યુવાસ્વર: સર્જન-વાર્તા

વાર્તા :

૧૦. લાચાર

- સંકેત શાહ

 

 

ગીતા ભાગી રહી હતી. સવારે સાતને પાંત્રીસની બસ પકડવા આમ તો તેને ભાગવું ના પડે, પણ આજની કંઇક વાત જુદી હતી. સાંજે પાર્ટીમાં સાથે જવા અંગે અશોક સાથે થોડી રકઝક થઇ ગઈ હતી. પણ તે ખુશકિસ્મત હતી કે તે બસ-સ્ટેન્ડે પહોંચી ને જ બસ આવી. તેણે પોતાની બેગ, ત્રીજી સીટ પર બેઠેલા એ જાણીતા ચહેરાને આપી કે જેને તે નીરવના નામે જાણતી હતી. ગીતા બસમાં આવી, નીરવને ‘ગુડ મોર્નિંગ’ કહીને તેની વિન્ડો સીટ પર ગોઠવાઈ ગઈ. પાણી પીવા માટે બેગ ખોલી પણ નિરાશા નીકળી. ‘તરસ લાગી છે?’ નીરવે પૂછ્યું. ગીતાએ મોં હલાવીને હા પાડી. તેના ‘હા’ પાડતા જ નીરવ. પાણી લેવા નીચે ઉતરી ગયો. બારીના બંને સળિયાને અવગણી, ગીતા નીરવને જોવા લાગી…

તે મૂંઝવણમાં હતી કે કાલે દુનિયા તેને પૂછે તો આ સંબંધને તે શું નામ આપશે? અને તે નીરવને તે જાણે છે પણ કેટલું? લગ્ન પછી શહેરમાં આવીને ગીતા જીવવા તો લાગી પણ આખો દિવસ ઘરની એ ચાર દીવાલોમાં તે ઘૂંટાતી હતી. તેથી જ તો ત્રણેક મહિના પહેલા અશોકની પરવાનગી લઈને તે કામ કરવા લાગી. સન્નાટાનાં ઘોંઘાટથી છૂટવા તે ઘોંઘાટમાં આવી તો તેને નીરવ મળ્યો. પોતાનાથી ચાર-પાંચ વર્ષ નાનો અને હજીય અગિયાર-બારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી માત્ર, નીરવ. પણ તેણે તેનાં દિલમાં વ્યાપેલા શુન્યકારને સાવ જ ભરી દીધો હતો. પળે-પળે તેનું ધ્યાન રાખ્યું, અને તેની વાતોને સાંભળી, તેને સાંભળી. પ્રેમને કોઈ બંધન નથી હોતા પણ અહીં તો પ્રેમ જ હતો એવું પણ કેમ કહી શકાય?

હજી ગઈકાલ રાતની જ વાત છે. નીરવને બટાટાપૌંઆ ખુબ ભાવે છે તે જાણ્યા પછી તે રાત્રે તે વિચારોમાં ચડી ગઈ કે કાલે તો પૌંઆ જ બનાવી લઇ જવા, પણ પોતાને નથી ભાવતા, તેનું શું?

 

*                           *                           *

 

