ભારતીય કથાવિશ્વ 

ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ. 

       શિરીષ પંચાલ 

મનુ અને મત્સ્યની કથા

મનુ માટે સવારે હાથ ધોવા પાણી લવાતું. એક દિવસ તે જ્યારે હાથ ધોતો હતો ત્યારે તેના હાથમાં એક માછલી આવી. તે બોલી, ‘મને પાળ. હું તારી રક્ષા કરીશ.’

‘કેવી રીતે તું રક્ષા કરીશ?’

‘તોફાનમાં આ પ્રજા વહી જશે, હું એનાથી તારી રક્ષા કરીશ. ’

‘હું તને કેવી રીતે પાળું?’

તે બોલી, ‘હું જ્યાં સુધી નાની છું ત્યાં સુધી આપત્તિ મોટી છે. કારણ કે માછલી માછલીને ગળી જાય છે. તું મને ઘડામાં ઉછેર. જ્યારે હું એનાથી મોટી થઈ જઉં ત્યારે ખાડો ખોદીને એમાં મને રાખજે. જ્યારે હું એનાથી પણ મોટી થઈ જઉં ત્યારે મને સમુદ્રમાં લઈ જજે. ત્યારે હું મોટી થઈ જઈશ અને કોઈ મુશ્કેલી નહીં રહે.’

તે તરત જ ઝરા માછલી થઈ ગઈ, તે બહુ જલદી મોટી થઈ જાય છે. ‘જ્યારે તોફાન આવે ત્યારે હું કહું તે પ્રમાણે નાવ બનાવજે અને તોફાન વેળાએ નાવમાં બેસી જજે. હું તને એમાંથી બચાવીશ.’ મનુ જ્યારે તેને ઉછેરી રહ્યો હતો ત્યારે સમુદ્રમાં લઈ ગયો. અને જે વર્ષ એણે કહ્યું હતું તે જ વર્ષે તેના કહેવા પ્રમાણે નાવ બનાવી અને જ્યારે તોફાન આવ્યું ત્યારે તે નાવમાં બેસી ગયો. તે માછલી તેના સુધી તરતી આવી. તેણે માછલીનાં શિંગડાં સાથે નાવનું દોરડું બાંધી દીધું. તે આ રીતે ઉત્તરના પર્વતો સુધી પહોંચી ગયો. તે બોલી, ‘મેં તને બચાવ્યો. નાવ વૃક્ષ સાથે બાંધી દે. તું જ્યારે પહાડ પર હોય ત્યારે પાણીમાં વહી જાય એવું થવા ના દઈશ. જ્યારે પાણી ઓછું થાય ત્યારે નીચે આવી જજે.’

એટલે તે ધીમે ધીમે ઊતર્યો. એટલે ઉત્તરના એ ભાગને ‘મનોરવસપ્પર્ણમ’ એટલે કે મનુનો ઉતારો કહે છે.

તોફાને બધી પ્રજાનો વિનાશ કરી મૂક્યો, માત્ર મનુ જ બચી ગયો. તેણે સંતાનની ઇચ્છાથી પૂજા અને મહેનત કરી તે વખતે પાકયજ્ઞ પણ કર્યો. ઘી, દહીં અને મઠો જળને ચઢાવ્યો ત્યારે એક વર્ષે એક સ્ત્રી જન્મી. તે મોટી થઈને નીકળી, એના પગમાં ઘી હતું, તેને મિત્ર અને વરુણ મળ્યા.

 

વધુ વાંચો…