યુવાસ્વર: સર્જન-વિવેચના

(૧) વિવેચના

કાર્મેલીનએક નારીની સંઘર્ષકથા

- વિરલ માવાણી

 

કોંકણી કથાસહિત્યમાં દામોદર માઉઝોનું નામ અગ્રેસર છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ‘કાર્મેલીન’ નવલકથા કોંકણી ભાષાની સુપ્રસિધ્ધ નવલકથા છે, જેનો ગુજરાતીમાં અનુવાદ  શ્રી દર્શના ધોળકિયા એ કર્યો છે. કાર્મેલીન એક નારીની અવિરત ચાલતી સંઘર્ષકથા છે. નવલકથાનું સમગ્ર કથાનક મુખ્ય નાયિકા કાર્મેલીનના જીવનસંઘર્ષની આસપાસ ઘૂંટાઈ છે. સમગ્ર નવલકથામાં  અંત સુધી નાયિકા પોતાની વ્યથાથી છૂટી શકતી નથી કે નથી દૂર દૂર સુધી કોઈ આશાનું કિરણ પણ જોઈ શકતી.

કાર્મેલીનના માતા-પિતા અને ભાઈનું ટાઈફોડથી મૃત્યુ થાય છે. આ તેના જીવનનો મોટો આઘાત છે, અને એના સંઘર્ષનો પ્રારંભ. અહીંથી જ તેને જીવનની કઠોર વાસ્તવિકતાનો અનુભવ થવા લાગે છે. લેખક લખે છે: “મોતના ઓછાયાએ બધુંજ ઘેરી લીધું હતું. જાણે સમગ્ર સંસાર બદલાઈ ગયો છે, ને બદલાયું ન હતું તો તે હતી ભૂખ”. આ ભૂખ કાર્મેલીનને તેના ફોઈ-ફુવાની આશ્રિત બનાવી દે છે. ફોઈ-ફુઆને આશરે આવેલી કાર્મેલીનની દશા જાણે છોડને એની મૂળ ભોયમાંથી ઉખાડીને બીજી ધરતીમાં રોપવામાં આવે ત્યારે પ્રારંભે થોડા દિવસ કરમાઈને પીળા પડી જતા છોડ જેવી થાય છે. ફુઆની કાર્મેલીન પ્રત્યેની પિતાના જેવી હૂંફ તેના જીવનનું બળ બને છે, તો ફોઈ ધ્વારા તેની સતત અવહેલના તેની દુર્દશાનું કારણ બને છે. પણ કાર્મેલીનનો ખરો સંઘર્ષ તો આગ્નેલ સાથેના પ્રેમથી પ્રારંભાય છે. મુગ્ધાવસ્થાના આવેશમાં પ્રેમનો પ્રસ્તાવ મુકનાર આગ્નેલ પાસેથી ‘જીભ પર ક્રોસ’કરી લગ્નનું વચન લઇ કાર્મેલીન પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે, પણ ફોઈ દહેજ અને દરિસલામ જવાના વિઝાની લાલચ આપી આગ્નેલને ફોસલાવીને એના લગ્ન બીજી યુવતી સાથે કરી નાખે છે. ફુઆ બધું સમજતા હોવા છતાં ફોઈ આગળ તેમનું કશું ચાલતું નથી. આ આઘાત સહન ન થતા તેમને હૃદયનો હુમલો આવે છે અને ફરી પાછા સ્વસ્થ થતા તે કાર્મેલીનના ભગ્નહૃદયને નવપલ્લવિત કરવા જૂજે નામના એક યુવકને પસંદ કરે છે. કાર્મેલીનને લગ્ન પહેલા જ જૂજેના ડંફાસિયા વ્યક્તિત્વનો અંદેશો આવી જાય છે. પરંતુ પિતાતુલ્ય ફુઆના મનને ઠેસ પહોંચાડવા ન માંગતી કાર્મેલીન પોતાની પૂરી જિંદગી નરક સમાં સંસારમાં હોમી દે છે, પણ સંસાર સુખ મળવાને બદલે કાર્મેલીન માત્ર દેહભૂખનો ભોગ બને છે. લેખક લખે છે: “લગ્ન થયા તે દહાડાનું બસ આમ જ... બળીને ખાખ થઇ ગયેલી લાલસાઓ સાથે પોતાનું જીવંત શરીર એણે જૂજેને સોંપી દીધું...હા, મર્દાનગી દાખવતો ફક્ત રાતે, પથારીમાં ...!”

