યુવાસ્વર: સર્જન

(૧) ઝીણું ઝીણું રે ઝળહળતું

- મનુ.વી.ઠાકોર 'મનન'
ભદ્રાડા

ઝીણું ઝીણું રે ઝળહળતું,
જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું

ઘોર છવાયું ચોગમ ચિત્તે માયા કેરું જાળું,
મદ ચડ્યો મુજ માથે એની આડે કાંઈ ના ભાળું.
કોઈ ગેબી નાદ બની મુજ ભીતરમાં સળવળ તું,
ઝીણું ઝીણું રે ઝળહળતું.
જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું.

આતમના ઊંડાણ શું તાગે પળમાં પામર માનુષ
જાત બને જોગીંદર જે દી પામીએ પરમપુરુષ
શોધે જે તુ બ્હાર એ અંદર ઘટ ઘટમાં ખળભળતું
ઝીણું ઝીણું રે ઝળહળતું.
જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું.

(3) દીવડા પેટાવનારા આવશે

- રાણા બાવળિયા

દીવડા પેટાવનારા આવશે;
રોશની સર્જાવનારા આવશે.

સાવ ખાલીખમ હતો જે ઓરડો;
બારણું ખખડાવનારા આવશે.

આ નગર આખું ભલે બદનામ હો,
તે છતાં પણ આવનારા આવશે.

પ્રેમમા ડૂબી જવાનું હોય છે;
કો'ક તો સમજાવનારા આવશે.

બે ઘડી ઓઢો કફન ત્યાં તો તરત;
લાશને દફનાવનારા આવશે.

(૫) ચૂલો

- મનોજ સોલંકી

આપતા હોય હિંચકો એમ સાસુએ આપ્યો મને ચૂલો રે,

રાગડા તાણીને પાછા રોફથી ક્યે,'લ્યો વહુબા હવે ઝૂલો રે

આમ પાછા ફુલણબા 'ને આમ પાછા અક્કડ,

ચમચમ કરતાં ચૂલામાં ઉમાળિયું શેં ઝીલે ટક્કર ?

પ્રશ્નો એમના પાકા પથ્થર, જવાબ મારો સાવ લૂલો રે

રાગડા તાણીને પાછા રોફથી ક્યે,'લ્યો વહુબા હવે ઝૂલો રે

પોતું મારું તોય પગલા લાગે 'ને ઝાડુ મારું તોય જાળું,

આયના સમું અજવાળું ઘર તોય ના લાગે બાને સારું

વાતેવાતે વાંધાવચકા ખોળે 'ને રોજ ખોળે ભૂલો રે

રાગડા તાણીને પાછા રોફથી ક્યે,'લ્યો વહુબા હવે ઝૂલો રે

બાને ન જોઈએ મોટો દરિયોય કે જોઈએ ન નાનું મોજું,

પાણી વધારે આપુ તો બમણું પડે 'ને થોડું આપુ તો ઓછું

રાગડા તાણીને પાછા રોફથી ક્યે,'લ્યો વહુબા હવે ઝૂલો રે

(૨) ત્રણ રચના

- પરબતકુમાર નાયી ‘દર્દ’

૧. મુક્તક

બાગને મ્હેંકાવવામાં આપણે કાચા પડ્યા,
શબ્દ સાચા વાવવામાં આપણે કાચા પડ્યા !

આંખ સામે રાસ જામ્યો તે છતાં ઊંઘી ગયા,
હાથને સળગાવવામાં આપણે કાચા પડ્યા !



૨. ક્ષણભંગુર સ્વપ્નનું ગીત

સપનાનું આવું તો કેમ ?
હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ!

સપનું ઊગ્યા પછી આંખોના ફળિયામાં ઊગ્યાં છે મનગમતાં ફૂલ.
સપનું ઊગ્યા પછી કો'ક એમ કહેતું કે જીવન કરી દ્યો ને ડૂલ!!
ઝાકળના ફોરાને તડકાના દેશથી લઇ જાશું કેમ હેમખેમ ?
સપનાનું.......

સપનાની હોડી લઇ પાંપણના દરિયામાં ખેપો આ કરવાની કેટલી ?
પાણીનું નામ એને આપી આપીને હવે આંખોને ભરવાની કેટલી ?
જોશીને પુછ્યું તો વેઢા એ ગણતો અને સૈયર કહે સપનું તો વ્હેમ !

સપનાનું.......



૩. મળવું પોસાય નહીં અમને

સખી, મળવું પોસાય નહીં અમને !

મળવાની ઘટનામાં બળબળતા તાપ અને વિંટળાતા સાપ આ સાપનાં ઝેર સાવ લીલાં !!
આવા નક્કામા વાદ કોણ વ્હોરે ?
એ તો મધમીઠી નિંદરને ચોરે !
મળવાની ઘટનામાં શ્વાસ પણ શૂળ થઇ વીંધે છે આખું શરીર !
એમાં સાચવીએ ક્યાંથી પાલવને ?
સખી મળવું પોસાય નહીં અમને !

મળવાની ઘટનામાં આંસુનો દરિયો અને કુવો ભમ્મરિયો ને કુવાનાં પાણી છે રાતાં !!
ધોધમાર વરસ્યાની કરવી શું રાવ?
છાતીનાં છૂંદણાં તો ઘેલાં છે સાવ!
મળવાની ઘટનામાં લીલાછમ ડંખ એના રૂંવે રૂંવે ચટકારા થાય!
મળવાના બદલામાં આપે ટળવળવું !! તો આપી દઉં આખા આ ભવને!
સખી મળવું પોસાય નહીં અમને !

(૪) બે રચના

- નયના સોલંકી તુરી ‘નિશા’

 

૧. સાવ બારોબાર ચાલ્યો છે

સાવ બારોબાર ચાલ્યો છે,પિછાણી દે રસાલો,
છે મહોરું શોધવું તેનું?ઉઠાવી લે હવાલો,

જો અહીંયા ઠોકરો વાગે ઉઠાવે ના કદી તે ,
શીખ આવી તું ઉઘાડી ચાલ જે ચોરે ધમાલો,

આંખ આડા કાન લાવે છે ઘણાં એવા નમૂના,
જોઈને ચેતી ગયો હું ઘાટઘાટે છે બબાલો,

જો વહાવે જ્ઞાન જાણે તે ધુએ ગંગા પ્રવાહે,
ના ઉતારે ઘટ મહીં ,દે પારકાં માથે ખયાલો,

જોઈને ને ધાર ખાડાની, લગાવે કૂદકો જો,
ટાળવા પીડા ઘણી લોકો ઉઠાવે કૈ સવાલો,

 

૨. છાયો કરી મારો ઉદાસી ડંખતી ઢાંકી દઉં

છાયો કરી મારો, ઉદાસી ડંખતી ઢાંકી દઉં,

ખોબો ભરી કૂણી મહેચ્છા સામટી ટાંકી દઉં,

સ્વપ્નેભર્યું જાણે નવોઢા ઘૂંઘટો ઓઢી કહે,

ખાલી નહી તારી ભરેલી વાતની આંટી દઉં,

આપું તને એકાદ ઝાંખી ચાલતાં તે શ્વાસની

ઊભાં રહો થોડી સુગંધી બાટલી છાંટી દઉં,

સાવે રડે છે તે પરાણે ખોટ-ખોટું ક્યારની,

આપો હવે રૂમાલ પાછો યાદમાં કાંતી દઉં,

હું વાયદો સાચે જ દિલથી આપતી હોઉં તને,

તું વાતને માને પછી હું આયખું આપી દઉં

(૬) જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ

- જયેશ રાષ્ટ્રકૂટ

 

જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ

હવે રુસણાં-અબોલાના શું લખવા દખ!

જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ.

તું લખજે કે લેખણીએ માથું પછાડ્યું ને લોહીઝાણ કીધાં જીવતર

એના રે નામનું મોતી ભાંગ્યું ને અમે ભાંગ્યું છે છીપલાનું ઘર

નામ-ઠામ ગાળીને ગામતરા કીધાં ને પીધા છે કડવા તે વખ

જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ.

તું લખજે કે આણીપા સુકીભઠ્ઠ કાયા ને સુકીભઠ્ઠ નદિયું વેરાન

કાળઝાળ વાવાડિયાં એવા ફૂંકાય જાણે જાગ્યા હો જુના તોફાન

અમે છપ્પનિયા કાળમાં વીણી વીણીને કાંઈ વાવ્યા'તા રોણા મબલખ

જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ

તું લખજે કે જોધપુર ગ્યા'તા હટાણે વ્હોરી છે હિંગળાક ચૂડી

વ્હોર્યું છે સાત સાત રંગોનું લ્હેરિયું ને વ્હોરી છે સોપારી-સૂડી

ઓણસાલ ડેલીએ આવો ગોરાંદે તો રંગી દઉં નમણાં રે નખ

જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ.

(૭) મન મક્કમ કરીને કઈ દીધું

- સાગર ગોસ્વામી, ભુજ

એક છોકરાએ છોકરીને ભરચક બજારમાં મન મક્કમ કરીને કઈ દીધું

કે પ્રેમમાં તો ભરતી ને ઓટ સતત ચાલ્યા કરે તો તે કાં ના માની લીધું

આમાં તો તરવાનું ડુબવાનું બંને હોય, ને અંતે હોડી પહોંચે જેમ કિનારે

એમ તૂટી ફૂટીને વિખુટા થઈને હા આપે મળશું, ઓલા દિલની મઝધારે

જેમ જુના જમાનામાં મીરાંએ ઝેરને દૂધ જાણી ગટગટ પીધું

એમ છોકરાએ છોકરીને ભરચક બજારમાં મન મક્કમ કરીને કઈ દીધું.....

બાળક જેમ હસવાની,રડવાની,પડવાની અહીં ચાલે ચટણી સમી વાતો

આ સાચેરા પ્રેમમાં તો ઓલી પ્રેમિકાની ગુજરે છે માવડી જેમ જ રાતો,

 હું સૂતો હતો તારા ખોળામાં ત્યારે તે શ્વાસોના સમ લઈને નહોતું કીધું?

એમ છોકરાએ છોકરીને ભરચક બજારમાં મન મક્કમ કરીને કઈ દીધું.....

સમય સહેજે બદલતો નથી ને મને અંધારામાં પણ દેખાય છે અંધારો

થોડો ઉજાશ થશે જો તું કઈ બોલીશ મીઠું મીઠું જે દી' થી એકધારો

હવે હા, ના ના કારણ આપી તું મુજેને જે કેવું હોય એ કઈ દે સીધેસીધું

એમ છોકરાએ છોકરીને ભરચક બજારમાં મન મક્કમ કરીને કઈ દીધું.....

(૮) ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું?

- બ્રિજેશ પંચાલ 

ચાર્લી ઓ... ચાર્લી ચેપ્લિન!

મને સમજાવને, હસવું એટલે શું?

                  રડવું એટલે શું?

રડવું એટલે... આસું બહાર લાવવા! તો શું હસવું એટલે... આસું ભીતર રાખવા!

તે તો જીવનના દરેક રંગ જોયા છે ને, તો કહે-  ટ્રેજેડી એટલે શું?

                                                 કોમેડી એટલે શું?

તારી ફિલ્મી ભાષામાં-

ટ્રેજેડી એટલે... ક્લોઝઅપ! ને કોમેડી એટલે... લોન્ગ શોર્ટ!

તો મરવું એટલે શું કહેવાય, લ્યા ચાર્લી?

ફિલ્મનો ‘ધ એન્ડ’

બોલ... બોલને ચાર્લી-

કાળી ડિબાંગ ટોપી, નોન્ચિકડી લાકડી, છોટી મૂછ, લઘરવઘર પેન્ટ અને મોટા ખાસડાં પહેરે,

એ દરેક જણ ચાર્લી? કે ખાલી ખડખડાટ હસાવે એ ચાર્લી?

ચાર્લી તું બોલને... ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું?

રડીને હસાવે એ? કે હસીને રડાવે એ?

ભૂલીને જણાવે એ? કે જાણીજોઈને ભૂલી જાય એ?

ફૂંકી ફૂંકીને જીવે એ? કે જીવન આખું ફૂંકી મારે એ?

સમાજની દુખતી નસ પકડી એમાંથી હાસ્ય પેદા કરે એ?

કે હસતાં-હસતાં સમાજની  દુખતી નસ દબાવે એ ?

તું આખરે કોણ છે?

તું એ જ છે ને, જેને ઈશ્વરે ખુદ, આ પૃથ્વી પર મોકલ્યો હતો,

વર્ષોથી ચાલી આવતી,

માણસ થવાની રૂઢિચુસ્ત પરિભાષા બદલવા!

ચાર્લી ઓ... ચાર્લી ચેપ્લિન!

મને સમજાવને... ચાર્લી એટલે હસવું!

                  કે હસવું એટલે ચાર્લી?

--------------------

ફિલ્મી કેમેરાથી કોઈ વસ્તુને નજીકથી બતાવવી.

ફિલ્મી કેમેરાથી કોઈ વસ્તુને દૂરથી બતાવવી.

(૯) વરસાદ

- મિશીકા ગાંગદેવ, વેરાવળ

 

 

ગ્રીષ્મના આકરા તપ પછી મળતો મીઠો પ્રસાદ,

માખણ-મીશ્રી મોહનના, ફીકાં પડે એવો રસાસ્વાદ...

                                                                                 એટલે વરસાદ.

પાનખરની વિદાય પછી નવજાત પુષ્પની પમરાટ,

સજે ધરા, સજે અંબર, જાણે મહારાણીને સમ્રાટ .....

                                                                                 એટલે વરસાદ.

મહિનાઓના તરસેલા ચાતક પારેવડાનો ઉન્માદ,

વિનાશ વિરહનો ને સર્જાય રાધા-માધવનો મિલનવાદ...

                                                                                          એટલે વરસાદ.

સૂકી પડેલી ધરા નો હરિયાળી ઓઢવાનો રઘવાટ,

વેરાણ વેરણ વગડામાં વાયુનો વિકરાળ સુસવાટ.....

                                                                                     એટલે વરસાદ.