તરસના ઘૂંટડા ભરી ગીતાએ નીરવને પૂછ્યું, ‘પૌંઆ ખાઈશ?’ ને નીરવની આંખો ચમકી ઉઠી. ગીતા પાસેથી ડબ્બો લઈને તે પૌંઆ ખાવા લાગ્યો. ગીતાને જેને શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો સંતોષ મળ્યો. બારીની બહાર જોયેલા અને જાણીતા દ્રશ્યો જ તાંડવ કરી રહ્યાં હતા. ત્યારબાદ નીરવ તેણે પાડેલા ફોટા ગીતાને બતાવવા લાગ્યો. કાળને કેદ કરવાની કળામાં તે પ્રવીણ હતો. ગીતાએ તેની આંખોમાં આંખ મિલાવીને પૂછ્યું, ‘પછી પેલા ટેસ્ટમાં પાસ થયો?’ નીરવે નકારમાં ડોકું હલાવ્યું. ઠપકો આપતી હોય તેમ ગીતા બોલી, ‘તો કાજલમાં ઓછુ અને ભણવામાં વધારે ધ્યાન આપને.’ ‘પણ આ ભણવાનું તો ખુબ જ બોરિંગ છે. મારે તો દુનિયા ભમવી છે, અહીં તો કંટાળો આવે છે. જે દિવસે મને તક મળી તો હું બધું છોડીને ચાલ્યો જઈશ.’ ગીતાનાં કાને છેલ્લા ત્રણ શબ્દો ફંગોળાયા… ‘બધું છોડીને ચાલ્યો જઈશ.’ પણ તે જ જાણતી હતી કે બધું છોડી ચાલ્યું જવું કેટલું દુષ્કર છે… તે બધું છોડી શકતી હોત તો આજે સાગર તેને બેવફા ન કહેતો હોત… બેચેન હ્રદયે ગીતા તાંડવ જોવા લાગી.

 

 *                          *                           *

 

ફરી એક અંધકાર પૃથ્વી પર પથરાવવા લાગ્યો હતો. પોતાની ઓફિસેથી છૂટી અશોક ગીતાને પીક કરી ઘર તરફ હંકારી રહ્યો હતો. તેમની વચ્ચેના વૈચારિક અંતરે તેમને પતિ-પત્ની મિટાવીને ડ્રાઈવર અને ગ્રાહક બનાવી દીધા હતા. પાણી પીવા માટે ગીતાએ બોટલ કાઢી અને આંખો ભરાઈ આવી. ‘આવતીકાલે’ અશોકે ગીઅર બદલતા કહ્યું. ‘ઓફિસમાં કામ વધારે છે, તારી રીતે ઘરે આવી જજે.’

આશાઓનો નવો ભંડાર લઈને પૂર્વમાં સુરજ ફરી ડોકાયો. ગીતાની નજર ક્યારનીય તેની જાણીતી બસ પર હતી, પણ સામેનાં રસ્તા પરથી તે આવતી દેખાતી જ ન હતી. તે ક્યારેક નક્કી જ કરી ન શકતી કે, તે આ રીતે આતુરતાથી બસની રાહ જુએ છે કે નીરવની… બસ આવી અને ફરી રોજની જેમ એ ત્રણ નંબરની સીટ પરથી તેની બેગ નીરવે લઇ લીધી. ‘આજે શું લાવ્યા છો?’ નીરવે સીધો પ્રશ્ન કર્યો. ગીતાએ પણ એ જ ત્વરાથી જવાબ આપ્યો, એક સવાલ.’ બંને થોડીવાર માટે ચુપ થઇ ગયાં. ગીતાને તો જો કે આ ચુપ્પીની આદત હતી. તેણે કહ્યું, ‘નીરવ, તું હંમેશા આ ત્રીજા નંબરની સીટ પર જ કેમ બેસે છે?’ એક ઊંડો નિસાસો નાખી નીરવે કહ્યું, ‘કારણ કે આ મારો લકી નંબર છે.’ ગીતા એ હાસ્યથી તેની વાતને સમર્થન આપ્યું. એક હળવા આંચકા સાથે બસ ઉપડી. એવો જ એક હળવો આંચકો કે જે ગીતાને અશોક સાથે લગ્ન કર્યા બાદ એકાદ-બે મહિનામાં મળ્યો હતો. અશોક માટે લગ્ન એ માત્ર જરૂરીયાત હતાં. સાયદ તેને કામચલાઉ કામવાળી કરતા કાયમી પત્ની જોઈતી હતી.