લગ્નની પ્રથમ રાત્રિએ જ નશામાં ચૂર થઈને આવનાર જૂજે સાથેના અંધકારમય જીવનમાં એકલી ઝઝૂમતી કાર્મેલીન કંઈજ જ કરી શકતી નથી. કાર્મેલીન અહી પુરુષસત્તાક સમાજ સામે કશું જ ના બોલી શકતી કે કશું જ ના કરી શકતી અને માત્ર સહ્યે જતી સંઘર્ષરત નારીનું પ્રતિનિધિત્વ કરે છે. સાસુ અને નણંદનો સંતાપ વેઠતી કાર્મેલીન પર બળતા લાકડાનો પ્રહાર થતા તે પતિ જૂજેને ફરિયાદ કરે છે, પરંતુ ત્યારે પણ તેના પગના ફોડલાની ઉપેક્ષા કરી, એ પીડાને અવગણી જૂજે તો દેહભૂખ સંતોષવામાં જ મસ્ત છે. કાર્મેલીન માટે હવે બધું ખૂબ અસહ્ય થઇ પડે છે. પતિને છોડી તે સદાને માટે પિયરની વાટ પકડે છે. “હવે એણે એ અપનાવવું જોઈએ ,પછી તે સારું હોય કે ખરાબ...” ફોઈના આવા તિરસ્કૃત શબ્દોએ કાર્મેલીનને કહેવાતા આ ક્રુર જગતમાં એકલી પાડી દીધી. અધૂરામાં નિર્વ્યાજ સ્નેહ વરસાવનાર પાલકપિતાનું પણ અવસાન થાય છે.

પુત્રી બેલિન્દાના જન્મ પછી કાર્મેલીનની જીવનગાડી થોડે ઘણે અંશે પાટા  પર ચઢે છે, ત્યાં દારૂડિયો અને જુગારી પતિ જૂજેની નોકરી છૂટી જય છે. જૂજેની શરાબની લત છૂટે એ માટે કાર્મેલીન બધા સાથે પાલી રહેવા આવી જાય છે. ત્યાં તે જૂજેના મિત્ર રુજારની વાસનાનો ભોગ બને છે. અહીં લેખકે દરેક સ્ત્રીના અંતરમનની મનોદૈહિક અનુભૂતિઓનું સચોટ વિશ્લેષણ કરી તેને કાર્મેલીનની સ્વગતોક્તિ ધ્વારા વાચા આપી છે: “એનું શરીર સુખ ભોગવી રહ્યું હતું. આગ્નેલ (પ્રેમી), જૂજે (પતિ), જે કાંઈ ન આપી શક્યા તે સુખ... આ સુખ જાગૃત અવસ્થામાં જો આવત તો લાત જ મારત... પણ તે સ્વપ્નમાં ખોવયેલી હતી... પણ જાગ્યા પછી..? એનું શરીર ભૂખ્યું હતું... એ રુજારને નહોતી ઈચ્છતી, એ તો ઈચ્છતી હતી ભૂખના બદલામાં મળતું સુખ...” કાર્મેલીનનું મન શું સારું? શું ખરાબ? આ બધામાં અટવાયેલું હતું, પણ શરીર? તેનો તો એક જ નિયમ હતો, જે મનુષ્ય અને પશુ બધા માટે સરખો જ હોય છે.