મેઘધારા જોઈ ધરાતીપુત્રના મનનો ઠરેલો  ઉચાટ,

નદીના વહેતા નીર જોઈ સાગરનો શાંત થયેલો કચવાટ....

                                                                                        એટલે વરસાદ.

કાગળની હોળીને, ખાબોચિયામાં તરવાનો તરવરાટ,

ભૂલી વેદનાઓ, કુદરતનાં પ્રેમમાં ભીંજાવાનો સરવરાટ....

                                                                                      એટલે વરસાદ.

મન મયુરના કંઠમાંથી કલરવ કરતો સુંદર નાદ,

પ્રેમી મેઘને સૂરીલી ‘મલ્હાર’નો સંભળાય મિલન સાદ.....

                                                                                 એટલે વરસાદ.

(૧૦) નાટક  - "  કોરોના અને ઘર "

- આકાશ વાળા, ભાવનગર

 

ઈન્દુ : નનકાના પપ્પાં

મીના   : નનકાની મમ્મીં

નનકો  : નાનો છોકરો

 

( કળિયુગમાં એક મોટી મહામારી છે . કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાંહાંકાર મચી ગયો છે .ઠેર - ઠેર પોલીસ દેશની અને રાજ્યની રક્ષા કરવા માટે સતર્ક છે . ડોક્ટરો દેશને બચાવવા માટે પોતાની બધી જ શક્તિઓ કુરબાન કરે છે . )

સ્થળ : -  ભાવનગર શહેરની એક સડક )

                                                         પ્રવેશ

( નનકો દોડતો દોડતો આવે છે )

નનકો  : - પપ્પાં ! પપ્પાં  !  હું આમ દૂર રમવા ગયો ત્યાં પોલીસવાળા બધાને મારતાં હતા .

ઈન્દુ    : -  શું થયું ?  કેમ બધાને મારે છે ?

નનકો  : - પપ્પાં  એક વાયરસ આવ્યું છે તેનું નામ અં.....અં..... કોરા..... કંઇક નામ છે .

પણ યાદ નથી આવતું .

ઈન્દુ   : -  બેટાં  ! એ વાયરસનું નામ  કોરોના ......

નનકો  : - ( વાત અટકાવીને ઝડપથી ) હાં .....હાં .....પપ્પાં  કોરોના વાયરસ ....જ

ઈન્દુ    : -  આ  વાયરસ ખૂબ જ ખતરનાક છે . આખી દુનિયામાં મહામારી છે .

નનકો   : - પપ્પાં  !  મહામારી એટલે ...

ઈન્દુ     : - મહામારી એટલે કોરોના વાઈરસથી આખી દુનિયા ડરી ગઈ છે  તે જ .

નનકો   : - તો આપણે કેમ નથી ડરતાં  ?

ઈન્દુ    : - આપણને પણ બીક લાગે પરંતુ કોને કહેવા જઈએ બોલ બેટાં !

નનકો  : - પપ્પાં  ! પપ્પાં  ! એ પોલીસવાળા એકની એક વાત બહુ જ જોરથી બોલતા

હતા .

ઈન્દુ   : - શું ?

નનકો  : - ભુલાઈ ગયું . યાદ આવે એટલે કવ હો !

ઈન્દુ  : -  ચાલ ,  હવે જમીલે નખરાં ન કર .

નનકો : -  ( અચાનક ઉભો થાય છે ) પપ્પાં  !  પપ્પાં  ! યાદ આવ્યું .

ઇન્દુ  : -  હવે શું યાદ આવ્યું બેટા ?

નનકો : - પેલા પોલીસવાળા કાકા શું કહેતા હતા .

ઈન્દુ : - બોલ તો !

નનકો : - એમ કહેતા હતા કે , આ કોરોના વાઇરસ બહુ જ ખતરનાક છે . આનાથી

બચીને રહો . અને પોત - પોતાના ઘરમાં રહો . કોઈપણ જગ્યાએ ટોળું વળીને

ઊભા રહેવું  નહિ .

ઈન્દુ : - સાચી વાત છે બેટાં  ! કોરોના વાયરસથી બધાએ બચવું જોઈએ .

નનકો : - એ બધું તો ઠીક પપ્પાં !  પણ પોત -  પોતાના ઘરમાં રહેવું એટલે ?  ઘર

એટલે...!

મીના : -  ( દૂર બેઠી અવાજ કરે છે ) નનકા બેટાં , અહીંયા  આવ તારા માટે રમકડું

બનાવ્યું જો .

નનકો : - ( દોડાદોડ ) કયાં છે ? લાવ મમ્મી !  હું આ રમકડું લઈને બહાર રમવા જાઉં છું

હો !

મીના : -  નનકા બહુ દૂર ન જતો હો . કોરોના વાયરસ ફેલાયેંલો છે .  ( અચાનક

નનકાના પપ્પાં  સામું જુએ છે. ) નનકાના પપ્પાં  આમ કેમ ઉદાસ બેઠા છો ?

શું  થયું  ? કંઈક તો બોલો .....

ઈન્દુ : -  મીના ,  આપણાં  નનકા એ તો મને મૂંઝવણમાં મૂકી દીધો છે . જેનો જવાબ

આપણી બંને પાસે નથી .

મીના : - એવી તે શું મૂંઝવણ ?

ઈન્દુ : - આપણો નનકો રમીને આવ્યો ત્યારે તે કહે છે કે , પોલીસવાળા બધાને મારે છે.

અને એકની એક વાત કહે છે કે , ' આ કોરોના વાયરસ ખતરનાક છે . અને

આનાથીં બચવા પોત - પોતાના ઘરમાં રહો . ઘર એટલે શું ? એમ કહે છે .

મીના : - (  રડવા જેવી થઈ જાય છે )  હવે શું જવાબ આપશો ?

ઈન્દુ : -  હું પણ એ જ વિચાર કરું છું .

મીના : - આપણે ઘર નથી . સડક પર રહીએ છીએ . પણ તમે એવો જવાબ આપજો કે

આપણાં નનકાને દુઃખ પણ ન થાય . અને આપણી આગળની પેઢીને ઘરનો

સાચો  અર્થ સમજાય .

નનકો : - ( રમીને પાછો આવે છે )  પપ્પાં  ! પપ્પાં  ! હજી પણ પોલીસવાળા બધાને

ભગાડે જ છે .

ઈન્દુ : - હાં  બેટા !  હવે બહાર ન હતો .

નનકો : - હો પપ્પાં ! પણ તમે મને હજી જવાબ ન આપ્યો .

ઈન્દુ : - (  વિચાર કરીને ) બેટાં !  તેનો જવાબ આપું છું .

નનકો : - પણ ક્યારે  ? પપ્પાં

ઈન્દુ : -  બેટાં !  ઘર એટલે માં -બાપ ,  મમ્મીં - પપ્પાં ......

નનકો : - ( આશ્રર્યશક્તિ થઈને ) ઘર એટલે મમ્મીં - પપ્પાં .... !

ઈન્દુ : -  હાં  , આ દુનિયામાં સાચું ઘર પોતાના માં -બાપ કે મમ્મીં - પપ્પાં  છે . તેનાથી દૂર

ન  થવું જોઈએ . તેની સાથે જ રહેવું જોઈએ . ગમે તેવી ખરાબ પરિસ્થિતિ

આવે તો પણ મા-બાપની સાથે જ રહેવાય . મમ્મી-પપ્પા સાથે રહેવાથી

કોરોના વાયરસ પણ દૂર ભાગે .