‘શું થયું, કાજલને વાત કરી?’ ગીતાએ પોતાના ‘યંગ બોયફ્રેન્ડ’ને પૂછ્યું. જવાબ નકારમાં મળ્યો. ગીતાએ સલાહ આપતાકહ્યું, ‘તો આજે વાત કરી લે, કોલેજ પછી મુવી લઇ જા અને સારો મુડ જોઈ પ્રપોઝ કરી દે.’ નીરવે મુકસંમતિ આપી. ‘તમારા તો લવ-મેરેજ હશે ને’ નીરવે ગીતની દુઃખતી રગ પકડી. ગીતાએ સામા પવનથી લહેરાતી પોતાની લટને સીધી કરતા કહ્યું, ‘લવ-મેરેજ… હું તે સમયે બધું છોડી ન શકી અને અશોક જોડે કદી લગ્ન જેવું લાગ્યું નહીં.’ નીરવ જવાબ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. સામા પવનોએ ગીતાની સુકી આંખોમાં ઊંઘ ભરી દીધી. તે ક્યારે સુઈ ગઈ અને ક્યારે તેનું માથું નીરવના ખભા પર ઢાળી ગયું તે તેને ખબર જ પડી નહીં. થોડીવાર પછી તે અચાનક જાગી ગઈ, જાણે કોઈ ખરાબ સ્વપ્ન ન જોઈ લીધું હોય. પોતે નીરવના ખભા પર માથું રાખી સુઈ ગઈ હતી તે તેનાં ધ્યાનમાં આવ્યું ત્યારે તે થોડી શરમાઈ ગઈ અને વિખેરાઈ ગયેલા વાળને ઠીક કર્યા. નીરવે તેને કહ્યું, ‘તમારી ઊંઘ બગાડવી મને ઠીક લાગી નહીં, એટલે…’ ‘કંઈ વાંધો નહીં…’ કહીને ગીતા તેના સ્ટેન્ડ પર ઉતરી ગઈ. ત્યારબાદ પોતાને છોડીને ચાલી જતી બસને, નીરવને તે જોઈ રહી. તેને રડવું હતું; પણ તે જાણતી હતી કે પોતે મરજી પ્રમાણે રડવા પણ સ્વતંત્ર નથી.

આખો દિવસ કામમાં ક્યારે હાથમાંથી નીકળી ગયો તે તેને ખબર જ ન પડી. આજે અશોક તો આવવાનો હતો નહીં, તેથી તેણે બસ પકડી, પણ તેમાં જાણીતા ચહેરા હતા નહીં. ઘરે આવીને ફ્રેશ થઈને કોફીનો કપ તૈયાર કરી બાલ્કનીમાં ગોઠવાઈ. ધીરે-ધીરે પણ મક્કમ ગતિએ તેનું જીવન બદલાઈ રહ્યું હતું. કોફીના ઘૂંટ ભરતી તે નીરવ સાથેના પોતાનાં સંબંધોની સમીક્ષા કરતી હતી. બેશક એ સંબંધમાં મેલ ન હતો, પણ જમાનો તેને માન્ય રાખે તેવું કયું નામ આપવું? ‘કાજલ કેવી હશે? તે અગર મારા વિષે જાણે તો કેવી રીતે રીએક્ટ કરશે? શું તે મને અને નીરવને સમજી શકશે?’ ગીતા આ પ્રશ્નો ખુદને પૂછ્યા કરતી હતી. અશોક આવ્યો. આવતાવેંત જ બોલ્યો, ‘નેક્સ્ટ યર યુરોપ જવું છે? ફરવા?’ ગીતા નક્કી ન કરી શકી કે આ અશોક બોલે છે. એ રાત્રે વાતાવરણમાં થોડી ઉષ્મા, થોડી ચેતના આવી.