માતા-પિતા, ભાઈનો પ્રેમ ગુમાવ્યા બાદ કાર્મેલીનના જીવનમાં પ્રેમનો સતત અસંતોષ જ રહ્યો. એક તરફ સતત  પ્રેમ પ્રાપ્તિની ઝંખના અને બીજી તરફ એને મળતી સતત નિરાશા. આ અસંતોષ અને નિરાશા તેને ચારેબાજુથી ઘેરી વળે છે. રુજાર થકી જન્મેલો પુત્ર મૃત્યુ પામતા તે છૂટકારાની લાગણી તો અનુભવે છે, પણ હવે ગરીબી માઝા મૂકતા કાર્મેલીનનો આર્થિક સંઘર્ષ શરૂ થાય છે. પતિ તો ક્યારેય એનો હતો જ નહિ. પોતાનું સર્વસ્વ હારી બેઠેલી કાર્મેલીનનું જીવનલક્ષ્ય હવે માત્ર બેલિન્દાનું સુખી ભવિષ્ય જ હતું. તે બેલિન્દાને ઈજાબેલ પાસે મૂકીને કુવૈત કમાવા નીકળી જય છે. માર્ગમાં દરિયામાં આવતા તોફાનના વર્ણન ધ્વારા લેખકે કાર્મેલીનના જીવનમાં આવનારી નવી મુસીબતોના એંધાણ આપી દીઘા છે. કુવૈતમાં તે આરબ પરિવારમાં નોકરાણી તરીકે કામ કરે છે. અહીં ઘરમાલિક નિસાર પણ તેનું શારીરિક  શોષણ કરે છે. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં તે કમાતી રહે છે, માત્ર કમાતી રહે છે. બેલિંદાના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નમાં તે પોતાની જાતને ભુલાવીને જીવતી રહે છે. તે વિચારે છે કે ગમે તે ભોગે જાત વેચીને પણ ખૂબ કમાઇને દહેજ આપી બેલિંદા માટે ભણેલ-ગણેલ સંપન્ન યુવક શોધી તેને પરણાવવી છે અને પોતાની જિંદગી ભલે વ્યર્થ ગઈ, પણ દીકરીની જિંદગી બગાડવા નથી દેવી અને બરાબર તે જ સમયે બેલિંદા કહે છે: “મમ્મી, હું પણ પાસપોર્ટ બનાવીને કુવૈત જઈશ...ને તારી જેમ ખૂબ પૈસા કમાઈશ”.એ સાંભળતાની સાથે જ કાર્મેલીન બેલિંદાના ગાલ પર એક જોરદાર તમાચો મારે છે, કારણકે અત્યારે તે માતા હતી માત્ર માતા... અહી નવલકથા પૂરી થાય છે.

આમ કાર્મેલીનનો જીવનસંઘર્ષ આરંભથી લઈને અંત સુધી ભાવકને જકડી રાખે છે. ભાવક કાર્મેલીનનાં સંવેદનાજગતમાંથી નવલકથાના અંત સુધી છૂટી શકતો નથી, ને નવલકથા પૂરી થયા પછી પણ ભાવકના મનમાં એક નવો સંઘર્ષ આ નવલકથા શરૂ કરે છે.

 

- વિરલ માવાણી

 

(૨) વિવેચના

 

 કંચનલાલ વી. મહેતા  મલયાનિલ કૃત ગોવાલણીમાં

પ્રગટતું નાયકનું સ્વપ્નિલ અને વાસ્તવિક મનોગત

 

- ઉર્વિકા પટેલ

 

 

ગુજરાતી ટૂંકીવાર્તાના પ્રથમ તબક્કામાં ઉપદેશ, સંસાર સુધારો અને હાસ્ય રસનું નિરૂપણ–એ ત્રણ પ્રમુખ લક્ષણો જોવા મળે છે; પણ  આજ તબક્કામાં અપવાદરૂપ એવી ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તા ઈ.સ. 1918માં પ્રાપ્ત થઈ. ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તા ‘વીસમી સદી’ સામયિકમાં પ્રગટ થઈ હતી. મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તા વિશેષ ધ્યાન ખેંચે છે એનું કારણ આ વાર્તાની ગ્રથિત વસ્તુવાળી–Romentic રચના છે.

‘ગોવાલણી’ વાર્તામાં વાર્તાનાયક ચંદનભાઈ, દલી ભરવાડણ–ગોવાલણી અને વાર્તાન્તે પ્રગટતું ત્રીજું પાત્ર વાર્તાનાયક પત્ની. ‘ગોવાલણી’ વાર્તામાં વાર્તાનાયક ચંદનભાઈનું મનોવિશ્વ, દલી ભરવાડણની ચતુરાઈ વગેરે વાર્તાકારે કળાત્મક રીતે આલેખ્યું છે, જે વાર્તાનો આરંભ જોતાં જ સ્પષ્ટ થઈ જાય છે-

તે ઘણી જુવાન હતી. કેટલાકને ચૌદમે વર્ષે અધર પર ગુલાબ ફરકે છે. કોઈક તો સત્તર અઢાર વર્ષ આંખમાં ચમક ચમકાવે છે. એને તો પંદરમે વર્ષે કોયલ ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી. બાલભાવે હવે યૌવનને માર્ગ કરી આપતો હતો. ઉઘડતી કળી હવે  તસતસતી હતી.