નનકો : - પપ્પાં ,  હવે તો હું આખી જિંદગી તમારી સાથે જ રહીશ .  મારાં  ઘર સાથે જ

રહીશ .  મને કોરોના વાયરસ પણ કાંઈ નહીં કરે . આ કોરોના વાયરસને કારણે

મને સમજાણું કે ઘર એટલે શું !

ઈન્દુ : - ( ખૂશ થઈને )   મીના આપણી મૂંઝવણ દૂર !

મીના : - ( દાંત કાઢતાં ) આપણે સડક પર રહેતા હોવા છતાં આપણાં નનકાને જિંદગીનો

પાઠ શીખવ્યો .

ઈન્દુ : -  હા .... અને હવે આ કોરોના વાયરસથી બચવા  આપણેં  ભગવાનને પ્રાર્થના

કરીએ .

નનકો : - ચાલો ,  ચાલો ,  ભગવાનને પ્રાર્થના કરીએ . કોરોના વાઈરસ આ દુનિયામાંથી

દૂર જાય અને બધા જ પોતાના ઘર સાથે સુખી રહે .

(૧૧) મને ગમી આ કવિતા – ઉમાશંકર જોશીની કવિતાનો આસ્વાદ

- પ્રિયંકા ધંધુકિયા

 

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

 

ગાંધીયુગના અગ્રણી કવિ શ્રી ઉમાશંકર જોષીએ ‘ભોમિયા વિના મારે ભમવતાં ડુંગરા’ કાવ્યમાં પ્રકૃતિપ્રેમ અને માનવભાવોનું સુંદર વર્ણન કર્યું છે.

ભોમિયા વગર જંગલોને મન ભરીને ખૂંદવાની , ડુંગરોમાં ફરવાની, કુદરતી સૌંદર્યને માણવાની  કવિની અદમ્ય  ઇચ્છા, તેમના અનહદ પ્રકૃતિ પ્રેમને સહજતાથી વ્યક્ત કરે છે.. જંગલોમાં સવારમાં ઉગતા સૂર્યની કિરણોથી આંખુ જંગલ જાણે કે સોળે કલાએ ખીલી ઊઠ્યુ હોય તેવું લાગે છે. જંગલમાં પક્ષીઓ વૃક્ષો પર ઉડતા જોવા મળે છે. ડુંગરોમાં જંગલની ઝાડી હોય છે. તેનું દૃશ્ય કંઈ ક અલગ જ જોવા મળે છે. જંગલના વૃક્ષો પર ફુલો આવેલા હોય છે. જેમાં ભમરાઓ ગુંજ કરતા હોય છે. તે જાણે કે એક પ્રકારના ગીત ગવાતું હોય તેવા  જોવા મળે છે.

‘ભમવા’તા’, ‘જોવી’તી’, જેવા  શબ્દોમાં પુરી ન થયેલ ઈચ્છાઓને પામવાની તાલાવેલી વ્યક્ત થઇ છે. ડુંગરા અને જંગલો ભમવાનો, ખૂંદવાનો શોખ કદાચ નાનપણથી જ કવિને છે. કવિને માનવસર્જિત શહેરો જેટલું આકર્ષી શકતાં નથી એથી પણ વિશેષ આકર્ષણ કવિને કુદરતી સર્જનોનું છે.

કવિને એકલા જંગલમાં જઈને ડુંગરોમાં આવેલ નાની નાની કોતરોમાં વહેતું વરસાદનું પાણી જોવું છે, ડુંગરની વચ્ચે તિરાડો (કંદારા) જોવી છે, જ્યારે ચોમાસાનો ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે જંગલોમાં વૃક્ષો રોતા હોય તેવું  લાગે છે અને  વહેતા નાના મોટા ઝરણાંઓ હોય જેને જોવાની મજા  માણવી  છે.  એથી કવિ ફરી ફરીને ભોમિયા વિના જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

જંગલ, કોતરો, કંદરા, વહેતા ઝરણાં, નદીની કલ્પના જ કેટલી આહલાદક છે! કવિ આ પ્રકૃતિના તત્વો સાથે પ્રકૃતિમય બની જવા માંગે છે, એમાં રમમાણ થઇ જવા માંગે છે.  'વહેતા ઝરણાની આંખ લ્હોવીહતી' આ પંક્તિ કવિના સૂક્ષ્મ પ્રકૃતિપ્રેમને વર્ણવી જાય છે.

“સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.”

બીજી પંક્તિમાં કવિને સૂના સરવરિયાની પાળ  પર બેસી હંસોની હારને ગણવા માંગે છે. સૂનું સરોવર એ કદાચ સૂના મન અને હૃદયને વ્યક્ત કરે છે પરંતુ  હંસોની હાર સાથે મનની પ્રસન્નતા અને મનની શાંતિનું સૂચન થાય છે.

સૂના જંગલમાં રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો હોય છે અને ઊભા હોય ત્યારે જે અવાજના પડઘાઓ પડતાં હોય છે તે અવાજોની કલ્પના કરેલ છે. રાત્રે જંગલમાં પક્ષીઓ અને જંગલી જાનવર ફરતા હોય અને એકલા ઊભા ઊભા હોય ત્યારે તેનો અવાજ સાંભળવાની વાત કરવામાં આવેલ છે. આકાશમાં ફેલાયેલા બોલ સાંભળવા એકલા પડેલા પડછાયાની વાત કરવામાં આવી છે. ડુંગરા, જંગલ, કુંજ-કુંજ, કોતરો, કંદરા, ઝરણાં, સરવરીયા, આકાશ, આભ વગેરે પ્રકૃતિના વર્ણનો દ્વારા કવિ જાણે પોતાના આંતરમનની વ્યથાને તેમજ પ્રકૃતિને મનભર માણવાની ઝંખનાને વાચા આપી રહ્યા છે.

“એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.”

અંતે કવિ જયારે  એકલા આકાશ તળે  ઉભા રહી હ્રદયના પડઘાઓને ઝીલવા જાય છે ત્યારે જાણે અનંત આકાશમાં એમના બોલ વેરાઈ જાય છે, વિખરાઈ જાય છે ત્યારે કવિને  એકલતાની પીડાનો આભાસ થાય છે. અહીં પ્રકૃતિ વર્ણનની સાથે સાથે માનવજીવનને ઘેરી વળતી પીડાઓનું પણ સૂચન થાય છે.

કવિએ ભોમિયા વિનાના જંગલોમાં ફરતાં પક્ષીઓ જાનવરો જોવાની વાત કરી છે.

આખો અવતાર ડુંગરોમાં ફરી ફરીને ભમતા જંગલમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો,  પ્રાણીઓ અને જંગલની કુંજકુંજ જોવી હતી. જેમાં આખો અવતાર પુરો થઈ જાય તેવી રીતે ફરવાની વાત કરવામાં આવી છે.