 

*                           *                           *

 

‘શું કહ્યું કાજલે?’ ગીતાએ ટિફિન ખોલતા પૂછ્યું. નીરવ તો આજે સાતમાં આસમાનમાં વિહરતો હોય એટલો ખુશ હતો. પોતાની ખુશીને જાહેર કરતા બોલ્યો, ‘હા,હા,હા,હા,હા પડી તેણે…’ ‘ટીકીટ’ , ‘ટીકીટ’ કરતો કંડકટર આવ્યો. નીરવે તેની બાજુ મો ફેરવ્યા વિના કહ્યું, ‘બે કાજલ.’ અને પોતાની ભૂલ સમજાતા તે અને ગીતા બંને હસી પડ્યા. ‘આઈ લવ યુ’ નીરવે કહ્યું. ‘શું??’ ગીતા ઝંખવાણી પડી ગઈ. ‘શું બોલે છે તું?’ તેણે ડરથી પૂછ્યું. નીરવે હસીને જવાબ આપ્યો, ‘આપણા સંબંધ એટલો મામુલી નથી. હું તો કાજલે મને શું કહ્યું એ કહું છું.’ ગીતા છોભીલી પડી ગઈ. નીરવે પોતાના ખિસ્સામાં હાથ નાખી કહ્યું, ‘અને હા, મારી માટે તમારા માટે એક ગિફ્ટ છે.’ ‘સાચે?’ ગીતાનો ચહેરો ચમકી ઉઠ્યો. કારણ કે તેને કોઈ ભેટ આપે તેની જિંદગી એટલી ખુબસુરત તો ન હતી જ. ‘આ મુવી ટીકીટ બે જણની છે, લો’ ગીતા નીરવના તેની જીંદગીમાં ખુશી લાવવાના પ્રયત્નોની કદર કરતી હતી, એટલે જ ગીતાને શાયદ તેને નીરવ સાથે લગાવ હતો. ગીતાએ પ્યારથી તે લઈને પોતાના પર્સમાં સાચવીને મૂકી દીધી.

તેની આંખોમાં થોડા આંસુ આવી ગયા હતાં. નીરવે તેને લૂછતાં કહ્યું, ‘વી આર ગુડ ફ્રેન્ડસ. ધ પ્રોબ્લેમ ઈઝ યુ આર મેરીડ.’ અને ગીતા ચુપચાપ બારીની બહાર જોવા લાગી. થોડીવારે સ્વસ્થ થઇને પૂછ્યું, ‘કાજલને ખબર છે, મારા વિશે?’ ‘ના, પણ તેને જરૂર કહીશ.’ નીરવે વિશ્વાસથી કહ્યું.

‘ક્યાં છે તું?’ હું અડધા કલાકથી અહીં તારી રાહ જોઉં છું.’ ગીતાના આવતાવેંત અશોકે ગુસ્સામાં કહ્યું. ‘હા બાબા, કામ થોડું વધારે હતું માટે મોડું થઇ ગયું.’ ગીતાએ વાતને વાળતા કહ્યું. ‘ચલ, જલ્દી બેસ હવે’ અશોકે તોછડાઈથી કહ્યું, ‘અને આ કેવા કપડા પહેર્યા છે તે, ટી-શર્ટ બરાબર પહેર. તું ત્યાં કામ કરવા જાય છે, સમજી…’ અને તે બંને વચ્ચે પછી રકઝક થઇ. સામા પવને ગીતાના વાળ અસ્તવ્યસ્ત કરી દીધા પણ આ પવન એ પેલો પવન ન હતો. ગીતાએ સંભાળીને રાખેલી પેલી બે મુવી ટીકીટ કાઢી અને કંઇક વિચારીને ફેંકી દીધી.

‘જોઈ મુવી? અશોકજી સાથે’ ગીતાના આવતાવેંત નીરવે પૂછ્યું. ‘હા, ખુબ મજા આવી’ પોતાની બધી લાગણીઓ દબાવીને મુશ્કેલીથી ગીતાએ કહ્યું. કદી-કદી જુઠ્ઠું બોલવું એ સત્ય બોલવા કરતા પણ વધુ જરૂરી હોય છે. અને ત્યારબાદ એ દિવસ કશી જ નવાજુની વગર વીતી ગયો.