... નહોતી કેળવાયેલી તોયે ચાતુર્ય હતું. નહોતી શહેરની તોયે સૌજન્ય હતું. નહોતી ઉચ્ચ વર્ગની તોય ગોરી હતી.

હંમેશા રાતો સાલ્લો પીળી કોરવાળોકાળા પાલવવાળો પહેરતી. એના હાથમાં રૂપાના કરડા હતાં. એના પગમાં કલ્લાં અને હાથ ઉપર નીચે અડધો ઘુમટો તાણેલો તેથી એની સેંથી કેવી છે તે કોઈને ખબર પડતી નહિ. વાળ ઓળતી હશે, સેંથીમાં કંકુ પૂરતી હશે કલ્પના એની ખુબસુરતીમાં ઉમેરો કરતી.”[1]

વાર્તાનાયક ગોવાલણીની સુંદરતા વિશે કલ્પના–વિચાર કરે છે. નાયકના મનમાં ગોવાલણી પ્રત્યેનું જે આકર્ષણ છે એ વ્યક્ત થયું છે. ગોવાલણીના પહેરવેશ વિશેનું નિરીક્ષણ શબ્દચિત્ર દ્વારા રજૂ કર્યુ છે. વાર્તાનાયક દલી ભરવાડણ-ગોવાલણી તરફ જે આકર્ષણ–અનુરાગ અનુભવે છે એ માટે તે એની કલ્પના કરતો રહે છે. એના-ગોવાલણી આવવાના સમયે જ દાતણ કરવા બેસવું, એકીટશે ગોવાલણીને નિહાળ્યા કરવું, પત્નીને ગોવાલણી પાસે જ દૂધ લેવા માટે કહેવું - વગેરે જેવા વર્તન દ્વારા એની મનોદશા પ્રગટ થાય છે. ગોવાલણીના વિચારોમાં રત (ખોવયેલો) નાયક ગોવાલણી સાથે સંવાદ સાધવા માટે મનોમન એને પૂછવા માટે પ્રશ્નો ગોઠવે છે –

“... તું કોણ છે? તારી આંખોમાં શું છે? તારી ગોવાલણીની જાતમાં આવી પરીઓ છે?[2]

અહીં નાયકની ઝંખના ગોવાલણી વિશે માહિતી મેળવવાની સાથે ગોવાલણીના વિચારો જાણવા માટેની જિજ્ઞાસા વૃત્તિના દર્શન થાય છે. વાર્તાનાયક જ્યારે ગોવાલણીથી બે ડગલા આગળ જાય છે, ત્યારે ગોવાલણી દ્વારા થયેલા પ્રશ્ન બાદ બન્ને વચ્ચે સંવાદ શરૂ થાય છે; જે દ્વારા ગોવાલણી અને નાયક એમ બન્નેના મનોભાવો સ્પષ્ટ થાય છે –

સંદનભાઇ, આમ ચ્યાં જાઓ છો?”[3]

 

અહીં ગોવાલણી જાણે છે કે નાયક એની પાછળ આવે છે, છતાં એ ગભરાયા વિના આગળ વધે છે. નાયક જ્યારે આગળ આવે છે ત્યારે ગોવાલણી પ્રશ્ન કરે છે, જે દ્વારા ગોવાલણીની જિજ્ઞાસા–કુતૂહલ વૃત્તિ પ્રગટ થાય છે; સાથે જ નાયકને વાત કરવા માટે જે તક જોઈતી હતી તે ગોવાલણીના આ પ્રશ્ન કરવાથી મળી ગઈ અને નાયકે મનમાં નક્કી કરેલા પ્રશ્નો પૂછે છે –

તારું ગામ ક્યાં આવ્યું? મારે જોવું છે.

          ...દૂધવાળી, તું શી ન્યાત?

          ...તે તું કોની સાથે પરણેલી છે?

          ...તું પ્રેમ શું સમજે છે?