વનોની, જંગલોની સૃષ્ટિ કવિને એટલી પ્રિય છે કે એમના જોવાથી અંતરમાં આનંદ છવાઈ જાય છે. આ આનંદ એટલો સૂક્ષ્મ છે કે કવિ પોતાના આખો અવતાર આ આનંદને માણવા માંગે છે. ભોમિયા સાથે પ્રકૃતિને જોવાના આનંદને પૂર્ણપણે માણી ન શકાય એટલે કદાચ એમણે   કવિતાની શરૂઆત જ 'ભોમિયા વિના' ની કલ્પનાથી કરી છે.  કવિની જંગલ પ્રત્યેની કવિની લાગણી અભિવ્યક્ત થયેલી જોવા મળે છે. આમ કવિ પોતાની વેદનાથી જાણે પ્રકૃતિ દ્વારા દૂર થવા માંગે છે  અને ભોમિયા વગર પ્રકૃતિને પૂર્ણરૂપે પામવા માંગે છે.

(૧૨) લાલઘુમ તાપમાં – મનોજ ખંડેરીયાની કવિતાનો આસ્વાદ    

- આકાશ  રાઠોડ

કોઈ કહેતું નથી'

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-

રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે;

તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી

આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા

ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા

કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-

ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

 

ભાષાલાલિત્ય અને ભાવલાલિત્ય, શબ્દસૌન્દર્ય અને અર્થસૌન્દર્ય, આ બન્ને જેટલા એકબીજાના ઘટ્ટ પૂરક બની, બંને એક બીજાની શોભા વધારે ત્યારે કોઈ કૃતિ ઉત્તમ કૃતિ તરીકે સાબિત થઈ શકે. પછી એ સ્વરૂપ કોઈ પણ હોઈ, ગદ્ય કે પદ્ય. ગઝલ એ માત્ર મુશાયરાની પ્રવૃત્તિના ભાગરૂપે થતો ભાષાનો આડંબર કે જન મેદનીના સસ્તા ભાવો સંતોષવાને માટે નથી બલ્કે તે એક કવિતા પણ છે અને તેમાંય ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે તેની ઝાંખી આપણને સારા અને સિદ્ધહસ્ત ગઝલકારો જ કરાવી શકે,   પોતાના ભાવો પોતાની વાત પોતાની ઊર્મિ પોતાનો ભાવ સાહિત્યકળામાં મૂર્ત કરવા માટે ભાષા એટલી જ સિદ્ધહસ્ત હોવી અનિવાર્ય છે. ભાષા દ્વારા જ ભાવક ગઝલના ભાવ સુધી પહોંચશે. માટે જ આ કવિતાનું જે બહારી શબ્દસૌન્દર્ય, વર્ણમાધુર્ય, લયલાલિત્ય આપડે પાઠ કરતા અનુભવીએ અને એક સંગીતમયતા ગઝલમાંથી પ્રગટતી હોય તેવું લાગે. સાથે જ જ્યારે ભાવક ગઝલના ભાવ સુધી પહોંચે છે ત્યારે તેને વિશિષ્ટ એવી‌ સૌંદયાનુંભૂતી અને બ્રમ્હસહોદર આનંદની પ્રાપ્તિ થાય છે. આ ગઝલનું સૌંદર્ય પામવા આપણે સૌંદર્ય બનવું પડે, ત્યારે જ કલાની  ખરી અનુભૂતિ આપણને થઈ શકે.

આ ગઝલ એક રીતે જોઈએ તો તેમાં કવિનો અતિતાનુરાગ છે.  કવિનો જ માત્ર નહિ બધા જ મનુષ્યોનો અતિતાનુરાગ છે. માણસ હંમેશા અતિતમાં જીવે છે,  અતિતના વિચારોમાં જીવે છે, ભાવિ શું છે શું બનવાનું છે એ તેને ખબર હોતી નથી. વર્તમાન જે છે તે પણ ક્ષણે-ક્ષણે  અતિતમાં રૂપાંતર થાય છે. ભૂતકાળમાં ખપી જાય છે. આમ અતીત અને તેની રમણીય અને દુઃખદ ઘટનાઓને તે વાગોળે છે, અને તેમાં જે રમણીય બનેલું જે રમણીય જોયેલું તે ફરી ફરી જોવાની ઉત્કંઠા જાગે પણ સમય બધું પોતાના પ્રવાહમાં ઢસડી ગયો હોય છે. માટે માણસ માત્ર મનમાં તેનું પુનરાવહન કરતો હોય છે. કશુંક લુપ્ત થઈ ગયું છે અને આ વર્તમાન ક્ષણે પણ તે તેવું અને તેમ જ કેમ અનુભવાતું નથી એવો તીવ્ર પ્રશ્ન કવ્યાનુભવરૂપે આ ગઝલમાંથી પ્રગટ થાય છે. ત્યારે ક્વચિત બીજાને પૂછતા, ક્વચિત સ્વને પૂછતા કે 'ક્યાં ગયું બધું ?' પણ કશો જ ઉત્તર મળતો નથી. તો પ્રશ્નની અન-ઉતરતા અવશભાવે સ્વીકારીને કહેવું પડે કે  'કોઈ કહેતું નથી'

પ્રસ્તુત ગઝલના સાતેય શેરમાં, સાત દૃશ્યો ઉપસતા જોવા મળે છે, અતિતના એ સાત દૃશ્યો જે એક સમયે હતા, જેને દૃષ્ટિ વડે જોયા હતા, શ્રુતિ વડે સાંભળ્યા હતા, સ્પર્શ વડે અનુભવ્યા હતા, એ હવે લુપ્ત થઈ ચૂક્યા છે. એ એક-એક દૃશ્ય એક-એક ભાવ ક્રમશ એક-એક શેરમાં ગુંથતાં આવે છે. અને દરેક શેર એટલા ટકોરા બંધ છે કે સંપૂર્ણ કલાકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ગઝલ નામના તોરણમાં સાત મોતીડાં કવિ ટાંકતા જાય છે. દરેક શેર, એક એક શબ્દ બીજા સાથે ગુંથાયો એક એક પંક્તિ બીજા સ્યહે અને દરેક શેર તેના બીજા શેર સાથે ગુંથાયને ભાવને સ્ફુટ કરવાની ઉચ્ચત્તમ કોટી સુધી પહોંચાડે છે. કળા-અભિવ્યક્તિ શ્રેષ્ઠ નમૂનો બની રહે છે. આપડે દરેક શેરના વિગતે અર્થઘટનમાં જઈએ.