 

*                           *                           *

 

બસ આવી. પણ ગીતાના આશ્ચર્ય વચ્ચે ત્રીજા નંબરની એ સીટ પર તેની બેગ અને તેના દુઃખ લેવાવાળું કોઈ હતું નહીં. નીરવ આજે નહીં આવ્યો હોય? તે વિચારવા લાગી. ત્રીજા નંબરની એ સીટ ખાલી હતી અને ગીતા ખાલીખમ. કાલે રવિવારની રજા હતી, બની શકે કે તે ગામ ગયો હોય અને તેથી આજે રજા લીધી હોય… ગીતા બધી શક્યતાઓ વિચારતી હતી. બસ ઉપાડવાની તૈયારી હતી કે ત્યાં, બે છોકરા એક બાઈક પર આવ્યા, અને બરાબર ગીતા આગળ આવીને ઉભા રહી ગયા. ‘તમે જ ગીતા મેડમ?’ એમાંના એકે ખરાઈ કરવા પૂછ્યું. ગીતાએ ‘હા’ પડતા એક કાગળ આપીને ચાલ્યા ગયા. તેણે પત્ર ખોલ્યો…

 

 

પ્રિય ગીતા,

સૌપ્રથમ તો હું માફી માંગું છું, કારણ કે શનિવારે રાત્રે જ મને મેઈલ આવ્યો અને મારે રવિવારે જવું પડ્યું. પણ એ જાણીને તમને ખુશી થશે કે મારું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે, હું એકાદ-બે પ્રોડક્શન હાઉસ માટે શો કરવા સાઈન થયો છું. તમારા હાથનો નાસ્તો અને સાથ બંને ખુબ યાદ કરીશ. સાથે જ ઈશ્વરને મારી પ્રાથના છે કે તમને હંમેશા ખુશ રાખે. નસીબમાં લખ્યું હશે, તો ફરી મળીશું. તમારા આ નીરવને ભૂલતા નહીં. અને હા, તે દિવસે મેં જે સેલ્ફી પડી હતી તેને હું રોજ જોઇને મારા મિત્રને અને તેનાથી ય વિશેષને યાદ કરીશ. આપણા સંબંધને કયું નામ આપવું તેની ચિંતા ન કરશો, કારણ કે ઘણી વખત સંબંધોને નામ આપવાથી તેની તીવ્રતા ઘટી જાય છે.

અને હા, શક્ય બને તો પેલી મુવી જોઈ આવજો, તે દિવસે શો કેન્સલ હતો એ કદાચ તમને ખબર નહીં હોય, પણ મને ખબર હતી. જયારે તમે જુઠ્ઠું બોલ્યા ત્યારે તમને એટલે ના કહ્યું, કારણ કે હું તમને શરમમાં મુકવા માંગતો ન હતો. આ પત્ર પણ વાંચીને ફેંકી દેજો, બાકી કદાચ કોઈ મુસીબત બની જશે.

 

 

થોડીવાર તો ગીતા આંખો બંધ કરીને બેસી જ રહી, કદાચ તે જિંદગીની એ ઉત્તમ પળોને યાદ કરતી હશે. પોતાના સંબંધનો આવો અંત તો તેણે કલ્પ્યો પણ નહીં હોય.

આખરે, એક વળાંક આગળ એ પત્રના ટુકડે-ટુકડા કરીને ફેંકી દીધો. પવન એ ટુકડાઓ ને પોતાની સાથે લઇ ગયો. ગીતા તેને દુર થતા જોઈ રહી. એની જોડે જાણે નીરવ પણ દુર થતો હોય તેવું તેને લાગ્યું. પણ એ પત્ર તેના દિલોદિમાગમાંથી ક્યારેય નહિ નીકળે એ સ્પષ્ટ હતું. હવે કોઈ તેની જગ્યા રોકવાવાળું નહિ હોય કે ના કોઈ તેના ‘આવજો’ના જવાબ આપવાવાળું. આશાના મક્કમ સાથ વગર, બસમાં બેઠેલી એ ગીતા ખુબ જ ‘લાચાર’ હતી.

 

- સંકેત શાહ

90, જનકપુરી સોસાયટી, જંબુસર .

જી. ભરૂચ – 392150