          ...તું વહાલ શું જાણે છે. તને તારો વર કોઈ દહાડો બોલાવે છે ત્યારે શું થાય છે?”[4]

નાયક ગોવાલણી સાથે જે વાત કરવામાં ખચકાટ–ગભરાટ અનુભવતો હતો, એ હવે ગોવાલણીની વાચાળતા જોઈ હિંમત કરી એના મનમાં રહેલા તમામ પ્રશ્નો ગોવાલણીને પૂછે છે. નાયક દ્વારા થયેલા પ્રશ્નોમાં એની વાસનાગ્રસ્ત મનોદશા પ્રગટ થાય છે. અહીં  નાયકની મનોદશા પામી ગયેલી ગોવાલણી નાયકને દૂધ ભરેલો ગ્લાસ પીવા આપે છે, ત્યારે નાયક થોડી આનાકાની બાદ રાજી થાય છે. નાયકની આ આનાકાની માત્ર દેખાવ પૂરતી જ હતી. આ દેખાવ કરવાનું કારણ નાયકના મનમાં રહેલો ડર છે, જે નાયકને રોકે છે, પણ ગોવાલણી સાથે વાતચીત શરૂ થતાં એ ડર નીકળી જાય છે. અહીં વાતચીત દરમ્યાન ગોવાલણીના કથનથી વાર્તા વેગ પકડે છે –

હા, હાય, મ્હારી હુંલ્લી ભુલી, સંદનભાઇ, ઓંય આટલી મારી તામડી જોતાં ના બેહો? બેહસોહું તો ગાયોને વાસ્તે કુશકીની હુંલ્લી ભૂલી. સાપરીમાં નિરાંતે ઘડીભર ના બેહો. હેંડી આવુ સું. વાત હોય મને બેલાશક કેજો.”[5]

ગોવાલણી નાયકની મનોદશા પામી જાય છે અને એટલે જ હુંલ્લી ભૂલી જવાનું બહાનું કાઢી નાયકને ત્યાં બેસવાનું કહે છે, સાથે જ નાયક ત્યાંથી જતો ના રહે એ માટે નિરાંતે વાત કરવાનું પ્રલોભન આપે છે, જેમાં ગોવાલણીમાં રહેલો ચતુરાઈનો ગુણ પ્રગટ થાય છે. ગોવાલણી ત્યાર બાદ ત્યાંથી જાય છે. નાયક નિરાંતે બેસે છે કારણ કે એની ઈચ્છા ગોવાલણી સાથે વાતો કરવાની હતી, એને ગોવાલણી વિશે બધુ જ જાણવું હતું જે એણે પૂછેલા પ્રશ્નો દ્વારા સ્પષ્ટ થાય છે. ગોવાલણીના આવ્યા બાદ ગોવાલણી સાથેની વાતચીત દ્વારા એ બધી માહિતી મેળવી લે છે, અને એ માહિતી મેળવ્યા પછી નાયક સાતમા આસમાને ઊડવા લાગે છે અને નાયક મનમાં જ સૃષ્ટિની રચના કરે છે, જેને ગોવાલણીએ ચકડોળે ચઢાવી દીધી, જે વાર્તાનો અંત જોતા સ્પષ્ટ થાય છે –

ફૂલ ઊઘડે તેમ મારું હ્રદય ખીલતું હતું. ઝરણ વહે તેમ મારી કલ્પનાસૃષ્ટિ રચાયે જતી હતી. કેતકી ડોલે તેમ જીવ ઘૂમરાઇ ડોલતો હતો. તણખલું હાથમાં લઈ એના જમીન પર લીસોટા કરતીવાંકુ વાળી કમાન બનાવતી. ભાંગીને કકડા કરતીઆમ રમત રમે જતી હતી. અને જરા પણ ગભરાટ કે ભય કે શરમ વગર મારા મિત્રની માફક વાત કર્યે જતી હતી. ઘડી ભર અમે બંનેયે શાંતિ પકડી અને એટલામાં જેમ- વાદળામાં વીજળી ચમકે અને બાળકનું દિલ ફડકેવાડીમાં અઘોરઘણ્ટ પ્રવેશે અને જેમ માલતીનો જીવ ઉડી જાય. તેમ એકાએક છાપરીની ઉધાડી બારીમાં મારી પત્નીએ ડોકું કર્યુ. જોતાંજ શરીર થરથર કંપવા માંડયું. એની આંખમાં ગુસ્સાથી પાણી ભરાઇ આવેલું. શું બોલું અને શું બોલું લાગ્યું. એની ગુંચવણમાં પડી. કેટલુંય બોલી નાખું એનો ખ્યાલ પણ એને નહતો. દલીધુતારી ગોવાલણી સાલ્લાંમાં મોં રાખી હસતી હતી. “[6]