 

“લાલઘુમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સમય, વાતાવરણ, ગુણ 'લાલઘૂમ તાપમાં મ્હોરતો મસ્તીનો તોર', સ્થળ ' નગરની વચોવચ', વસ્તુ 'એક ગુલમ્હોર'. ઉનાળામાં ગુલમ્હોર મ્હોરી ઉઠે છે અને તપતા તડકામાં પણ મસ્ત એવો મસ્તીનો તોર એવો ગુલમ્હોર જે આ નગર(કયા નગરની વાત કરે છે? કદાચ એમનુ વતન જૂનાગઢ)ની વચોવચ હતો. કેટલું અદભુત દૃશ્ય આપણને પહેલા જ શેરમાં જોવા મળે અને પોતાના અતિતાનુરાગને વ્યક્ત કરતો ગઝલનો રદિફ 'તે ક્યાં ગયો કોઈ કહેતું નથી' તે પણ આ શેરથી નક્કી થાય છે. રદિફ અતિતનુરાગ અને કાફિયા તે અતિતમાં અને વર્તમાન વચ્ચે લુપ્ત થયેલા ઘટકો, જે આગળ આખી ગઝલ દ્વારા સમજીએ -

“પૂછું છું બારને-બારીને-ભિતને, લાલ નળીયા છજાં ને વળી ગોખને

રાત દિ‘ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી”

છ છ વસ્તુઓને પૂછવામાં આવતો પ્રશ્ન ભાવને વધુ ઘટ્ટ બનાવે છે, અને તે વસ્તુઓ પણ કેવી બાર, બારી, ભીત, નળીયા, છજા, ગોખ જેવા નિર્જીવ ઘટકો.  અને જેના વિશે પૂછવાનું છે એ સજીવ ચેતન પક્ષી મોર ! જે એક સમયે ટોડલે બેઠો એવું દૃશ્ય અને તેના. ટહુકાનો અવાજ અતિતના કોઈ ટોડલે હજી સંભળાય છે, પણ તે અત્યારે કેમ નહિ ? ક્યાં છે એ ? જેવા પ્રશ્નોના ઉત્તર ન મળતાં, કોઈ કહેતું નથી. એ વિધાન પર આવે છે.  ગુલમ્હોર વિશે નગરના લોકોને પૂછ્યું હશે જે અચેતન એવું જડ સ્વરૂપ છે, અને મોર વિશે ઘરના બધા ભાગોને પૂછ્યું. મોર ગતિ અને ચેતનનું સ્વરૂપ છે આમ ગઝલને પણ એક ગતિ ધીરે ધીરે મળતી જાય છે.

અને ધીરે ધીરે પોતાના આંતરચિત્તમાં પણ ગઝલકાર પ્રવેશે છે જે ત્રીજા શેરમાં જોઈએ

 

“કૈં જ ખૂટ્યું નથી, કૈં  ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે;

તે છતાં લાગતું સઘળું લૂંટી અને, ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી”

આગળ સ્પષ્ટ કર્યું તેમ આ ગઝલ નો ભાવ કવિનો અતિતાનુરાગ છે. વર્ષો પછી ફરી કોઈ સ્થળે જ્યાં તમારું સઘળું સંઘરેલું હતું, અને અત્યારે એ બધું લૂંટાય ગયું છે. પણ ગઝલનો મિજાજ જુઓ, પહેલી પંક્તિમાં તે કહી દે છે કે આમ તો કંઈ જ ગયું નથી જરઝવેરાત તો બધું ત્યાંનું ત્યાં છે પણ તે છતાં સઘળું લૂંટાય ગયું છે, અને કોઈ ચોર લૂંટી ગયો છે. અહી આપડે એ ચોર એટલે વીતી જતા સમય ને ગણી શકીએ, કાલચક્ર બધું છીનવી જાણે છે અને એ છીનવી ગયેલું કોઈ કિંમતે પાછું આવી શકે નહિ. સંપત્તિ અને પૈસા તો એના એ રહેશે જ એની કોઈ પરવા પણ નથી  છતાં પેલો ગુલમ્હોર નથી મળી શકતો અને ટોડલે આવતો મોર પણ પાછો નથી મળી શકવાનો તેનું દુઃખ વધુ છે. આ શેર આખી ગઝલને સમજવા ચાવી રૂપ છે. જે ભાવ પ્રગટ થાય છે તે આખીયે ગઝલને હૅશટૅગ કરવા માટે કાફી છે 'કઈ ખૂટ્યું કે ગયું નથી છતાં સઘળું લૂંટાય ગયું છે'

અને આગળનો શેર જુઓ :

“સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી

આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી”

ફરી પાછા બહારની તરફ દૃષ્ટિ કરતા ચીંધે છે ફળિયા તરફ, અહી કવિની ઉત્તમ અભિવ્યક્તિરીતિના ઉત્તમ નમૂના પુરા પાડે તેઓ ઉત્તમ શેર જોવા મળે છે. એક-એક વસ્તુ ને એક-એક ભાવને પ્રયોજવા માટે - તેનું વર્ણન કરવા માટે પૂર્વે ઉલા મિસરામાં એક ચોક્કસ પ્રસ્તાવના બાંધે છે અને તે પણ ખૂબ કલાત્મક રીતે. અહી આ શેરમાં કેવી કલ્પના કરી છે સુની બપોર, શકરખોર પોતાના ટહુકાથી સુનું પડેલું ફળિયું અને સુની બપોર બન્નેને ભરચક ભરી દે છે ! તે એક સમયે હતો પણ આજે નથી, આજે માત્ર સૂનકાર છે, અને એ સૂનકાર આ શેરમાં પણ જોવા મળે છે, એક રીતે જોઈએ તો આખી ગઝલમાં એ સૂનકાર અનુભવાય છે, અતિત અને વર્તમાન બન્ને વચ્ચેની જોડાતી કડીનો સૂનકાર !

 

“કેટલા વર્ષથી સાવ કોરા પડ્યાં ઘરના  નેવા ચૂવાનુંય ભૂલી ગયા

ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી”

સહેજ દૃષ્ટિ ઉપર ઘરના નેવા તરફ જાય છે, કવિ પોતાની જાત એ નેવાં સાથે સરખાવે છે, કે એ નેવાં કેટલાય વર્ષોથી સાવ સુના છે, ત્યાંથી વરસાદનું પાણી ટપક્યું નથી, અને ટપકે છે માત્ર ખાલીપો, એકલતા. તેની દ્વારા પોતે પોતાની જ વાત કરે છે કે મારી સ્થતિ પણ અત્યારે કંઇક આમ જ છે અને હવે એ એકલતા એ ખાલીપો પેલા ઘનઘોર મેઘને ઝંખે છે, પોતાના અતિત ને ઝંખે છે કે ક્યાં ગયું આ બધું…

 

“જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા

કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી”

અહી 'ન્હોર' એ પણ સમયનું પ્રતીક બન્યું હોય એવું લાગે છે, કાળચક્રની તીક્ષ્ણતાનું પ્રતિક, ઘણું બદલાય ગયું છે, બદલાયું છે એ બધું જ જિંદગીના રૂપાળા ચહેરા પર સમયે પાડેલા ઉઝરડાઓ છે, અહી ઉઝરડા શબ્દ ત્રણ વાર આવે છે એ ભાવને વધારે અસરકારક અને ઘટ્ટ બનાવે છે. વિશેષતા એ કે આ બધું એ છાના પગે આવીને કરી ગયો છે, કોણ ? તો કે સમય ! જીવન વિશેનું એક સુક્ષ્મ દર્શન અહી કવિ પ્રગટ કરે છે, સમય એ ખબર પણ ના પડે એમ છાના પગે પોતાનું કામ કરી ચાલ્યો જાય છે, સ્વને કે અન્યને પૂછવાથી એ પ્રશ્નનું નિરાકરણ આવવાનું નથી.

