહેવાનો, જીવવાનો ઉપાય. ગોવો પણ, ભલે ગામલોકોની સલાહથી, પરંતુ એના કલાકાર જીવને અહીં નહીં ગોઠે એમ માની કોઈનુંય કહ્યું માનતો નથી. પત્નીની લાગણીમાં પણ લપેટાયા સિવાય જે નિર્મમતાથી ‘ અતળો એક રામનો ને બીજો મનગમતો ખોળી લેજે ‘, આ વાક્ય પન્નાલાલ જ, એટલે કે, આ સમાજના સાચા પારખુ જ લખી શકે તેવું છે. આમ ગોવનો એની કલાને નકારનાર કોઈનોય વિરોધ કર્યા સિવાય ચાલી નીકળે છે, ચૂપચાપ.
પન્નાલાલનું સર્જન હમેશાં તાદાત્મ્યપૂર્વકના તાટસ્થ્યભરેલું રહ્યું છે, તેથી તે સમગ્ર ઘટનાને બિનઅંગત થઈને નીરુપે છે. પન્નાલાલની વાર્તા વાર્તા રહીને ય જાણે નાટકને અનુસરે છે. આમ પણ પન્નાલાલ એમની કથાઓમાં, પાત્ર કે પરિસ્થિતિ વિશે કથન કરવાને બદલે પાત્ર-પરિસ્થિતિને જ પ્રગટ થવા દે છે. આ વિશેષતા ધરાવતી ‘ મલક ઉપર ‘ વાર્તા મારી પ્રિય વાર્તા છે.
(૬) તમને કયો ગુજરાતી સર્જક ગમે ? શાથી ?
મારા પ્રિય સર્જક વાર્તાકાર અને નવલકથાકાર પન્નાલાલ પટેલ છે. અહીં આપણે વાર્તાની વાત માંડી છે તેથી વાર્તાકાર પન્નાલાલ વિશે એક બે વાત કરીએ:
આપણી કે વિદેશી ભાષાના કયા સર્જક એમના રોલ મોડેલ ? એકેય નહીં. કારણ પન્નાલાલ વાળ-વિવાદ કે વિચારને વરેલા સર્જક નહોતા, તેથી એ બધ્ધ નહોતા. એમણે સુંદરમ, ઉમાશંકર જોષી કે ઝવેરચંદ મેઘાણીની જેમ એવો કંઈ અભ્યાસ નથી કર્યો રાજ્ય-સમાજશાસ્ત્રનો, વિદેશી સાહિત્ય નથી ઘમરોળ્યું. ઉમાશંકર જોષી કહે છે તેમ, ‘ એમનામાંનો કલાકાર એવો સાબધો છે કે બીજાઓને પૂછી પૂછીને લખે નહીં. ‘ છતાં એમણે ગણતાં થાકીએ તેટલી છેવાડાના માણસની વાર્તાઓ લખી છે. તેથી જ એમણે હાંસિયામાં ધકેલાયેલા હરિજન, ચમાર, ઠાકોર, વાઘરી, વેશ્યા, ઘરઘાટી, સિપાઈ એમ અનેક પાત્રોના સંઘર્ષની વાર્તાઓ લખી છે. પણ એમણે પ્રતિબદ્ધ સાહિત્ય નથી સર્જ્યું, કારણ એ બંધાયેલા ન હતા. પન્નાલાલનો જો સર્જક તરીકે પરિચય પામવો હોય તો ભાવકે સંવેદનની કેદી પર પહેલાં પગલાં માંડવાં પડશે.
બીજી મહત્વની વાત, એમની વાર્તાઓમાં સર્જક રાગ-દ્વેષ રહિત છે. પાત્રો તો હોય રાગ-દ્વેષ, પૂર્વગ્રહથી ગ્રસિત, પણ પન્નાલાલ ક્યારેય ભાવાનાગ્રસ્ત નથી બનતા. વાર્તાક્ષણને પન્નાલાલ આબાદ પકડે છે, પછી એ આખી ઘટનાને ઠેઠ દૂર ઊભા રહીને વર્ણવે છે. એ પાત્રોની સાથે જ પલપલીયાં પાડવા નથી બેસી જતા. એ સર્જકનું ઘરેણું એવું Aesthetic distance જાળવે છે. એમણે સાત-અસતનાં લેખાં જોખાં કર્યા સિવાય વાર્તાઓ લખી છે.મહત્વની થોડી વાર્તાઓ નોંધીએ તો, ‘ વાત્રકને કાંઠે ‘, ‘ લાડુનું જમણ ‘, ‘ સાચાં શમણાં ‘, ‘ બાપુનો કુતરો ‘, અને ‘ જમાદારનો બોકડો ‘.
⇔