નાયક ગોવાલણી સાથેના સંવાદ દ્વારા આનંદ અને તાજગીનો અનુભવ કરે છે, જે કેતકીના ફૂલ દ્વારા દર્શાવ્યું છે. ગોવાલણીના વર્તન દ્વારા નાયકની ભવિષ્યમાં જે કફોડી પરિસ્થિતિ થવાની છે એ ‘તણખલા’ દ્વારા દર્શાવ્યું છે,  જે દલી–ગોવાલણીનું તણખલા દ્વારા જમીન પર લીસોટા પાડવા, વાંકુ કરી કમાન બનાવવું, એના ટૂકડા કરવા વગેરે દ્વારા નાયકની જે હાલત થવાની છે એ દર્શાવ્યું છે. ગોવાલણી જ્યારે નાયક સાથે વાત કરે છે, ત્યારે એ મનમાં ભય કે શરમ નથી અનુભવતી, પણ મિત્ર હોય એમ સ્વસ્થ રીતે વાત કરે છે. થોડી વારની શાંતિ આવનારા તોફાનની આગાહી પૂરવાર થાય છે, જે વાર્તાકારે ‘વીજળી’ અને ‘વાડીમાં અઘોરધણ્ટનો પ્રવેશ’ દ્વારા દર્શાવ્યું છે. નાયકની જે કફોડી સ્થિતિ થવાની છે એને તાદૃશ કરી છે. અહીં નાયક જે ભયનો અનુભવ મનોમન કરતો હતો એ પ્રત્યક્ષ થાય છે એની પત્નીના આગમનથી. નાયક પત્નીને જોતાં જ કાંપવા માંડે છે, એની આંખમાં પાણી ભરાય છે અને એની પત્નીનો ગુસ્સો એના વર્તન દ્વારા સ્પષ્ટ થાય છે. અચાનક પત્નીનું આગમન થયું હોવાના કારણે નાયક આઘાત અનુભવે છે. આઘાત લાગવાના કારણે નાયક કશું જ બોલી નથી શકતો. ગોવાલણી નાયકની આ સ્થિતિનો આનંદ માણે છે, જેમાં એનો વિજય બતાવ્યો છે. વાર્તાન્તે વાર્તાકારે ચિત્રોની જે વાત કરી છે એ સાર્થક થાય છે, પત્નીમાં કાલિકારૂપે, ગોવાલણીમાં જાદુગરણીરૂપે અને નાયકમાં બેવકૂફ, મૂર્ખરૂપે. વાર્તાનાયક કલ્પનાવિશ્વમાંથી જ્યારે વાસ્તવિકવિશ્વમાં આવે છે ત્યારે ઉપહાસને પાત્ર બને છે જે વાર્તામાં આવતા વિધાન ‘ચકડોળે ચઢાવી ગઈ.’ને સાર્થક કરે છે.

આમ, ‘ગોવાલણી’ વાર્તા એનાં વિશિષ્ટ આલેખન–વિષય–વસ્તુ નિરૂપણને કારણે પ્રથમ ગુજરાતી ટૂંકીવાર્તાનું બિરુદ પ્રાપ્ત કરે છે.

 

*

- ઉર્વિકા પટેલ.   

 

આસિસ્ટન્ટ પ્રોફેસર - ગુજરાતી

સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.

rvikapatel21@gmail.com

 

 

[1] પૃ.46, નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, સં. રામચંદ્ર દામોદર શુક્લ, બીજી આવૃત્તિના સં. જયેશ ભોગાયતા

[2] પૃ. 47, ‘મલયાનિલ’, નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, સં. રામચંદ્ર દામોદર શુક્લ, બીજી આવૃત્તિના સં. જયેશ ભોગાયતા

[3]  પૃ. 48, ‘મલયાનિલ’, નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, સં. રામચંદ્ર દામોદર શુક્લ, બીજી આવૃત્તિના સં. જયેશ ભોગાયતા

[4] પૃ. 49, ‘મલયાનિલ’, નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, સં. રામચંદ્ર દામોદર શુક્લ, બીજી આવૃત્તિના સં. જયેશ ભોગાયતા

[5] પૃ.49, ‘મલયાનિલ’, નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, સં. રામચંદ્ર દામોદર શુક્લ, બીજી આવૃત્તિના સં. જયેશ ભોગાયતા

[6] પૃ.52, ‘મલયાનિલ’, નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, સં. રામચંદ્ર દામોદર શુક્લ, બીજી આવૃત્તિના સં. જયેશ ભોગાયતા