છેલ્લો શેર છે એ ગઝલકારની કવિત્વ શક્તિનો ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થાય છે, અંતિમ શેર છે.

“પાછલી રાતની ખટ ઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કુંડ પણ”

હવે પહેલી પંક્તિમાં જ આપણને સ્થળ વિશેષનો ખ્યાલ આવી જાય છે - તળેટી, દામોદર કુંડ એટલે સહજ આપણા મનમાં જૂનાગઢ અને ગરવો ગિરનાર નજર સમક્ષ આવે. અને કહે છે-એ તો એનું એ જ છે પણ :

“ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી”

ઉલા મિસરામાં માત્ર ભાવનો સંકેત અચાનક જ બીજી પંક્તિમાં ભાવ એક દમ સ્ફૂટ થતો જણાય છે. જૂનાગઢ અને તેમાંય તળેટી અને દામોદર કુંડ અને તેમાં પ્રથમ પ્હોર ઈ પણ ઝૂલણા છંદમાં નીત પલળતો - જે સ્થળે પ્રથમ પહોર નરસિંહ મહેતાના પ્રભાતિયા તેના ઝૂલણા છંદમાં ભીંજાતો હતો એ પહોર પણ હવે ક્યાં છે ? હવે એ નથી. એ ક્યાં ગયો એ પણ કોઈ કહેતું નથી. અતિતના સંભારણા કરતા-કરતા તેઓ વર્તમાનને પ્રશ્ન પૂછે છે, પોતાની જાત ને પૂછે છે. આમ આ આખીયે ગઝલ અહી સમાપ્ત થાય છે.પણ ખરી રીતે સમાપ્ત થતી નથી. ખરેખર આ ગઝલ ફરી ફરી ભાવકના મનમાં શરૂ થયા કરે છે.

આખી ગઝલમા એક જ ભાવ કેન્દ્રિત થયેલો જોવા મળે છે. ભાવ સાથે ભાષા પણ એટલી જ અસરકારક છે. જે લય અનુભવાય છે તે ઝુલણા છંદનો  ગાલગા ગાલગા ગાલગા નરસિહ મહેતાનુ પદ ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિન ધેનમા કોણ જાશે' એ સહજ સ્મરણે ચઢે. અને ગઝલનો ભાવ અનુભવતા જયંત પાઠકની કવિતા યાદ આવે :

“અહીં હું જ્ન્મ્યો'તો વનની વચમાં તે વન નથી,

નથી એ‌ માટીનું ઘર, નિજ લહ્યા તે જન નથી;

અજાણ્યાં તાકી રહે વદન મુજને સૌ સદનમાં;

વળુ પાછો મારે વનઘર હુ; મારા‌ જ મનમાં”

અનુકૂળ વાતાવરણમાંથી છુટી પડી ગયા બાદ વર્ષો બાદ ફરી ત્યા આવીએ અને સઘળુ વાતાવરણ જ બદલાયેલુ જોઈએ ત્યારે એ બધુ યાદ કરીએ જૂનુ વાગોળીએ. કવિ મનોજ ખંડેરિયા પણ કદાચ એ અનુભવમાથી પસાર થયા હશે. ત્યારબાદ આપણને આવી ઉત્તમ ગઝલ મળી શકી હશે.

માટે જ કવિ રાજેન્દ્ર શુક્લ આ ગઝલ વિશે લખતા કહે છે‌ :

 “આ ગઝલ માત્ર મનોજની ગઝલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ગઝલપ્રવાહમાં મહત્વનું અને માતબર સ્થાન ધરાવે છે. નિઃશેષપણે કશુંક જતું રહ્યાંના, કાળગ્રસ્ત થયાંના અવસાદને અનેક રીતે ઘૂંટતી અને અંતે તો એક પ્રકારની નિર્ભાતિમાં નિર્વહણ પામતી આ ગઝલ આપણી ગઝલનું એક કાયમી કંઠાભરણ બની રહેવા સર્જાયેલી ગઝલ છે.”

  ↔

(૧૩) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુકૃત એક ટૂંકી મુસાફરીમાં નાયકના મનોભાવોનું ઊર્ધ્વીકરણ

- પટેલ ઉર્વિકા શૈલેષકુમાર

 

વાર્તાકાર ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ‘ધૂમકેતુ’એ ચાર દાયકામાં ટૂંકીવાર્તામાં કરેલા પ્રદાને એમને આદ્યપ્રણેતાનું બિરુદ અપાવ્યું. એમની વાર્તાઓ ભાવનાવાદી અને વાસ્તવદર્શી છે. એમની વાર્તાઓ ‘પોસ્ટ ઓફિસ’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘રજપૂતાણી’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘એક વિચિત્ર અનુભવ’ વગેરે છે. આ વાર્તામાં વાર્તાકારે માનવચિત્તનાં ઊર્ધ્વીકરણના નિરૂપણને પ્રાધાન્ય આપ્યું છે, જે મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ દર્શાવેલી બચાવપ્રયુક્તિમાંની એક છે. વાર્તામાં પ્રગટ થતી માનવપ્રકૃતિ-વૃત્તિ એ માનસશાસ્ત્રીય વિચારણાનો ઊંડો અભ્યાસ દર્શાવે છે. માનવ સ્વભાવનું ઊંડુ નિરીક્ષણ અને વાર્તાકલામાં એનો વિનિયોગ એ એમની વાર્તાઓનું આગવું અને આકર્ષક લક્ષણ છે, એટલે જ ‘ધૂમકેતુ’ વાર્તામાં પાત્રોના મનોભાવો–વલણો આલેખવામાં સફળ રહ્યાં છે એ માટે પ્રમોદકુમાર પટેલ યોગ્ય જ નોંધે છે –

પ્રકારનાં સંવિધાનો પાછળ લેખકનો Moral attitude કામ કરી રહ્યો હોય છે. કળા દ્વારા જીવનમાં પ્રેરણા આપવી, ભાવકને ઊર્ધ્વગામી જીવનનો માર્ગ ચીંધવો, અને રીતે કળાને સંસ્કારની કેળવણી અર્થે પ્રયોજવી, એવો ઉપક્રમ એમાં જોઈ શકાય.”[1]

‘ધૂમકેતુ’ની ‘એક ટૂંકી મુસાફરી’ વાર્તાનો આરંભ નાના રણની નજીક મુલાકાત લેવાનું આવે છે અને મેઘ તૂટી પડતા ચોતરફ પાણી પાણી થઈ રહે છે. રણમાં પાણીનો દેખાવ સરોવર અને ઘર બહાર મહાસાગર જેવો નજરે ચડે છે. સેવકને આ બેટમાંથી નીકળવા એક અઠવાડિયું રોકાવું પડે છે. આવા વરસાદમાં ચૌદ માઈલ સ્ટેશન સુધી લઈ જવા એ દેવા રાવળને મનાવે છે અને આગળની મુસાફરી ભગવાન ભરોસે કરવાનું વિચારે છે.

મુસાફરી માટે સેવક સૂતેલાં દેવાને જગાડે છે ત્યારે દેવો સાથી આવશે એમ કહી સૂઈ જાય છે. વાર્તાકારે અહીં એક વ્યક્તિચિત્ર દોર્યું છે –

હજી વિચાર કરું છું કે શું કરવું; એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથપગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું: જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટાં નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.”[2]

વાર્તાકારે વાર્તાના મુખ્ય પાત્ર કાળાના દેખાવને શબ્દચિત્ર દ્વારા તાદૃશ કર્યુ છે. મુસાફરી માટે તૈયાર થયેલા કાળાને સુતાં સુતાં જ દેવો ટકોર કરતા કહે છે કે -

એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાઈ જાય નહિ.”[3]

અહીં દેવાનું આ કથન તપાસતા આપણી સમક્ષ કાળાની મનઃસ્થિતિ પ્રગટ થાય છે જે દેવાના કથનના પ્રત્યુત્તર રૂપે કાળો કહે છે એમાં સ્પષ્ટ થઈ જાય છે જે કથન આ પ્રમાણે છે –

હવે એમ તે ફંહાય? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું?”[4]

કાળાનું દેવા માટેનું આવું વર્તન શા માટે છે, કાળો વિરુદ્ધ વર્તન જવાબ શા માટે આપે છે એ કાળાએ રજૂ કરેલા વિધાન દ્વારા સ્પષ્ટ થાય છે –

તો દેવાને મારું કર્યુ નો કર્યુ કરવાના હોવા સે બાકી મારી બેન બધુંય હમઝે એવી સે તો.[5]

અહીં વાર્તાનાયક કાળો પોતે ખુબ જ હોંશિયાર છે, દેવો  સમજતો નથી પણ મારી બહેન જ બધુ સાચવે છે. દેવામાં તો અક્કલ–બુદ્ધિ જ નથી. અહીં કાળો આત્મશ્ર્લાઘામાં રાચે છે. પોતે કેટલો કુશળ છે એ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે. કાળાની મનઃસ્થિતિ વાર્તાકારે પ્રતીક પ્રયોજીને પ્રગટ કરી છે–

એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડમાં જોયાં, કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા ખાવા માંડી, ને વાડમાં પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં ઝુકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું. અને, એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં રે !કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અડધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોપરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.”[6]

અહીં સૂક્ષ્મ અર્થ જોતાં કાળાનાં મનમાં દમિત થયેલી લાગણીઓ, અતૃપ્ત વાસના–ઝંખના એ પ્રતીક દ્વારા દર્શાવી છે. અહીં વાર્તામાં સાંઢનો પગ સરી જવો, નાગનું ફૂંફાડા મારીને જવું, સાંઢનું પાણીમાં ઝૂકાવવું વગેરે દ્વારા એના મનમાં ઊઠેલો લાગણીનો ઊભરો પ્રગટ થવાનું સૂચવે છે, જેનું કાળાએ દમન કર્યુ છે. કાળાની દમિત લાગણીઓ એના દ્વારા રજૂ થતી એકોક્તિથી સ્પષ્ટ થાય છે જેનું એ પુનરાવર્તન કરે છે –

સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.”[7]

સાંઢને ડગવા નહિ દેવાની વાત એ કાળાના મનમાં રહેલી વૃત્તિને છતી કરે છે. જે માત્ર કાળાના જ હાથમાં છે. દેવો એમાં કશું જ ન કરી શકે. અહીં સાંઢ એ પ્રતીક તરીકે આવે છે. કાળાની લાગણી વિકૃતિ ન બને, સંયમિત રહે એવો કાળાનો મનોભાવ વ્યક્ત થયો છે.

વાર્તામાં કાળાના મનોભાવો–મનોવિશ્વ Flashback Method દ્વારા રજૂ થયા છે. જે વર્તમાનમાં સેવક કાળાને  પ્રશ્ન કરે છે ત્યારે કાળો ભૂતકાળ યાદ કરતાં કરતાં જવાબો આપે છે. કાળો–કાળી બન્ને ગળાડૂબ પ્રેમમાં હતાં, પણ પિતાની ઈચ્છા ના હોવાને કારણે બન્ને લગ્ન નથી કરતા. કાળાની પ્રેમિકા કાળી હવે એની ધરમની બહેન છે અને એનો પતિ એ આ દેવો છે. જ્યારે આ સંબંધ સ્પષ્ટ થાય છે, ત્યારે દેવા પ્રત્યેનું કાળાનું આવું વર્તન શા માટે છે–એ આપણને સમજાય છે. કાળા અને કાળીનો પ્રેમસંબંધ કાળીના પિતાની મરજી વિરુદ્ધ હોય એ સંબંધ–લાગણી ઊર્ધ્વીકરણમાં પરિવર્તિત થાય છે અને એટલે કાળી હવે ધરમની બહેન બની જાય છે અને દેવા રાવળ પ્રત્યેનો ઈર્ષ્યા ભાવ આ જ કારણે એની એકોક્તિ દ્વારા પ્રગટ થાય છે. આમ, કાળાના મનમાં રહેલી લાગણી–ઝંખના, કાળાની એકોક્તિ, વર્તન વગેરે દ્વારા વ્યક્ત થતી રહે છે.

આ વાર્તાનું શીર્ષક ‘એક ટૂંકી મુસાફરી’ એ પ્રતીકાત્મક રીતે–કાળુના જીવનની મુસાફરી રૂપે ધ્વનિત થયું છે. આરંભનું વરસાદી ઝાપટું એ કાળીના આગમન અને સંજોગોવશાત વિખૂટાં પડવાથી જે વીત્યું એ કંગાળ માણસ રત્ન સાચવે એમ કાળુએ સાચવી રાખ્યું છે. આમ, વાર્તાકારે નાયકના મનોભાવો વ્યક્ત કરવા માટે પ્રતીકોનો સહારો લઈ એનું મનોવિશ્વ તાદૃશ કર્યુ છે. ઈલા નાયક યોગ્ય જ નોંધે છે –

એક ટૂંકી મુસાફરીમાં ધૂમકેતુની વાર્તાકળાની શક્તિનો સરસ પરિચય મળે છે. હળવી રગમાં ચાલતી વાર્તામાં કરુણ અતિરંજકતામાં ગયા વિના ગંભીરતાથી નિરૂપાયો છે. વાર્તાકારની તટસ્થતા જાળવીને કાળાનું પાત્ર આલેખાયું છે. અહીં પ્રેમની વફાદારીની ઉદાત્ત ભાવના વાર્તામાંથી ધ્વનિરૂપે પ્રગટી છે.”[8]

 

ટેલ ઉર્વિકા શૈલેષકુમાર

આસિસ્ટન્ટ પ્રોફેસર,

ગુજરાતી વિભાગ,

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન

યુનિવર્સિટી, અમદાવાદ.

__________

[1] પૃ.136, ડૉ. પ્રમોદકુમાર પટેલ, કથાવિવેચન પ્રતિ

[2] પૃ.26, ધૂમકેતુ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

[3] પૃ.26, ધૂમકેતુ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

[4] પૃ.27, ધૂમકેતુ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

[5] પૃ.27, ધૂમકેતુ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

[6] પૃ.27, ધૂમકેતુ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

[7] પૃ.27, ધૂમકેતુ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

[8] પૃ.19, ઇલા નાયક, ભારતીય સાહિત્યના નિર્માતા